તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માનમાં સાલ જ આલવાની?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલાકાકી વીલુ મોં કરીને ધીરી ગતિએ આવ્યાં. હંસાબેન, કંકુમાસી, સવિતામાસી ગણગણાટ સ્ટોપ કરીને જોઈ રહ્યાં. કલાકાકીએ સૌની આશ્ચર્યચકિત આંખો જોઈ અને નિસાસો નાખીને બેસતાં બોલ્યાં, ‘નાતવારાએ સન્માન કર્યું અલા, પણ મને જરાય સંતોસ નહીં. આલી આલીને સાલ આલી. બીજી કોઈ વસ્તુ ના મલી? તે સાલ આલી. હવ તો સિયારોય પતવા આયો. સાલનું હુ કામ?’ હંસામાસીએ પૂછ્યું, ‘તે એકલી સાલ જ આલી? પેલુ લંબચોરસ ઉપર ગોર-ચોરસ કે વાંકીચૂકી, ઊભી-આડી આકૃતિ ચોંટાડીને એવોડ જેવું આલવાનોય રિવાજ છે.

કલાકાકીનું સન્માન થયું પણ એમને સંતોસ ન થયો કેમ કે સન્માન કરવાવારાએ સાલ જ આલી. સાથે આલ્યું લાકડા પર છીબા જેવું એવોડ જેવું રમકડું! 

એવું કસ્સુંય ના આલ્યું?’ ‘આલ્યું છે ન. એક લાકડા ઉપર છીબા જેવું મેલીને. હવે એરયુએ માળીયે જગ્યા રોકસે. નક્કામું. ના ભંગારમાં કસું આવે કે ના ટેબલ પર હારું લાગે. વરી એક પુસ્પગુચ્છય આલ્યું પ્લાસ્ટિકની કોથરીમ વીંટીને. સન્માનમાં સાલ અને રમકડાં આલવાનો રિવાજ જ ખોટો.’ કલાકાકીએ વસ્તુઓ ગણાવી. ‘ખરેખર તો રોકડા અલાય. કામ તો લાગે અને જે લાવવું હોય એ લવાય.’ કંકુમાસી બોલ્યાં. સવિતાકાકીએ વિરોધ કર્યો, ‘ના અલા, રોકડા તો વપરાઈ જાય. વસ્તુ જ અલાય.’ કંકુમાસીએ કહ્યું, ‘પણ વસ્તુ તો એમની ચોઇસની આવ યાર. એના કરતાં એ લોકોએ લેડીજ અને જેન્ટ્સ મુજબ સન્માનમાં આલવાની વસ્તુઓનું લિસ્ટ રાખવું જોઈએ.’ 


હંસામાસી કહે, ‘આમ તો ગિફ્ટ પેકમાં જ આલવાનું હોય, તો ઘરવખરી જ અલાય. સન્માન એકનું અને લાભ આખા ઘરને.’ સવિતાકાકી સહમત થયાં.’હાચી વાત છે. આમ ટેબલ ઉપર ધોળા કોટનના ટુવાલો ઓઢાડે અને ખુરસીનેય ધોળાં કવરો ચડાઈને, લાલ રિબનનાં ફૂલડાં કરીને બેહાડવાના ડેકોરેશનમાં ખોટા પૈસા ખર્ચે એના કરતાં કસી ચીજવસ્તુ આલે, એ જરૂરી છે.’ ‘ખરેખર તો થોડા પૈસા ખર્ચીને શેટર(સ્વેટર), છત્રી અને સદરો અલાય. તો સન્માન થયું હોય એ આખું વરસ દરેક સિજનમાં યાદ આવે અને આલેલું લેખેય લાગે.

 

નકરી સાલો ભેગી કરીને હુ કરવાનું?’ ‘હાચી વાત અને વધારાની છે એવી ખબર હોય કોકને, તો એ લઈ જાય, પછી પાછીય ના આલે.’ હંસામાસીએ લાગતીવળગતી વ્યક્તિ સામે જોઈ ઉમેર્યું, ‘આ જુઓને, તમાર ઘેર હાંડવો આલ્યો તો એ ડબ્બો તૈણ મઇનાથી હલવાએલો જ છેને. કોક હોયને, તો ખાલી, પણ આલે તો ખરા!’ સવિતાકાકી સડસડાટ ખાંચામાં ગયાં અને રમરમાટ પાછાં આવ્યાં, ‘આ લો તમાર ડબ્બો. આ તો હું ભુલકણી તેમાં. બાકી તમાર ઘેર આઈ ન આપી જઉં એવી છું હું તો. એમ તો તમેય મેળવણની વાટકી એક વરહથી નહીં આલી, તમારે ઠીબડાંમાં બહુ જીવ.’ એમનો હાથ લઈને હથેળીમાં ડબ્બો ચોંટાડતાં હોય એમ મૂક્યો.

 

‘આજના શીખે નક્કી કરો, કે જો ઘરમાંથી કોઈનું બી સન્માન હોય, તો સન્માન કરવાવારાને આપડે જ મોલમાં લઈ જવાનો અને એના બજેટ મુજબ વસ્તુ ગિફ્ટ પેક કરાઈ દેવાની. સાલનો બહુ આગ્રહ હોય, તો ઘેર પડેલી હોય એ ઇસ્ત્રી કરાઈને જોડે લેતાં જવાની અને છાને ખૂણે આલી દેવાની. સન્માનનો અર્થ તો સરે.’ ‘પણ આપડા ઘેર બધી વસ્તુઓ હોય તો?’ મને સવાલ થયો, સવિતાકાકીનો રણકતો જવાબ આવ્યો, ‘તો નજીકમાં લગન આવતાં હોય, એમને આમના પાંહેથી લઈ અને લગન હોય એને યથાવત્ પધરાઈ દેવાની. એમને સન્માનનો સંતોષ અને આપડે પરબારો પ્રસંગ નીકળે.’ મારું બેટું. આઇડિયા ખોટો નથી હોં. સાચું કહો, તમને પણ ગમ્યોને? 

અન્ય સમાચારો પણ છે...