હવામાં ગોળીબાર / દેશભક્તિનાં ગાયનો ક્યાં ગયાં?

તમે કોઈ વખત ભાજપની જાહેરસભામાં ગયા છો? સભા શરૂ થવાના...

મન્નુ શેખચલ્લી | Updated - Feb 06, 2019, 12:40 PM
article by mannu shekhchalli

તમે કોઈ વખત ભાજપની જાહેરસભામાં ગયા છો? સભા શરૂ થવાના એક કલાક પહેલાંથી એ લોકો મોટા અવાજે સ્પીકરમાં દેશભક્તિનાં ગાયનો વગાડતા હોય છે.

એ તો સારી જ વાત છે, પણ બિચારા ભાજપવાળાની મજબૂરી એ છે કે એમણે મોટાભાગનાં ગાયનો ‘નેહરુકાળ’નાં વગાડવાં પડે છે! જેમ કે, ‘એ મેરે વતન કે લોગોં,’ ‘મેરે દેશ કી ધરતી,’ ‘સારે જહાં સે અચ્છા’ વગેરે! બોલો, શરમની વાત ન કહેવાય?
અચ્છા, એ સિવાયનાં જે ફેમસ દેશભક્તિનાં ગાયનો છે એ નરસિંહ રાવ કાળનાં છે. જેમ કે, ‘ભારત હમ કો જાન સે પ્યારા હૈ.’ વચમાં એ લોકો ‘સરફરોશ’ ફિલ્મની કવ્વાલી વગાડતા હતા. ‘મુશ્કિલો મેં હૈ વતન’ પણ એમાં બે પ્રોબ્લેમ થયા. એક તો ગાયનની પહેલી જ લાઇનમાં દેશની હાલત ખુલ્લી પડી જતી હતી અને બીજું, એ ગાયન એક ‘દેશદ્રોહી’ એક્ટરની ફિલ્મનું છે!

  • 70 કે 80ના દાયકા પછી કોઈ દેશભક્તિનાં ગાયનો આવ્યાં જ નથી?

છેવટે બીજું કંઈ ન મળ્યું તો પેલું જૂડવા (જૂનું) ફિલ્મનું જોડકણા જેવું ગાયન વગાડવું પડે છે: ‘ગો ઇસ્ટ ઔર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ.’ (અનુ મલિકના અવાજમાં છે.)

સવાલ એ છે કે યાર, આવું શી રીતે થયું? 70 કે 80ના દાયકા પછી કોઈ દેશભક્તિનાં ગાયનો આવ્યાં જ નથી?

અમારે હિસાબે સૌથી મોટો ફિયાસ્કો 2002માં થયો! એ વર્ષે શહીદ ભગતસિંહના જીવન ઉપરની પાંચ-પાંચ ફિલ્મો આવી છતાં એમાંનું એક પણ ગાયન ‘જોશથી’ ગાઈ શકાય એવું ન નીકળ્યું. અરે! રાજકુમાર સંતોષીએ બનાવેલી ફિલ્મમાં તો એ.આર. રહેમાનનું સંગીત હતું છતાં કોણ જાણે બિચારા અજય દેવગણને શરદીનો કોઠો હોય એમ નાકમાંથી જ ગણગણ કરતું ગાયન ગાતો હતો. આના કરતાં તો છેક 1965માં આવેલી મનોજકુમારવાળી ‘શહીદ’ ફિલ્મનાં ગાયનો હજી યાદગાર છે (એ વતન એ વતન, હમ કો તેરી કસમ, સરફરોશી કી તમન્ના.)
એમ તો જે.પી. દત્તાએ બનાવેલી ‘બોર્ડર’માં પણ મોટો લોચો ગયો. ફિલ્મનાં બે ગાયન હિટ થયાં. જેમાંનું એક ‘સંદેસે આતે હૈં, હમેં તડપાતે હૈં, ઘર કબ આઓગે’માં સૈનિકોની ઘરવાળીઓ/પ્રેમિકાઓ જીવ ખાતી હતી, પાછા ક્યારે આવવાના છો? બીજા ગાયનમાં બિચારો સૈનિક એની ઘરવાળી/પ્રેમિકાથી છૂટીને સત્તર વાર ‘તો ચલુ? તો ચલુ?’ કહેતો કહેતો બોર્ડર પર જઈ રહ્યો છે! ટૂંકમાં, બંને ગાયનોમાં બૈરાંઓ માટેની ઇમોશન જ હાવી થઈ ગયેલી.

હા, છેલ્લે વોર પતે ત્યારે એક ચાન્સ હતો કે ‘હરામખોરો! ઈંટ કા જવાબ પથ્થર સે મિલેગા!’ ટાઇપનું ગાયન આવે, પણ ત્યાં કેવું ગાયન હતું? ‘આખિર યે જંગ ક્યૂં હૈ?’ (અલ્યા ભઈ, તો પછી કોઈ એમ કેમ નથી પૂછતું કે, આખિર યે ફિલ્મ ક્યૂં હૈ.)
એમ તો ‘ગદર એક પ્રેમકથા’માં પણ સોલ્લિડ ચાન્સ હતો કે, ‘અભી તો સિર્ફ પંપ ઉખાડા હૈ, કલ અખ્ખા પાકિસ્તાન ઉખાડ ડાલેંગે!’ અરે! ‘ગાઝી એટેક’માં ચાન્સ હતો કે ‘આસમાન તો ક્યા, સમદર મેં ડૂબ કર ભી તુમ કો ઠોક ડાલેંગે!’ એ જ રીતે ‘બેબી’માં તક હતી કે ‘તુમ યહાં કયા બોમ્બ ફોડોગે? હમ તુમ્હારે શૌચાલય મેં ઘુસકર પિછવાડા ફોડ ડાલેંગે.’ ઇવન ‘રાઝી’ના એન્ડમાં ગાયન હોત કે ‘ઇન્ડિયા કી ઔરતેં ભી કુછ કમ નહીં, ‘બહુ’ બનકર આયેંગી ઔર ‘સાંસ’ છિનકર જાયેગી’

તમને મજાક લાગતી હશે, પણ સિરિયસલી કહેજો, ‘ઉરી’ ફિલ્મમાં છેલ્લે એન્ડ ટાઇટલ્સ વખતે મુઠ્ઠી ઉગામીને ગાવાનું મન થાય એવું ‘હાઉ ઇઝ ધ જોશ!’ ગાયન હોવું જોઈએ કે નહીં?

જો હોત, તો સુરતમાં મોદી સાહેબે જે ટેન્કનું લોકાર્પણ કર્યું એની તોપના નાળચામાં સ્પીકર ફિટ કરીને એ ગાયનને તોપના ગોળાની જેમ દેશદ્રોહીઓનાં મોં ઉપર ફટકારી દીધું હોત ને?

mannu41955@gmail.com

X
article by mannu shekhchalli
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App