ઘૂંચ કાઢો તો વાર ઊતરે ને?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટલે આવીને સ્મિતાબેને તેમના કલરિંગ કેશ અને કાંસકા વચ્ચેનું ગઠબંધન છોડ્યું અને કાંસકામુક્ત કેશનો દડો બનાવીને તેને હવામાં ઊડવા દેવાની ઉદારતા બતાવી. કંકુકાકીએ છૂંછી કરી, ‘બહુ વાળ ઊતરે છે તમારા તો!’ ‘હા અલા, મારા તો જે વાળ ઊતરે છે.

 

આમ એં, આટલા ને આટલા.’ કંકુકાકીએ કારણ જણાવ્યું, ‘તે પણ ટેન્સિન કરતાં હસો.’ ‘ખોટી બરતરા નંઈ કરવાની યાર. નકર તો જીવી જ ના હકો સું.’ હંસામાસીય બોલ્યાં. ‘હૌ હૌનાં પાપ હૌ ભોગવે. આપડે હંમેસાં સાંતિ જ રાખવાની હુ.’ સવિતાકાકીએ કર્મફળની શોર્ટમાં સમજણ આપી. હંસામાસીએ કહ્યું, ‘હાંભળો, એમના ઘરકુટુંબમાં જે થતું હોયને, ઈ જોયે રાખવાનું. બ્રહ્મ અક્સર બોલવાનો નંઈ અને માથે બરફ જ રાખવાનો. હમજ્યાં.’

 

સ્મિતાબેનના વાર ઊતરતાં જોઇને મહિલા મંડળે જે સલાહો આપી છે...

‘એં, આપડે તો આપડે ભલા ને આપડું કામ ભલું. હા, કો’ક વાયડું થાય ને દખલગીરી કરે, તો રોકડું પરખાઈ દેવાનું, પણ મનમાં તો નંઈ જ લેવાનું અલા.’ કલાકાકીએ સમજાવ્યું, ‘એં, આંખ-કાન ખુલ્લા રાખવાનાં. જેને જે રમતો રમવી હોય, એને રમવા દેવાની. આપડે લાગ જોઈને નણદુંને ને ફૈજીયુને રન આઉટ કરી દેવાની બસ.’ વાળ ઊતરવાનું કારણ આ લોકોએ જાતે જ નક્કી કરી નાખ્યું. ‘સ્મિતાબેન એમ કાંઈ ગાંજ્યા જાય એવાં નથી. હું જાણું ને. ભઈ તો એકદમ એમના કંટ્રોલમાં જ અને જો, થડ હાજું તો ઝાડઝાંખરાં ઝખ મારે. સ્મિતાબેનને એવી હાહરાવાળાંની બહુ માથાકૂટ ઘરમાં ના આવે. હાચી વાતને સ્મિતાબેન?’ સવિતાકાકીએ પોતાની અવલોકનશક્તિનો પરિચય આપ્યો અને સ્મિતાબેને સ્મિત વેરી સવિતાકાકીના માર્કિંગને મહોર લગાવી.


‘તો પછી વાળ કેમ ઊતરે છે?’ કંકુકાકીને હવે તો એમના વાળનું ટેન્શન થયું. ‘આ તમાર ઘેર દાળનું બહુ ચલણ નંઈ એટલે જ તો. હેંથકની દાળ પીવાનું રાખો. તરત ફરક નો વર્તાય તો કહેજો.’ સવિતાકાકીએ ઉકેલ આપ્યો. ‘એના કરતાં કાળા તલ ખાવ. કાળા તલ અને કાળા વાળ. સેટિંગ છે આ બેયનું. મહિનામ તમારે કાંસકામાં બે-તૈણથી વધારે વાળ હોય તો આપડે સરત!’ ઓટલે ઊભેલાં લીનાબેને કાળા તલ પર ભાર મૂક્યો.  


‘મોટા દાંતાનો કાંસકો હોય, તો વાળ ઓછા ઊતરે અને ગૂંચય જલદી નીકળે.’ હંસામાસીએ સલાહ આપી, ‘જરી ખર્ચો કરીન હારામાયલું તેલ લાવોને.’ ‘તેલની તો વાત જ નથી અલ્યા. વાળ ક્યારે ઊતરે? ધોયા પછી. બરાબર. તેલ તો જે હોય ઈ હાલે, પણ સેમ્પૂ હારુ વાપરવાનું.

 

હેરફોલવારા ઘણાય હડફેટે આવે છે દુકાનુમાં. એમાંથી એકાદું લઈ આબ્બાનું. (હેયર ફોલ પછી ‘અટકાવવા’ શબ્દ બોલવાનું સવિતાકાકીને યોગ્ય ન લાગ્યું.) ‘જો, એક વાત કહું. કોઈ બી તેલ તમે રેગ્યુલરી વાપરોને તો એ અસર કરે જ. નકરું દિવેલ બી રેગ્યુલી વાપરોને, તો બી વાળ હારા થાય. વાળ દિવેલમાં એવા ચોંટી જાય કે હલે તો ઊતરેને બાપડા.’ હંસામાસીએ દિવેલ પર પસંદગી ઉતારી. કલાકાકીએ સ્ટાર્ટ લીધું, ‘એક મિનિટ. પહેલાં મને કહો કે વાળ કેમ ઊતરે? ઘૂંચ કાઢો એટલેને? વલ્ડ બેશ્ટ તેલ કે સેમ્પૂ વાપરો, પણ ઘૂંચ કાઢો અટલે વાળે ઊતરે જ. વાર ઊતરતા બંધ કરવા હોય તો ઘૂંચ કાઢવાની બંધ કરો.

 

કાંસકો વારમાં નાખો, તો મઈથી ગૂંચ નીકરે ને. એ જફામ પડવાનું જ નંઈ. વાર ધોયા ભેગો અંબોડો જ વારી દેવાનો અને ઉપર લગાઈ દેવાની અંબોડાની પેસિયલ જારી. એ વાર હુકાય. એમાં ગૂંચ પડે. એ કાઢો. ટાઇમ જ ક્યાં છે.’ કોઈ પ્રોટીન-વિટામિન લેવા કરતાં કાંસકો ન લેવો ઉત્તમ ઉપાય છે. લોકહિતમાં પ્રસ્તુત.    

અન્ય સમાચારો પણ છે...