શ્રાવણિયો જુગાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે શ્રાવણ મહિનામાં મુંબઈની સૈર કરવા અને ત્યાંની કોઈ હોટેલમાં ઊતરવા માગતા હો અને હજી સુધી બુકિંગ ન કરાવ્યું હોય તો માંડી વાળજો. પત્તાંપ્રેમી ગુજરાતીઓ મહિનાઓ પહેલાં એમની ફેવરિટ હોટેલોમાં ગ્રુપબુકિંગ કરાવીને બેસી જાય છે. પંજાબીઓ પાનાંનો જુગાર દિવાળીના દિવસોમાં રમે છે એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ દિવસોમાં વધારે રમાય છે. ગુજરાતી શોખીનોમાં પણ બે વર્ગ છે. આખા શ્રાવણ મહિનામાં રમનારાઓ અને જન્માષ્ટમીની રાત્રે (એકાદ-બે દિવસ) રમનારો વર્ગ. હું બીજા વર્ગમાં હતો, જ્યારે હું મુંબઈમાં વસતો ત્યારે. આજે તો બાવાના બગીચાના બાંકડે બેસી એ બધું વાગોળું છું. અમદાવાદમાં ક્યાંય મારું પત્તું ચાલતું. હવે એ ન પોસાય. એક તો શારીરિક તકલીફ, કલાકો સુધી પલાંઠી વાળીને કે લટકતા પગે બેસી રહેવાથી તકલીફ થાય છે અને હવે જુગારમાં પૈસા ગુમાવું એ મને તો ઠીક પણ પત્નીને પણ ગમતું નથી.

 

મુંબઇમાં તો જન્માષ્ટમીની રાત્રે પત્ની પણ પોતાનું કિસ્મત અજમાવતી. અહીં તો બધાનાં બાંધેલાં ગ્રુપ. નવા-સવાને એન્ટ્રી જ ન મળે. ત્યાં તો સામેથી ફોન આવે, આવો, આવો, યાર, ગમે ત્યારે રાત્રે આવો. ભાભીને લઈને આવો. અમે તો આ હોટેલમાં જ છીએ. અરે યાર, ન રમવું હોય તો ન રમતા. બેસજો. મજા આવશે. તમારા જેવા બે-ચાર જણ તો આંટો મારવા આવે જ છે. ડ્રિન્ક તો ચાલતાં જ હોય છે. અમદાવાદમાં ફાર્મહાઉસોમાં રંગત જામતી હોય છે, પણ ‘આવો.... આવો....' કહેનારા ન મળે. કહે તોય રિક્ષામાં ફાર્મહાઉસ સુધી લાંબા થયા પછી પાછા આવવાનો પ્રોબ્લેમ. રિક્ષા મળે તોય ડબલ ભાવમાં પાછા આવતાં ભારે પડી જાય. રમતમાં એટલા રૂપિયા ગુમાવ્યા હોય તો જીવ ન બળે.

 

હા, મુંબઈના એક પરિચિતના ગ્રુપમાં આમંત્રણ મળેલું. ત્યાં ગયેલા પણ ખરા, રમેલા પણ ખરા, ગુમાવેલા પણ ખરા અને ઘર સુધીની લિફ્ટ મળેલી એટલે મજા પણ આવેલી. તે પછી એમનો ફોન આવ્યો જ નહીં. આપણી જોડે ગ્રુપને જાણ્યું નહીં હોય એમ વિચારી મન વાળી દીધેલું. પછી ખબર પડી કે, એ ગ્રુપમાં એક પરિણીતાને પરિણીત મિત્ર સાથે રમતરમતમાં કિસ્સો જામી ગયેલો અને બંને જણ એમના જીવનસાથીઓને પડતાં મૂકીને ભાગી ગયેલાં. શહેરમાં ને શહેરમાં જ, પણ પત્તાં-ગ્રુપ આખું વેરવિખેર થઈ ગયું છે. એ તો એવું ત્યારે. લગ્ન પણ એક જુગાર જ છે ને? અસલ તો સલાહ અપાતી, પડ્યું પાનું નિભાવી લો. એવી પણ એક માન્યતા છે કે જુગારમાં જે લકી હોય છે તે સંસારમાં લકી નથી હોતા. મને એવો અનુભવ નથી.

 

આ વાત રાત-દિવસ કાર્ડક્લબોમાં પડ્યાપાથર્યા રહેતા અઠંગ બંધાણીઓની નથી, આ તો ટાઈમપાસવાળાઓની છે. મુંબઇમાં મારે ટાઇમપાસનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો. દિવસે નોકરી, સાંજે નાટ્યપ્રવૃતિ. પત્તાં ટીચવાનો ટાઈમ જ નહોતો મળતો, પણ વરસમાં બે-ત્રણ વાર નાટકોની ટૂરો યોજાતી ત્યારે ટાઇમપાસનો પ્રોબ્લેમ ઊભો થતો. ખાસ કરીને લાંબી ટૂરમાં. રોજ રાત્રે શો પત્યા પછી ત્રણ પત્તીનું રાવણું થતું. એમાં પ્રોડ્યુસર પણ જોડાય અને મેકઅપ મેન, લાઇટવાળા, મ્યુઝિકવાળા, સેટિંગવાળા, ઉપરાંત બહારગામના અમારા યજમાન પણ હોય. બધાની આર્થિક પરિસ્થિતિ લક્ષમાં રાખીને ‘સ્ટેક' ઓછો રાખવાનો જેથી હાર-જીત સાવ ઓછી થાય. ટૂર ચાલે ત્યાં સુધી ખેલ ચાલ્યા કરે.

 

એક વાર નાટક ભજવવા અમે મુંબઇથી કલકત્તા જઈ રહ્યા હતા. ખાસી લાંબી મુસાફરી. ફર્સ્ટક્લાસમાં અમારી ગોઠવણ હતી. લગભગ અડધો ડબો અમારી પલટણથી ભરેલો હતો. અમે તો સવારથી જ શરૂ થઈ ગયા. અમારી સાથે મુસાફરી કરી રહેલા સંસ્થાના મોવડીએ સૂચના આપેલી દરેક સ્ટેશને તમારી રમત બંધ રાખજો. એ પ્રમાણે ચાલતું રહ્યું. ફર્સ્ટક્લાસના નાના ખાનામાં આખી ટીમ તો માય નહીં. એક ખાનામાં અમે છ-એક જણ ચાદર પાથરી જામી પડેલા. તેમાં એક બાજીમાં બે ખમતીધર ખેલાડી સામસામી ટકરાયા. બંને પાસે સ્ટ્રોંગ બાજી હશે. બંનેમાંથી એકે ય મચક આપવા તૈયાર નહીં. પટમાં નોટોનો ઢગલો વધતો ગયો. ઉત્તેજનામાં ક્યારે સ્ટેશન આવ્યું તેની ખબર ન પડી. ગેમ ચાલુ રહી. અચાનક એક રેલવે હવાલદાર અમારા ખાનામાં દાખલ થયો. હજી તો અમે આઘાતમાંથી બહાર આવીએ તે પહેલાં એણે નીચા વળી પટમાં પડેલો રૂપિયાની નોટોનો ઢગલો મુઠ્ઠીમાં ભરીને ઉઠાવી લીધો.

 

 મુંબઈ પહોંચ્યા પછી થોડા દિવસે ખબર પડી કે, એ ફક્ત કલાકાર નહોતો, જબરો કારીગર હતો. પત્તાંનાં જાદુથી લોકોને નવડાવવા માટે જાણીતો હતો. અમારી પારસી હિરોઈન પૈસૈટકે ખાસી સદ્ધર

પેલા બે ખમતીધર ગંભીરતા વીસરીને હવાલદારને ચોંટ્યા, પછી તો આખા ડબ્બામાં હોહા. બાજુના ખાનામાંથી મોવડી દોડી આવ્યા. એમણે રાડ પાડી. ‘લઈ જવા દો એને, લઈ જવા દો. ગધેડાઓ, અહીં બધાને પકડીને ઉતારી મૂકશે તો કલકત્તાવાળા આપણા નામનાં છાજિયાં લેશે અને મુંબઇનાં છાપાંવાળા આપણાં નામનાં હેડિંગ મારશે.' હવાલદારને જેકપોટ લાગી ગયો. પછી તો મોવડીએ હુકમ કર્યો, ‘નો તીનપત્તી ઈન ધ

ટ્રેન.’ અમારો તો નાટક ભજવવાનો મૂડ પણ : આઉટ થઈ ગયેલો. આવી રમતમાં મનુષ્યસ્વભાવની ખાસિયતો જોવા મળે. રીઢા ખેલાડી એમના ચહેરા પરથી કળાવા ન દે, એમના હાથમાં કેવી બાજી છે. તો અણઘડ ખેલાડી સારાં પત્તાં આવે તો વ્હીસલો વગાડવા માંડે, ખરાબ બાજી આવે તો ડચકારા બોલાવવા માડે, આમાં શુકન-અપશુકનવાળા પણ હોય. આ સાલી જગા જ અપશુકનિયાળ છે, ભાઈ, જગા બદલો’, ‘આ પત્તાંની કેટ બદલો, સાલી, એક પણ બાજી આવતી નથી, સૂપડાં સાફ થઈ ગયાં છે. પીવાની પણ મજા આવતી નથી.’ કોઈ હારી રહેલો ખેલાડી હારનો ફટકો વસૂલ કરવા વધારે ઢીંચવા માંડે. કોઈ પોતાની બાજુમાં બેઠેલી પત્નીને ઉઠાડી મૂકે, ‘તું આઘી જા, તારે લીધે મને પત્તાં ખરાબ આવે છે.’ પતિને હારતો જોઈને પત્નીની કચકચ વધી જાય. 

 

અમારી એક ટૂરમાં તો એક કલાકાર એવો આવેલો, બધાને એણે ધોઈ નાખેલા. મુંબઈ પહોંચ્યા પછી થોડા દિવસે ખબર પડી કે, એ ફક્ત કલાકાર નહોતો, જબરો કારીગર હતો. પત્તાંનાં જાદુથી લોકોને નવડાવવા માટે જાણીતો હતો. અમારી પારસી હિરોઈન પૈસૈટકે ખાસી સદ્ધર. ટ્રેનમાં ટાઈમપાસ માટે રમતના રાવણામાં જોડાય. પાવલી-આઠ આનાના દાવમાં એ જો પાંચેક રૂપિયા હારે તો કાળો કકળાટ કરી મૂકે. એનો કકળાટ બંધ કરવા નાટક પ્રોડ્યુસર જાણી જોઇને હારતા. એક કરોડપતિ ભારે હોંશીલા. પત્તાંપાર્ટીમાં ભોજન ફાઇવસ્ટાર હોટેલમાંથી મગાવે. પીવામાં ઊંચી જાતનો સ્કૉચ હોય. મહેમાનોમાં પણ એમના ફેવરિટ લેખકો, કલાકારો, વીઆઈપીઓ હોય. પંદર-વીસ હજાર તો દિલથી ખર્ચી નાખે, પણ રમવા બેસે ત્યારે નાનું નાનું રમે. હારવા માંડે એટલે પાર્ટીની તૈયારીને બહાને વચ્ચેવચ્ચે ઊભા થઈ જાય. ખર્ચા કરવામાં ઉદાર, પણ એમને હારવું ન ગમે. એમના વર્તન પરથી ખબર પડી જાય.  હારવું કોને ગમે? મને પણ નથી ગમતું, પણ મારા અહમ્ ખાતર હું દેખાવા ન દઉં. મારી જાતને ચોપડાવું, હારવું ગમતું નથી તો જખ મારવા રમે છે.  હવે તો જુગારનો વ્યાપ એટલો વિસ્તર્યો છે

કે, આ પત્તાંના જુગાર સાવ ફીસા લાગે. હર્ષદ મહેતા, કેતન પારેખ, ભરત શાહ અને છેલ્લે આપણો રાણા. આ જે યાદ આવ્યા તે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તો નકરું જુગારનું જ બજાર. રાજકારણમાં ચૂંટણીઓ એટલે સટ્ટો. હવે તો ધર્મના ક્ષેત્રે પણ જુગટાં ખેલાય છે. આ બધું જોયા પછી એટલું તો કહું કે પાનાંનો જુગાર પ્રમાણમાં ઘણો સ્વચ્છ છે. હું તો નાટકોમાંથી નિવૃત્ત થયો તેમ તીનપત્તીમાંથી પણ સ્વેચ્છાએ નિવૃત્ત થઈ ગયો છે. જીવનમાં દરેક શોખનો એક સમય હોય છે. બગીચાને બાંકડે બેસી જીવન પસાર થતું જોવાનો પણ એક સમય હોય છે.

(મૂળ પ્રકાશન તારીખઃ 27 જુલાઇ 2003)

અન્ય સમાચારો પણ છે...