હાસ્ય કથા / ‘ડેટિંગ એપ’નો ડખો!

article by mannu shekhchalli

મન્નુ શેખચલ્લી

Feb 10, 2019, 11:44 AM IST

માહિતી નંબર એક: મોબાઇલમાં ‘ટિંડર’, ‘લવલી લવર્સ’ ટાઇપની ડેટિંગ એપ આવે છે. જેના વડે તમે તમારી મનપસંદ વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરીને પછી ક્યાંક રોમેન્ટિક સાંજ ગુજારવા માટે મળી શકો છો.

માહિતી નંબર બે: તમે જેમ્સ બોન્ડની ‘સ્કાયફોલ’ મૂવિ જોઈ છે? એના વિલનનું ડાચું એટલું ખરાબ રીતે છૂંદાઈ ગયું હોય છે કે એણે ચહેરાને સરખો શેપમાં રાખવા માટે નકલી દાંત, નકલી આંખ તથા નકલી હાડકાં મોં વડે પહેરી રાખવાં પડે છે.
હવે આશ્ચર્ય નંબર એક! વિક્ટર વર્મા નામના એક જુવાનને જેમ્સ બોન્ડના વિલન જેવી તકલીફો હોવા છતાં એ છોકરો ‘ટિંડર’ ટાઇપની એપ વડે એક ડઝન જેટલી છોકરીઓને પટાવી ચૂક્યો હતો!
ઓકે, માંડીને વાત કરીએ...

  • મારિયાને પહેલા લાગ્યું કે તે કોઈ હોરર મૂવિ જોઈ રહી છે, પણ બે મિનિટ પછી એને એક જબરદસ્ત આઇડિયા આવ્યો. તેણે વિક્ટર પાસે જઈને કહ્યું...

વિક્ટર વર્મા બિચારો બે વરસ પહેલાં હેન્ડસમ હતો. કોલેજની 117માંથી 107 છોકરીઓ એની ઉપર ફિદા છે એવો એને વહેમ હતો. વિક્ટર વર્મા 107માંથી કમ સે કમ 17 છોકરીઓને પોતાના રેડ બાઇક પાછળ ફેરવી ચૂક્યો હતો. એમાંની 7 જોડે એને સિરિયસ ‘અફેર’ પણ થઈ ગયું હતું. બસ, એ 7માંથી 1ની જોડે સ્ટેડી ‘રિલેશનશિપ’ થઈ જાય એની જ એ રાહ જોતો હતો.

ત્યાં વિક્ટર વર્માના સ્પેરપાર્ટ્સ છૂટા પડી ગયા! બન્યું એવું કે એક એક્સિડેન્ટમાં વિક્ટરની એક આંખ કાણી થઈ ગઈ, નાક છૂંદાઈને અથાણું થઈ ગયું, અડધું જડબું દાંતના ચોકઠા સહિત છૂટું પડી ગયું, થાપાનું હાડકું ફ્રેક્ચર થઈ ગયું અને એક પગને ઘૂંટણથી કાપવો પડ્યો.
એ પછી વિક્ટર છૂટક સ્પેરપાર્ટ્સ વડે જીવતો થઈ ગયો. પગમાં ‘જોધપુર ફૂટ’ પહેરવો પડે, મોંમાં દાંતનું ચોકઠું નાખવું પડે, આંખની બખોલમાં લખોટી જેવી નકલી આંખ ખોસવી પડે અને ‘ઇજ્જત’ જેવું કંઈ છે એવું દેખાડવા માટે પ્લાસ્ટિકનું નાક ચશ્માં જોડે ફિટ કરેલું હોય એવા જાડી ફ્રેમના ઇન્ટેલેક્ચ્યુઅલ લુક ધરાવતાં ચશ્માં પહેરવાં પડતાં હતાં. બિચારા વિક્ટરની આખી રોમેન્ટિક લાઇફ ખતમ જ થઈ ગઈ હોત, પણ એક દિવસ એને મારિયા મળી ગઈ.

મારિયા મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘સ્ટ્રગલર’ હતી. તે એડ. ફિલ્મો, ડોક્યુમેન્ટરીઓ વગેરે જે કામ મળે તે કરી લેતી હતી. એક રાત્રે શૂટિંગ પતાવ્યા પછી તે લેટનાઇટ રેસ્ટોરાંમાં ચિકન-પુલાવ ખાતી હતી ત્યાં એણે દૂરના ટેબલ પર બેઠેલા વિક્ટરને જોયો. એ પણ ચિકન-પુલાવ જ ખાઈ રહ્યો હતો, પરંતુ પોચી ગાદીવાળી ખુરશીમાં એને બેસતાં ફાવતું નહોતું એટલે એણે પોતાનો જોધપુર ફૂટ ઘૂંટણથી દૂર કરીને પલાંઠી મારી દીધી! મારિયા એને જોઈ જ રહી હતી. થોડીવાર પછી એને ચાવવામાં ફાવટ નહોતી આવતી એટલે પેલા પ્લાસ્ટિકના નાક સાથેનાં ચશ્માં ઉતારીને સાઇડ પર મૂકી દીધાં!

મારિયા ડઘાઈ ગઈ. વિક્ટરે પોતાનું ખાવાનું પતાવ્યા પછી દાંતનું ચોકઠું કાઢીને ગરમ પાણીના બાઉલમાં ધોવા માંડ્યું! મારિયાને પહેલા લાગ્યું કે તે કોઈ હોરર મૂવિ જોઈ રહી છે, પણ બે મિનિટ પછી એને એક જબરદસ્ત આઇડિયા આવ્યો. તેણે વિક્ટર પાસે જઈને કહ્યું:
‘હલો જેન્ટલમેન! વૂડ યુ લાઇક ટુ ડેટ વિથ ડઝન્સ ઓફ બ્યૂટીફૂલ ગર્લ્સ? વન બાય વન?’

આ સાંભળીને વિક્ટરની નકલી આંખની લખોટી બહાર નીકળી ગઈ હતી!

મારિયાનો આઇડિયા બ્રિલિયન્ટ હતો. એક MTV ટાઇપની ઓનલાઇન યૂથ ચેનલને યંગસ્ટર્સ માટે રોમેન્ટિક છતાં ડિફરન્ટ ‘રિયાલિટી’ શો જોઈતો હતો. મારિયાનો આઇડિયા એ વેબ-ચેનલમાં ક્લિક થઈ ગયો. પ્લાન મુજબ કામ શરૂ થઈ ગયું.
સૌથી પહેલાં તો વિક્ટરને મોંઘા સૂટ, બ્રાન્ડેડ કપડાં વગેરે પહેરાવીને મર્સિડીઝ, ઓડી, લેમ્બોર્ગિની જેવી કારો સાથે તેના ફોટા પાડવામાં આવ્યા. વિક્ટરનું ‘વિકિ સિંઘાનિયા’ નામનું ફેસબુક એકાઉન્ટ શરૂ થયું. પછી ડેટિંગ એપ દ્વારા વિવિધ છોકરીઓ શોધવાની ચાલુ થઈ.
દરેક છોકરીને વારાફરતી અલગ અલગ રેસ્ટોરાંમાં બોલાવવામાં આવતી. વાતચીત દરમિયાન વિક્ટર પોતે અબજોપતિ છે એવો દેખાડો કરતો. છોકરી બાટલામાં ઊતરી ગઈ છે એવું લાગે કે વિક્ટર તેનો જોધપુર ફૂટ કાઢીને ટેબલ ઉપર મૂકી દેતો! પછી નકલી નાક અને લખોટી જેવી આંખ. છેવટે આખી ખોપડી કોઈ હોરર મૂવિના કેરેક્ટર જેવી થઈ જાય ત્યારે ભેદી અટ્ટહાસ્ય કરીને વિક્ટર પૂછતો ‘ડિયર, ડુ યુ સ્ટીલ લવ મી?’

એક પછી એક છોકરીઅોનાં જે રિએક્શનો આવતાં એ જોવાની જબરદસ્ત મજા પડતી હતી. આ રીતે બે-ત્રણ ડઝન છોકરીઓની મુલાકાત થઈ જાય પછી જ રિઆલિટી શો તરીકે ઓનલાઇન મૂકવાનો પ્લાન હતો.
કટ-બેક ટુ વારતાની શરૂઆત.

વિક્ટર વર્મા આ રીતે ડઝન યુવતીઓ જોડે ડેટિંગ કરી ચૂક્યો હતો. આજે તેરમી છોકરી આવવાની હતી. વિક્ટર એના ફોટા જોઈને જ પાગલ થઈ ગયો હતો. રોઝી ‘બ્લૂ વિઝન’ રેસ્ટોરાંમાં આવતી દેખાઈ! વિક્ટર તેને દૂરથી જોતાં જ બે ધબકારા ચૂકી ગયો. શું હોટ લાગતી હતી! ચળકતું રેડ કલરનું ફ્રન્ટ-બટન ટૂંકું શર્ટ અને બ્લેક કલરની ટૂંકી શોર્ટ! વિક્ટરને થતું હતું કે આની સાથે તો ડાન્સિંગ, કિસિંગ અને એ પછીનું બધું જ થવું જોઈએ. તેલ લેવા ગયા સ્પેરપાર્ટ.
પણ શું થાય? વિક્ટર વર્મા કોન્ટ્રાક્ટથી બંધાયેલો હતો. છૂપા કેમેરાઓ વડે શૂટિંગ શરૂ થઈ ગયું હતું. દૂર બેઠેલી મારિયાએ તેને પગ કાઢવાનું સિગ્નલ આપ્યું. વિક્ટરની જરાય ઇચ્છા નહોતી, છતાં તેણે પોતાની 60 લાખની મર્સિડીઝને કેવી રીતે એક્સિડેન્ટ થયો તેની વારતા કરતાં કરતાં પોતાનો પગ કાઢીને ટેબલ ઉપર મૂકી દીધો! એ જોઈને રોઝીની આંખો પહેલાં પહોળી થઈ ગઈ. પછી ભીની થઈ ગઈ અને છેવટે તો આંખમાંથી આંસુ ટપકવા માંડ્યાં! એ બોલી, ‘વિકી, લેટ મિ ટેલ યુ સમથિંગ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ!’

આમ કહીને તેણે પોતાના ચળકતા ચપોચપ રેડ શર્ટનાં બટન ખોલવા માંડ્યાં! વિક્ટરની તો નકલી આંખ પણ એ નજારો જોવા ઊંચીનીચી થવા લાગી, પણ ત્રીસમી સેકન્ડે વિક્ટરના અસલી હાર્ટમાં અસલી હાર્ટએટેક આવી ગયો!
રોઝીએ શર્ટનાં બટન ખોલીને અંદરથી કડક, છતાં બહારથી પોચા લાગતાં બે ગોળાકારો કાઢીને ટેબલ ઉપર મૂકી દીધા હતા!
mannu41955@gmail.com

X
article by mannu shekhchalli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી