હયાતીના હસ્તાક્ષર-6

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિરંજન ભગત આપણા મૂર્ધન્ય અને અસામાન્ય કવિ છે. ગુજરાતી કવિતામાં કોઈએ સાચા અર્થમાં નગરકવિતા આપી હોય તો તે નિરંજન ભગતે. એમના કાવ્યસંગ્રહનું નામ 'છંદોલય' સૂચક છે. છંદ અને લય દ્વારા કવિતાને એ સાર્થક કરી શકે છે. એમની કવિતામાં ક્યાંય લઘરાપણું નહીં દેખાય. કાવ્ય કે કાવ્યસંગ્રહ-કાવ્યસંગ્રહમાં કાવ્યની ગોઠવણી પણ એ પ્રકારની શિસ્તતાથી સજ્જ છે. વ્યક્તિ નિરંજન કે કવિ નિરંજન ક્યારેય સુસ્ત નથી. સુઘડતા અને સ્વચ્છતા એમના વ્યક્તિત્વમાં અને કવિતાના સ્વત્વમાં દેખાય છે. છંદનું ગણિત સાચવીને છંદને બોલાતી ભાષાના લય-લહેકાઓ વળાંકો આપી શકે છે. અક્ષરમેળ છંદ હોય કે માત્રામેળ. ગતિને પણ એ પ્રાસના સશક્ત કાંઠા વચ્ચે સ્વાભાવિક રીતે વહેતી કરી શકે છે. કવિતા ધ્વનિની કળા હોવા છતાંયે એમની કવિતાને એક વિઝયુઅલ શેપ આપી શકે છે. ઓછું લખે છે એ એમનો અવગુણ નથી. કલા અને કસબ એમના લોહીમાં છે, જે એમની શાહીમાં ઊતરી આવે છે. આપણા અભ્યાસી કવિ છે. પુષ્કળ વાંચે છે. અઢળક વાતો કરી શકે છે. તમારા કાનનાં કમાડ ખુલ્લાં હોય તો તમે એમની વાતોમાંથી પણ મબલખ ખજાનો મેળવી શકો. વિશ્વનું સાહિત્ય એમના કેન્દ્રમાં છે, પણ એમનું લખાણ અનેક સંસ્કારોથી સમૃદ્ધ હોવા છતાં પણ ઊપસી આવે છે એમની નરી મૌલિકતા. “છંદોલય” પ્રગટ્યો એ ગુજરાતી કવિતાની ધન્ય ક્ષણ છે. , નિરંજન ભગતે પાત્રો નામનું એક દીર્ઘ કાવ્ય લખ્યું છે. એમાં પાત્રો છે ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા, પતિયો અને કવિ. આ બધાં જ પાત્રોનાં જીવનમાં અવાક વ્યથા છે. આ વ્યથાનેવાચા આપે છે મધરાતના એકાંતમાં કવિ પોતે.

 

કવિ પણ માણસ છે. એ જીરવી જીરવીને કેટલાની વેદના જીરવી શકે. એટલે જ કાવ્ય જાણે કે એક ચીસથી શરૂ થાય છે ...બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. પણ પાત્રો એમની વ્યથા સાથે આવ્યાં છે. એમની વ્યથાને વાચા આપે એવા કોઈ કવિની તલાશમાં આવ્યાં છે. આમાં કોઈ જયંત નથી, શિરીષ નથી, લોપા નથી, ગોપા નથી, કોઈને નામ નથી. નનામીની જેમ રહેતાં અનામી પાત્રો છે. એમની પાસે જીવન છે, પણ જીવનનો આનંદ નથી. મરણ છે, પણ મરણની શાંતિ નથી. એમનો ભૂતકાળ વાંઝિયો છે, વર્તમાન નિર્જીવ છે અને ભવિષ્ય ભેંકાર છે. શાપિત આત્માઓ છે. કોઈના જીવનમાં પરિવર્તન આવતું નથી. માણસ હોવાની એમને વેદના પાડે છે. મરવા વાંકે જીવે છે. બધાં જ ક્રૂર નિયતિના પાશમાં છે. ભીંતને ટેકે વરસોથી ઊભેલો ફેરિયો. ભીંતના જીવનમાં પરિવર્તન આવે છે. એને તો ચૂનાની ચમક પણ મળે છે. ભીંત ફરી પાછી નવીનકોર થાય છે અને વરસો વહેતાં જાય તેમ ફેરિયાના ચહેરા પર કરચલીઓ પડતી જાય છે. માણસ થઈને એણે કહેવું પડે છે : 

અરે, આ ભીત પર ઝાડ ચૈને શીદને તે ના ઝૂક્યો? સાતે વસંતો વહી ગઈને ફૂલ હું આ નાહક ચૂક્યો!

 

છૂરી સમી ભોંકાય ના! મધરાતના એકાંતમાં કવિ કહે છેઃ પતિયો, વેશ્યા, ભિખારી, આંધળો અને ફેરિયો. કહો, કેમ લાગે છે મને સૌ આજનમના વેરીઓ?

ફેરિયા પછીનું પાત્ર તે આંધળો. એ પોતાના મનમાં વિચાર કર્યા કરે છે કે હું આંધળો કેમ થઈ ગયો? કહેવાય છે કે માતાના ગર્ભમાં ઘર અને ઘેરો અંધકાર છે. એને એક ક્ષણ એમ લાગે છે કે એ ગર્ભમાં જ છે. જન્મ્યો જ નથી. જગતનું રૂપ જોવા એને મળ્યું નથી અને આંધળાની ઉક્તિમાં જે કરુણતમ પંક્તિઓ છે તે આ છે : મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં તે આવવાની લ્હાયમાં ને લ્હાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં! ગણપતિએ જેમ પાર્વતીની પ્રદક્ષિણા કરી'તી એમ આ કાવ્યની પ્રદક્ષિણા ફરુ છું- સમગ્ર કાવ્યની પૃથ્વીને બદલે. પછીનું પાત્ર તે ભિખારી. ખરેખર તો ભીખ કોણ માગે છે? ભિખારી કે ભિખારીનો હાથ ઘડનાર ખુદ ઈશ્વર? કહે છે “આ વણહસ્ય ગુજરી ગઈ છે જિંદગી.' વીતી નથી ગઈ, ગુજરી ગઈ છે. એક ક્ષણ શ્લેષને આશ્લેષમાં લે છે. નિરંજનની કવિતામાં એક બાજુ પાત્રોની લાચારી છે તો બીજી બાજુ ઇશ્વર પ્રત્યેનો પુણ્યપ્રકોપ છે. જો ઈશ્વર પૂર્ણ હોય તો આ બધાં અપૂર્ણ કેમ? ઈશ્વરનું સર્જન આટલું બધું અધૂરું જીવન છે પણ કશું જીવંત નથી. જો કંઈ જીવંત હોય તો તે આ કાવ્ય છે. ભિખારી પછી વેશ્યા. કોઈ નામ વગરની સ્ત્રી. અહીં પણ નનામીનો શ્લેષ છે. દેહ છે, પણ પછી એના પર છેકો છે. બધી ઉપરની સુગંધો છે. લાગણીને નામે લટકા છે. સમજ વિનાના આ સમાજનું કરુણ પાત્ર તે આ વેશ્યા. ઈશ્વર કરતાં કવિ વધુ કરુણામય છે. આપણે આવી સ્ત્રીઓને સમાજની બારીની બહાર કાગળનો ડૂચો કરીને ફેંકી દીધી છે. પછી પતિયો આવે છે. કોઈ જોતું નથી. એના શબ્દોની આસપાસ રોગિયાનો શ્વાસ છે. સારું છે કે દવા હઠીલી છે એટલે એ પતિયાની અવહેલના નથી કરતી. એને કારણે એ જીવી રહ્યો છે. કહે છે, “કોહી ગયું છે પોત કાયાનું છતાં મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો.'

 

દરેક દુ:ખી માણસને બીજો માણસ સુખી લાગે. નસીબની દીવાલને અઢેલીને, થીર થઈને થીજી ગયેલો ફેરિયો આંધળાને જોઈને વિચારે છે કે આ આંધળો છે, છતાં ફરી તો શકે છે. આંધળો, ભિખારીની ઈર્ષા કરે છે અને આંધળો છે છતાંયે ભિખારીની નજર અને હથેળીને જોઈ શકે છે. વેશ્યાને જોઈને ભિખારી કહે છે : અરે, આ દેહ પર છે કેટલી દોલત. દસમા ભાગની મારી કને જો હોતને તો આ આમ ના બોલત, પતિયાને જોઇને વેશ્યા કહે છે :

અહો, શી ખુશનસીબી! કોઇની યે આંખ જ્યાં રોકાય ના
છૂરી સમી ભોંકાય ના! મધરાતના એકાંતમાં કવિ કહે છેઃ પતિયો, વેશ્યા, ભિખારી, આંધળો અને ફેરિયો. કહો, કેમ લાગે છે મને સૌ આજનમના વેરીઓ?” 
નિરંજન ભગત મારા પ્રિય કવિ છે એટલે આ કાવ્ય: 

મને ગમે નિરંજન ભગત!

જળ જેવા એ નિર્મળ, કોમળઃ પથ્થર જેવા સખત.
એક આંખમાં છંદ છલકતો, બીજી આંખમાં લય. ત્રીજી આંખમાં પ્રલય પ્રલય, ને મુગ્ધ મનોમય વય. વક્તાની શી પરિપકવતા: કે સમયનું પ્રકટે સતા
જરાક છેડો તાર ને ઊઘડે, ગ્રંથાલયનાં દ્વાર. ઠાકોર કે ટાગોર કે એલિયટઃ વાત તણો નહીં
પાર. છંદોલયનું નકશીકામ તો ઝરમર ઝરમર ઝરત.
ઋગવેદ ને બોદલેર ને ઇશાવાસ્યનો પંથ. અલ્પવિરામી મૌનની વચ્ચે, વાણી વહે અનંત. અ-લખ નિરંજન ગમત નહીં તો આવું નહીં લખત.

 

અન્ય સમાચારો પણ છે...