તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરવે ઊગ્યું આકાશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષોથી પિંજરમાં મૂંઝાતું મનપંખી જુગજૂનાં પીંછાંઓ ખેરવે,
આજ સખી ઊગ્યું આકાશ મારા ટેરવે.

ઓચિંતુ આવીને વળગી પડ્યું ને મારી લેખણમાં ફૂંક્યા છે પ્રાણ,
કાગળને રોમરોમ ફૂટ્યા છે શબ્દો ને ફૂટી છે ગુલમ્હોરી ઘ્રાણ,
સૂકીભઠ્ઠ કોરી હથેળીએ બેસીને હળવેથી મોરપીંછ ફેરવે.  
આજ સખી... 

અંદરથી સાફ કર્યાં ભ્રમણાનાં જાળાં ને રુઝાવ્યા ઝખ્મો કંઈ આળા,
ખખડાવી ખખડાવી ખોલાવી ભીંતો ને તોડાવ્યાં ભારેખમ તાળાં,
સદીઓથી ચોફરતે વીંટાઈ બેઠેલા અણદીઠા પરદાઓ સેરવે. 
આજ સખી ... 
- પારુલ ખખ્ખર

 

ક્યાંક ભક્તિભાવથી તન્મય બનીને શબ્દોમાં ભાવપ્રવાહ વહેવડાવતી મીરાં કે ક્યાંક પતિને સન્માર્ગે વાળવા ‘પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ’ જેવી શીખ પોકારતી સતી તોરલ એ સ્ત્રીઓ રચિત ગુજરાતી કવિતાનો પાયો છે. અલબત્ત, તેમણે કવિતા રચવાના ઉદ્દેશથી આ કર્યું નથી. એમણે મગન થઈને જે ભાવોને ગાયા, લોકોએ ઝીલ્યા, વધાવ્યા, પ્રસરાવ્યા... શું જોઈએ કવિતા રચવા માટે? શબ્દો જોઈએ તો ડિક્શનરીઓનો દુકાળ નથી.

 

કાવ્ય રચના માટે માળખું કે કળા સમજવી હોય તો વિવેચકોનો મેળો છે, પણ ત્યાંથી કવિતા ન મળી શકે. કવિતા તો ઉદ્્ભવે સંવેદનાઓમાંથી. કવિતાને જોઈએ હૃદયની ઉત્કટ લાગણીઓ. એટલે જ ભલે સાદાસીધા શબ્દોમાંય સ્ત્રીઓની કવિતા દિલને વધુ સ્પર્શે છે.

‘ટેરવે ઊગ્યું આકાશ’ સ્ત્રીઓએ લખેલી કવિતાનું સંપાદન કરતાં કરતાં આ બધી બાબતોએ મારામાં ઊંડી ચેતના રેડી. સ્ત્રી હોવાનું ગૌરવ ફરી મારા ચિત્તમાં ઉજાગર થયું.

ગામડામાં છાણાં થાપતાં કે ઓકળીઓ પાડતાં અત્યંત સહજભાવે સ્ત્રીઓ ગીતો રચે છે, ગાય છે. એમ જ પાણી ભરતાં કે ગાયો દોહતાં કે ઘરકામ કરતાં એ ગીતો ગાય છે. જીવનના તમામ પ્રસંગોનાં ગીતો એણે રચ્યાં છે, પછી એ સીમંત હોય કે બાળજન્મ! સગાઈ હોય, લગ્ન હોય કે કન્યાવિદાય! શુભ પ્રસંગોને સ્તુતિથી વધાવવાથી માંડીને ગોરમહારાજ કે વેવાઈની ફટાણાથી ખબર લઈ લેવાનું સામર્થ્ય સ્ત્રીનાં ગીતોમાં છે.

 

જીવનનું એક પણ પાસું એવું નથી કે જ્યાં સ્ત્રીઓનાં ગીતો ન મળે! અરે! મૃત્યુમાં પણ સ્ત્રીઓએ મરશિયાથી મોં વાળ્યું છે. આજે મંચ પરના આયોજિત કાર્યક્રમો કે રેકોર્ડેડ ગીતોને સાંભળીએ ત્યારે પેલાં સ્ત્રીઓનાં લાઇવ ગીતોની બહુ ખોટ સાલે છે અને મહત્ત્વની વાત એ છે કે ક્યાંય એણે પોતાનું નામ ગીત સાથે જોડ્યું નથી. એને પોતાના નામની ખેવના જ નથી એટલે તો બાળકને જન્મ આપે છે, ઉછેરે છે ને તોય નામ પિતાનું આપે છે. સ્ત્રીઓને કવિતા શીખવાની જરૂર નથી. એ તો એના લોહીમાં છે, નસ નસમાં વહે છે. 


‘ટેરવે ઊગ્યું આકાશ’ સ્ત્રીઓએ લખેલી કવિતાનું સંપાદન કરતાં કરતાં આ બધી બાબતોએ મારામાં ઊંડી ચેતના રેડી. સ્ત્રી હોવાનું ગૌરવ ફરી મારા ચિત્તમાં ઉજાગર થયું. સ્ત્રી શક્તિનો જ અવતાર છે એ બાબત ફરી મારા હૃદયમાં રેડાઈ. આજે ઉત્તમ સાહિત્ય રચનારી અનેક સ્ત્રીઓ છે કે જેમણે પોતાના સંસારની, બાળઉછેરની ફરજો અદા કર્યા પછી જ્યારે તેને પોતાના માટે શ્વાસ લેવાનો વખત મળ્યો ત્યારે કલમ ઉપાડી સફળતાથી શિખરો સર કર્યાં છે.

 

આ સ્ત્રીઓની વય જે હોય, એની લેખનવય કેટલી છે એ ધ્યાનમાં રાખી એને નવાજવામાં આવે, એના માટે આગળ રસ્તા ખુલ્લા કરવામાં આવે એ વિચારીએ. ‘ટેરવે ઊગ્યું આકાશ’ પુસ્તકના વિમોચન પછી અવસરને વધાવતાં પારુલ ખખ્ખરે ગીત લખ્યું એ આનંદ અને એ નિમિત્તે આ વાત લખાઈ એનો આનંદ.
lata.hirani55@gmail.com 

અન્ય સમાચારો પણ છે...