તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીચે ઇશ્ક હૈ, ઉપર રબ હૈ, ઇન દોનોં કે બીચ મેં સબ હૈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુડ સે મીઠા ઇશ્ક, ઇમલી સે ખટ્ટા ઇશ્ક,
વાદા યે પક્કા ઇશ્ક, ધાગા યે કચ્ચા ઇશ્ક,
હીરા ના પન્ના ઇશ્ક ઇશ્ક, બસ એક તમન્ના ઇશ્ક ઇશ્ક,
યે પ્રેમ નગર, અંજાન ડગર,
સાજન કા ઘર, ક્યા કિસકો ખબર,
યે દર્દ હૈ યા દર્દો કી દવા, યે કોઈ સનમ યા આપ ખુદા,
ફૂલોં કા ગુલશન, કાંટો કા દામન ઇશ્ક.

 

આનંદ બક્ષીનું લખેલું આ ગીત ‘તાલ’ નામની ફિલ્મમાં ખૂબ લોકપ્રિય થયું. આનંદ બક્ષીએ એ ગીત લખ્યું ત્યારે 69 વર્ષના હતા! ઇશ્કને ઉંમર સાથે સંબંધ છે કે નહીં એ સવાલનો જવાબ કદાચ આ ગીત આપે છે. આનંદ બક્ષીએ આ ગીત લખ્યું હશે ત્યારે એમને ઇશ્ક સાથે શું સંબંધ હશે? સાઠે બુદ્ધિ નાસી એમ કહેનારા લોકોની સામે આ સવાલ છે.


આપણે બધા કવિતાને સમજવામાં ક્યાંક ભૂલ કરી ગયા છીએ? સિનેમાનાં ગીતો કવિતા ન હોઈ શકે એવું માનનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. એનું એક કારણ એ છે કે સિનેમાના ગીતને આપણે ભાગ્યે જ ધ્યાનથી સાંભળીએ છીએ. એમાં રહેલી પોએટ્રી અથવા કવિતાને આત્મસાત્ કરવાની આપણી ધીરજ કે માનસિકતા જ નથી હોતી. સામે ગીત ગાઈ રહેલા અભિનેતા, વાગી રહેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને જબરજસ્ત લોકેશનને કારણે ગીતના શબ્દો ખોવાઈ જાય છે. એ પછી પણ આપણે જ્યારે સિનેમાનું ગીત સાંભળીએ ત્યારે અજાણતાં જ આપણા મનમાં રજિસ્ટર અને રિકોલની પ્રક્રિયા થાય છે. આ રજિસ્ટર અને રિકોલની પ્રક્રિયાની વચ્ચે આપણી નજર સામે એ જ દૃશ્ય ફરી ઊભું થાય છે એટલે શબ્દો ફરી ખોવાઈ જાય છે.

માણસે પ્રેમને શબ્દમાં વર્ણવવાની, ભાષામાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે. એને માપવાનો પ્રયાસ કરે છે. ‘પ્રેમ કેટલો’ એવું કોઈ પૂછે ત્યારે નવાઈ ન લાગે? પ્રેમ તો હોય અથવા ન હોય. એનું માપ-લંબાઈ-પહોળાઈમાં ન લેવાય, એનું ઊંડાણ હોય

સિનેમામાં ઇશ્ક વિશે કેટલાંય સુંદર ગીતો લખાયાં છે. જાણીતા ગીતકારોમાં જો આપણે નામ લેવાં હોય તો મજરુહ સુલતાનપુરી, શકીલ બદાયૂની, જાંનિસાર અખ્તર, રાજેન્દ્ર ક્રિષ્ન, શૈલેન્દ્ર, હસરત જયપુરી, ઇન્દિવર, સમીર, અન્જાન અને આનંદ બક્ષી જેવાં અનેક નામો લેવાં પડે, પરંતુ ગુલઝાર અને જાવેદ અખ્તરે સિનેમાનાં ગીતોને એક નવો જ આયામ આપ્યો.

 

જોકે, શુરૂ યે સિલસિલા તો ઉસી દિન સે હુઆ થા. જ્યારે સાહિર લુધિયાનવી નામનો એક ગીતકાર હિન્દી સિનેમામાં આવ્યો. ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’, ‘આજ સજન મોહે અંગ લગા લો’, ‘સંસાર સે ભાગે ફિરતે હો’, ‘તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે’ જેવાં ગીતો સાહિરે આપ્યાં. ‘હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે’ કે પછી ‘તેરી બિંદિયા રે’, ‘ચાહૂંગા મૈં તુજે સાંજ સવેરે’, ‘દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત-દિન’, ‘યે હૈ રેશમી જુલ્ફેં કા અંધેરા ન ગભરાઈયે’ જેવાં ગીતો મજરુહસાહેબે આપ્યાં. યાદ કરવાં હોય તો ઘણાં ગીતો યાદ કરી શકાય, પરંતુ સામાન્ય માણસની લાગણીને શબ્દોમાં ઢાળીને એના હોઠ પર રમતી, હૃદયમાં ગણગણતી કરનાર આ ગીતકારો કદાચ ઇશ્કને વધુ સારી રીતે સમજી શકતા હશે?


સામાન્ય માણસના પ્રેમને આપણે ભાગ્યે જ સમજી શક્યા છીએ, એવું નથી લાગતું? પ્રેમને આપણે અત્યંત વૈભવી, મોંઘો અને મુશ્કેલ બનાવી દીધો છે. ખરેખર તો આ એક સાદી અને સર્વસામાન્ય લાગણી છે. પ્રાણીઓ કે વનસ્પતિને પણ જો પ્રેમ સમજાતો હોય તો માણસને કેમ નથી સમજાતો એ સવાલ મહત્ત્વનો છે. આ કદાચ એટલા માટે થાય છે, કારણ કે માણસે પ્રેમને શબ્દમાં વર્ણવવાની, ભાષામાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે. એને પામવાને બદલે માપવાનો પ્રયાસ કરે છે. ‘પ્રેમ કેટલો’ એવું કોઈ પૂછે ત્યારે નવાઈ ન લાગે? પ્રેમ તો હોય અથવા ન હોય. એનું માપ-લંબાઈ-પહોળાઈમાં ન લેવાય, એનું ઊંડાણ હોય.


ઇશ્ક એટલે શું? આ સવાલ આપણે ક્યારેય આપણી જાતને પૂછ્યો છે? પ્રેમમાં પડનારાં આપણાં સંતાનોને પૂછ્યો છે? જે યુવાન સંતાન આવીને માતા-પિતાને કહે છે કે, ‘આઈ એમ ઇન લવ’ એ માતા-પિતા ક્યારેય પોતાના બાળકને એવું પૂછે છે ખરા કે પ્રેમ એટલે શું? તું આ પ્રેમનો અર્થ સમજે છે? આપણે બધા પ્રેમને સીધાે લગ્ન સાથે જોડી દઈએ છીએ. પ્રેમમાં પડેલું સંતાન લગ્ન કરે એ જ માતા-પિતાની જરૂરિયાત, ઉદ્દેશ, ધ્યેય, લક્ષ્ય છે.

 

એ માતા-પિતા પોતાના સંતાનને એવું કેમ સમજાવી શકતાં નથી કે પ્રેમ સમજણનું નામ છે. સાથ અને સત્યનું નામ છે. સાતત્યનું નામ છે. શાશ્વત શરીર નથી હોતું, પરંતુ શા‌શ્વત સ્નેહ હોઈ શકે છે. મૃત્યુ પામેલી વ્યક્તિ પણ વિચારોમાં, હૃદયમાં અને સ્મૃતિમાં જીવતી હોય છે, એ પ્રેમ નથી? એક એવો પણ આક્ષેપ છે કે યુવાન છોકરાને કે છોકરીને પ્રેમનો અર્થ ફક્ત શરીર સાથે જોડાયેલો દેખાય છે.


આપણી ભાષાનો આ શબ્દ પ્રેમ અનેક અભિવ્યક્તિમાં વહેંચાયેલો છે. વાત્સલ્ય, સ્નેહ, પ્રણય, કાળજી, કરુણા, વહાલ, મિલન, વિરહ, ચિરવિરહ, ઝંખના, ઝુરાપો, વેરઝેર, સમર્પણની ભાવના, શરીર, સ્મિત, આંસુ, તિરસ્કાર પણ, દાંપત્ય પણ. અનેક શબ્દો પ્રેમની અભિવ્યક્તિ કરે છે. અંગ્રેજીમાં ઇન્ફેચ્યુએશન, ઇમોશન, લસ્ટ, અટ્રેક્શન, કેઅર જેવા શબ્દોને પણ લવ અથવા પ્રેમ સાથે જોડવામાં આવ્યો છે. ઉર્દૂ ભાષાએ એક શબ્દ આપ્યો છે ‘ઇશ્ક’! ત્યાંથી શરૂ કરીને, જુનૂન સુધી આ લાગણી લંબાય છે. આ ‘ઇશ્ક’ શબ્દ સાથે જોડાયેલી લાગણી બાકીના બધા શબ્દો કરતાં કોઈક રીતે જુદી છે. એનું જુદાપણું એ છે કે સૂફી સંતોથી શરૂ કરીને ઝનૂની પ્રેમી સુધી બધા એમ કહે છે કે જ્યારે ઇશ્કની અનુભૂતિ થાય છે ત્યારે ઈશ્વરથી પણ ઇશ્કનું સ્થાન ઉપર ચાલી જાય છે! બુદ્ધ, મહાવીર અને અન્ય સંતો છોડતા શીખવે છે. ત્યાગ, સંયમ જેવી વાતો એમના ધર્મને આપણા સુધી લઈ આવે છે.

 

તો બીજી તરફ ઇશ્કના આ સૂફી બંદાઓ ખેંચાણ અને બંધનની વાત કરે છે. જેની સાથે ઇશ્ક છે, પ્રેમ છે અથવા સ્નેહ છે એ તમામ વ્યક્તિઓ સાથે એક ક્નેક્શન હોય છે, જોડાણ અથવા એક ઐક્ય હોય છે. ઐશ્વર્ય છોડી શકાય, ઈશ્વર કેવી રીતે છોડી શકાય એવો સવાલ સૂફી સંતનો પ્રેમ પૂછે છે.


પ્રેમથી શરૂ કરીને વ્યક્તિની પ્રકૃતિ સુધી કંઈક એવું છે જે માણસને ભીતરથી સતત ઢીલો રાખે છે. કોઈની સાથે સમય પસાર કરવો આપણને ગમતો હોય, એની વાતો સાંભળવી ગમતી હોય, એની સાથે જીવાતા સમયને આપણે આપણી જિંદગીનો સૌથી મોંઘો મહામૂલો સમય માગતા હોઈએ તો એ શું છે? એને કોઈ નામ આપવું જ પડે એવી ફરજ પાડવામાં આવે તો એને પ્રેમ કહી શકાય, ઇશ્ક કહી શકાય, પરંતુ સાચું પૂછો તો આવી તીવ્ર લાગણીને કોઈ નામ જ નથી.
ખુદા સાથેના સંબંધોમાં જેમ ભાષા નકામી થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરતી વખતે આપણે કઈ ભાષામાં વાત કરીએ છીએ એ મહત્ત્વનું નથી રહેતું એમ જ પ્રેમની અભિવ્યક્તિ કયા શબ્દોમાં કરાય છે એના કરતાં ઊર્મિની તીવ્રતા કેટલી છે એ વધુ મહત્ત્વનું બની જાય છે.

 

પ્રેમની અભિવ્યક્તિનું પ્રમાણ નથી, અનુભૂતિનું નિર્વાણ છે. સાધુ થઈ ગયેલા બુદ્ધ પણ એકવાર યશોધરાને મળવા જાય છે, પરંતુ કૃષ્ણ ક્યારેય રાધાને મળવા ગયા હોય એવું બન્યું નથી. યશોધરાને એક ચિરવિરહિણી તરીકે યાદ કરાય છે, પરંતુ રાધાના વિરહમાં પીડા કરતાં વધારે મુક્ત કર્યાની સંતૃપ્તિ છે, આ પ્રેમ નથી?


આવતી કાલના વેલેન્ટાઇન્સ ડેના દિવસે કેટલાય લોકો એકબીજા પરત્વે પ્રેમની અભિવ્યક્તિ કરશે. અગત્યનું એ છે કે આ અભિવ્યક્ત થઈ રહેલો પ્રેમ ભીતર પણ ઊતરે છે ખરો? વોટ્સએપની જેમ માત્ર ફોરવર્ડ થઈ જાય છે કે મોકલનારે એ વોટ્સએપ વાંચ્યો છે? પ્રેમ આમ જોઈએ તો બહુ સરળ અને સર્વવ્યાપી લાગણી છે. કોઈ ગમતું હોય એ જેટલું અદ્્ભુત છે એટલું જ આપણે કોઈને ગમતા હોઈએ એ પણ છે જ. ઋતુની અનુભૂતિ પહેલાં ત્વચા પર થાય છે, પછી ઋતુ આંખથી દેખાય છે. પ્રેમનું પણ એવું જ છે. આપણને સમજાય કે થયો છે.

 

એ વધુ મહત્ત્વનું છે, બીજાને આંખથી દેખાય કે નહીં એ તો સાવ નજીવી બાબત છે. પ્રેમ એટલો અઘરો નથી કે એને રોકેટ સાયન્સની જેમ ‘સમજવો’ પડે. પ્રેમ પીડા નથી, ઈર્ષા નથી, માલિકી નથી, કડવાશ નથી, સરખામણી નથી, દલીલ નથી, પ્રશ્નો નથી, જાસૂસી નથી, ફરિયાદ નથી, અભાવ નથી, અસુખ નથી, ઇરિટેશન તો નથી જ, અધૂરપ પણ નથી. અસ્તિત્વ સાથે જોડાયેલો એકમાત્ર અર્થ છે પ્રેમ!
પામી શકાય તો ભીતરથી ભીંજવી નાખે, નહીં તો મૃગજળની જેમ પાછળ દોડાવ્યા કરે એ પણ પ્રેમ જ છેને! 
kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...