લોકશાહીમાં મંત્રીઓઃ ઉત્તર પ્રદેશના 98, જર્મનીના 14!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માર્ચ ૧૫૮૨માં ફૈઝીએ અકબરને સૂચવ્યું કે સલાહકારોને ભેગા કરીને માત્ર ઘોડાઓના જ નહીં પણ ઢોરના ભાવ પણ નક્કી કરી લેવા જોઇએ. અકબરે તરત જુદા જુદા માણસો નીમી દીધા, અને આ અકબરનું ‘મંત્રીમંડળ' હતું ૧૬મી સદીનું! આશ્ચર્યની વાત એ છે કે આમાં બે હિન્દુઓ હતા. એ જમાનામાં, આજથી સાડા ચારસો વર્ષો પહેલાં, મંત્રીઓને કેવા વિભાગો સોંપાતા હતા? અકબરની કેબિનેટની સૂચિ: અબ્દુલ રહીમઃ ઘોડાઓ, રાજા ટોડરમલઃ હાથીઓ અને દાણાપાણી, ઝઇન ખાન કોકાઃ ઘી, શાહ કુલી: મધુર ફળો, સાદિક ખાનઃ સોનું અને ચાંદી, ઇતિયાદ ખાન ગુજરાતીઃ ઝવેરાત, શાહબાઝઃ બ્રોકેડ (જરી), યુસુફ ખાનઃ ઊંટો, શરીફ ખાન ઘેટાંબકરાં, ગાઝી ખાનઃ નિમક, ખુસુસ ખાનઃ શસ્ત્રો, કાસિમ ખાનઃ સુગંધીદાર મૂળિયાં, હકીમ અબુલ ફતહઃ માદક દ્રવ્યો, અબ્દસ-સમદ: ચામડું, નૌરંગ ખાનઃ રંગો, રાજા બિરબલઃ ગાયો અને ભેંસો, શેખ જમાલઃ અત્તરો, નઝીબ ખાનઃ પુસ્તકો, લતીફ ખાન: શિકાર માટેનાં પશુઓ, હબીબુલ્લાહ: ખાંડ, અબુલ ફઝલ: ઊન! 

 

રાજાના જન્મની સાથે સાથે જ મંત્રીઓનો જન્મ થયો છે. રાજા છે, રાજાને રાજ ચલાવવું છે, અને રાજ ચલાવવા માટે મંત્રીઓ જોઇએ. મંત્રી, પ્રધાન, વઝીર, અમાત્ય, સચિવ, મિનિસ્ટર આદિ કેટલાય શબ્દો સગોત્રી છે. મુંબઈમાં વર્ષો સુધી જ્યાંથી રાજ ચાલતું હતું એ મકાન ‘સચિવાલય' કહેવાતું હતું. પછી કોઈક મંત્રીને તુક્કો સૂઝ્યો. આ ‘મંત્રાલય' છે! અને નામ બદલવામાં આવ્યું. સચિવ નાના કહેવાય, મંત્રી મોટા કહેવાય. પંડિત જવાહરલાલ નેહરુ, ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પોતાને ‘ફર્સ્ટ સર્વન્ટ ઑફ ઇન્ડિયા' સગર્વ કહેતા હતા. હવે આસિસ્ટન્ટ સેક્રેટરી પોતાને સગર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી કહે છે. દેશ પ્રગતિ કરી ચૂક્યો છે એ સ્વીકારીને ચાલવું જોઈએ. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ લોકશાહીમાં સમાજવાદી ભાઈચારાનું મહત્ત્વ બરાબર સમજ્યા છે. એમણે રેકોર્ડ ૯૮ સભ્યોનું પ્રધાનમંડળ બનાવ્યું છે. ૧૯૯૭માં કલ્યાણસિંહ પાસે ૯૫ પ્રધાનો હતા, અને માયાવતી પાસે ૭૯ મંત્રીઓ હતા. પણ મુલાયમ સિંહના સન ૨૦૦૩ના ઓક્ટોબરના મંત્રીમંડળમાં ૯૮ છે. આ અંતિમ સંખ્યા નથી. આ સંખ્યા હજી વધી શકે છે. આ ૯૮માં માત્ર ૪ મહિલા મંત્રીઓ છે. અને દરેક ચોથો વિધાનસભાસદસ્ય મંત્રી છે! લોકશાહીમાં સત્તાસ્થાને રહેવું હોય તો દરેકને લૉલીપૉપ આપતા રહેવું પડે છે. ગઈકાલના કટ્ટર શત્રુઓ આજે અઝીઝ બિરાદરો બની શકે છે. લોકશાહીને જીવંત રાખવાની છે, અને ઉત્તર પ્રદેશને લોકશાહીમાં અટલ વિશ્વાસ છે. મુલાયમસિંહ તુલસીદાસના પરમ ભક્ત લાગે છે. અને તુલસીદાસે લખ્યું છે: તુલસી ઈસ સંસાર મેં/ ભાતભાત કે લોગ/ સબસે હિલમિલ ચાલિયે/ નદી - નાવ સંજોગ! મુલાયમસિંહે ૯૮ મંત્રીઓ બનાવીને લોકશાહીનું એક ‘જ્વલંત’ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે... હિન્દુસ્તાનમાં લોકશાહીને સર્કસ બનતાં વાર લાગતી નથી.

 

આમાંની કેટલીક મહિલા મંત્રીઓને જે ખાતાં સોંપાયાં હતાં, એમાંથી થોડાં નામો ઉપભોક્તાઓની સુરક્ષા, પરિવાર વિષયક પ્રશ્નો, વરિષ્ઠ નાગરિકો, સ્ત્રીઓ, યુવાપેઢી, સામાજિક સલામતી આદિ. જુલાઈ ૧૨, ૨૦૦૩ના ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં જર્મન કેબિનેટની એક મીટિંગનો ફોટો પ્રકટ થયો છે

ઉત્તર પ્રદેશ હિન્દુસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે,  અને જર્મની યુરોપનો સૌથી મોટો દેશ છે. આ બે વચ્ચે સમાનતા એક જ છે, આ બંનેનું ક્ષેત્રફળ લગભગ સરખું છે. કદમાં સરખા આ બે પ્રદેશો, જર્મની અને ઉત્તર પ્રદેશ, લોકશાહીમાં માને છે, જનાદેશ પ્રમાણે સરકારોનું ગઠન થાય છે. જર્મની યુરોપના સૌથી સમૃદ્ધ દેશોમાંનો એક છે, અને ઉત્તર પ્રદેશ હિન્દુસ્તાનનાં સૌથી પછાત રાજ્યોમાંનું એક છે. ત્યાં પણ લોકશાહી છે, અહીં પણ લોકશાહી છે. જર્મનીની વસતી ૮ કરોડ ઉપર છે, ઉત્તર પ્રદેશની વસતી ૧૬ કરોડની ઉપર છે. ઓક્ટોબર ૨૨, ૨૦૦૨ને દિવસે જર્મનીની બુન્ટેસ્ટાગે (સંસદ) ગરહાર્ડ શ્રોડરને ૪ વર્ષ માટે ફેડરલ ચાન્સેલર બનાવ્યા. શ્રોડરને કુલ ૫૯૯ વોટમાંથી ૩૦૫ વોટ મળ્યા, અને જર્મન કાનૂન પ્રમાણે વિજય અને નિયુક્તિ માટે ઓછામાં ઓછા ૩૦૨ વોટ મળવા જ જોઇએ! ફેડરલ પ્રેઝિડન્ટ જોહાનસ રાઉએ બેલેબ્યુ પેલેસમાંથી નિયુક્તિપત્ર મોકલ્યો અને સાથે શુભેચ્છાઓ મોકલી જેમાં ‘ઈશ્વરના આશીર્વાદ’ માટે પણ પ્રાર્થના હતી! ચાન્સેલર શ્રોડરે કેબિનેટ બનાવી. એ કેબિનેટ કેટલા મંત્રીઓની હતી? એક ચાન્સેલર અને ૧૪ મંત્રીઓ. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહના મંત્રીમંડળમાં ૯૮ ‘મંત્રીઓ’ છે, અને એમાં ચાર જ મહિલાઓ છે, જેમાં કલ્યાણસિંહની ‘શિષ્યા’ કુસુમ રાય, અને મુલાયમસિંહની ‘શિષ્યા’ અનુરાધા ચૌધરીનો સમાવેશ થઈ જાય છે.

 

જર્મનીમાં ૧૪ મંત્રીઓમાં ૬ મહિલાઓ અને ૮ પુરુષો હતા. આમાંની કેટલીક મહિલા મંત્રીઓને જે ખાતાં સોંપાયાં હતાં, એમાંથી થોડાં નામો ઉપભોક્તાઓની સુરક્ષા, પરિવાર વિષયક પ્રશ્નો, વરિષ્ઠ નાગરિકો, સ્ત્રીઓ, યુવાપેઢી, સામાજિક સલામતી આદિ. જુલાઈ ૧૨, ૨૦૦૩ના ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં જર્મન કેબિનેટની એક મીટિંગનો ફોટો પ્રકટ થયો છે. એમાં બર્લિનના એક બગીચામાં એક લંબગોળ ટેબલ મૂકીને, ઝાડ નીચે, ખુરશીઓ નાંખીને પૂરી કેબિનેટ અને કેટલાક મુખ્ય સચિવો, એટલે કે કુલ વીસેક જણા બેઠા છે, વચ્ચે ચાન્સેલર, શ્રોડર છે, અને ચર્ચા શેની કરી રહ્યા છે? ટેક્સ રિફોર્મ! કરવેરામાં શું શું ફેરફારો કરવા જોઇએ? મેઘાલયમાં કોંગ્રેસે મિશ્ર સરકાર બનાવી. કુલ મંત્રીઓ ૩૮, જેમાંથી ૨૮ કેબિનેટ કક્ષાના અને ૧૦ રાજ્ય પ્રધાનો હતા. છેલ્લી ઘડીએ હિલ ડેમોક્રેટિક પક્ષના બે ઉમેરાયા, અને કુલ ૪૦ થયા! પછી વિરોધપક્ષમાં કેટલા રહ્યા? એન.સી.પી. ૧૪ અને અપક્ષ-૨, એટલે પૂરી વિધાનસભા ભરાઈ ગઈ! મહારાષ્ટ્રમાં કોંગ્રેસી મુખ્યમંત્રી સુશીલકુમારશિંદેની કેબિનેટમાં ૬૯ મંત્રીઓ છે અને આમાં માત્ર શિક્ષણની પાછળ ૩ મંત્રીઓ છે, એક પ્રાથમિક માટે બીજો માધ્યમિક માટે અને ત્રીજો યાંત્રિક શિક્ષણ માટે! ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહનો ૯૩ પ્રધાનોના મંત્રીમંડળની ચા પાણીનો ખર્ચ ૫૦ કરોડ ઉપર આવ્યો હતો એવું અભ્યાસીઓનું અનુમાન હતું.

 

જો નિર્વાચિત ધારા ભ્યોમાં ૧૦ ટકા જ મંત્રીઓ ૯ને તો લોકશાહી માટે ઉપકારક થશે એવું લગભગ મતૈક્ય છે. દેશનાં ૩૦ રાજ્યોમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો 4500 હોય, તો 450થી વધારે મંત્રીઓ ન હોવા જોઈએ. પણ વાસ્તવમાં અત્યારે ૯૩૦થી વધારે મંત્રીઓ છે! બિહારમાં ૬૩ મંત્રીઓ છે, મધ્યપ્રદેશમાં ૫૦ મંત્રીઓ છે. રાજસ્થાનમાં ૪ર મંત્રીઓ છે, ઉત્તર પ્રદેશમાં આજે ૯૮ મંત્રીઓ છે. આ ચાર રાજ્યો ‘બિમારુ’ રાજ્યો ગણાય છે. આની સામે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં કેટલા ઓછા મંત્રીઓ છે? પણ જેમને ગુજરાતમાં બધું જ અને હંમેશાં ખરાબ જ જોવું હોય અને જોતા રહેવું હોય એવા ગુજરાતદ્વેષીઓ આ પ્રશ્ન પર આંખો બંધ કરી દે છે. અથવા જે ‘નિષ્પક્ષ’ સેક્યુલર છે તે એક આંખ ખુલ્લી અને એક આંખ બંધ રાખીને જુએ છે. દૃષ્ટિમાં સંતુલન જોઇએ ને? અકબરના જમાનામાં ઘી અને મધુર ફળો અને ખાંડ માટે મંત્રીઓ હતા, આજે મધ અને માખણ માટે મંત્રીઓ રાખવાનો વિચાર કોઈ મુખ્યમંત્રીએ વિચારવો જોઈએ...

ક્લોઝઅપઃ 
૧૯૫૪માં બીજિંગમાં જે. ડી બર્નાલ સાથે અકસ્માત મુલાકાત સમયે પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું: ‘મારા ઘણાખરા મંત્રીઓ પ્રતિક્રિયાવાદી અને બદમાશ (સ્કાઉન્ડ્રેલ્સ) છે, પણ જ્યાં સુધી એ
મારા મંત્રીઓ છે, હું એમના ઉપર કંઈક અંકુશ રાખી શકું છું. જો રાજીનામું આપી દઇશ તો એ લોકોની સરકાર બની જશે અને એ બળોને છોડી મૂકશે જેમને હું અંકુશમાં રાખવા માંગું છું, સત્તા પર આવ્યો ત્યારથી!... મારે એવા માણસો સાથે કામ કરવું પડે છે જે દેશમાં લોકપ્રિય છે. એ લોકો મને ગમે એવા નથી, પણ આ જ મારા માટે સારામાં સારો માર્ગ છે.' - બર્નાલ પેપર્સઃ કેમ્બ્રિજ
(મૂળ પ્રકાશન તારીખઃ 9 નવેમ્બર, 2003)

અન્ય સમાચારો પણ છે...