તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસ્કૃતિની જાળવણી પણ અવશેષોની અવગણના?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 ‘હું નવેક વર્ષનો હોઈશ. એ દિવસે સ્કૂલમાંથી વહેલા છોડવામાં આવ્યા. મારા શિક્ષકે કહ્યું હશે એટલે કોઈએ મને વાત કરી નહીં, પરંતુ સ્કૂલેથી પાછો ફર્યો ત્યારે મારા પિતા ઉદાસ ચહેરે મારી રાહ જોતા હતા. એમણે મને છાતીસરસો ચાંપી દીધો અને કહ્યું, ‘બેટા! બાપુ ગયા.’ મને રડવું ન આવ્યું, હું કદાચ મૃત્યુની પીડા સમજવા માટે બહુ નાનો હતો, પરંતુ મને એમનું બોખું હાસ્ય, આંખોમાંથી ઝરતો સ્નેહ અને મારા માથા પર મુકાતો વાત્સલ્યપૂર્ણ હાથ યાદ આવી ગયા.

સમયનેે અટકાવી ન શકાય, પણ એને જાળવી શકાય. સંસ્કૃતિ ત્યારે જળવાય, જ્યારે બદલાતા સમય સાથે બદલાતી જતી પેઢીઓ માટે આપણે વિતેલા દિવસોનું દસ્તાવેજીકરણ કરી શકીએ

 

એ વખતે વડાપ્રધાન નેહરુુનો સંદેશ રેડિયો પર વારંવાર સંભળાવવામાં આવતો રહ્યો, ‘દોસ્તો અને કમાન્ડર્સ, એક જ્યોતિ આપણા’ જીવનમાંથી ચાલી ગઈ છે અને હવે ચારેય તરફ અંધારું છે. મને ખબર નથી. મારે આ કેવી રીતે કહેવું, પરંતુ આપણા સૌના પ્રિયનેતા જેમને આપણે બાપુ કહેતા, એવા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી રહ્યા. હું ઇચ્છું છું કે મારી વાત ખોટી હોય, પરંતુ હવે આપણે એમને ફરી નહીં જોઈએ શકીએ.

 

જેવી રીતે એમને આપણે આટલાં વર્ષો સુધી જોતા રહ્યા છીએ. આપણે નાની નાની વાત માટે સલાહ કે સધિયારું શોધવા એમની પાસે પહોંચી જતા, એવું હવે નહીં થઈ શકે. આ ઘટના મારા માટે જ નહીં, પણ આ દેશના લાખો-કરોડો માટે એમના અંગત સ્વજન ગુમાવવા જેટલી પીડાદાયક છે.’ મારા પિતાની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મને કપડાં બદલાવીને મારા પિતાજી બાપુનાં દર્શન કરવા લઈ ગયા. બિરલા હાઉસમાં બાપુને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલા. લાખો લોકોની ભીડ હતી. અમે પણ એમના મૃતદેહ પાસે જઈને થોડીક ક્ષણો ઊભા રહ્યા. એમની આંખો બંધ હતી, પણ આંખો તો ધ્યાનમાં હોય ત્યારેય બંધ રહેતી.

 

એ પછી જ્યારે આંખો ઉઘાડે, ત્યારે એમાંથી સ્નેહનો ફુવારો નીકળતો. મને યાદ છે, હજી ગયા અઠવાડિયે જ મને મારા પિતા દેવદાસ ગાંધી બાપુને મળવા અહીં બિરલા હાઉસ લઈ આવેલા. મેં નવાં ચશ્માં કરાવેલાં. બાપુની તેજ નજરથી આ ચશ્માં બચી શક્યાં નહીં. એમણે મને પૂછ્યું, ‘નવાં ચશ્માં કરાવ્યાં કે રાજમોહન?’ મેં ડોકું ધુણાવીને હા પાડી, બાપુએ કહ્યું, ‘તું ઘણો રૂપાળો લાગે છે. પહેલાં કરતાં વધુ દેખાવડો, ખરું કે?’ હું શું બોલું? મને ખબર જ હતી કે હવે બાપુ કંઈક કહેશે ને એમણે કહ્યું, ‘નવાં ચશ્માં તો કરાવ્યાં, પણ નવી દૃષ્ટિ મળી કે?’ સહુ હસી પડ્યા. હું સહેજ ભોંઠો પડ્યો. બાપુએ પોતાની પાસે બોલાવીને મને વહાલ કર્યું ને પછી કહ્યું, ‘રાજમોહન, રૂપાળા દેખાવવા વિશે કાંઈ ફરિયાદ નથી, પણ મન રૂપાળું કરવું ને ચશ્માં સાથે નવી દૃષ્ટિ પણ ઊઘડે એવો પ્રયાસ કરવો. કરીશને?’ મેં ડોકું ધુણાવીને હા પાડી.


મોહનદાસ કરમચંદ ગાંધીના પુત્ર રાજમોહન ગાંધીએ મારી સાથેના એક ઇન્ટરવ્યૂમાં પોતાની સ્મૃતિ આ રીતે શેર કરી હતી. બાપુ વિશે એમણે ઘણી વાતો કરેલી, પણ આજના દિવસે આ સ્મૃતિ વધુ પ્રસ્તુત છે, કારણ કે આજે 31 જાન્યુઆરી છે. ગઈ કાલે, 30મી જાન્યુઆરીએ બાપુ ઉપર ચાલેલી ત્રણ બુલેટની ગુંજ લગભગ સાત દાયકા પૂરા થવા આવ્યા છતાં હજીયે હૃદયનો થડકારો ચૂકવી દે એટલી ભયાવહ લાગે છે. બિરલા હાઉસમાં પ્રાર્થના માટે જઈ રહેલા મોહનદાસ ઉપર નથુરામ ગોડસે નામના માણસે ગોળી ચલાવી. આ કથા જાણે ગઈ કાલની જ હોય એવી કેમ લાગે છે? 


જે માણસને આજે પણ કોઈ કોમોડિટીની જેમ વાપરતા આપણે અચકાતા નથી, એ આ દેશનો સૌથી વધુ મિસઅન્ડરસ્ટુડ-ગેરસમજનો ભોગ બનેલો માણસ છે. આપણે એને ‘રાષ્ટ્રપિતા’ કહીએ છીએ. શાળામાં બાળકોને ગાંધીજી વિશે અને સ્વતંત્રત્તા વિશે ભણાવવામાં આવે છે, પરંતુ ‘ગાંધી વિચાર’ કે ગાંધી સાથે જોડાયેલી કેટલી બધી બાબતો વિશે આપણે તદ્દન અજ્ઞાન અને અજાણ્યા છીએ તો બાળકોને-નવી પેઢીને ગાંધી વિશે શું કહી શકીશું? ગુણવંત શાહે ‘ગાંધી:નવી પેઢીની નજરે’ નામનું પુસ્તક લખ્યું છે.

 

એમણે ‘ગાંધીનાં ચશ્માં’, ‘ગાંધીની ઘડિયાળ’ અને ‘ગાંધીની લાકડી’ જેવાં પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોમાં એમણે ગાંધી વિચારને સમજાય એવી રીતે અણસમજુઓ સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. દિનકર જોશીનું પુસ્તક ‘ચક્રથી ચરખા સુધી’ ગાંધી અને કૃષ્ણને પરસ્પર જોડીને એમના વિચારને અંગત રીતે મૂલવવાનો તથા એકબીજા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે. એ સિવાય પણ ગાંધી વિશે ઘણું લખાયું છે. સહુએ પોતપોતાના અભિપ્રાયોને પોતપોતાની રીતે મૂકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ‘ગાંધી’ એક પ્રોડક્ટ તરીકે જેટલા વેચાયા છે, એક કોમોડિટી તરીકે જેટલા ચર્ચાયા છે એટલા એક વિચાર તરીકે કે એક વ્યક્તિ તરીકે સમજાયા નથી, આપણને!


સવાલ એક ગાંધીનો છે એવું નથી. કેટલાં બધાં નામો એમના સમયમાં ઓળખાયાં નહીં. નરસિંહ મહેતા હોય કે મીરાં, શિવાજી હોય કે બાજીરાવ પેશ્વા, પુરાણ હોય કે ઇતિહાસ, આજ હોય કે ગઈ કાલ. આપણને સૌને એવા લોકોનો જયજયકાર કરવાની ટેવ પડી છે જે લોકો આપણી વચ્ચે ન હોય. કબરો, સમાધિઓ, મકબરાઓ અને છત્રીઓ. પાળિયાઓ અને દંતકથાઓથી આ દેશ ખદબદે છે. ઓથેન્ટિક પુરાવા અથવા દસ્તાવેજીકરણ આપણને આવડતું નથી ને એની આપણને કોઈ કિંમતેય નથી. પૂનાના શનિવારવાડાને જોઈને છાતી ફાટી જાય એવું રડવાનું મન થઈ જાય, સંજય લીલા ભણશાલીના ‘શનિવારવાડા’નો સેટ જેણે કલ્પ્યો હોય એને તો અહીંનો શનિવારવાડાે ભયાનક લાગે!

 

ટાગોરનું શાંતિનિકેતન કે પોરબંદરનું મોહનદાસ કરમચંદ ગાંધીનું ઘર, કસ્તૂરબારનું ઘર. આ જગ્યાઓ વિશે આપણા મનમાં જે કલ્પનાઓ હોય એ તો જાણે સાચી નથી જ પડતી, પણ કસ્તૂરબાના ઘરમાં દીવાલો પર લખેલા ‘શીલા’ અને ‘પરેશ’ જેવાં નામો વાંચીને આ શીલા અને પરેશ જ્યાં હોય ત્યાંથી એમને ગોતીને તમાચો મારવાનું મન થાય. આપણે ‘પરંપરા’ અને ‘સંસ્કૃતિ’ના નામે જડતાને પકડી રાખી છે. સાચા અર્થમાં જેમનું ગૌરવ કરવું જોઈએ અથવા જેમની સ્મૃતિઓ જાળવીને રખાવી જોઈએ એ લોકોને આપણે સાવ આસાનીથી ભૂલી ગયા છીએ. જેમના નામે આપણે ભારતીય ઇતિહાસની અને પુરાણોની દુહાઈ દઈએ છીએ એવા કોઈ પણ લોકોનાં ઘર, લખવાની જગ્યાઓ કે એમની સાથે જોડાયેલાં સ્થળોને સાચવી શક્યા નથી આપણે! અમદાવાદમાં અખાનું ઘર હોય કે સુરતમાં નર્મદનું ઘર, ક.મા.મુનશીની ઓફિસ હોય કે અહલ્યાબાઈ હોળકરનો મહેલ, લક્ષ્મીબાઈનું ઘર કે શિવાજીનો લાલમહેલ.

 

આ કોઈ સ્મૃતિસ્થાનોને આપણે સાચું મહત્ત્વ આપી શક્યા જ નથી. અહલ્યાબાઈએ બંધાવેલા ઘાટ, અશોકનો શિલાલેખ કે મીનાકુમારીના-સંજીવ કુમારના ફિલ્મફેર એવોર્ડ્સ, ક્યાં છે આ બધું? સવાલ સમયનો નથી, સવાલ સાચવણીનો છે. હજી ગઈ કાલે ખોવાયેલા લોકો વિશે પણ આપણી પાસે પૂરતું દસ્તાવેજીકરણ નથી. પ્રવીણ જોશી, શૈલેશ દવે, કાંતિ મડિયા જેવા નાટ્યકર્મી વિશે કેટલી વિગતો મળી શકે?

સાચા અર્થમાં સંસ્કૃતિ ત્યારે જળવાય, જ્યારે બદલાતા સમય સાથે બદલાતી જતી પેઢીઓ માટે આપણે વિતેલા દિવસોનું દસ્તાવેજીકરણ કરી શકીએ. 

એની સામે પશ્ચિમ પાસે એક અજબ જેવી સાચવણીની આવડત અને સમજણ છે. શેક્સપિયરનું ઘર હોય કેન્સિંગ્ટન પેલેસ, ફ્રોઇડનું ઘર હોય કે હિચકોકનું ઘર, અમેરિકાના ફૂટબોલર્સનાં ટી-શર્ટ હોય કે રોક સ્ટારનાં ગિટાર્સ, એમણે ઇતિહાસને અકબંધ રાખવાનો પ્રયાસ કર્યો છે. એ લોકો સમયમાં એક આંકો પાડે છે. સમયને થિજાવી કે અટકાવી ન શકાય, પણ એને જાળવી શકાય એવી સમજ પશ્ચિમ પાસે છે. આપણે ગમે તેટલી ફિશિયારી મારીએ, પરંતુ ભાષાનાં થોથાંને માથે ઉપાડી યાત્રાઓ કાઢવાથી કે મંદિરોના જીર્ણોદ્વારથી સંસ્કૃતિ જળવાશે એમ માનનારા કાં તો પોતાની જાતને છેતરે છે અને કાં તો જનસામાન્યને મૂર્ખ બનાવે છે.

 

સાચા અર્થમાં સંસ્કૃતિ ત્યારે જળવાય, જ્યારે બદલાતા સમય સાથે બદલાતી જતી પેઢીઓ માટે આપણે વિતેલા દિવસોનું દસ્તાવેજીકરણ કરી શકીએ. સોશિયલ મીડિયાને આપણે ગમે તેટલી ગાળો દઈએ તો પણ એક મહત્ત્વનું પ્રદાન જે સોશિયલ મીડિયાએ કર્યું છે એને નજરઅંદાજ કરી શકાય એમ નથી. સોશિયલ મીડિયાએ પહેલી વાર દસ્તાવેજીકરણનું કામ કર્યું છે. કાર્યક્રમોથી શરૂ કરીને રોજિંદી જિંદગી સુધી, ઇતિહાસથી શરૂ કરીને સમયસમયાંતરે આવતા બદલાવને નોંધવા સુધીનું કામ સોશિયલ મીડિયા કરે છે. આવનારા થોડાં વર્ષોમાં આપણને જો કોઈનું પ્રવચન કે કોઈ કાર્યક્રમની વિગતો જોઈતી હશે તો એ સોશિયલ મીડિયાની ડિટેઇલ્સમાંથી મળશે. વિતેલા વર્ષોમાં જીવેલી અને ઇતિહાસમાં પોતાનો સિક્કો મારીને સહી કરી ગયેલી કેટલીયે વ્યક્તિઓ વિશે આ દેશ કોઈ સ્મૃતિચિહ્્ન જાળવી શક્યો નથી. તેમ છતાં, સંસ્કૃતિની જાળવણી વિશે આપણે કેટલાં બણગાં ફૂંકીએ છીએ! પરંપરા કે કર્મકાંડ, રીતિરિવાજ કે જાતિ-જ્ઞાતિના ભેદ એ સંસ્કૃતિ નથી, એવું આપણને ક્યારે સમજાશે?

kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...