તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રહણ એટલે ‘નડવાની પ્રક્રિયા’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 ‘અલા, આ ગ્રહણ એટલે એજ્જેટલી સું?’ બધાં બેઠાં’તાં ને હંસામાસીએ વાત કાઢી. ‘ટૂંકમાં કહીએ, તો ‘નડવાની પ્રક્રિયા.’ કલાકાકીએ સમજાવ્યું. સવિતાકાકી વિરોધ દર્શાવતાં બોલ્યાં,   ‘એવું નહીં. જો, આ આપડે ઘરમાં બધું પોતાની જગ્યાએ ન હોય, તો આપડે રમણભમણ પડ્યું છે એમ નથ કહેતા? બસ એવી જ રીતે ગ્રહો પોતપોતાના ઠેકાણેથી આઘાપાછા થાય એટલે એને કહેવાય ગ્રહણ.’ 

માણસ નીચે એકાબીજાને નડે છે, તેમ ઉપર પણ બધા ગ્રહો એકાબીજાને નડે છે એને ગ્રહણ કહેવાય. આમાં કકરાટ શો?

‘એમ નંઈ. હું તમને હમજાવું. ડાયવર્ઝન જેવું જ કે’વાય આમ જોવ તો.’ કંકુકાકીએ કહ્યું. વળી સવિતાકાકીએ સ્ટેટમેન્ટ બદલ્યું. ‘ના ના, ખરા અરથમાં તો આને એક્સિડન થતાં રઈ ગ્યો એમ જ કે’વાય અને ભેંસ ખાબોચિયામાં પડે એટલે દેડકા બહાર. એવું બી કહેવાય.’ કલાકાકીએે સર્વેને સંબોધીને, ‘અરેરે! ભલા માણા, ન્યાં ઉપર ગ્રહોય નડે એકાબીજાને, પણ આમ જોવા જાવ તો કસું ખોટું નથી યાર. દરેકનો પોતપોતાનો સ્વભાવ હોયને યાર. કોક દી’ એકાબીજા હાયરે માથાકૂટ થાયય ખરી. હવે ઉપર આટલા બધા ભેગા થ્યા છે, તે કોક દી’ કાં’ક તો માથાકૂટ થાયને યાર. હા, આને મૂંગો ઉપદ્રવ કહી શકાય. મગજ છટકે તો એવો નડે ને કે બધાને એના હાટું થઈને પોતાનાં સેટિંગો ફેરવવાં પડે.’  


સવિતાકાકીય એમની સાથે જોડાઈ ગયાં. ‘હાચી વાત હોં. પેલો હંમેસાં પોતાનું ધાર્યું કરતો હોય, તો આનેય કોક દી’ મન નો થાય. એ બાપડો એની રીતે નીકળે અને આ લોકોને નડે. એને ગ્રહણ કરીને બદનામ કરે. એ લોકો એમનું રૂટિન કરતા હોય એમાં એક દી’ય આઘુંપાછું થાય, ઈ નો પોહાય. આમ જુઓ, તો અંગ્રેજીમાં એને ખરેખર તો સ્પેસિયલ એપિયરન્સ કે’વાય અને ગુજરાતીમાં આ લોકો બધા એને ગ્રહણ કહે.’

 

એમનું વક્તવ્ય પત્યું એટલે, ‘એવું નથી યાર, જે ગ્રહ નીકળે એનું સ્પેસિયલ એપિયરન્સ અને જે હેરાન થાય, એ પેલા પાછળવાળાનું ગ્રહણ કહેવાય એવો નિયમ છે.’ મંજુબેન બોલ્યાં, કલાકાકી એમની વાતને કાપતાં કહે, ‘આપણને ઉપરની કસી ખબર છે? તારા નિયમને મૂક તડકે. ત્યાં ઉપર ઊથલપાથલ થાય, એમાં આપડે નીચે હુ છે, તે આટલો બધો હોબાળો કરવાનો?’ 

 

સવિતાકાકી સહમત થતાં બોલ્યાં, ‘હાચી જ વાત છે હોં. ન્યાં ઈ લોકો એમનું ફોડી લે. આપડે અહીંયાં કસી ધમાચકડી કરવાની જરૂર નહીં. ઉપર આકાસમાં ધમાલ થાય, એમાં તો નીચે ધરતી ઉપર બધા કકરાટ કરી નાખે છે, એ જરાય નથી ગમતું.’ પણ કંકુમાસીએ સ્ટાર્ટ કર્યું, ‘અલા એવું નહીં, કોકને ત્યાં ઝઘડો થાય, તો બધું ટાઢું ના પડે, ત્યાં હુધી લપેટમાં નો આઈ જઈએ, એટલે આપડે ઘરનાં બારણાં બંધ કરી દઈએ છીએને? એવું જ. ઉપર બધું ઠેકાણે નો પડે, ત્યાં હુધી ઘરમાં રહીએ, તો હારું.

 

બધા નિયમો કંઈ આપડા ઘયડાઓ એમનેમ ના લાયા હોય હમજ્યાં. આ સ્મિતાબેનની વાત કરતા હોઈએ અને એ ખાંચામાં આવે, તો કાં તો આપડે મૂંગાં થવું પડે, કાં તો બીજી વાતે ચડવું પડે કાં તો આઘાપાછા થઈ જવું પડે. ઉપર બરોબ્બર આવું જ થાય. હવે જો, સ્મિતાના સ્પેસિયલ એપિયરન્સથી હંસાબેનને તપલીક પડે, એટલે હંસાબેનની વાત વચ્ચેથી કપાઈ જાય. કપાવું એટલે હણાવું. એટલે હંસાબેન હણાય, તો ‘હંસા-હણ’ એવું કહેવાય અને ગ્રહ હણાય, તો ‘ગ્રહણ’ એમ હોય હમજી?’  બધાં તરત જ ગ્રહણનો અર્થ સમજી ગયાં. બાય ધ વે આ લોકોને ખગોળના કોઈ નિયમો લાગુ પડતા નથી અને સાયન્સની તો ઐસીતૈસી. આ ચર્ચાસભામાં માત્ર પોતાની સમજણ સાચી સાબિત કરવાનું જ ધ્યેય છે.

અન્ય સમાચારો પણ છે...