તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝંખનાનું આકાશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક મુઠ્ઠીમાં હું આખ્ખું આકાશ ભરી આવી,
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી.
એક રેતીનું નગર હતું ને પગલાં ભીનાં,
ફરતે મારી છે દરિયો ને હું તરસ વિના.
હું ખોબામાં ક્ષિતિજને લે ભરી આવી,  
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી...
એક હતો રૂમાલ અને એક હતી વીંટી,
ટાંગી દીધેલી મેં યાદો ત્યાં જ હતી ખીંટી,
હળવો તેં આપ્યો સાદ ને હું સરી આવી!
તારી આંખોમા લે સાત દરિયા તરી આવી...
હથેળીમાં ઊગ્યા તો થયું કે તકદીર છે.
મૂઠીમાં ભર્યું તો લાગ્યું કે નર્યું નીર છે.
સાત પગલાંમાં સપ્તપદી ફરી આવી!
તારી આંખોમા લે સાત દરિયા તરી આવી. 
- નિકેતા વ્યાસ

 

દિવસ ઊગે છે, સાંજ ઢળે છે, રાતનું ઘોર અંધારું છવાય છે ને ફરી પ્રકાશનો ઉદય થાય છે. સૂર્ય ઊગે છે ને ફરી સવાર પથરાય છે. પાન ખરે છે ને નવી કૂંપળ ફૂટે છે. કુદરતનાં તમામ તત્ત્વો માનવીમાં આશાના દરિયા ઠાલવે છે. આજે ગમે એટલી નિરાશા, હતાશા કેમ ન હોય!

 

આવતીકાલ નવી આશા લઈને આવે જ છે. કેટકેટલા પ્રેમીઓ છૂટા પડે છે! અરે! પ્રેમ કરીને પરણ્યા પછી લડે છે, ઝઘડે છે અને છૂટા પડે છે ત્યારે થાય છે પેલી મીઠી મીઠી વાતો ને જીવનભર સાથે રહેવાના વાયદાનું શું થયું? આવાં સેંકડો ઉદાહરણો નજર સામે જીવતાં હોય તોય કોઈ પ્રેમમાં પડે ત્યારે એમ જ વિચારશે કે અમારી વાત જુદી! દરેક પ્રેમી પોતાને શીરીં-ફરહાદ કે હીર-રાંઝા જ સમજે અને જીવનમાં એની તો મજા છે. બાકી આ સૃષ્ટિમાં ક્યારનુંય ફૂલોએ ખીલવાનું ને પંખીઓએ ચહેકવાનું બંધ કરી દીધું હોત! 


પ્રેમમાં પાગલ થવાની મજા જ કંઈ ઓર છે. આવડું મોટું આકાશ મુઠ્ઠીમાં લાગે ને આંખોના દરિયામાં ડૂબેલા રહેવામાં જન્મ સાર્થક થયેલો લાગે એ કોઈ નાનીસૂની વાત છે! ભવિષ્યમાં જે થવાનું હોય એ થાય, (અલબત્ત, પ્રેમમાં પડેલા આવું નથી વિચારતા હોતા) પણ કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકતા એનું જે રૂપ દેખાડવું હોય એ દેખાડે, પણ આજની રંગીન, આજની માસૂમિયત, આજની મધુરતા એ અનોખી જ છે, દરેકની પોતાની અલાયદી છે અને આગવી છે.   


ખોબામાં ક્ષિતિજ ભરી લેવાની હોંશ જ્યારે આંખોમાં મેઘધનુષી સપનાં છલકાતાં હોય ત્યારે જ થાય. રૂમાલ અને વીંટી એ જૂની જાણીતી અને છતાંય સૌને પ્રિય એવી કથા છે. વગર બોલાયું સંભળાય અને નજરથી જ સઘળા ભેદ ઉકેલી દેવાય એ પ્રેમની કારીગરી છે. હથેળીની એક એક રેખા પ્રિયતમના નામને લઈને જ ખૂલતી હોય ત્યારે તકદીરના લેખ પોતે જાતે જ લખ્યા છે ને એમાં કોઈ મીનમેખ થવાનો નથી એવું ન લાગે તો બીજું શું થાય? પળેપળ એક નામસ્મરણ થયા કરે ને હોઠ ખૂલ્યા વગર સતત કંઈક કહ્યા કરે. મનમાં ઊઠેલી તીવ્ર ઇચ્છા દરિયાપાર પણ કે કોઈ સાધન સંદેશ વગર પણ પહોંચી જાય એ પ્રેમનો કમાલ છે. 


આ અનુભવમાંથી તમે પસાર થયા છો? જો હા, તો આ તમારી ખુશનસીબી છે. જો ના, તો તમને મારી નવા વર્ષની શુભેચ્છા કે જીવનમાં એકવાર આ લહાવો જરૂર મળે. 
lata.hirani55@gmail.com 

અન્ય સમાચારો પણ છે...