તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ધી એન્ડ’ પછી શું થયું?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમુક ફિલ્મો એવી હોય છે કે એની ‘સિકવલ’ નથી આવતી. આવી ફિલ્મો ક્યારેક ટીવીમાં દેખાઇ જાય તો ‘ધી એન્ડ’ આવી ગયા પછી મનમાં વિચાર આવે છે કે યાર, એ ‘પછી’ શું થયુ હશે?  તો, પ્રસ્તુત છે થોડી કલ્પનાઓ....
***


પછી ગબ્બરનું શું થયું?
બે હાથ વિનાના ઠાકુરે પોતાના પગ વડે ગબ્બરના બન્ને હાથ તોડી નાંખ્યા હતા. ઠાકુર એની છાતી ઉપર ભૂસકો મારીને ગબ્બરને પતાવી જ દેવાના હોય છે ત્યાં “ઠહરો... રુક જાવ!” કરતી પોલીસ આવી પહોંચે છે, અને ધી એન્ડ આવી જાય છે.
એ પછી ગબ્બરનું શું થયું? તો સાંભળો...


ગબ્બરના બંન્ને હાથમાં મલ્ટિપલ ફેકચરો થઇ ગયાં હતાં એટલે જેલમાં લઇ જતાં પહેલા એને સરકારી હોસ્પિટલમાં દાખલ કરીને એનું ઓપરેશન કરી, એના બન્ને હાથમાં સળિયા  નાખવા પડેલા.


એ તો બધું બરોબર, પણ એ વખતે સરકારી હોસ્પિટમાં નકલી સળિયા સપ્લાય કરવાનું મોટું કૌભાંડ ચાલતું હતું ! ગબ્બરના હાથમાં જે સળિયા નાંખેલા હતાં તે સમય જતાં સડવા લાગ્યા. અંદર ને અંદર કાટ ચડવા માંડ્યો!
ગબ્બર બિચારો એમ સમજતો હતો કે સાલું મને ધોળે દહાડે પેલા ઠાકુરનાં બિહામણાં સપનાં આવે  છે એટલે જ સાલા બન્ને હાથમાં દુ:ખાવો થાય છે! પણ થાય શું? પોતે તો જેલમાં પડ્યો છે...


આખરે એક દિવસ ગબ્બરને જોરદાર આઇડિયા આવે છે! એ જેલમાં બેઠો બેઠો ઠાકુરને ‘ઓફર’ મોકલાવે છે કે ચલ, હું મારા બન્ને હાથ તને આપી દેવા તૈયાર છું! બોલ જોઇએ છે મારું ‘સ્પેરપાર્ટ’ ટાઇપનું દેહદાન?


ઠાકુરને ઓફર ગમી જાય છે. સાલો જે ગબ્બર મને “યે હાથ મુઝે દે દે... દે...” કરીને જીવ ખાઇ ગયો હતો એના જ હાથ મારા ખભામાં ફિટ થતા હોય તો આનાથી મોટો બદલો શું હોઇ શકે?

એ ‘ડન’ કરી નાંખે છે!


બસ, હવે બિચારા ઠાકુરના હાથમાં સતત કળતર થયા કરે છે! હવે જ્યાં સુધી ‘શોલે- ટુ’ના બને ત્યાં સુધી ઠાકુર શું તોડી લેવાનો હતો!
***


સુલતાનની દિકરીઓ કિંગ ફીશરમાં!
‘સુલતાન’ ની સિક્વલ તો હજી આવી નથી પણ એ ફિલ્મના ‘ધી એન્ડ’ પછી  થયું શું ?
પહેલાં જરા રિવાઇન્ડ મારી લઇઅે. સુલતાનની વાઇફ અનુષ્કા એનાથી રીસાઇને ઘર છોડીને જતી રહેલી. કેમ? કારણકે અનુષ્કા જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે સુલતાન વર્લ્ડ-ફેમસ બનીને કુશ્તીઓ લડવા માટે ફોરેનમાં ફરતો હતો. આ બાજુ અનુષ્કાને બાબો જનમ્યો, પણ એને કોઇ રોગ હોવાથી તે મરી જાય છે. બાબાને ‘ઓ પોઝિટિવ’ લોહીની જરૂર હતી જે એના પપ્પા સલમાન જ આપી શકે એમ હતા. આ કારણે અનુષ્કા રીસાઇને ઘર છોડીને જતી રહી હોય છે.
પછી તો સલમાન અેને મનાવી લે છે અને ધી એન્ડ આવી જાય છે... પણ એ પછી શું થયું છે?
થયું છે એવું કે સલમાન-અનુષ્કાને ત્યાં સળંગ ચાર ચાર છોકરીઓનો જન્મ થાય છે! સલમાનને ‘દંગલ’ ફિલ્મ જરાય નહોતી ગમતી એટલે એ કંઇ એની દીકરીઓને કુશ્તી શીખવાડશે નહિ. અનુષ્કા પણ જાણતી હશે કે દીકરીઓ કુશ્તી કરીને શું કમાશે? (કમાણી તો એમની બાયોપિક બનાવનારા લઇ જશે.)


એટલે અનુષ્કા એની ચારેય દીકરીઓને મોડલિંગ કરતાં શિખવાડશે. છોકરીઓ મોટી થઇ જશે પણ બહુ ફેમસ નહીં થાય... ત્યારે અનુષ્કાને આઇડિયા આપશે કે બેબીઓ પેલા વિજય માલ્યાની ‘કિંગ ફિશર’ કંપનીના કેલેન્ડરમાં બિકીની પહેરીને મોડલિંગ કરે તો કેવું?
પણ વિજય માલ્યા તો જેલમાં છે. (આર્થર રોડવાળી ) કિંગ ફિશરને કોઇ વિદેશી કંપનીઅે ખરીદી લીધી છે. એના ચાર પાર્ટનરો છે. એમાંથી એક ગોરો, એક અફઘાની, એક ચીનો અને એક કાળો છે. હવે આ ચાર છોકરીઓ પેલા ચાર માલિકને પટાવીને કેલેન્ડરમાં સુપર મોડલ શી રીતે બનશે? શું ઘરડો સલમાન એની ચાર દીકરીઓને બિકીનીમાં મોડલિંગ કરતી જોઇને બેસી રહેશે? જુઓ ‘સુલતાન-2’ માં...
***


‘સંજુ’ પર કેસ થશે
ઉપરની બે તો કાલ્પનિક ફિલ્મો છે પણ ‘ સંજુ’ તો રિઅલ સ્ટોરી છે ને?હવે સાંભળો, એમાં ‘ધી એન્ડ’ પછી શું થયું છે...


પેલા અમેરિકામાં રહેતા સંજય દત્તના ગુજરાતી ફ્રેન્ડ કમલેશે ત્યાંથી કોર્ટમાં કેસ ક્યો છે કે મારી થનારી પત્ની અને ખાસમખાસ ગર્લફ્રેન્ડ પિન્કી જોડે સંજુએ ‘ઘપાઘપ’ કરી નાંખેલું જેના લીધે હું માનસિક રીતે ભાંગી પડવાથી આખી જિંદગી લગ્ન કરી  શક્યો નથી. એટલે હવે મને 10 મિલિયન ડોલરનું વળતર જોઇએ છે!

mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...