તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી જયંતી પછીની ટચૂકડીઓ...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધી જયંતી તો ગઈ... પરંતુ તેમના જન્મનું 150મું વરસ ચાલે છે એમાં જાત જાતની ઉજવણીઓ ચાલુ રહેશે. એવામાં આ પ્રકારની ટચૂકડીઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે...
***


લેંઘા-ઝભ્ભા કાઢવાના છે
માત્ર એક જ વાર પહેરેલા, કડક આર કરેલા, ખાદીના લેંઘા-ઝભ્ભા ઓછા ભાવે વેચવા કાઢવાના છે. બેસણાના પ્રસંગમાં પણ પહેરી શકાય તેવાં સ્વચ્છ-સુઘડ લેંઘા-ઝભ્ભા દરેક સાઈઝમાં વેચાતા મળશે. મળો પાર્ટી ઓફિસની પાછળ.
***


ગાંધી-ફોટા ભાડે મળશે
ગાંધીજીના તમામ સાઇઝના લેમિનેશન, ફ્રેમિંગ કરેલા ફોટા સૂતરની આંટી અથવા સુખડના હાર સાથે ભાડે મળશે. સામટા 150ના ઓર્ડર ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ. મોટા ઓર્ડરનું આગોતરું બુકિંગ કરાવનારને ‘નોન-સ્ટોપ વૈષ્ણવજન’ની ધૂન પેન-ડ્રાઇવમાં ફ્રી.
***


વેશભૂષાનો રેડી ગાંધી-સેટ
ગોળ ફ્રેમના ચશ્માં, બેબી સાઈઝથી એડલ્ટ સાઇઝની પોતડીઓ, હાથમાં ઝાલવાની લાકડી, પગમાં પહેરવાનાં ચંપલ વગેરે સાથેનો કંપલીટ ગાંધી-સેટ વેશભૂષાના પ્રોગ્રામ માટે ભાડેથી મળશે. (નોંધ: બકરી અવેલેબલ નથી. ટકો-મૂંડો જાતે કરાવી લેવો.)
***


રેંટિયા-મોડલ તથા રેંટિયા-ક્લાસિસ
ફોટા પડાવવા માટે કે 30 સેકન્ડનો વીડિયો ઉતારવા માટે અસલ ઓરિજિનલ જેવા રેંટિયા વર્કિંગ કંડિશનમાં ભાડે મળશે. ન્યૂઝ ટેલિકાસ્ટ અથવા જાહેરમાં કાંતી બતાડવા માટે રેંટિયો-કાંતણના ક્લાસિસ ચાલુ છે. રાજકીય નેતાઓ માટે ખાસ ‘હોમ-ટ્યૂશન’ પણ વાજબી ભાવે આપવામાં આવશે.
***


ભવ્ય બાય-બેક સ્કીમ
ખાદી - ભંડારમાંથી ગાંધીજયંતી નિમિત્તે માત્ર દેખાદેખીમાં કે ફક્ત ફોટો-વીડિયો માટે ખાદીની ચાદરો, પરદા, પિલો કવર, પગલૂછણિયાં, સૂતરની આંટીઓ, રેંટિયો કે ફોટોફ્રેમ વગેરેની ખરીદી કરી લીધી હોય અને જો કામમાં ન લેવાના હો તો એ તમામ સામગ્રી 20 ટકા ડિસ્કાઉન્ટની ‘બાય-બેક’ સ્કીમમાં પાછી લઈ લઈશું. મળો ખાદીભંડારના પાછલા બારણે.
(ખાસ નોંધ: રૂપાણી સાહેબને દિલગીરી સાથે જણાવવાનું કે, આ યોજનાનો લાભ તમને મળશે નહીં. તમારા 135 રૂપિયા જે જમા છે તે પણ ‘કેશ-બેક’માં મળશે નહીં કારણ કે ‘દિવ્ય ભાસ્કર’ની રિપોર્ટર રજનીને ખબર પડી જાય તો મુશ્કેલી થાય.)
mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...