ધારો કે નરેન્દ્ર મોદીને લંડનમાં સજા થઇ હોત તો..

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુબાઈના સમાચારપત્ર ‘ખાલિજ ટાઇમ્સ'માં મેલવિન દુરાઈ રમુજની કોલમ લખે છે જેમાં કાંટાદાર વ્યંગ્ય હોય છે. આરબ અને અમેરિકન પત્રકારત્વ એક જ સમાચારને કઈ દૃષ્ટિથી જુએ છે એનાં બે દૃષ્ટાંતો : (૧) સંયુક્ત દળો રાસાયણિક શસ્ત્રસામગ્રી શોધી કાઢે છે. સંશોધન શરૂ થઈ રહ્યું છે (અમેરિકન સમાચાર) આક્રમકોને સદ્દામની પત્નીના હેરસ્મમાં સ્ટોક મળી આવે છે. દસ બેરલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો કે જેથી ભવિષ્યમાં તંગી પડે તો વાંધો નહીં (આરબ સમાચાર) (૨) એક બસ અમેરિકન પ્રક્ષેપકના માર્ગમાં ધસી આવે છે. આત્મઘાતક પ્રવૃત્તિની શંકા છે. રાષ્ટ્રપતિ બુશ મિસાઇલ પરિવાર માટે દિલગીરી વ્યક્ત કરે છે. (અમેરિકન સમાચાર) અમેરિકન પ્રક્ષેપકથી બસ હિટ થાય છે, સાત ઇરાકી મૃત્યુ પામે છે (આરબ સમાચાર)

 

ગુજરાતમાં ૨૦૦૦ મુસ્લિમો મૃત્યુ પામ્યા એ એક દુ:ખદ અને આઘાતક દુર્ઘટના હતી, પણ નદીના પ્રવાહની જેમ ઇતિહાસનાં પરિબળોને પાછાં વાળી શકાતાં નથી

એક જ સમાચારને બંને પક્ષો નિષ્પક્ષ સત્યરૂપે નહીં, પણ પોતાને અનુરૂપ અને અનુકૂલ અર્થઘટન રૂપે પ્રસ્તુત કરે છે. ગુજરાતને માટે આ અનુભવ નવો નથી. ફેબ્રુઆરી, ૨૭ – ૨૦૦૨ની સવારથી ગોધરામાં રેલવેના ડબ્બા સળગાવ્યા ત્યારથી કેટલાંક અંગ્રેજી છાપાંઓમાં ગુજરાત વિશે, ગુજરાતીઓ વિશે, નરેન્દ્ર મોદી વિશે બેફામ, બેતહાશા, બેજવાબદાર શબ્દોની ફેંકાફેંક બેરોકટોક ચાલી રહી છે. સ્વતંત્ર ભારતના પ૬ વર્ષના ઇતિહાસમાં અંગ્રેજી પત્રકારિતાએ આટલા લાંબા સમય સુધી આટલું બેહિસાબ ગંદું ઝેર કોઈ પ્રદેશ કે પ્રદેશની જનતા માટે ઓક્યું નથી, જેટલું ‘ગુજરાત' શબ્દ પર ઓકવામાં આવ્યું છે. આજનું કેટલાક અંગ્રેજી પત્રકારોનું ગુજરાતવિષયક રિપોર્ટિંગ જોઇને મહાત્મા ગાંધીએ દાંડીકૂચ દરમિયાન એપ્રિલ ૯, ૧૯૩૦ને દિવસે અબ્રામામાં પ્રકટ કરેલી વ્યથા તદ્દન પ્રસ્તુત અને સંબદ્ધ લાગે છે. ગાંધીજીએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના રિપોર્ટરોનો ખાસ ઉલ્લેખ કરીને કહ્યું હતું : મને તો આજે છાપાના રિપોર્ટરો દેશદ્રોહી થઈ પડ્યા હોય એમ લાગે છે...... બધા રિપોર્ટરો નાલાયક છે એમ કહેવું એ ખોટું તો ખરું પણ દુ:ખ સાથે મારે કહેવું પડે છે કે ઘણાખરા નાલાયક છે.' ૧૯૩૦માં ગાંધીજીને અંગ્રેજીના રિપોર્ટરો ‘નાલાયક' અને ‘દેશદ્રોહી’ લાગ્યા હતા, આજે ૭૩ વર્ષ પછી ૨૦૦૩માં ‘અંગ્રેજીના રિપોર્ટરો માટે ગાંધીજીએ વાપરેલા શબ્દોમાં કેટલી ‘નાલાયકી' અને કેટલો ‘દેશદ્રોહ’ વધ્યાં છે? 

 

ગુજરાતમાં ૨૦૦૦ મુસ્લિમો મૃત્યુ પામ્યા એ એક દુ:ખદ અને આઘાતક દુર્ઘટના હતી, પણ નદીના પ્રવાહની જેમ ઇતિહાસનાં પરિબળોને પાછાં વાળી શકાતાં નથી. હિંદુસ્તાનના પ૬ વર્ષના ઇતિહાસમાં ઘણી જગ્યાએ આ પ્રકારની કમનસીબ ઘટનાઓ ઘટી છે, ઘણી વધારે જાનહાનિ થઈ છે, લોહીલુહાણ કોમી દંગા થયા છે, પણ આ પ્રકારનું એક પૂરી પ્રજાના ચારિત્ર્યહનનનું અભિયાન કરવામાં આવ્યું નથી. અંગ્રેજીના નવા નિશાળિયા પત્રકારોએ ડિક્શનરી અને થેસોરસ ખંખેરી ખંખેરી ગુજરાત માટે શબ્દો ફટકાર્યા છેઃ જેનોસાઇડ, હોલોકોસ્ટ, પોગ્રોમ, કાર્નેજ, એથ્નિક ક્લિન્સીંગ! પછી? સ્ટ્રોમ ટ્રૂપર્સ, નાઝી, ફાસિસ્ટ, બાર્બેરિયન! પછી? નરેન્દ્ર મોદીની તુલના કરવા માટે કયાં ઐતિહાસિક પાત્રો? પિનોશેટ, હિટલર, મિલેસોવિચ, પોલ પોટ! બમ્બૈયા એક ફાલતૂએ નરેન્દ્ર મોદીને ઓસામા બિન લાદેન સાથે પણ સરખાવી દીધા! બીજા એક અસ્થિરચિત્ત સજ્જને એમને સાઈબીરીઆના જુલ્મદાર, રાક્ષસ, આતંકવાદી કહ્યા. જેમને ઇતિહાસનું કોઈ જ્ઞાન ન હતું એમને માટે ‘હિટલર' શબ્દ તરત જ વાપરી શકાય એવો સુલભ હતો. એમણે કકળાટ કરી મૂક્યો. નરેન્દ્ર મોદી નામના આ જુલ્મગારને કાઢી મૂકો, ફેંકી દો, પીસી નાંખો, કૈદ કરો, કામ ચલાવો! અને આ કુટિલ સેક્યુલારિસ્ટ અંગ્રેજીવાળાઓ માટે ગુજરાતીઓએ એક જ સ્પષ્ટતા કરવાની છે. તમે લોકશાહીમાં માનતા નથી, અમે ગુજરાતીઓ માનીએ છીએ! એક મુક્ત, સ્વતંત્ર નિર્વાચન થયું છે. આયોજિત વિલંબ અને અવરોધોની બાવજુદ લોકોએ પૂર્ણતઃ અને નિર્ભય મતદાન કર્યું છે. પૂરી દુનિયાએ જોયું છે અને મોનિટર કર્યું છે અને ગુજરાતના પાંચ કરોડ ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીને વિધાનસભામાં બે તૃતીયાંશથી વધારે બહુમતીથી જીતાડીને સત્તા સોંપી છે. અંગ્રેજી સેક્યુલરવાળાઓએ ભારતની લોકશાહીમાં જનમતની કદર અને જનાદેશનો આદર કરતાં શીખવું પડશે. અને આ શિક્ષણમાં ગંભીર જવાબદારીની વાત નથી, સીધી સાદી સમજદારીની વાત છે. અને ગુજરાતના મતદારોએ ચૂંટીને મોકલેલા વિધાનસભ્યોએ સંવૈધાનિક રીતે અને નિર્વિરોધ ચૂંટીને પસંદ કરેલા નેતાને રાજ્યપાલે શપથ લેવડાવ્યા છે. એ ગુજરાતના મુખ્યમંત્રી છે. એ નરેન્દ્ર મોદી છે...

 

અને એક તમાશો ભજવાઈ જાય છે. ઇંગ્લેન્ડથી ફરવા આવેલા બે ગુજરાતી મુસ્લિમ પ્રવાસીઓની હાઈવે નંબર ૮ પર એક ટોળું હત્યા કરી નાંખે છે. પછી ઇંગ્લેન્ડમાં બાકાયદા આ હત્યાઓની વિરુદ્ધમાં કાનૂની કાર્રવાઈ કરવાની વાતો પ્રકાશમાં આવે છે. હાઇવે પર થયેલાં અવસાનો જરૂર શર્મનાક છે અને એમનાં પરિવારો માટે પૂર્ણ હમદર્દી દરેક ગુજરાતીને હોય એ પણ અપેક્ષિત છે. પણ આ દર્દનાક હત્યાઓએ દુર્ભાગ્યે રાજનીતિક રંગ પકડી લીધો. ઇંગ્લેંડની કટ્ટરવાદી મુસ્લિમ સંસ્થાઓએ સાંસદ માઈકવુડનો સંપર્ક કર્યો. બ્રિટનના વિદેશમંત્રી જેક સ્ટ્રોના મતવિભાગમાં ઘણા મુસ્લિમ મતદાતાઓ છે. એમના પર એટલું બધું દબાણ લાવવામાં આવ્યું કે વિદેશમંત્રી જેક સ્ટ્રોએ ઝલાઈને કહ્યું: હું ઇંડિયાનો વિદેશમંત્રી નથી! એક ગુજરાતી પરિવારની ટ્રેજેડી માટે સ્વયંભૂ સહાનુભૂતિ હોવી જોઈએ, પણ એ કોમી કટ્ટરવાદીની સાઝિશનું કારણ બની ગઈ. કેટલાંક અંગ્રેજી છાપાંઓને એમની નેગેટિવ ભૂમિકા ભજવવા માટે મેદાન મારી ગયું. ‘ડાયલ એમ ફોર મોદી, મર્ડર’ અને રોજની ખુવારી માટે રોજ ‘મોદીમિટર' જેવાં શીર્ષકો પ્રકટ કરતાં અંગ્રેજી સમાચારપત્રોને ગુજરાતમાં શાંતિસ્થાપના કરતાં એમના ગબડી પડેલાં વેચાણ વધારવામાં વિશેષ રૂચિ હતી? આ બે હાઇવે હત્યાઓ માટે બ્રિટિશ હાઇકોર્ટ, બેલ્જિયમની કોર્ટ, હેગની ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટનના ‘ગુજરાતીઓ’ જશે એમ રશ્મિ ઝેડ. અહમદે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં પહેલે પાને મુખ્ય સમાચારમાં લખ્યું. આ શોકતપ્ત પરિવાર નરેન્દ્ર મોદી, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પક્ષ, ઉચ્ચ અફસરો અને કેટલાંક ખાસ નામો સામે ક્રિમિનલ કેસ કરશે. ગુજરાતની હિંસા પૂરી માનવતા સામેનો ગુન્હો છે.

 

. નરેન્દ્ર મોદીએ સ્વયં ખૂન કર્યું હોય અથવા ખૂન કરવા આદેશ આપ્યો હોય અને એની ઠોસ સાબિતી હોય તો 

‘વાહિયાત' શબ્દ નાનો પડી જાય અને કાનૂનનું જ્ઞાન કે ભાન નહીં પણ ગતાગમ પણ ન હોય એવા કેટલાક ઝનૂની કટ્ટરવાદી અંગ્રેજી પત્રકારો બદદાનત અને બેવકૂફીના મિશ્રણનું અદભુત પ્રદર્શન કરી રહ્યા હતા! મને આલ્બેર કામ્યુનું પ્રખ્યાત નાટક ‘કેલીગુલા’ યાદ આવી રહ્યું હતું, જેમાં સનકી, ફિતુરી, પાગલ રોમન સમ્રાટ લીલા આદેશ આપે છે : હેંગ ધ પિપલ! સાલી જનતાને ફાંસી મારો. જો આવા સેક્યુલારિસ્ટ અંગ્રેજી પત્રકારોનું ચાલે તો આ બે બ્રિટિશ નાગરિકોની હત્યા માટે ક્રિમિનલ કેસ કરીને ગુજરાતના પાંચે પાંચ કરોડ ગુજરાતીઓને ફાંસી મારી છે. પણ આ તાલિબાની કટ્ટરવાદી તર્કને આગળ વધારીશું? જો મારા પાલનપુરના મિત્ર કમાલપરાના મહમ્મદભાઈ અને એમના ડ્રાઇવર યુસુફને ‘એમ-વન', ફ્રી-વે પર અંગ્રેજ જંકીઝ કે પંક્સ કે ગુંડાઓ મારી નાંખે તો ઇંગ્લેન્ડના વિદેશમંત્રી જેક સ્ટ્રો કે પ્રધાનમંત્રી ટોનીબ્લર કે સ્વયં મહારાણી એલિઝાબેથ સેકન્ડ, રેજીના... પર હિન્દુસ્તાનમાં કે હેગની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં શા માટે ક્રિમિનલ કેસ ન ચાલી શકે? જો ગુન્હો એક જ હોય તો કાયદો પણ એક જ લાગવો જોઈએ. પણ આપણે એવું ન કરીએ. કારણ? કારણ કે આપણા માથામાં અક્કલ નામની એક વસ્તુ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઇંગ્લેન્ડના વેમ્બલી કોન્ફરન્સ હોલમાં સાંભળવા માટે ર૭૦૦થી ૩૦૦૦ જેટલા ગુજરાતીઓ આવ્યા હતા. બહાર સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રુપ અને ઇન્ડિયન મુસ્લિમ કાઉન્સિલ અને આવાઝ ઓર્ગેનાઈઝેશન અને સાઉથ એશિયા વોચ અને મુસ્લિમ એસોસિયેશન ઓફ બ્રિટન અને વિમેન લીવિંગ અન્ડર મુસ્લિમ લૉ અને ઓક્સફર્ડ સાઉથ એશિયા ફોરમ જેવી સંસ્થાઓના માણસો હાથમાં બુચર ઓફ ગુજરાત’ અને ‘ચીફ મર્ડરર ઓફ ગુજરાત’નાં પાટિયાં લઇને ઊભાં હતાં. એમની કુલ સંખ્યા માંડ છ-સાત ડઝન લોકોની હતી અને અંદર ર૭૦૦થી ૩૦૦૦ ગુજરાતીઓ એક કલાકથી નરેન્દ્ર મોદીની અસ્ખલિત વાક્ધારામાં ભીંજાઈ રહ્યા હતા. પણ અંગ્રેજી પત્રોમાં પ્રદર્શનકારીઓને જ વધારે મહત્ત્વ અપાય એ સ્વાભાવિક હતું. એલિમેન્ટરી, માય ડિયર વોટસન!

 

લંડનની બો સ્ટ્રીટની મેજિસ્ટ્રેટ્સ કોર્ટના જસ્ટિસ ટિમોથી વર્કમેને નરેન્દ્ર મોદી સામેનો કેસ એક મિનિટમાં ફેંકી દીધો. નરેન્દ્ર મોદીએ સ્વયં ખૂન કર્યું હોય અથવા ખૂન કરવા આદેશ આપ્યો હોય અને એની ઠોસ સાબિતી હોય તો કંઈક ‘પ્રાઇમા ફેસી’ કેસની શક્યતા વિચારી શકાય અને ઉભય પક્ષ દલીલો કરી શકે. આ એફિડેવિટને માથું કે હાથપગ કંઈ જ ન હતું. પણ મને એક વિપરીત વિચાર આવી રહ્યો હતો. ધારો કે લંડનમાં નરેન્દ્ર મોદીને ગિરફ્તાર કરીને સજા કરવામાં આવી હોત તો ઇંગ્લેન્ડની સેક્યુલર અને મુસ્લિમ સંસ્થાઓને કલ્પના છે કે એનાં શું જલદ પ્રતિપરિણામો આવી શકત? ગુજરાતમાં કેવા પ્રત્યાઘાત અને પ્રતિઘાત થાત? ગુજરાતના હોનહાર ભવિષ્યગામી જવાન મુસ્લિમ છોકરા-છોકરીઓની જોબ-માર્કેટમાં શું હાલત થઈ જાત? તેજસ્વી મુસ્લિમ યુવાપેઢીનું આ સેક્યુલારિસ્ટોને લીધે કેવું ઈકોનોમિક ક્લિન્સિંગ થઈ જાત? અને આ વિપ્લવી પરિવર્તનનું કારણ? હાઈવે પર બે બ્રિટિશ મુસ્લિમ નાગરિકોની એક ટોળા દ્વારા થયેલી હત્યા? મને ગુજરાતીઓના પ્રમાણભાન, ઔચિત્ય, વિવેકબુદ્ધિ, કોઠાસૂઝ, સમજદારીમાં વિશ્વાસ છે. 

ક્લોઝઅપઃ જાગો, જાગો ગુલામ! આવી પહોંચ્યાં મુકામ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે
- ઝવેરચંદ મેઘાણી (કવિતાઃ ‘કાલ જાગે')
(મૂળ પ્રકાશન તારીખઃ 31 ઓગસ્ટ 2003)

અન્ય સમાચારો પણ છે...