આપણે ત્યાં કોઇક પ્રસિદ્ધ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલ્પપ્રસિદ્ધનું મરણ થાય ત્યારે કેટલીક વાર ક્રિયાકાંડરૂપે. શોકસભા ભરાતી હોય છે. બહુ ઓછાને કવિ તરીકે મુરલી ઠાકુરના નામનો પરિચય હશે. મુંબઇની અત્યંત પ્રસિદ્ધ સિડ્નહામ કૉલેજમાં એ ગુજરાતીના પ્રોફેસર હતા. મૂળ ઈડરના. મારા મુરબ્બી અને મિત્ર. મજાકમાં કહેતા કે ઉમાશંકર અને હું ભણ્યા ન હોત તો રસોઇયા થયા હોત. સાહિત્યમાં પડ્યા એટલે નવ રસ અને રસોઈમાં પડ્યા હોત તો છ રસ. વર્ષો પહેલાં હું ખારમાં રહેતો ત્યારે એમને અનેકવાર મળવાનું થતું કારણ કે એમના બંગલા અને મારા ઘર વચ્ચે બે પાંચ મિનિટનું અંતર હતું. આપણા કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ સાથે એમણે સહિયારો સંગ્રહ 'સફરનું સખ્ય' નામે પ્રગટ કર્યો હતો. પછી તો કોઈક પ્રકાશન સંસ્થા પણ બંનેએ શરૂ કરેલી. કદાચ એનું નામ “નાલંદા' હતું. મુંબઈના રેડિયો સ્ટેશનના ગુજરાતી વિભાગના વડા તરીકે પણ એમણે કામગીરી બજાવી. અવારનવાર એ મારે ઘરે આવતા અને આ રીતે એમનો જગદીશ જોષી, હરીન્દ્ર દવે, રમેશ જાની ઇત્યાદિ સાથે ઘરોબો કેળવાતો ગયો.

 

કવિસંમેલનોનું જ્યારે હું સંચાલન કરતો ત્યારે વેણીભાઈ પુરોહિત, બરકત વિરાણી, સૈફ પાલનપુરી, શૂન્ય પાલનપુરી, નિનુ મઝુમદાર ઇત્યાદિ કવિઓ સાથે એ કવિસંમેલનમાં ભાગ લેતા. એમની કવિતા અમુક પ્રકારની હોવાથી શ્રોતાઓને હંમેશાં નહોતી પહોંચતી. કેટલાક કવિઓને એમને માટે કદાચ કોઈ બકો પણ હોય અને એ લોકો મને કહેતા કે આપણે એમને કવિસંમેલનથી દૂર રાખવા જોઈએ. મારો એક જ જવાબ હતો કે સાહિત્યનો ઈતિહાસ કવિસંમેલનની કવિતાથી કદી લખાવાનો નથી, પણ મારે તો એમની એક સાંજ સભર કરવી છે. અંદરથી એકલા હતા. કેટલાયે હજાર વિદ્યાર્થીઓ એમની પાસે
ગુજરાતી ભણી ચૂકયા હતા અને જ્યારે એ મરણ પામ્યા ત્યારે કેટલાયે વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિ હતા. ગુજરાતીના પ્રાધ્યાપક

તરીકે અત્યંત સરળ અને વિદ્યાર્થીપ્રિય હતા. જીવનની ઉત્તરાવસ્થામાં એમણે ક્યારેક ક્યારેક હાઈકુઓ લખ્યાં. કેટલાંક તો એવાં કે આજે પણ મને એ યાદ છે :


રાજઘાટ પે. 
ફૂલ એકલાં ઝૂરે સૌરભ ક્યાં છે?

પતંગિયાંને 
પર્ણ પર્ણને પુષ્પ પર્ણકુટિઓ

આ મુરલી ઠાકુરનું જ્યારે
અવસાન થયું ત્યારે કોઈ ઉતાવળિયા આયોજકે એની શોકસભા યોજી, મારા પ્રમુખપદે. સમયસર હું તો સભાના સ્થળે પહોંચી ગયો. જગદીશ જોશી, હરીન્દ્ર દવે ઇત્યાદિ પણ હતા. બધું
મળીને શ્રોતા દસ – પંદર હતા. એક માણસના છે મરણની પણ ઈજ્જત ન રહી. જગદીશને આ વાત વીંધી ગઈ. એને આધારે એણે અઢીએક પાનાંનું કાવ્ય લખ્યું. એ કાવ્ય નિરંજન ભગતને
એટલું બધું ગમ્યું કે અમુક એક વર્ષનાં કાવ્યોની એમણે પસંદગી કરી, એમાં જગદીશનું આ કાવ્ય પણ હતું. કાવ્યનું શીર્ષક : શોકસભા પહેલાં અને પછી. કવિતામાં અશબ્દ વેદના છે અને સશબ્દ કટાક્ષ છે. કાવ્યનો પ્રારંભ આ રીતે થાય છે :

અમે થોડાક માણસોની હાજરીમાં ખાલી ખુરશીની સાક્ષીએ આવી જાહેરસભામાં શોકઠરાવ પેશ કરીએ છીએ

સંકોચ હતો : સ્થળનો નહીં, માણસોનો એક પ્રમુખની હાજરીમાં વન - ટુ – અઢી વક્તાઓ બોલ્ય ગયા. સામાન્ય રીતે શોકસભામાં માણસ બોલે ત્યારે એમને મરનાર સાથે કેટલાં વરસોનો સંબંધ છે ત્યાંથી શરૂ કરી અને પછી જિંદગીની જેમ કંટાળાજનક વાલ્યો આવ્યા કરે. કેટલાક લોકો કેવળ વિશેષણોથી ચલાવે. આ વિશેષણો પણ ચીલાચાલુ. એમાં કોઈ ઉષ્મા નહી. ઠરીને ચપટ્ટ થઈ ગયેલા શબ્દો – મુરબ્બી, સહૃદય, પ્રેમાળ, સંસ્કાર જીવનના અગ્રણી, સમાજસેવક, સંનિષ્ઠ સાહિત્યકાર અને પ્રામાણિક આ બધું બોલાતું જ હોય છે.

 

મુરલીભાઈ મૂળ સાબરકાંઠાના. એમની કવિતામાં મરણની - વાત તો બહુ આવતી. કોઈક એમને મસાણિયા કવિ કહેતા. - જ્યારે હું એને જુદી રીતે જોતો. કોઈ માણસ સ્મશાનમાં બેસીને - કવિતા લખતો હોય એવી કવિતા હતી. જગદીશ કટાક્ષયુક્ત રીતે કહે છે કે તમે અમને ડગલે પગલે, ઢગલેઢગલે યાદ આવવાના કારણકે અમે અમારાં નાનાં નાનાં કામ તમારી મારફત કરાવેલાં. હજુ તો કેટલાંયે કામ તમારી પાસે કરાવવાનાં બાકી છે. મોતના મજનૂ મુરલીભાઈ શ્રીમંત બ્રાહ્મણ હતા. નવાબી મિજાજના હતા. પછી જગદીશ કહે છે કે મુરલીભાઇ, તમને જીવતાં જે માણસજાત વિશે જે ખ્યાલ હતો એ ખ્યાલ ખોટો નહોતો. તમારા ગયા પછી હવે તો ખાતરી થઈ છે કે સગાં, વહાલાં, સંબંધી, મિત્રો આ બધાં મળીને માણસને તૂટેલા ફાનસ જેવો બનાવી દે છે.

આ શોકસભા એ આધુનિક ક્રિયાકાંડ છે. અમે થોડાક માણસોની હાજરીમાં ખાલી ખુરશીની સાક્ષીએ આવી જાહેરસભામાં શોકઠરાવ પેશ કરીએ છીએ. કવિના શબ્દોમાં જ જોઇએ:
કે હે સદ્દગત આત્મા! તમારી સાહિત્યકૃતિઓ એકઠી કરી - અમારા મોભભામાં પીછું ચડાવે એ રીતે પ્રસિદ્ધ કરી શકાય કે નહીં એ વિશે અમે સૌ
ક્યારેક ફુરસદે અવશ્ય વિચારશું.... 
બે મિનિટના મૌન પછી અમે વિખરાયા. મુરલીભાઈ મરણ પામ્યા તે દિવસે ભરબપ્પોરે એમને ચિતા પર સુવાડ્યા હતા. મુરલીભાઇના પોશાકમાં એક ઠાઠમાઠ હતો. એમના સોનેરી શ્રીમંતી ચમાં પાછળ એમની આંખો ઘણું બધું કહેતી. જગદીશ કાવ્યનો અંત આ રીતે કરે છે:
જે દિવસે ઉનાળાની ભરબપોરે સૂર્ય સામે તાકતી મુવાડી હતી તે દિવસે પૂછી નાખવાનું મન થયેલું
“મુરલીભાઈ, તમને
આ તડકો બહુ
આંખમાં તો નથી આવતો ને?”
(મૂળ પ્રકાશન તારીખ: 3 ઓગસ્ટ 2003)

અન્ય સમાચારો પણ છે...