તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્સીનથી સ્કિનને નુકસાન !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 હં સામાસી ડ્રોઇંગ રૂમમાં ટેબલફેન ચાલુ કરીને એને ઓટલા તરફ ફેરવીને પંખા તરફ પીઠ અને ચોકઠા તરફ મોં કરીને ફરજના ભાગ રૂપે ઓટલે બેઠાં’તાં. એટલામાં ગાઉન વેચવાવાળાં બહેને કર્કશ કંઠનો રણકાર કર્યો અને મંડળીનાં સભ્યો આવવા લાગ્યાં. કંકુમાસી અને સવિતાકાકીએ આવીને ગાઉનનું પોટલું ફેંદવાનું ચાલુ કર્યું. ત્યાં કલાકાકીએ આવતાંવેંત,‘આજ ખબર નંઈ કેમ પણ અલ્યા, હવારે ઊઠી ત્યારની ઊંઘ જ આયા કરે છે. ઘર આખુંય રમણભમણ પડ્યું છે, પણ કામ કરવાનું મન જ નંઈ થતુંને.’ ‘તો બેથી તૈણ ઊંઘી જાવ.’ હંસામાસીએ ઉપાય બતાવ્યો, પણ કલાકાકીએ નકારી કાઢ્યો. ‘બે તો વાગવા આયા. હવે કલાકમાં તો મારો પત્તો ના ખાય.’ 

કલાકાકીની ઊંઘ ઉડાડવા હંસામાસીએ એવો ઉપાય બતાવ્યો કે વાત ન પૂછો. એનાથી કેટલું નુકસાન થાય તે જણાવ્યું

હંસામાસીએ ચોખવટ કરી, ‘અરે! બેથી તૈણ એટલે બેથી તૈણ કલ્લાક હુઈ જાવ એમ. એક કામ તો હરખું પતે. પછી બધાંય કામ થસે. બહુ હાય-વોય નંઈ કરવાની.’ ‘હાચી વાત છે, આપડા કક્કામાં તો બેન... ક કામનો ક. આપડે તો એક કામમાં જ દહ દહ કામ આવે – કપડાં ધોવાનાં એટલે એમાં કપડાં બોળો, બ્રશ મારો, ઘસો, મસળો, તારવો, નીચોવો, સૂકવો પછી એને લો, સંકેલો, કબાટમાં મૂકો.’ (કંકુમાસીએ આંગળીના વેઢે દસની સંખ્યા ગણાવીને સાબિત કર્યું.)

 
‘એક વાત યાદ રાખો કે, કામની બળતરા નંઈ હારી. હાચી વાતને કંકુબેન?’ હંસામાસીએ કંકુમાસીની સહમતી માગી. એ તરત વદ્યાં, ‘હઅન. હુંય તમારી વાત જોડે હો ટકા એગ્રી હોં અને આમાં તો છેને, ફેસની સ્કિનને બઉ નુકસાન થાય.’ આવું સાંભળીને તો કોઈની પણ આંખો પહોળી થાય. તે મારીય થઈ, એટલે મને સંબોધીને ચાલુ કર્યું, ‘અલી, કામની બળતરા અને સ્કિનને સીધો સંબંધ. બીજી બધી બળતરાઓની સમયમર્યાદા હોય. એનું ટેન્સન પન્નર મિલિટ કે અડધા કલાકમાં પૂરું થઈ જાય.’ મારા હાવભાવ જોઈને હંસામાસીને લાગ્યું કે હું નથી સમજી એટલે એમણે ચાલુ કર્યું, ‘જેમ કે, ઘરેણાં લેવામાં અડધો કલાક. પાર્લરમાં જવાનો કલાક.

 

શોપિંગમાં ચાર કલાક. એટલે આને તો પહોંચી વરાય, પણ કામને કોઈ સમય-અવધિ ન હોય અને આપડે તો કામની અદૃશ્ય હસ્તરેખા લઈને જ જન્મેલા છીએ. ફર્નિચર લૂછવાનું, સો-પીસ હાચવીને લૂછવાના અને આ પતે, પછી કચરા અને પછી પોતાં. રહોડું પરવારવાનું, એટલે વલ્ડની સૌથી ભયંકર પ્રક્રિયા. વઘારથી ચાલુ થઈ, વાહણ માંજવાથી પતે. આપડે અવિરત ટેન્સીન જ કર્યા કરીએ, તો કપાળ અને આઈબ્રો આખો દહાડો ખેંચાએલા જ રહે.’ કહીને હંસાકાકીએ આઈબ્રોને તાણીને કપાળને સ્ક્વીઝ કર્યું ને વાળની શરૂઆતને અડાડવાનો સફળ પ્રયત્ન કર્યો અને સ્કિનને થતા નુકસાનનું ઉદાહરણ પૂરું પાડ્યું.

 

કંકુમાસી કહે, ‘હવે કપડું જો ચોળાયેલા સંજોગોમાં વધુ સમય રહે તો પછી એવું જ રહેને? તો એ જ થિયરી અહીંયાં લાગુ પડે.’ હંસામાસી કહે, ‘આમ આખું ડાચું તિરાડો વારું થઈ જાય અને પ્રસંગે મેકઅપય ના સોભે યાર. મારી વાત માનો કલાબેન ઊંઘી જાવ. ઊઠીને એવા ફ્રેસ થઈ જસો કે હાંજે હાડા પાંચે આઇને અમને તૈણેયને લીંબુનું સરબત ના પીવડાઈ જાવ, તો મારું નામ હંસા નંઈ.’ ‘હવે ઊંઘ ઊડી જાય એ પહેલાં ઘરભેગાં થાવ.’ કંકુમાસીએ કલાકાકીને ઘેર મોકલ્યાં. કલાકાકીને ઊંઘ આવે કે ના આવે, પણ હંસાબેનનું નામ યથાવત્ રાખવા એમણે ગ્રૂપમાં લીંબુનું શરબત તો પીવડાવવું જ પડશે.  

અન્ય સમાચારો પણ છે...