ગોડફાધર અને ‘ટોળા’ સંચાલિત વ્યવસ્થા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોળાએ કાયદો હાથમાં લીધો અને માત્ર શંકાના આધારે કેટલાક લોકોને પતાવી દીધા. આવા સમાચાર અખબારોમાં વારંવાર વાંચવા મળતા હોય છે. કથળતા જતાં વ્યવસ્થા તંત્રમાં ઉધઈ જામી ગઈ છે. દેશમાં સતત કથળતાં જતાં ન્યાય તંત્રને લીધે  ‘ભીડે’ રસ્તાઓ પર ઊતરીને ચુકાદો આપવાનું શરૂ કર્યું છે. ટોળાશાહી વધી છે.  

મારિયો પૂજો રચિત ‘ગોડફાધર’ 1969માં પ્રકાશિત થયું હતું. મારિયો પૂજો તે વખતે મોટી રકમ જુગારમાં હારી ગયા હતા અને તેમણે ‘ગોડફાધર’ લખીને જે રોયલ્ટી મેળવી તેમાંથી દેવું ભર્યું હતું. આમ જોવા જઈએ તો મારિયો પૂજોની ‘ગોડફાધર’ને મૂડીવાદી દેશની ‘મહાભારત’ સાથે સરખાવી શકાય. સંગઠિત અપરાધની દુનિયાના ગેંગસ્ટર પાસે લોકો પોતાના માટે ન્યાય માગવા માટે જતા હતા. નવલકથાની શરૂઆતમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પુરાવાના અભાવે અપરાધીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવે છે, પરંતુ પીડિત વ્યક્તિ સંગઠિત અપરાધની દુનિયાના ગેંગસ્ટર પાસે જઈને એ ન્યાય ઈચ્છે છે, જે કોર્ટ તેમને આપી શકી નથી. આવા લોકોને ન્યાય અપાવવાનું કામ ‘ગોડફાધર’ કરે છે. 

‘ગોડફાધર’માં સંગઠિત અપરાધને ‘મૉબ’નામ આપવામાં આવ્યું છે અને હાલના સમયમાં ભારતની ભીડ આ જ કામ કરી રહી છે. ગોડફાધરમાં ‘મૉબ’ દુષ્કર્મીઓને દંડ આપે છે. શ્રીદેવી અભિનીત ‘મોમ’માં એક માં પોતાની સાવકી દીકરીના કેસમાં ગુનેગારોને દંડિત કરે છે, આ રીતે આપણી ફિલ્મમાં ‘ગોડફાધર’ એ ‘ગોડમધર’ બની જાય છે.   

જોકે, ગોડફાધરથી પ્રેરિત ફિલ્મો દરેક દેશમાં બનાવવામાં આવી જ છે. ગોડફાધરના દાયકાઓ પહેલા ચાળીસના દાયકામાં બની હતી ફિલ્મ ‘સ્ફારફેસ’. આ ફિલ્મ હોલીવુડમાં એશીના દાયકામાં અલ પચીનો સાથે ફરી બનાવવામાં આવી હતી. અમિતાભ બચ્ચનની ‘અગ્નિપથ’  ‘સ્ફારફેસ’થી પ્રેરિત છે, અને રિતિક રોશનને કાસ્ટ કરીને પણ અગ્નિપથ ફરી બનાવવામાં આવી હતી. ‘ગોડફાધર’થી પ્રેરિત પહેલી ભારતીય ફિલ્મ હતી ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’, જેમાં ડોન કોર્લીયાનની ભૂમિકા પ્રેમનાથે ભજવી હતી. દક્ષિણ ભારતમાં કમલ હાસનની એક ફિલ્મ પણ ગોડફાધરથી પ્રેરિત હતી અને અજીબ વાત એ છે કે, ફિરોઝખાને કમલ હાસન અભિનીત ફિલ્મને જ ‘દયાવાન’ના નામથી બનાવી, આ ફિલ્મ પણ ગોડફાધર જ હતી. કોઈ વિસ્તાર કે ધરતી અપરાધીઓને જન્મ આપતી નથી પરંતુ અપરાધ અને અન્યાયના ખોળે જન્મ લે છે. 

અન્ય સમાચારો પણ છે...