ગુજરાતની બદનામી કરતા રહેતા એ લોકો...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત હવે એન.જી.ઓ. શબ્દથી પરિચિત છે. નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન અથવા ગૈરસરકારી સ્વૈચ્છિક સંસ્થા. એ સંસ્થા છે જે આપત્તિ કે દુર્ઘટના થાય છે ત્યારે સરકારી તંત્રથી પહેલાં પહોંચી જાય છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ એમના નિઃસ્વાર્થ સેવાકાર્ય માટે જનતામાં અત્યંત આદરણીય બની છે. કચ્છના ધરતીકંપ વખતે એન.જી.ઓ.નું કામ પ્રશસ્ય હતું અને એમની સર્વત્ર સાદર નોંધ લેવાઈ હતી. ગુજરાતની એન.જી.ઓ. પરંપરા જૂની છે અને પ્રતિષ્ઠિત છે.

 

પછી ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૨ની સવાર અને એના સાબરમતી એક્સપ્રેસના એસ- ૬ અને ૭ અને ૮ નંબરના ડબ્બાઓ અને ગોધરા પર ૫૮ હિન્દુ સ્ત્રી-પુરુષો-બાળકોને જીવતાં જલાવી મૂકવાની ઘટના. પછી ગુજરાતમાં પ્રતિઘાત અને ગુજરાત અને ગુજરાતીઓને સતત બદનામ કરતા રહેવાની અંગ્રેજી પત્રો અને કેટલીક ટી.વી. ચેનલોની દુર્ભાવપૂર્ણ વ્યવસ્થિત સાઝિશો અને ગીધડાંની જેમ ગુજરાતમાં ઊતરી આવતાં સંશોધકો, કમિશનો, તથાકથિત ઈન્ક્વાયરીઓ, તાલિબાની સેક્યુલારિસ્ટોનાં ઝૂંડ અને ‘હું, તું અને રતનિયો’ પ્રકારની ફૂટી નીકળેલી સ્વૈચ્છિક સંસ્થાઓ. ગુજરાતને પાછલા પગે લાતો મારતા રહેવાની પ્રવૃત્તિઓનો ગંદો મારો ડિસેમ્બર ૧૨, ૨૦૦૨ સુધી બેહિસાબ ચાલતો રહ્યો. એ દિવસે ગુજરાતમાં નિર્વાચન હતું. એ દિવસ ગુજરાતીઓ માટે આ ગુજરાતદ્વેષી, ગુજરાતવિરોધી, ગુજરાતશત્રુઓને ધોબીપછાડમારીને બેહોશ કરી દેવાનો દિવસ હતો. એ દિવસ ગુજરાતની અસ્મિતાની વિજયપતાકા લહેરાવવાનો દિવસ હતો.

 

ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ, પાકિસ્તાનઇંડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રસી, સહમત અને બીજા એન.જી.ઓ. દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાને પત્ર લખે છે કે તમે ગુજરાત નહીં આવો! યુનાઈટેડ ક્રિસ્ટીઅન ફોરમના સેટ્રીક પ્રકાશ અમેરિકા ઊડી રહ્યા છે

પણ વાંદરો ગુલાંટ ભૂલ્યો નથી, એવી ગુજરાતી કહેવત છે. એમને માટે કાશ્મીરમાં હિન્દુઓ પરના જુલમ, સામૂહિક કતલો, વિસ્થાપન એ ગૌણ છે. એમને માટે ૧૯૮૪માં હજારો શીખોની દિલ્હીમાં અને અન્યત્ર થયેલી સામૂહિક કત્લે-આમ ગૌણ છે. એમને માટે ૧૯૯૦ના દશકના આરંભમાં આતંકવાદીઓએ મુંબઈમાં કરેલા બોમ્બ બ્લાસ્ટ અને સેંકડો નિર્દોષોનો સંહાર ગૌણ છે, કારણ કે બેમૌત મરી જનારા એ નિર્દોષ મૃતકો હિન્દુ અને શીખ હતા! પણ ગુજરાત? હા, ગુજરાતમાં વધારે મુસ્લિમો મર્યા હતા અને દેશભરમાંથી અને વિદેશોમાંથી સેક્યુલર દંભીઓ ઊતરી પડે એ એમના ખૂનની તાસિર હતી. એકસો હિંદુઓની લાશો કરતાં એક મુસ્લિમની લાશ પર હૈયાફાટ આક્રંદ કરી મૂકવું એ સેક્યુલારિઝમ હતું! અને દરમિયાન ‘અધિકાર’ અને ‘સ્વાતંત્ર્ય’ જેવા શબ્દો વાપરીને, સંસ્થાઓ બનાવીને, ગુજરાતને અને ગુજરાતીઓની અસ્મિતાને ચાબુકો ફટકારવા જેવી મજા બીજે ક્યાં હતી?

ફરીથી ગુજરાત ફોકસમાં આવી રહ્યું છે. વડોદરાનો બેસ્ટ બેકરી કેસ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એટલે કે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને ઉછાળ્યો છે. કોંગ્રેસી અમરસિંહ ચૌધરીએ કહ્યું છે કે આ માનવ અધિકાર પંચની ટીકા એ ન્યાયતંત્રની ગરિમાને લાંછનરૂપ છે. હાઈકોર્ટના વકીલ હાશિમ કુરેશીનું કહેવું છે કે આ બધા કેસો ગુજરાતની બહારની કોર્ટોમાં થવા જોઈએ. નેશનલ કમિશન ફોર મિનોરિટીઝ અને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વી.એન. ખરેને આ બાબતે મળવા માગે છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ આ મુદ્દા પર કૂદી પડે એ એમના ભૂતકાળના રેકર્ડનો એક ભાગ છે.


એન.જી.ઓ. અથવા ગેરસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ નેગેટિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ, પાકિસ્તાનઇંડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રસી, સહમત અને બીજા એન.જી.ઓ. દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાને પત્ર લખે છે કે તમે ગુજરાત નહીં આવો! યુનાઈટેડ ક્રિસ્ટીઅન ફોરમના સેટ્રીક પ્રકાશ અમેરિકા ઊડી રહ્યા છે, ગુજરાતમાં શું ખરાબ છે એ અમેરિકનોને કહેવા માટે! વકીલ ગિરીશ પટેલ આંતરરાષ્ટ્રીય દબાણની વાત દોહરાવે છે. તિસ્તા સેતલવાડ અને એમના પતિ જનાબ જાવેદ આનંદ સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થા પીસ સંસ્થા ચલાવે છે અને એમને ગુજરાતની જેટલી ચિંતા છે એટલી તમને અને મને પણ નથી! બેસ્ટ બેકરી કેસ ગુજરાતની બહાર ચાલવાની માગણી પેન્ડોરાઝ બોક્સ ખોલી નાખશે. ૧૯૮૪માં કોંગ્રેસ શાસન દરમિયાન શીખોની કતલ વખતે શીખ ફોરમે લઘુમતી કમિશનનો સંપર્ક કર્યો હતો, પણ લઘુમતી કમિશન ચૂપ રહ્યું હતું. ભાજપના વિજય મલ્હોત્રા કહે છે કે કેરાલાના મલ્લાહ હુલ્લડ કેસમાં ૮ માણસો મરી ગયા છે, એ કેસ કેરાલાની બહાર ચલાવવો જોઇએ! ગુજરાતને બદનામ કરતા રહેવાની પ્રવૃત્તિ અત્યારે પૂરબહારમાં છે. કાયદાએ જરૂર પોતાનું કામ કરતાં રહેવું જોઇએ પણ ઠરી ગયેલા અંગારને હવા નાખનારાઓ ફરીથી ભડકાવીને એમાં વિસ્ફોટ કરાવી જાય ત્યાં સુધી ઉદાસીન થઈ જવું લોકશાહીના હિતમાં નથી. શાંતિ એ કોઈ પણ વિકાસશીલ સમાજની પ્રાથમિકતા હોય છે, પણ અત્યારે તર્કપ્રતિતર્કની એક વિનાશક હવા ફૂંકાઈ રહી છે, જે વંટોળિયો ન બની જાય એ પ્રત્યેક શાંતિચાહક ગુજરાતીની ફર્જ બની જાય છે.

 

માનવ અધિકાર પંચની ગતિવિધિનો અમદાવાદની ક્રિમિનલ કોર્ટ્સના બાર એસોસિયેશને વિરોધ કર્યો છે, આવું પગલું અદાલતોની ન્યાયપ્રક્રિયામાં હસ્તક્ષેપરૂપ છે. જો દરેક રાજ્યની આ પ્રકારની કોઈ ઘટના માટે મુકદમો એ રાજ્યની બહાર જ ચલાવવાની દુરાગ્રહી દલીલ સ્વીકારવામાં આવે તો આવા કેસો ફરીથી ચલાવવા માટે અને નવા કેસો બહાર ખોલવા માટે અપીલોનો રાફડો ફાટી નીકળશે. ગુજરાત હાઈ કોર્ટના બાર એસોસિયેશને પણ માનવ અધિકાર પંચની આ ચેષ્ટાનો વિરોધ કર્યો છે અને સામાન્ય ગુજરાતીને માનવ અધિકાર પંચના આ સૂચનનો અર્થ ગુજરાતની અસ્મિતા પરના આક્રમણરૂપે સમજાય છે...!

 

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૨થી આજ સુધી, એટલે કે ઓગસ્ટ ૧૧, ૨૦૦૩ સુધી કેટલાંક નામો શા માટે અંગ્રેજી છાપાઓમાં હંમેશાં વારંવાર ઊછળ્યા કરે છે

સૌથી કનિષ્ઠ ભૂમિકા એવી બેઇમાન સંસ્થાઓની રહી છે, જે તક મળતાં જ ગુજરાત પર તૂટી પડે છે પણ અન્યત્ર આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે ત્યારે આંખો બંધ કરીને લુચ્ચી ચુપકીદી સાધે છે અને મોઢું ફેરવી લે છે. કેટલીક સંસ્થાઓ ગુજરાત વિષે અનાપસનાપ બોલી નાખે છે અને એમનાં નિવેદનો વાંચતી વખતે જ ખબર પડે છે કે આવી પણ કોઈ સંસ્થા અસ્તિત્વ ધરાવે છે. ત્રણ લુખ્ખાઓ ભેગા થઈને એક એન.જી.ઓ. બનાવી શકે છે, ગુજરાત વિષે કંઈક પણ બદદાનતી બકવાસ કરી શકે છે અને એવાં કેટલાંક અંગ્રેજી સમાચારપત્રો છે, જે આ બકવાસ અક્ષરશ: અને છાપાંના પાનાં પર સૌથી ઉપર, ધ્યાનાકર્ષક જગ્યાએ છાપી શકે છે, છાપે છે અને ગુજરાતની વિરુદ્ધ ચપાચપ અંગ્રેજીમાં જો તમે ઝેર ઓકી શકતા હો તો કેટલીક અંગ્રેજી ટી.વી. ચેનલો હાથ ફેલાવીને તમને ખુશી-ખુશી એમના પ્રોગ્રામોમાં આમંત્રવા માટે તૈયાર છે! સન્નિષ્ઠ, શિક્ષિત ગુજરાતીઓને એવું સતત લાગી રહ્યું છે કે ગુજરાતને બદનામ કરવાનું, ઉતારી પાડવાનું એક વિરાટ ષડ્યંત્ર ચાલી રહ્યું છે. બીજી તરફ આની સામે પ્રતિઘાત કરવામાં કે પ્રત્યાઘાત આપવામાં ગુજરાતી બૌદ્ધિકો તદ્દન નિષ્ક્રિય અને ઉદાસીન રહ્યા છે એ પણ સ્વીકારવું પડશે.

 

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૨થી આજ સુધી, એટલે કે ઓગસ્ટ ૧૧, ૨૦૦૩ સુધી કેટલાંક નામો શા માટે અંગ્રેજી છાપાઓમાં હંમેશાં વારંવાર ઊછળ્યા કરે છે અને એ નામોને ગુજરાતમાં કંઈ જ સારું દેખાતું નથી? કે પછી એમને અપાતાં કવરો અમેરિકન ડોલરો કે પાકિસ્તાની રૂપિયાઓથી ભરેલાં હોય છે? આ વિષે પણ ઉચ્ચ સ્તરીય સંશોધન થાય તો સાડા પાંચ કરોડ ગુજરાતીઓને જરૂર ગમશે... ક્લોઝઅપઃ નલ્લા પોએના સાઇન લેગે - લેટિન કહેવત (અર્થ: કાનૂન વિના કોઈ સજા નહીં!) 

(મૂળ પ્રકાશન તારીખઃ 17 ઓગસ્ટ 2003)

અન્ય સમાચારો પણ છે...