તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૉક્સનો ત્રીજો પ્રકાર, જેમાં હસવું ફરજિયાત છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટુચકા અથવા જૉક્સને આમ તો વેજ અને નોનવેજ એમ બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેમાં હસવું કે ના હસવું એ તમારી સેન્સ ઑફ હ્યુમર કે મૂડ પર નિર્ભર કરે છે. પણ જૉક્સનો એક ત્રીજો પ્રકાર પણ હોય છે જેમાં તમારી સેન્સ ઑફ હ્યુમર કે મૂડ કોઈ પણ સ્તરના હોય તો પણ તમારી પાસે ખડખડાટ હસીને લોટપોટ થઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એ છે બોસ દ્વારા કહેવાયેલો જૉક. બોસના જૉક્સ પર હસવું એ આધાર કાર્ડ જેટલું જ ફરજિયાત માનવામાં આવે છે. જો દર મહિને ચૂકવવી પડતાં ઇએમઆઇ-બિલોની યાદી લાંબી હોય તો બોસના મુખેથી સરી પડેલી ઉધરસ પણ કર્ણપ્રિય લાગવા માંડે છે.   

 

બોસ અથવા ઉપરી અધિકારી એક વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે. આ દલીલ સાથે સંમત ન હોય તેમને કોઈ પણ સરકારી ઓફીસમાં ‘મહિલાઓ માટે’, ‘પુરૂષો માટે’ અને ‘અધિકારીશ્રીઓ માટે’ લખેલા પાટીયા વંચાવી શકાય છે. વ્યક્તિત્વની વિશિષ્ટતાને લીધે જ આ અલગ શ્રેણી રચવામાં આવી છે એવું માનનારો વર્ગ ઘણો મોટો છે. આમ તો દરેક ઓફીસમાં હાજરી પૂરવા માટે અલગ રજીસ્ટર કે મશીન મૂકાયેલા હોય છે પણ ખરી હાજરી તો ઉપરીના દરબારમાં કુરનીશ બજાવ્યા પછી જ પૂરાયેલી ગણાતી હોય છે. દરેક ઉપરીને પણ પાછા બીજા ઉપરી હોય છે. ‘સર્વોપરિ’ શબ્દ આ ઉપરીઓની ઉપરી પરથી જ ઉતરી આવ્યો હોઈ શકે છે. 

 

સામાન્ય માણસને પરિવારમાં લગ્નપ્રસંગ હોય ત્યારે માંડ નામ આગળ શ્રી લખેલું જોવાની તક મળે છે પણ ઉપરીઓના કેસમાં નામ સાથે શ્રી નહીં પણ શ્રી સાથે નામ જોડાયેલું હોય છે. એટલું જ નહીં તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓ-વસ્તુઓને પણ આદર આપવો પડે છે (અધિકારીશ્રીના મોબાઇલશ્રીનું ચાર્જરશ્રી). સરકારી ઉપરીઓનું વ્યક્તિત્વ કોઈ પણ પ્રકારના સરકારી પરિપત્ર વિના એકદમ અક્કડ હોય છે. કેટલીક વાર તો આ અક્કડતા એટલી તો કડક હોય છે કે તેમને હસાવવા એ એસબીઆઇમાંથી હોમ લોન મેળવવા કરતા વધારે અઘરું કામ બની માનવામાં આવે છે. શોલેમાં ડાકુઓ રામગઢમાં ધસી આવે ત્યારે જેવી અફરાતફડી સર્જાય છે એવો જ માહોલ ઉપરીઓના આગમન ટાણે ઓફીસમાં સર્જાય છે. ઓફીસની સ્થિતિ તો વધારે કપરી હોય છે, કારણ કે અહીં કોઈ જય અને વિરુ મદદે આવવાના નથી હોતા. 


તમે માર્ક કરજો. ઓફીસ સરકારી હોય કે અસરકારી. જૉક્સની જેમ ઉપરીઓના પણ બે પ્રકાર પડે છે. એક, જેમના આગમનથી કર્મચારીઓને લાગવા માંડે છે કે હાશ, હવે અટકેલા કામ પૂરા થશે. અને બે, જેમના આગમનથી કર્મચારીઓને લાગવા માંડે છે કે હવે પૂરા થઈ રહેલા કામ અટકી જશે.  

અન્ય સમાચારો પણ છે...