તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદ હિન્દ ફોજની ‘બળવાખોર બાળકી’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુભાષબાબુના જન્મદિને તેમને વંદન કરવાનાં કારણો ઘણાં છે, પરંતુ એક સ્ત્રી તરીકે એમના જીવનમાં ઝાંખી કરીએ તો સૌથી પહેલો ચહેરો દેખાય તે કેપ્ટન લક્ષ્મી સેહગલનો. મદ્રાસ મેડિકલ કોલેજની ડોક્ટર લક્ષ્મી કારકિર્દીના વિકાસ માટે સિંગાપોર જાય છે. દલિત છોકરી સાથે રમવા બદલ અને વડીલોના જુનવાણી વિચારોનો વિરોધ કરવા બદલ લક્ષ્મીને બાળપણમાં જ ‘બળવાખોર બાળકી’નું બિરુદ મળી ચૂક્યું હતું. લક્ષ્મીની માએ એક દિવસ એની નજર સામે મોંઘાં ફ્રોક અને વિદેશી વસ્તુઓને બાળી નાખેલી.

સ્વતંત્ર વિચારધારા, મક્કમ મનોબળ અને હિંમતને જોઈને નેતાજીએ લક્ષ્મીને મહિલાઓની ખાસ રેજિમેન્ટનું નેતૃત્વ આપ્યું

આવા અનુભવોનું ભાથું લઈને સિંગાપોર ગયેલાં ડો. લક્ષ્મીની આઝાદ હિન્દ ફોજ અને નેતાજીની મુલાકાત થઈ. નેતાજી સુભાષચંદ્ર બોઝને આજથી એંસી વર્ષ પહેલાં શક્તિસ્વરૂપાનાં દર્શન થયાં. સ્વતંત્ર વિચારધારા, મક્કમ મનોબળ અને હિંમતને જોઈને નેતાજીએ લક્ષ્મીને મહિલાઓની ખાસ રેજિમેન્ટનું નેતૃત્વ આપ્યું. ડો. લક્ષ્મી સ્વામીનાથન ‘રાની ઓફ ઝાંસી રેજિમેન્ટ’ની નેતા કેપ્ટન લક્ષ્મીની નવી ઓળખ સાથે કામ શરૂ કર્યું. એક કટિબદ્ધ ડોક્ટર અને જાંબાઝ સૈનિક લક્ષ્મી જીવનપર્યંત કાર્યરત રહી.


લગભગ અગિયાર મહિના બર્મામાં બંદી બનેલ લક્ષ્મી 1947માં કર્નલ પ્રેમકુમાર સેહગલ સાથે વિવાહ બાદ લાહોરથી કાનપુર આવીને વસ્યાં. ભારત-પાકિસ્તાનના રેફ્યુજીને તબીબી સહાય અને અનાજ જેવી મૂળભૂત જરૂરિયાતોની મદદ માટે ટીમ તૈયાર કરી. સત્તાવનમાં વર્ષે સમાજવાદી પાર્ટીમાં જોડાયાં બાદ લક્ષ્મીની પહેલી પ્રતિક્રિયા હતી ‘ઘરે પરત ફર્યા જેવું લાગે છે.’ 1981માં ‘ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વુમન એસોસિયેશન’ની સ્થાપના થઈ જેના ફાઉન્ડર મેમ્બરમાં ડો. લક્ષ્મી હતાં. આ સંસ્થા થકી કેપ્ટન લક્ષ્મીએ ભારતીય મહિલા સમાજના ઉત્કર્ષ માટે ઘણાં કાર્યો કર્યાં.

 

1984માં ભોપાલ ગેસ દુર્ઘટના બાદ તરત જે મેડિકલ ટીમ લઈને સહાય, ત્યારબાદ ગેસ દુર્ઘટનાની ગર્ભવતી મહિલા પર થતી અસર અંગે પત્ર, ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં થયેલ શીખ વિરોધી ધમાલમાં તટસ્થ સહાય, 1996માં બેંગ્લોરમાં ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધાના વિરોધમાં થયેલ ધરપકડ વગેરે ઘટનાઓ કેપ્ટન લક્ષ્મીનાં જીવનમાં ઉમેરાતી ગઈ. કેપ્ટન લક્ષ્મીએ બાણું વર્ષનું જીવન જીવીને 2002માં કાયમી વિદાય લીધી છતાં આજની સ્ત્રીને પ્રસ્તુત લાગે છે. સેલ્યુટ કેપ્ટન લક્ષ્મી.

અન્ય સમાચારો પણ છે...