સિમ્પલ સાયન્સ / કહાની હવામાં ફાયર થયેલી બુલેટની!

જ્વલંત નાયક | Updated - Mar 17, 2019, 06:15 PM
article by jwalant nayak

ખ્યાતનામ કવિ દુષ્યંતકુમારનો જાણીતો શેર છે: कैसे आकाश में सूराख़ हो नहीं सकता, एक पत्थर तो तबीयत से उछालो यारों । આ શેરના આ મૂળ અર્થ સુધી પહોંચવાને બદલે જો કોઈ બેવકૂફ ખરેખર આકાશ તરફ ‘તબિયત’થી પથ્થર ઉછાળે તો શું થાય? પથ્થર જો કોઈ નિર્દોષના માથે પડે તો પેલી જટિલ સમસ્યા બાજુ રહી જાય અને કોઈ નિર્દોષની ‘તબિયત’ બગડી જાય! જોકે, આજે પથ્થરની નહીં પણ બુલેટની વાત કરવી છે. પથ્થરને બદલે જો કોઈકે હવામાં ફાયર કરેલી બુલેટ(એરિયલ ગન ફાયર) માથા પર આવી પડે તો શું થાય? આ કિસ્સો જુઓ.

  • ગનમાંથી આકાશ તરફ છૂટેલી ગોળી અમુક સમય બાદ ક્યાં ફંટાશે અને કોને વાગશે, એ બાબતે અનુમાન કરવું અતિશય મુશ્કેલ છે

ઈ.સ. 2017ના પ્રથમ જ દિવસે ટેક્સાસમાં રહેતા આર્માંડો માર્ટીનેઝ નામના ડેમોક્રેટિક રાજકારણી જેવા ઘરની બહાર નીકળ્યા કે તરત એમના માથે કોઈ ચીજનો પ્રહાર થયો. હોસ્પિટલ પહોંચ્યા બાદ ખબર પડી કે એ ચીજ બીજું કશું નહીં, પણ .223 કેલિબરની બુલેટ હતી! આ બુલેટ ખોપરીમાં કાણું પાડીને મસ્તિષ્કના બાહ્ય આવરણ સુધી પહોંચી ગયેલી! નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈકે ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કર્યું હશે અને હવામાં ફાયર થયેલી એ ગોળી ધરતી પર પાછી ફરી ત્યારે માર્ટીનેઝની ખોપરી ફાડી ગઈ! અહીં ફાયરિંગ કરનાર અજ્ઞાત વ્યક્તિને તો સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પોતે મસ્તીમાં એરફાયર કરેલી બુલેટ કોઈની ખોપરી ફાડી નાખશે. જુલાઈ 2003માં, સદ્દામ હુસેનનો આતતાયી દીકરો ઉદય મરાયો ત્યારે એનો આનંદ વ્યક્ત કરવા માટે જે એરિયલ ફાયરિંગ થયું, એમાં ફૂટેલી બુલેટ્સ માથા પર પડવાને કારણે 20 લોકો મૃત્યુ પામેલા!

મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, ગનમાંથી આકાશ તરફ છૂટેલી ગોળી અમુક સમય બાદ ક્યાં ફંટાશે અને કોને વાગશે, એ બાબતે અનુમાન કરવું અતિશય મુશ્કેલ છે. કોઈ પણ પ્રકારની ગનમાંથી છૂટેલી ગોળી સાથે એક્ઝેક્ટલી શું બને છે? ગોળી કેટલે ઊંચે સુધી જાય છે? અને જ્યારે તે પૃથ્વી ઉપર પાછી પડે ત્યારે એનું સ્થાન કઈ રીતે નક્કી કરવું? બુલેટ ઉપર થતી ગુરુત્વાકર્ષણની અસર તો સમજી શકાય, પણ એ સિવાય જે-તે સમયના હવામાન ઉપર, હવાની ઘટ્ટતા અને પવનની દિશા પણ મહત્ત્વનાં પરિબળો છે અને આ પરિબળો એવાં છે, જેના ઉપરથી ગણતરી કરીને બુલેટના માર્ગ વિશે ચોક્કસ આગાહી કરવી લગભગ અશક્ય છે. હોરિઝોન્ટલી ફાયર થતી બુલેટ્સ ઉપર પણ આ પરિબળો અસર કરે જ છે, કેમ કે બુલેટ વર્ટિકલી ફાયર થાય કે હોરિઝોન્ટલી, ગુરુત્વાકર્ષણ અને હવાના અવરોધને કારણે, અમુક અંતર કાપ્યા બાદ એની ગતિ ધીમી પડતી જાય છે અને દિશા પણ ફંટાઈ જાય છે. ગતિ ઘટતી જઈને શૂન્ય થઈ જશે, પણ દિશા કઈ હશે, એ હવા પર આધારિત હશે, પણ હવાની ગેરહાજરીમાં ફાયર થાય તો?

ધારો કે કોઈક નવરો બેઠેલો અંતરીક્ષયાત્રી જસ્ટ ફોર અ ચેઇન્જ, માત્ર ટાઇમપાસ ખાતર ગોળીબાર કરે અને જો એ બાબા આદમના જમાનાની કોઈ ગન વાપરે, તો ગોળી છૂટશે જ નહીં! કેમ કે હવાની ગેરહાજરીમાં ઓક્સિજનના અભાવે બંદૂકની જામગરી જ નહીં ચંપાય! પણ અંતરીક્ષયાત્રાએ નીકળેલો માણસ ટેક્નોસેવી તો હોય જ, માટે એ મોડર્ન ગન જ વાપરતો હોય અને મોડર્ન ગનમાં ગનપાઉડરને સળગાવી શકે એવું ઇન્ટર્નલ ઓક્સિડાઇઝર હોય જ છે. પરિણામે હવા-ઓક્સિજનની ગેરહાજરીમાં પણ બુલેટ ફાયર થઈ શકે. હવે વાત કરીએ આપણા મૂળ પ્રશ્નની, કે બુલેટ કઈ દિશામાં, કેટલે સુધી જાય!
મહાન વિજ્ઞાની ન્યૂટને આપેલા ત્રણ નિયમો, ખાસ કરીને ત્રીજો નિયમ આપણે જાણીએ છીએ. ‘આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે.’ (for every action there is an equal and opposite reaction) એનો અર્થ એમ કે ગોળીબાર કરતી વખતે ગનપાઉડર ફાયર થવાથી જે ધક્કો સામેની દિશામાં લાગે, એટલો જ ધક્કો ગોળીબાર કરનારના શરીર ઉપર પણ લાગતો હોય છે. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ જેવાં પરિબળોને કારણે આપણે આ ધક્કો ખાધા બાદ ‘ઊડી’ નથી જતા, પણ અંતરીક્ષની વાત જુદી છે. ત્યાં ન તો ગુરુત્વાકર્ષણ બળ છે, ન તો હવાનો કોઈ પણ જાતનો અવરોધ છે. આથી ગનફાયર થયા બાદ બુલેટ તો સામેની દિશામાં ગતિ કરશે જ, પરંતુ ફાયર કરનાર અવકાશયાત્રી એનાથી વિરુદ્ધ દિશામાં અને એટલા જ વેગથી ગતિ કરશે! આઇ બાત સમઝ મેં? હજી વધુ આઘાત જન્માવે એવી વાત તો હવે આવે છે.

અંતરીક્ષમાં છોડેલી બુલેટ જશે ક્યાં? જવાબ છે અનંત અંતર સુધી! કેમ કે હવાના અવરોધ અને ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં કૌન માઈ કા લાલ રોકેગા ઉસે?! કોઈ ઉલ્કાનો ટુકડો કે કોઈ ગ્રહ અથડાઈ પડે તો વાત જુદી છે, બાકી બુલેટ અનંતકાળ સુધી અંતરીક્ષમાં ગતિ કરતી રહેશે! એક ઓર બાત, જો ફાયરિંગ કરનાર પેલો અવકાશયાત્રી નિયમ પ્રમાણે કોઈ ચોક્કસ ભ્રમણકક્ષામાં ગતિ કરતો હોય, તો એણે ફાયર કરેલી બુલેટ પણ એ જ ભ્રમણકક્ષામાં ગતિ કરતી હોય! વળી, આ બન્ને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય! એનો અર્થ એ કે ફાયરિંગ કરનાર અવકાશયાત્રી અને ફાયર થયેલી બુલેટ, કોઈ એક બિંદુએ ફરીથી ‘ભેગા’ થાય! સાદા શબ્દોમાં, અવકાશયાત્રીએ ફાયર કરેલી બુલેટ, અવકાશયાત્રીને પોતાને જ પછવાડે ટીચાય! ઊહ, આહ, આઉચ!
ખેર, બુલેટ, હવા, ગતિ, ન્યુટન. આ બધું વાંચીને ખાલી મગજમાં વાયુ ઉત્પન્ન થઈ ગયો હોય તો ગોલી માર ભેજે મેં. ઢિશ્કાઉં!
jwalantmax@gmail.com

X
article by jwalant nayak
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App