છાપાનાં મથાળાંમાં પ્રશ્નાર્થ ચિહ્નો?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અઠ્યાવીસ જૂને વૉશિંગ્ટનના એક અખબારની કચેરીમાં એક વ્યક્તિએ પાંચ કર્મચારીઓને ગોળી મારી દીધી. એ વ્યક્તિએ 2012માં અખબાર પર માનહાનિનો કેસ કરેલો. કોર્ટના ચુકાદામાં વિલંબથી નારાજ વ્યક્તિ હિંસા પર ઊતરી આવી. 1996થી 2018 સુધી આ પ્રકારની પાંચ હિંસક ઘટના બની છે. અમેરિકાની શાળાઓમાં પણ ગોળીબારો થયા કરે છે. આ વિષય પર ‘ક્લાસ ઑફ 84’ નામની ફિલ્મ બની ચૂકી છે. બીજી એક અમેરિકન ફિલ્મનું નામ હતું ‘હિસ્ટ્રી ઑપ વાયોલન્સ’, જેમાં એક 14 વર્ષનો વિદ્યાર્થી પોતાના સહપાઠીને ગોળી મારી દે છે. અમેરિકામાં શસ્ત્ર રાખવા એ મૂળભૂત અધિકાર છે. બીજી તરફ ભારતમાં લાઇસન્સ વિના હથિયાર રાખવા ગુનો બને છે, પરંતુ ગેરકાયદે હથિયારોની ગણતરી શક્ય નથી. ચૂંટણી વખતે શસ્ત્રોનો ખૂબ ઉપયોગ થાય છે. પ્રકાશ ઝાની ‘દામુલ’માં ચૂંટણીમાં શસ્ત્રોના ઉપયોગનો મુદ્દો હતો. અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઑફ વાસેપુર’માં બતાવાયું છે કે દરેકના હાથમાં હથિયારો છે. અહીં વાંધો એ છે કે આ ફિલ્મના તમામ પાત્ર લઘુમતી વર્ગના છે. જાણે વાસેપુરમાં અન્ય ધર્મના લોકો જ નથી. કોમવાદ પોતાનો લિબાસ બદલીને અમુક ફિલ્મકારોના અવચેતનમાં સમાયેલો છે. કોઈ પણ ક્ષેત્ર આ ચેપથી બચી શક્યું નથી, એ હવે હકીકત છે. આ અગાઉ આ ફિલ્મકારની ‘બ્લેક ફ્રાયડે’માં હળવો સ્પર્શ હતો, જે મૂળ પુસ્તકમાં નથી, જેનાથી પરથી આ ફિલ્મ બની છે. 

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનાં દીકરીએ યોગ્ય રીતે સિદ્ધ કર્યું છે કે અહિંસા આપણો સ્વભાવ ક્યારેય રહ્યો નથી. મહાત્મા ગાંધીએ અહિંસાની શક્તિ સિદ્ધ કરી. અમુક લોકો ઔરંગઝેબનું ઉદાહરણ આપીને મોગલ બાદશાહોને હિંસક ગણાવે છે, પરંતુ સમ્રાટ અશોકે પણ હત્યાઓ કરી હતી. કુણાલની આંખો ફોડીને તેને જંગલમાં છોડી મુકાયો હતો. આ વિષય પર નાટકો લખાયાં છે અને કિશોર સાહૂએ ફિલ્મ પણ બનાવી હતી. મહાત્મા બુદ્ધ અને મહાવીરે અહિંસા પર વિશ્વાસ જતાવ્યો. ચેતન આનંદે બુદ્ધના આદર્શ પરથી ‘અંજલિ’ ફિલ્મ બનાવેલી. નોંધનીય છે કે જર્મન કોનરેડ રુક્સે ‘સિદ્ધાર્થ’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં સિમ્મી ગરેવાલ અને શશિ કપૂરે અભિનય કરેલો. 
અખબારના માલિકો પર બહુ દબાણ હોય છે અને અમુક તથ્યો તેમણે છુપાવવા પણ પડે છે, કારણ કે અમુક રૂપિયામાં વેચાતી અખબારની એક નકલનો પડતર ખર્ચ વધારે છે. એટલે જાહેરખબરો જ તેમનો એક માત્ર સહારો છે. ‘પેજ થ્રી’ નામની ફિલ્મમાં અખબાર માલિક પર દબાણનું એક દૃશ્ય છે.

શશિ કપૂર અભિનીત ‘ન્યૂ દિલ્હી ટાઇમસ’ પણ આ વિષય પર બનેલી ફિલ્મ હતી. નાણાવટી પ્રકરણમાં મુંબઈના એક અખબારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રકરણ પરથી આર.કે. નૈયરે ફિલ્મ બનાવી હતી ‘યે રાસ્તે હૈ પ્યાર કે’. આ જ પ્રકરણ પરથી અક્ષયકુમાર અભિનીત ફિલ્મ ‘રુસ્તમ’ પણ હમણાં આવી હતી.

આજે ટેલિવિઝન પર સમાચાર આપનારી અનેક ચેનલ છે, છતાં અખબારનું મહત્ત્વ ઘટ્યું નથી. જોવા કરતાં વાંચવા પર લોકો આજે પણ વધારે વિશ્વાસ કરે છે. વાચક, દર્શક કે મતદારોને ક્યારેય ઓછા ન આંકવા જોઈએ. તેમનો માર ખુદાની લાઠીની જેમ અવાજ નથી કરતો.
અખબાર કેટલાક સનસનાટીભર્યા સમાચારોનાં મથાળાં પ્રશ્નાર્થ ચિહ્્ન સાથે છાપે છે, જેથી માનહાનિનો કેસ ન થાય. હિરાનીએ ‘સંજૂ’માં પ્રશ્નચિહ્્ન લગાવીને જૂઠાણું પ્રકાશિત કરવાની કવાયત પર સાર્થક દૃશ્ય રજૂ કર્યું છે. જોકે, સત્ય એ છે કે અખબારી વિશ્વ જ પ્રશ્ન ચિહ્્ન બની ચૂક્યું છે. લોકશાહીની સંસ્થાઓ તોડવામાં આવી રહી છે ત્યારે ચોથો સ્તંભ પણ હલી ગયો છે. અખબાર રાત્રે તૈયાર કરવામાં આવે છે અને દિવસના પ્રકાશમાં વંચાય છે. સત્ય અને અસત્યમાં દિવસ-રાતનો ફરક હોય છે. લોકશાહી વ્યવસ્થાની ગોધૂલીમાં તથ્ય સ્પષ્ટ દેખાય છે. કદાચ એ જ કારણે અખબારોની બપોરની આવૃત્તિઓ પણ પ્રકાશિત થાય છે. બપોરનાં અખબારો દોરડાને કોબરા સમજવાના ભ્રમથી મુક્ત થઈ શકે છે, પરંતુ સૌથી મોટી વિડંબના એ છે કે આ દોરમાં વિશ્વાસનું સંકટ છે અને આપણે કૌરવ વિરુદ્ધ કૌરવના મહાભારતના અશાંતિ પર્વમાં જીવી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...