કૂતરું પાળવું સહેલું નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારસાદે પોરો ખાધો હતો. હું પણ બગીચાના બાંકડે પોરો ખાતો બેઠો હતો. એને આજકાલ મેડિટેશન તરીકે ખપાવવામાં આવે છે. અચાનક બગીચાના ઝાંપે કૂતરાઓનું કૉરસ શરૂ થઈ ગયું. મારા મેડિટેશનમાં ભંગ પડ્યો.
આ કૂતરાંઓને સરકાર સામે વાંધો પડ્યો કે શું? પછી મને યાદ આવ્યું, આ તો ભાદરવો મહિનો - કૂતરાંઓની રોમેન્ટિક સીઝન. હિન્દી ફિલ્મોનાં હીરો-હિરોઇનોના ડ્યુએટ સાથે સ્પર્ધા. અસલની ફિલ્મોમાં ડ્યુએટ એકાંતમાં ગવાતાં પણ હવે એકાંત જેવું રહ્યું છે જ ક્યાં? હવે તો હીરો-હિરોઇન નાચવાનું શરૂ કરે ત્યાં પચાસ-સો છોકરાછોકરીઓ ફૂટી નીકળે છે અને અંગ કસરત શરૂ થઈ જાય છે. ઑલિમ્પિક્સ જોતા હો તેવું.

 

એ વિશે વિશેષ મેડિટેશન કરું તે પહેલાં એક દૃશ્ય તરફ મારું ધ્યાન ખેંચાયું. વરુ જેવો દેખાતો એક આલ્સેશિયન કૂતરો પોતાને ગળે બાંધેલી પટ્ટાવાળી સાંકળથી પોતાના માલિકને પોતાની પાછળ ખેંચી રહ્યો હતો. માલિક આધેડ ઉંમરના હતા. હાઇક્લાસ સફેદ ટીશર્ટ, ઢીંચણ સુધીની સફેદ ફેન્સી ચડ્ડી અને આવા ખાસ પ્રસંગે પહેરવામાં આવતાં સફેદ બૂટ-મોજાં પહેર્યા હતાં. એ પોતે એટલા સફેદ નહોતા. માથાની ટાલ પણ ચોખ્ખી નહોતી, વાસી પિઝા જેવી દેખાતી હતી. ટીશર્ટ નીચે હેલ્મેટ ખોંસી હોય તેવું પેટ ઊપસી આવ્યું હતું. પેટ જોતાં લાગ્યું, બૉસ હજુ આ જાતના સરકસી ખેલથી ટેવાયા નથી. પ્રેક્ટિસ હોત તો પેટ પીગળી ગયું હોત. કાં કૂતરો નવો છે, કાં બૉસ નવા છે. બગીચા માટે બંને નવા હતા. સર્વન્ટ છુટ્ટી પર ગયો હશે અને શેઠાણીએ શેઠને કહ્યું હશે, આજે ટાઇગરને તમે ફેરવી આવો. કૂતરો દેખાવમાં વરુ જેવો હોય પણ નામ પાડવાનું ટાઈગર. વિદેશી નસલના કૂતરાંને અંગ્રેજી નામ વધારે ફીટ થાય. શેઠાણી એને અંગ્રેજીમાં હુકમ આપે કારણ કે વિદેશી કૂતરું ગુજરાતી સમજે નહીં ને ! આમ પણ હાઈ સોસાયટીનાં મા-બાપો એમનાં છોકરાં ઘરમાં પણ અંગ્રેજી જ બોલે એવો આગ્રહ રાખતાં હોય છે. એમનું ચાલે તો સર્વર્સને પણ અંગ્રેજીના કોચિંગ ક્લાસમાં મોકલે.

 

માલિકના પોકારો, બગીચાના સહેલાણીઓની નાસભાગના અવાજો ઉપરાંત ભસાભસના અવાજ સંભળાયા

એ દશ્ય પર હું આગળ મેડિટેશન કરું તે પહેલાં પેલા ટાઈગરે દૂર કંઈ જોયું. એના કાન શિંગડા થયા. માલિકને પૂર્વચેતવણી આપ્યા વગર એક ઘરઘરાટી સાથે છલાંગ મારી, પાછળ ઢસડાઈ રહેલા બોસ આ અણધાર્યા ખેલનું અનુસરણ કરવામાં નિષ્ફળ. સાંકળ પકડી રાખવાના  પરાક્રમી પ્રયાસમાં એ સમતોલપણું ચૂક્ય, ઢસડાયા અને એમનું હેભેટી પેટ એક ખાબોચિયાંમાં ફીટ થઈ ગયું. હાથમાંથી સાંકળ છૂટી ગઈ. છટકેલો કૂતરો કોઇને કરડે તો પોલીસ કેસ થાય અને કોર્ટનાં લફરાં થાય તેની બૉસને ખબર હશે. એટલે શેઠ ખાબોચિયાંની સગવડ છોડી, એમના ડિઝાઇનર ટીશર્ટ અને શોર્ટ્સમાં બૂમો પાડતાં અને યથાશક્તિ ફલાંગો મારતા એ દિશામાં દોડ્યા. બૂમોમાં કૂતરાનું અંગ્રેજી નામ ન સમજાયું. કૂતરાએ શું રંજાડ કર્યો તે કંઈ દેખાયું નહીં. ઝાંપે તો દેશી કૂતરાંઓ આ વિલાયતી બ્રાન્ડને સંબોધીને ભસી રહ્યાં હતાં. એમને માટે તો આ આતંકવાદી હતો. ચોકીદારે એને બગીચામાં જવા દીધો અને દેશીઓ ઉપર દંડો વીંઝયો એ અન્યાય સામે પણ કદાચ આપણાવાળા ઉશ્કેરાયા હશે, એક પાલતુને માન મળે અને ફાલતુઓને દંડા? અન્યાય... અન્યાય. 

 

ઝાંપે જ્યારે આતંકવાદી આંદોલન ઊપડ્યું ત્યારે બગીચાના બીજા છે. માલિકના પોકારો, બગીચાના સહેલાણીઓની નાસભાગના અવાજો ઉપરાંત ભસાભસના અવાજ સંભળાયા. તે ઉપરથી અંદાજ આવ્યો કે ત્યાં પણ કોઈનું પાળેલું ગલુડિયું કાંઉ કાંઉ કરી રહ્યું હતું. એની માલકિન એના પક્ષે ચિચિયારીઓ પાડી રહી હતી ત્યાં હિંમત કરીને કેટલાક લોકો પણ ગલડિયાંનો પક્ષ લઈ વરુ અને તેના ડિઝાઇનર બૉસને વઢી રહ્યા હતા. ધીરે ધીરે મામલો ટાઢો  પડ્યો. પાલતુ કૂતરાંઓના વાક્યુદ્ધમાં હાર-જીતનો પ્રશ્ન હોતો નથી. માલિકો સમાધાન કરી લેતા હોય છે. બૉસ એમના આલ્સેશિયન પાછળ ખેંચાતા નીકળ્યા છે ત્યારે કૂતરો નિરાશ દેખાતો હતો અને બૉસ થોડા વધારે રગદોળાયેલા દેખાતા હતા, ગણેશોત્સવના વરઘોડામાં ગુલાલથી રંગાયા હોય તેવા. છેવટે મેડિટેશન એટલું જ કે કૂતરું પાળવું સહેલું નથી. બાળક કરતાં પણ વધારે લક્ષ એને આપવું પડે છે. કૂતરું આપણી ભાષા સમજે છે. પણ આપણે એની ભાષા સમજતા નથી. મેં કદી કૂતરું પાળ્યું નથી પણ પાળેલાં કૂતરાંઓ સાથે હું ઠીક ઠીક રહ્યો છું. અમેરિકાના એક હાસ્યલેખકનું નિરીક્ષણ છે : કુતરાંના માલિકનો ચહેરો ધીરે ધીરે એનાં પાળેલાં કૂતરાં જેવો થતો જાય છે. એ નિરીક્ષણમાં તથ્ય છે, જ્યારે કૂતરાપ્રેમી કુટુંબ એનાં પાળેલાં કૂતરા સાથે વાતો કરવાના અને રમવાના પ્રયત્નો કરતું હોય છે. 

મારા અનુભવોની કથા ફરી ક્યારેક.
(મૂળ પ્રકાશન તારીખઃ 14 સપ્ટેમ્બર, 2003)

અન્ય સમાચારો પણ છે...