તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમિલીની નજરે : સુભાષચંદ્ર બોઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નામ : એમિલી સુભાષચંદ્ર બોઝ
સ્થળ : વિયેના
ઉંમર : 85 વર્ષ
સમય : 18 ઓગસ્ટ, 1995

 

ઇન્ડિયા આઝાદ થયાને પચાસ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. આજે સુભાષનો જન્મદિવસ છે. ભારતમાં આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. યુરોપિય અખબારોએ પણ એની નોંધ લીધી છે, પરંતુ કોઈએ ‘એમને’ યાદ કર્યા નહીં. ‘એ’ હોત તો એમને આનંદ થયો હોત.

 સુભાષ ભારત ગયા. અમારી વચ્ચે પત્રવ્યવહાર થતો રહ્યો. મેં સુભાષને લખેલા પત્રો મારી પાસે નથી, પણ સુભાષના લખેલા પત્રો મારી પાસે છે! મારા જીવવાનું કારણ જ સુભાષના એ પત્રો છે એમ કહું તો ખોટું નથી

એમનું સ્વપ્ન હતું, ‘આઝાદ ભારત.’ એમની સેનાનું નામ પણ ‘આઝાદ હિન્દ ફોજ’ હતું. એ જીવ્યા આઝાદ ભારત માટે, એમનું મૃત્યુ પણ દેશ માટે જ થયું. હું એમની વિધવા છું. મારું નામ એમિલી બોઝ છે. જોકે, આ વાત કોઈ માનતું નથી. કોઈએ મને સ્વીકારી નથી. મને કે મારી પુત્રીને એમના ફેમિલીની સરનેમ નથી મળી, છતાં હું મારું નામ એમિલી બોઝ લખું છું - એમિલી સુભાષચંદ્ર બોઝ.

 

આમ તો મારું નામ એમિલી શેન્ક છે. અંગ્રેજી સ્પેલિંગ Schenkl થાય છે. કોઈ એનો ઉચ્ચાર શેન્કલ કરે છે, ખાસ કરીને ભારતીયોને યુરોપિયન સેકન્ડ નેમનો ઉચ્ચાર કરતાં ઘણી તકલીફ પડે છે. અમારું કુટુંબ કેથલિક ધર્મ પાળતું અને યુરોપિયન ઢબે જીવતું હતું. ક્યારેક ભારતીયોના પરિચયમાં આવવાનું થતું ત્યારે અમારા ફેમિલી નેમનો ઉચ્ચાર સાંભળીને મને હસવું આવતું. પહેલી વાર મેં મારા નામનો સાચો ઉચ્ચાર સાંભળ્યો અને હું આશ્ચર્યથી એમની સામે જોતી રહી! નમણો ચહેરો, ભાવવાહી આંખો, ડાર્ક સ્કિન અને વ્યવસ્થિત ઊંચાઈ સાથે સુદૃઢ શરીર.

 

એમણે સસ્મિત મને આવકારી, બેસવાનું કહ્યું. હું નર્વસ હતી. ડૉ. માથુર મને એમની પાસે લઈ ગયેલા, મારે સેક્રેટરી તરીકેનું કામ કરવાનું હતું. હું શોર્ટહેન્ડ અને અંગ્રેજી સારું જાણતી. ડૉ. માથુરે મને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. આ પહેલાં મેં બે-ચાર ઇન્ટરવ્યૂ આપેલાં જેમાં હું નાપાસ થયેલી એટલે આ નોકરી મને નહીં જ મળે એવી ખાતરી સાથે હું આ બંગાળી પુરુષ સુભાષચંદ્ર બોઝને મળવા ગયેલી.


ડો. માથુર એનું નામ પરફેક્ટ બોલી શકતા, પણ મને સુભાષચંદ્ર બોલવામાં તકલીફ પડી એટલે મેં શેકહેન્ડ કરતાં કહેલું, ‘નાઇસ મીટિંગ યુ મિ. બોઝ’ એમના હાથ ખૂબ નરમ હતા. એમની પકડમાં ઉષ્મા અને આવકાર અનુભવી શકી હું. એમના સ્મિતથી મારી નર્વસનેસ ઓછી થઈ. એમણે કહેલું, ‘ડોન્ટ ફિજીટ, જસ્ટ કામ ડાઉન’ એક માણસ થોડી મિનિટોમાં સામેની વ્યક્તિને આટલી અદ્્ભુત રીતે વાંચી શકે એ જોઈને મને નવાઈ લાગી. મેં જીસસને પ્રાર્થના કરી મને આવા ભલા અને સારા માણસ સાથે કામ કરવા મળે તો સારું!


હું એમની સાથે કામ કરવા લાગી. 1936નો સમય હતો. સુભાષ ઘણું કરવા માગતા હતા. એ ભારતને આઝાદ જોવા માગતા હતા. એમણે મને એમના પુસ્તક માટે નોકરીએ રાખી હતી. એમના પર આવતા પત્રોના જવાબ આપવા, એપોઇન્ટમેન્ટ આપવી સાથે એમના લેખો, પુસ્તકનું કામ ચાલતું રહેતું. ક્યારેક વાતે ચડે ત્યારે સુભાષ આઝાદ ભારતના એમના સ્વપ્નની મારી સાથે ચર્ચા કરતા. એ કહેતા, ‘બે કરોડ અંગ્રેજો 60 કરોડ ભારતીયો પર રાજ કરે છે.

 

આ બે કરોડ લોકોને હરાવવા અઘરા નથી. ભારતીયોનો પ્રશ્ન એ છે કે અમે ક્યારેય એકબીજાનું સન્માન કરી શકતા નથી. એક થઈ શકતા નથી. સ્વાર્થમાંથી મુક્ત થઈને જોઈ શકતા નથી. સ્વતંત્રતાનું મૂલ્ય કરી શકતા નથી. અમને ગુલામ રહેવાનું ફાવી ગયું છે.’ હું આશ્ચર્યચકિત થઈને સાંભળ્યા કરતી. એમનું તેજ અને ઝનૂન જોઇ ક્યારેક હું વિચારતી, આ માણસ લગ્ન કેમ નહીં કરતો હોય!


હું ક્યારે એમના પ્રેમમાં પડી એ મને ખબર જ ન પડી, પણ સુભાષ મને ચાહી શકે એ વાત કલ્પના બહાર હતી. એક દિવસ સાંજે હું કામ પૂરું કરીને ઘરે જઈ રહી હતી, ત્યારે સુભાષે મને ડિનર માટે ઇન્વાઇટ કરી. એ સાંજે અમે ખૂબ વાતો કરી. સુભાષે એમના કુટુંબ, અંગત જીવન વિશે માહિતી આપી. સુભાષનો જન્મ કટકમાં થયેલો. પિતા જાનકીનાથ બોઝ વકીલ હતા. સુભાષનું શિક્ષણ કલકતા અને પછી કેમ્બ્રિજમાં થયેલું. એમનાં મા પ્રભાવતીદેવી સુભાષને ખૂબ ચાહતાં. એમને બાળપણથી જ સુખ-વૈભવની આદત હતી, જ્યારે હું નીચલા મધ્યમ વર્ગની છોકરી હતી.

 

મેં મારા જીવન વિશે કહ્યું, મારા ગ્રાન્ડફાધર જૂતાં સીવતા. મારા પિતાએ મને ઘણી મોડી સ્કૂલમાં મૂકી, કારણ કે યુરોપમાં યુદ્ધ ચાલતું હતું.  સ્કૂલની ફી પોષાય એમ નહોતી છતાં માના આગ્રહથી મને ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું. હાઈસ્કૂલના પરફોર્મન્સથી નિરાશ થઈને પિતાએ મને નન બનાવવાનું નક્કી કરી લીધું. ‘નનરી’માં દાખલ કર્યા પછી મારા વિરોધ અને નનરીના નેગેટિવ રિપોર્ટને કારણે મને સેક્રેટરી કોલેજમાં દાખલ કરવામાં આવી. મેં એક દિવસ સુભાષને કહી દીધું, ‘હું તમને ચાહું છું.’


અમે 1937માં હિન્દુવિધિથી લગ્ન કરી લીધાં. જોકે, એના કોઈ પ્રિસ્ટ (પૂજારી) સાક્ષી કે સિવિલ રેકોર્ડ નહોતો. સુભાષ ભારત ગયા. અમારી વચ્ચે પત્રવ્યવહાર થતો રહ્યો. મેં સુભાષને લખેલા પત્રો મારી પાસે નથી, પણ સુભાષના લખેલા પત્રો આજે પણ મારી પાસે છે! મારા જીવવાનું કારણ જ સુભાષના એ પત્રો છે એમ કહું તો ખોટું નથી. 1941ના એપ્રિલમાં સુભાષ જર્મની આવ્યા. એમને જુદો બંગલો ફાળવવામાં આવ્યો. જર્મની આવ્યા એવી એમણે મને સાથે રહેવા બોલાવી લીધી. એ વર્લ્ડવોરના દિવસો હતા.

 

આખું યુરોપ ડિપ્રેશનમાં હતું. બટલર, કૂક અને માળી સાથેનો બંગલો, ડ્રાઇવર સાથેની ગાડી. સુભાષ અહીં પણ વૈભવી જીવન જીવવા લાગ્યા હતા. મારું એમની સાથે રહેવું ઘણા લોકોને નહોતું ગમતું. વર્લ્ડવોરના સમયમાં બધા જ ખરાબ જીવન જીવી રહ્યા હતા ત્યારે હું સુભાષની સાથે વૈભવી જીવન જીવતી હતી. અમારાં લગ્ન નહોતાં થયાં એવું બધાં માનતા અને નીચલા મધ્યમ વર્ગની છોકરી આવું વૈભવી જીવન જીવેે એ વિશે અમારા બટલર અને હાઉસ મેનેજરને અણગમો હતો. એ લોકો માનતા કે હું એમના ક્લાસની હતી, મારે એમના જેવું જ જીવન જીવવું જોઈતું હતું. હું સુભાષને કારણે એ ઘરમાં રહી. એ મને ચાહતા હતા. મેં એમને પ્રેગ્નન્ટ હોવાના સમાચાર આપ્યા ત્યારે સુભાષે મને કહેલું, ‘તેં મને અમર કરી નાખ્યો. હવે હું આપણા સંતાનના સ્વરૂપે જીવીશ.’


નવેમ્બર 29, 1942માં મારી દીકરીનો જન્મ થયો. અમે એનું નામ અનાઇતા પાડ્યું. સુભાષ અેને ખૂબ ચાહતા હતા, પરંતુ આઝાદ હિન્દ ફોજના યુદ્ધ માટે એ મને છોડીને નીકળ્યા. ફેબ્રુઆરી 1943, જર્મન સબમરીન પર એ નીકળ્યા ત્યારે હું એમને મળવા ગયેલી. જાપાનીઝ સબમરીન અને જાપાને કબજે કરેલું સાઉથ ઈસ્ટ એશિયા વટાવતા એ આઝાદ હિન્દ ફોજ સાથે આસામનાં જંગલોમાં પહોંચ્યાં, પણ વરસાદ અને મેલેરિયાને કારણે એમના સૈનિકો મરવા લાગ્યા. જાપાનની મદદ છતાં આઝાદ હિન્દ ફોજ ભારત સુધી પહોંચી જ નહીં. નિરાશ અને થાકેલા બીમાર સુભાષ 18 ઓગસ્ટ, 1945ના દિવસે છટકવાનો પ્રયત્ન કરતા હતા. તાઇવાનમાં એમનું વિમાન ક્રેશ થયું અને સુભાષ અમને છોડી ગયા.

દુનિયા સ્વીકારે કે નહીં, અમારાં લગ્ન કાયદેસર હતાં કે નહીં એ ચર્ચા વિના મેં સુભાષને મારા પતિ માન્યા છે અને ચાહ્યા છે.

લોકો માને છે કે આ વિમાન કદી પડ્યું જ નહોતું. હું સુભાષને ઓળખું છું ત્યાં સુધી સુભાષ કશાયથી તૂટે એવા નહોતા. હું મારી મા અને દીકરી સાથે વિયેનામાં રહી. અખબારો અને મીડિયાએ અમારા વિશે લખ્યું ત્યારે સરતચંદ્ર બોઝ, સુભાષના મોટા ભાઈએ અમને સ્વીકારવાનો પ્રયત્ન કરેલો. એ અમને ઓસ્ટ્રિયા મળવા પણ આવેલા, પણ અમે ભારત જઈ શક્યાં નહીં. મેં કદી સુભાષ વિશે કોઈને કશુંયે કહ્યું નથી. અનાઇતાના પ્રશ્નોના જવાબ આપી શકાય એટલા આપ્યા છે મેં, કેટલાક જવાબો તો મારી જ પાસે નહોતા! ચહેરો સુભાષની યાદ અપાવે છે. એમના જેવી જ હિંમતવાળી છે. એણે પણ ક્યારેય સુભાષનું નામ વટાવવાનો પ્રયાસ ન કર્યો એનો મને આનંદ છે. 


દુનિયા સ્વીકારે કે નહીં, અમારાં લગ્ન કાયદેસર હતાં કે નહીં એ ચર્ચા વિના મેં સુભાષને મારા પતિ માન્યા છે અને ચાહ્યા છે. મારા જીવનમાં એક જ પુરુષ સુભાષચંદ્ર બોઝ છે ને એમના જીવનમાં એક જ સ્ત્રી હતી એમ હું માનું છું, કારણ કે મને એમ માનવાથી સુખ મળે છે.  kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...