વાંદરાઓ આપણા વડવાઓ હતા. ખરેખર?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક સાંજે અમારા બગીચા ઉપર વાંદરા ત્રાટક્યા. પછી તો બસ આંતક... આતંક. અમદાવાદના વાંદરાઓની રણનીતિ આતંકવાદીઓ જેવી છે. અણધાર્યા ત્રાટકે છે. હરદ્વારના વાંદરાઓનો પણ મને પરિચય છે. એમ જ સમજો કે અમે હરદ્વારના અતિથિગૃહમાં સાથે રહ્યા છીએ. પણ ત્યાં એ નિયમિત વિઝિટે આવતા. સંચાલકોએ યાત્રાળુઓને સાવધાન રાખવા માટે ચેતવણી લખેલું પાટિયું મારી રાખેલું તેમ છતાં કોઈ ને કોઈ યાત્રાળુના ઓરડાની બારી ખુલ્લી રહી જતી અને વાંદરાઓને જલસો થઈ જતો. એક વાર અતિથિગૃહના છેક ઉપરના માળે બંધ ઑફિસમાં ઘૂસી ગયેલા. ત્યાં તેમને મબલક પસ્તી મળી ગઈ. તેના કાગળો ફાડવાની એમને મજા આવી. કાગળો ફાડી ફાડીને ચોકમાં ફેંકવા માંડ્યા. ચોકમાં ઉતરાણ જેવું દશ્ય રચાયું. વાંદરાની આ વિશિષ્ટતા છે. ક્યાંક ઘૂસ્યા હોય અને એમને ખોરાક ન થળે તો ચાલ્યા ન જાય પણ એ સ્થળે કોઈ રમત ખોળી કાઢે. અરીસા સામે ચેનચાળા કરે. પોતાના જ ચેનચાળાથી ખીજાઈને અરીસામાં બેઠેલા વાનર સાથે મારામારી કરે. અરીસાનું જે થવાનું હોય તે થાય. બંધ ટી.વી.ના સ્ક્રીનમાં પ્રતિબિંબ દેખાય તો ટી.વી.નું પણ આવી બને. વાસણોની ફેંકાફેંક કરે. તેમાં ય જો કાચનાં વાસણો તૂટવાના ખણખણાટથી એ ગેલમાં આવી જાય. બીજાં કોઈ પ્રાણી આટલો આનંદ કરતાં નથી. 

 

આપણાં તીર્થસ્થાનોમાં તો એમને આવકાર મળે છે. ત્યાં તો એ નિર્ભય બની ગયા હોય છે. અમે લક્ષ્મણઝુલા પાસે મસાલેદાર બાફેલા ચણા અને બટાકા ખાતાં રસ્તા ઉપર ઊભા હતા તો વાનરટોળી અમારા હાથમાંથી પડિયા ઝૂંટવી ગયેલી. માત્ર ખોરાક જ ઉપાડી જાય એવું નહીં. એને કુતુહલ જાગે એવી કોઈ પણ ચીજ ઉપાડી જાય. મારા સ્વર્ગસ્થ પિતાએ એમનો અનુભવ કહેલો. અમદાવાદમાં સાંકડીશેરીમાં એ રહેતા હતા. તાજા તાજા પરણેલા. લગ્નમાં એમને સાસરેથી ઘડિયાળ મળેલું. એમની સ્થિતિ સાધારણ એટલે એમને માટે એ અમૂલ્ય સંભારણું હતું. નજર સામે જ રહે તે માટે એ ટેબલ પર મૂકી રાખતા. એક દિવસ એક વાંદરું એમની નજર સામે જ એ ઘડિયાળ ઉપાડી ગયું અને છલાંગો મારતું પીપળાના ઝાડ પર પહોંચી ગયું. અમારી ખડકીનો એ પીપળો વાનરસૃષ્ટિનું એક જંક્શન હતું. એના ઉપર ટોળકીઓની અવરજવર આખો દિવસ ચાલુ જ રહેતી. પીપળો તો હજુ પણ છે. વાનરટોળીઓ અવરજવર કરે છે કે નહીં તેની ખબર નથી. 

 
પિતાશ્રી દોડતા પીપળા પાસે પહોંચ્યા. વાંદરું એમનું ઘડિયાળ ઘડીકમાં કાને ચોંટાડે તો ઘડીકમાં ટગર ટગર જુએ. એ જોવા કે ટક ટકનો અવાજ ક્યાંથી આવે છે. પિતાશ્રી મૂંઝાઈ ગયા. આ સાલું બંદર ઉપરથી ઘડિયાળ ગમે ત્યાં ફેંકશે તો નહીંને! પાડોશી એકઠા થયા. એક પાડોશી દોડીને ઘરમાંથી કેળાંની લુમ લઈ આવ્યા. એક કેળું વાંદરા સામે ધર્યું. કેળું વાંદરાની નબળાઈ છે. એ તરત નીચે આવ્યું. જેવું એણે કેળું ખૂંચવ્યું તેની સાથે પાડોશીકાકાએ એના પંજામાંથી ઘડિયાળ ખૂંચવી લીધું. પણ બધા માણસો મારા પિતા જેવા સદભાગી હોતા નથી. નેહરુજીના સમયમાં કોંગ્રેસનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે સફેદ ટોપી કોંગ્રેસનું પ્રતીક બની ગઈ હતી. કોંગ્રેસીઓ તો ઠીક પાવલીમાં મળતી સફેદ ટોપી જનતામાં છવાઈ ગઈ હતી. સફેદ ટોપીનો બહોળો ઉપાડ હતો. એક વેપારી સફેદ ટોપીનો ગાંસડો ભરી ગામડે ગામડે ફેરી કરતો હતો.  એક વાર એ થાક ઉતારવા એક ઝાડને છાંયડે સૂઈ ગયો. ઝાડ પર બેઠેલા વાંદરાઓએ એને માથે ટોપી જોયેલી એટલે ટોળકી ચૂપચાપ નીચે ઊતરી આવી અને ગાંસડીમાંથી ટોપીઓ કાઢી પાછી ઝાડ પર ચઢી ગઈ. વેપારી જાગ્યો. જુએ છે તો ગાંસડો ખાલી. એ ચકભમ થઈ ગયો એની હાલત જોઈને ટોળીએ ઝીરો જાતજાતના અવાજો કરી એનો ઉપહાસ કર્યો. વેપારીએ ઉપર જોય તો દરેક વાંદરાના માથા પર સફેદ ટોપી જોઈ. હવે? કેળાં ખોળવા ક્યાં જાય? વેપારીને એટલું સામાન્ય જ્ઞાન હતું, વાંદરાની જાત નકલખોર હોય છે. એણે પોતાની ટોપી ઉતારી ભોંય પર ફેંકી એવી ગણતરીથી કે વાંદરા એની નકલ કરશે અને ટપોટપ ટોપીઓ ફેંકશે. પણ જેણે માથે સફેદ ટોપી ચઢાવી હોય તે સહેલાઇથી ફસાય ખરો? એક વાંદરો નીચે આવ્યો અને વેપારીએ ફેંકેલી ટોપી પણ ઉઠાવી ગયો.

 

વાંદરાએ વાઘની બીક હતી નહીં એટલે એ તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. પણ નીચે વાઘ બેઠો હોય તો માણસને ક્યાંથી ઊંઘ આવે. મધરાત થઈ

આપણા વડવાઓ સાવ મૂરખ ન હતા. બલકે એ આપણા કરતાં શાણા હતા એવું લાગતું જાય છે. હજી થોડા દિવસ પહેલાં મુંબઈ મહાનગરપાલિકામાં અનધિકૃત ઝુંપડપટ્ટીને લગતા એક ઠરાવ બાબતમાં નગરસેવકોએ ગાળાગાળી, મારામારી, માઇક-પેપરવેટ વગેરેની ફેંકાફેંકી કરી. આપણે માટે આ દૃશ્યો નવાં નથી. પંચાયતોથી માંડીને પાર્લામેન્ટ સુધીનાં દશ્યો આપણે જોયેલાં છે. અમુક રાજ્યોમાં તો વિરોધીઓને ખતમ કરવામાં આવે છે.

વાનરોની ટોળકીઓ ટકરાય છે પણ છેક આવાં કાળાં કામ કરતાં નથી. હકીકતમાં હનુમાનજીના વંશજો અસલી રામભક્તો છે. તોડફોડ કરે છે, અટકચાળાં કરે છે, એકાદ વળી હડકાયું થાય તો આવતાં જતાં માણસોને બચકાં ભરે છે પણ પોતાની ટોળકીને વફાદાર રહે છે. એક ન્યાયાધીશ લોહીનો વેપાર કરતા પકડાયો. વાનર માટે તમે કલ્પી શકો છો? એક જાણીતી વાર્તા યાદ આવે છે.

 

જંગલમાં એક માણસની પાછળ વાઘ પડ્યો. દોડી દોડીને માણસ કેટલું દોડે! એ એક ઝાડ પર ચઢી ગયો. વાઘ ઝાડ પર ચઢી ન શકે. ઝાડ પર બેઠેલા એક વાંદરાને એણે કહ્યું :

‘વાંદરાભાઈ, પેલા માણસને નીચે ફેંકો એ તમારા કશા કામનો નથી પણ મારો ખોરાક છે.’

‘તે હશે, વાઘભાઈ, પણ અત્યારે મારે શરણે આવ્યો છે, મારો મહેમાન છે. તમે બીજા કોઈને ખોળી લો.’ વાંદરાએ જવાબ આપ્યો. 

‘ઠીક છે. જોઉં છું એ કેટલો વખત ઝાડ ઉપર બેસી રહે છે. હું બેઠો છું.’

 

વાંદરાએ વાઘની બીક હતી નહીં એટલે એ તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. પણ નીચે વાઘ બેઠો હોય તો માણસને ક્યાંથી ઊંઘ આવે. મધરાત થઈ. વાઘે પોતાની ઑફર બદલી. એણે માણસને કહ્યું : ‘પેલા વાંદરાને ધક્કો માર. એ મારા પંજામાં આવશે તો હું તને જીવતો જવા દઈશ.’ એથી રૂડું શું? માણસ લલચાયો.

એણે જોરથી પેલા ઊંઘતા વાંદરાને ધક્કો માર્યો પણ એમ વાંદરો થોડો ભોંય પર જઈને પડે? એણે તો પડતાં પડતાં એક ડાળ પકડી. ઝોલો ખાઇને એ તો પાછો પોતાની ડાળ પર આવ્યો.

‘નાલાયક, મેં તને વાઘથી બચાવ્યો, આશરો આપ્યો અને તે જ મને ધક્કો માર્યો! હવે તો મારે તને નીચે ફેંકવો જ પડશે.'

માણસ વાંદરાને પગે પડી ગયો. રોકકળ કરી મૂકી.

‘મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. મારાં બૈરી-છોકરાંની ચિંતામાં હું ભાન ભૂલ્યો. તમારી ગાય છું...’

માણસે બહુ કકળાટ કર્યો ત્યારે વાંદરો પીગળ્યો. એક જ શરતે તને જીવતો રહેવા દઉં.’

તમારી બધી જ શરતો મંજૂર છે. મારા પર દયા કરો.’

'તો વચન આપ કે તું કે તારા વંશ-વારસ કદી એવું નહીં કહો કે છે વાનરો તમારા વડવાઓ હતા.’

‘કબૂલ.' 

ગુજરાતનાં રમખાણો જોનાર વાંદરાઓને આવા જ વિચાર આવ્યા હશે ને! આવો રંજાડ એ કરતા નથી. એમને આપણા વડવાઓ કહીને શરમમાં ન નાખવા જોઈએ.
(મૂળ પ્રકાશન તારીખઃ 13 જુલાઇ 2003)

અન્ય સમાચારો પણ છે...