તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટલું ક્યારે લાવવું એની મગજમારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંજે છ વાગ્યાના સુમારે પોળમાં રિક્ષા આવી. ચોકઠાની વચ્ચોવચ ઊભી રહી, એટલે રમતાં બાળકો સાવધાન, પણ બે-પાંચ સેકન્ડ બાદ રિક્ષા સહેજ વધુ અંદર આવી, એટલે ઓટલે બેઠેલાં બહેનો સાવધાન! ત્યારબાદ રિક્ષાની અંદરનુ દૃશ્ય વધુ સ્પષ્ટ થયું. રિક્ષાની બેઠક મધ્યે મંજુબેન માટલાને મેચિંગ માટી કલરના પહેરવેશ સાથે માટલું લઈને બેઠેલાં. તેઓશ્રીએ રિક્ષા હંસાકાકીના ઓટલા સુધી લેવડાવી અને હાથમાં રહેલા માટલાને બંને હાથ વડે પકડ્યું.

મંજુબેનનું માટલું ફૂટી ગયું અને એ નવું માટલું લાવ્યાં,  તેમાં તો મહિલા મંડળે માટલાકથા કરી નાખી...

નજાકતથી સૌથી સુરક્ષિત સ્થાને એટલે કે હંસામાસીના ખોળામાં પધરાવ્યું. આ તો હતી પ્રસ્તાવના. ખરી વાર્તા તો હવે શરૂ થાય છે. આજનો ટોપિક મળી ગયો. મા...ટ...લું... હંસાકાકીના મોટ્ટા ખોળામાં માટલું, નાના બાળકના ખોળામાં ફુગ્ગા સમું દીસતું’તું. તેમણે ડોકું માટલા તરફ ફેરવ્યું. આઈબ્રો સંકોચાવીને તિરસ્કારભરી દૃષ્ટિ કરતાં કહે, ‘આવું માટલું લવાય?’ 

 
સવિતાકાકીએ પણ કહ્યું, ‘લાલના જમાના ગયા. ધોળું ના મલ્યું?’ (આ સાંભળીને લાલ માટીને જનરેશન ગેપની લાગણી થઈ જ હશે તેવું મારું માનવું છે.) ‘અરે! લાલય ચલાઈ લઈએ, પણ એમાં કાળી માટીનો ચાંદલો હોવો જોઈએ, તો જ પાણી ઠરે. હમજ્યાં.’ કંકુકાકીએ માટલા તરફ કૃપાદૃષ્ટિ કરી, હાથ ફેરવ્યો અને કાળો ચાંદલો ક્યાં હોવો જોઈએ તે તરફ અંગુલિનિર્દેશ પણ કર્યો. ‘ના અલા, ધોળા માટલામાં જ પાણી વધારે ઠરે અને બીજો મેઇન ફાયદો એ કે એમાં ઢાંકણું મફત આવે.’

 

સવિતાકાકીએે દૃઢપણે પોતાની વાત રજૂ કરતાં કંકુકાકીની વાતને નકારી કાઢી. આ ચર્ચા સાંભળીને કલાકાકીથી ન રહેવાયું અને પોતે આ બાબતે તદ્દન પછાત છે, તેમ કોઈ ન માની લે, તે હેતુથી કહે, ‘હવે તમે મફતની જ જો વાત કરતા હો, તો તો વલ્ડની કોઈ પણ ચીજ હોય, તહેવારોમાં જ બધી વસ્તુમાં સ્કીમો અને નવો માલય આવે. ખરું કહુંને, તો નવરાત્રિમાં જ માટલું લેવાય. વાંહે દિવાળી આવતી હોય, એટલે કોડિયાંનું સેટિંગ થઈ જાય. હા, થોડી રકઝક કરવી પડે, પણ ‘કોડિયાં’ મફતમાં મલે.’

 

‘તમારે જો ખરેખર સારું અને ફેસનેબલ માટલું લેવું હોય, તો ખરો ટાઇમ શ્રાદ્ધમાં. તહેવારો નજીક હોય, એટલે નવો માલ બનાવે એ લોકો. એટલે શ્રાદ્ધમાં તાજું મલે.’ સવિતાકાકીએ કહ્યું. મંજુબેને પૂછ્યું, ‘પણ અત્યારે ફૂટ્યું તો અત્યારે જ લાવવું પડેને?’ કલાકાકીનો પિત્તો ગયો. ‘કેમ? લગન વખતે પિયરથી પવાલી નહીં આલી તને? એ માળિયું ભરવા અાલી છે? લગનોમાં વસ્તુઓ આલવાનું કારણ જ એ, કે ખરા ટાઇમે તમારું કામ અટકી ના પડે. કોઠાસૂઝ નથી બેન તારામાં.’ હંસાબેને જણાવ્યું, ‘આમ જોવોને, તો પવાલી તો તાંબાની જ સારી. પાણી તાંબામાં જેટલું ગુણકારી, એટલું એકેયમાં નંઈ અને બીજી વાત, એને રોજ ઘસીને સાફ ના કરો તોય ચાલે.’ 

 

કંકુકાકી બોલ્યાં, ‘હવે હાચું તાંબું તો ક્યાં કોઈ રાખે જ છે. એના કરતાં માટી જેવું કસું નંઈ. આ ઓલ્ડ ઇજ ગોલ્ડ એમનેમ નહીં કહેતા.’  આ વાર્તાથી માટી અને તાંબા સહિત મને જેટલો ત્રાસ થયો, તેટલો જ ત્રાસ આ વાર્તા સાંભળનારને, માટલું બનાવનારને અને વેચનારને થજો.

ઇતિ શ્રી...  (પ્રભુ સૌને સહન કરવાની શક્તિ આપે, તે જ અભ્યર્થના.) 

અન્ય સમાચારો પણ છે...