તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાકાએ જોઈ જ લીધા છે, તો હવે એમને માસીના ઘરે મોકલી દેવા પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ - 39 
રાત્રે બહુ મોડેથી જેમ્સની આંખ ઘેરાઈ હતી એટલે નર્સે રૂમ ભભડાવીને તે બંનેને જગાડ્યા ત્યારે ઘડીક તો તે કશું સમજી જ શક્યો ન હતો. પરંતુ વિલીની હાલત જોઈ ત્યારે બેહદ છળી ઊઠ્યો હતો. કોઈને આટલું ખુન્નસ હોય? ભારતમાં પહેલી જ વાર આવેલા એક તદ્દન અજાણ્યા પરદેશી માટે? 


અપહરણ લૂંટના ઈરાદે થયું છે એવી ગઈકાલે દલીલ કરનાર પોલીસ ઓફિસર આજે જેમ્સની અડફેટે ચડવાનું જ ટાળતો હતો. ક્યાંય સુધી તે હોસ્પિટલ સ્ટાફ પર, પોલીસ પર બેદરકારી માટે ભડાસ કાઢતો રહ્યો. સતારાથી આવેલા ઉપરી અધિકારીને ય તેણે ભારે ઉગ્ર જબાનમાં રાવ કરી દીધી હતી. 


હોટેલ પર પરત આવવાની તેની કોઈ તૈયારી ન હતી. હવે વિલીની સલામતીની પાકી ખાતરી ન થાય ત્યાં સુધી એક ઘડી પણ એ તેનાંથી દૂર રહેવા તૈયાર ન હતો, પરંતુ વિશાખાની સમજાવટથી પીગળ્યો હતો. 


હજુ ભારતમાં આવ્યે બે જ દિવસ થયા હતા અને પંચગનીમાં તો પહેલો જ દિવસ હતો ત્યાં એક પછી એક ભેદી અને ખતરનાક ઘટનાઓ આકાર લેવા માંડી હતી એથી જેમ્સને દિમાગમાં સનકારા બોલવા માંડ્યા હતા. વિલીનું અપહરણ કરવાની કોઈને શા માટે જરૂર પડે એ સવાલનો જવાબ મળે એ પહેલાં તો મધરાત પછી હોસ્પિટલની સુરક્ષા છતાં તેના પર આવો ભયંકર હુમલો ય થઈ ગયો. 


બિચારાની શી હાલત કરી હતી અજાણ્યા હરામખોરોએ...! જડબામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર ફ્રેક્ચર હતા. પાંસળીઓ ભાંગી ગઈ હતી. છાતીમાં અને ચહેરા પર પડેલા મૂઢ મારથી ચહેરો ઓળખાય એવો રહ્યો ન હતો. આંખો સૂજીને દડા જેવી થઈ ગઈ હતી, અને આટલું ઓછું હોય તેમ... 
તેણે અસમંજસ મનોદશામાં ડોકું ધૂણાવી દીધું અને મોંમાથી અનાયાસે જ ડચકારો નીકળી ગયો. 


હુમલો થયા પછી વિલીની હાલતનું તેણે બહુ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પીંડીથી સાથળ સુધીના પગના અંદરના ભાગે ત્રણેક મોટા કાપા પાડેલા હતા. કાપાના પ્રકાર, કદ અને આકાર જોતાં કાપો મૂકનારા અણઘડ હોવાનું તેને લાગતું હતું. એ લોકો હિંસક કે ઝનૂની જરૂર હશે, પણ છરી ચલાવવાની તેમને આદત નથી એ તેનું સ્પષ્ટ અનુમાન હતું. કાપાની લંબાઈ જેટલી હતી તેનાં પ્રમાણમાં ઊંડાઈ ન હતી. વળી, છરી ચલાવનારનો હાથ ધ્રૂજતો હોવો જોઈએ કારણ કે દરેક કાપા વાંકાચૂંકા હતા. 


સંખ્યાબંધ મર્ડરની તપાસ અને ડેડબોડીની જાંચ કરી ચૂકેલો જેમ્સ પગમાં મૂકાયેલા આ વિશિષ્ટ છરકા જોઈને સ્તબ્ધ બની રહ્યો હતો. કોઈએ વિલીને મારવો હોય તો પગ પર શા માટે છરી ચલાવે? ગળા પર જ સીધી ન ચલાવી દે? પગની વેઈન કાપીને ય માણસને મારી શકાય, પણ છરી ચલાવનારા એટલાં અનુભવી તો જણાતાં નથી. હોટેલના બેડ પર શરીર લંબાવીને તે ઊંઘવાનો પ્રયાસ કરતો હતો, પણ દિમાગમાં ચાલતા વિચારો તેને જંપવા દેતા ન હતા. 


ભાગી છૂટેલા હુમલાખોરોની એક ચાદર પોલીસવાળાના હાથમાં આવી ગઈ હતી અને પ્લાસ્ટિકની એક કોથળી મળી આવી હતી, જેમાં લોહીથી લથબથ એક કપડું હતું. એ જ કોથળીમાં લાંબો, ધારદાર છરો હતો જે મૂઠથી ફણા સુધી લોહીઝાણ થઈ ચૂક્યો હતો. આ બાબત જ જેમ્સને વધુ મૂંઝવી રહી હતી. 


હુમલાખોરોએ પગમાં છરકા પાડ્યા એથી લોહી પથારીમાં વહેવું જોઈએ તેને બદલે તેમણે કપડું કેમ પલાળ્યું? એ કપડું કોથળીમાં નાંખીને કેમ ભાગ્યા? તેમનો ઈરાદો બીજો કંઈક હશે અને પકડાઈ જવાના ડરથી ભાગી જવું પડ્યું હોય એમ બને? 


જાતભાતની શક્યતાઓ, સવાલો, તારણો વિચારતા વિચારતા આખરે તેની આંખ મળી ગઈ અને થોડી જ વારમાં બેડસાઈડ સ્ટૂલ પર પડેલાં ઈન્ટરકોમની કર્કશ રિંગથી તે જાગી ગયો. 
'ડુ યુ નો, વ્હાય સમ પીપલ કોન્સ્ટન્ટલી એટેક વિલિયમ મૅક્લિન?' સામા છેડેથી કોઈક ભાંગ્યાતૂટ્યાં અંગ્રેજીમાં કહી રહ્યું હતું એથી તેના કાન ચમક્યા. 
'યોર નેઈમ પ્લિઝ...' તેને હજુ ય સમજાતું ન હતું કે સામા છેડે ખરેખર કોઈક અજાણ્યો આદમી હતો. 


'યેટ કિપ કન્સર્ન વિથ યોર એઈમ ઓન્લી...' એ માણસ મક્કમતાથી કહી રહ્યો હતો, 'મારું નામ કંઈપણ હોય, એ એટલું મહત્વનું નથી પણ હું એ કોયડો ઉકેલી શકું તેમ છું જેમાં તમે સૌ અટવાયેલા છો...' 
'વોટ ડુ યુ મિન?' હવે જેમ્સ પથારીમાં રિતસર બેઠો થઈ ગયો. 
'આઈ સિમ્પલી મિન ટુ ગિવ યુ ક્લ્યૂ...' 


'વોટ... પાર્ડન પ્લિઝ...' જેમ્સને તેના ઉચ્ચારો સમજવામાં બહુ મુશ્કેલી પડતી હતી પણ એ વિલીના હુમલાખોરો વિશે કશુંક કહી રહ્યો હતો એટલું તો સમજાતું હતું. 
'ધે આર મોસ્ટ ડેન્જરસ પિપલ...' જેમ્સને તેના ઉચ્ચારો નહિ જ સમજાય એમ ધારીને એ પણ ધીમે ધીમે એક એક શબ્દ છૂટો પાડીને કહી રહ્યો હતો, 'એક જ દિવસમાં બે હુમલા થયા છે અને હજુ ય થઈ શકે છે... બટ આઈ નો ધ ગાય્ઝ... એ લોકો કોણ છે, શા માટે વિલીને મારવા તત્પર બન્યા છે એ હું જાણું છું' 


'તો આ બધું તું પોલીસને કેમ નથી કહેતો?' 
'કારણ કે, પોલીસ મને પાઉન્ડમાં શાબાશી ન આપે ને?' એ હસીને કહી રહ્યો હતો. 
*** *** *** 


ટૂંકી ધોતી, પાતળા મલનો રંગીન સદરો, દિવસોની વધેલી આડેધડ દાઢી, માથા પર કાબરચિતરા વાળ, મોટી અણિયાળી હિંસક આંખો, ગજવેલ જેવી પહોળી મજબૂત અને માંસલ છાતી, વાળના ગંદા રૂંછાથી છવાયેલા ઊઘાડા બાવડા. 

 

એક પગ વાળીને ચોતરા પર બેઠેલો એ આદમી ચકળવકળ આંખે આઠ-દસ છાપાના થપ્પામાંથી એક પછી એક છાપું ઊઠાવીને કુંડાળું કરેલા સમાચારને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેની બાજુમાં એક જવાન છોકરો ઊભો હતો. ફોલ્ડેડ સ્લિવનો લાલ-ભૂરી ચેક્સનો ઓપન શર્ટ, બ્લુ જીન્સ, પગમાં ચાંચવાળા કાળા લેધર શૂઝ, વધેલી કાળી ભમ્મર દાઢી અને સફાઈપૂર્વક વાળીને મરોડેલી ઘાટી મૂંછ. એ છોકરાના ચહેરા પર ગજબનાક નાલેશી છે. એ નથી આદમીની સામે નજર માંડી શકતો. નથી નીચે ઊભડક બેઠેલા તેની ઉંમરના બીજા છોકરાંઓ તરફ જોઈ શકતો. ઘડીક નીચે ભોંય તરફ જોતો રહે છે. ઘડીક ત્રાંસી આંખે બીજા છોકરાઓને જુએ છે. ઘડીક છાપાના થોકડા તરફ નજર નાંખે છે. 


'તો...' છેવટે ચોતરા પર બેઠેલો એ આદમી સલૂકાઈથી છાપાની ગડી વાળે છે અને બીજા હાથ પર ઠપકારતા કહે છે, 'આ બધું આવું છે સુરજભાઉ...' તેનાં અવાજમાં ટોળ અને આંખોમાં મશ્કરી ચોખ્ખાં વર્તાય છે. 


'આર્થર મૅક્લિનનો વંશજ આવી રહ્યો છે, તો મેં કહ્યું ભલે આવતો... આવવા દો... આપણે એને મારી નાંખશું, મેં કહ્યું ભલે એમ કરો.... એક્સિડન્ટ કરીને નદીમાંથી ઊઠાવી જઈએ, મેં કહ્યું આ રહ્યું આઈશર, લેતાં જાવ... તેનું અપહરણ કરીને અહીં લેતા આવીએ, મેં કહ્યું લેતા આવો... ભલે જોખમી હોય, પણ હોસ્પિટલમાં ય તેને નહિ છોડીએ, મેં કહ્યું એમ રાખો...' 
સપાટ સ્વરે એ બોલી રહ્યો હતો. એક-એક વાક્યે સાથળ પર છાપું ઠપકારતો જતો હતો, પણ તેના શબ્દોમાં રહેલાં ઠંડા ડામ સાંભળનારા દરેકના હૈયે ચંપાતા હતા. 


'આઈશરની ટક્કર મારતા તમને ન આવડી. ચલો, કશો વાંધો નહિ. એ લોકોને ક્યાં ખબર હતી કે આ આપણે ઈરાદાપૂર્વક કરેલો પ્રયાસ હતો?' તેણે હવે વાળેલા પગનો સ્થાનબદલો કર્યો અને ડાબા હાથે પાછળ ટેકો લીધો, 'અપહરણ કરનારા દીપુ, રાજુ અને સંજય હતા એ કોઈને ખબર નથી. ભલે ગાડી પકડાઈ ગઈ, પણ એ ક્યાં આપણી હતી?' 


'પણ હોસ્પિટલમાં તમે ગરબડ કરી નાંખી...' અચાનક તેનો અવાજ બદલાયો. ચહેરાના ભાવ બદલાયા અને આંખોનો ડારો ય બદલાયો, 'અગાઉની જેમ કામ તો જાણે કે થયું જ નહિ તમારાથી, પણ અહીં સંજય અને રાજુ બેયના ચહેરા તો પોલીસવાળાએ જોઈ જ લીધા...' 


હવે ચેક્સના શર્ટવાળા જવાન સહિત સૌ કોઈની નજર ટોળામાં નીચે બેઠેલા બે જણની નીચી મૂંડીઓ તરફ મંડાઈ. આ એ બે જણા હતા જેમણે પાછલી સીટ પર વિલીને દબોચ્યો હતો અને પછી ખીણમાં ફંગોળ્યો હતો. એ જ બે જણાએ નિષ્ફળતાનું લાંછન ધોવા હોસ્પિટલમાં જઈને હુમલો કરવાનો કારસો ઘડ્યો હતો, પણ એમાં ય ધોબીપછાડ ખાઈને માંડ માંડ બચ્યા હતા. 


'કાકાએ જોઈ જ લીધા છે, તો હવે એમને માસીના ઘરે મોકલી દેવા પડશે...' એ આદમી ખતરનાક ટાઢકથી ડામ દઈ રહ્યો હતો, 'પણ અહીં સુધી હું કંઈ બોલ્યો નથી... ના... ના... ના...' તેણે ત્રણ વખત ડોકું ધૂણાવી દીધું, 'પણ પેલો લોહીવાળો ગાભો ય તમે તો ન લાવી શક્યા...' તેના શબ્દો તદ્દન સપાટ, ભાવશૂન્ય હતા પરંતુ પહોળી થઈ ગયેલી આંખોમાંથી ભયાનક ખૌફ વરસતો હતો, 'એ બહુ મોટી ભૂલ કરી નાંખી છે...' 


તેની બાજુમાં એકધારું નીચું જોઈને ઊભેલા જવાનની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. શરમથી લાલઘૂમ થયેલા ચહેરા પર પસીનો તરી આવ્યો. 
'એ એવડી મોટી ગલતી છે કે કોઈ ચબરાક, જૂનો અને અનુભવી પોલીસ અધિકારી હશે તો બહુ આસાનીથી પકડી પાડશે...' તેણે પહેલાં જવાનના ઝૂકેલા ચહેરા સામે જોયું અને પછી સામે બેઠેલાં છોકરાઓ તરફ વારાફરતી નજર ફેરવી, 'અને તો તમારી સાથે મારેય મામાના ઘરે જવાનો વારો આવશે...' 


'ના દાદા...' ઊભેલો જવાન એક કદમ આગળ આવી ગયો. તેનાં ચહેરા પર સ્પષ્ટ કાકલૂદી હતી. નિષ્ફળતાઓની પારાવાર શરમ અંકાયેલી હતી. 
'તો બોલો, હવે શું કરવું છે?' તે અચાનક ઠેકડો મારીને ચોતરા પરથી ઉતર્યો, 'હાર સ્વિકારીને પડતું મૂકી દેવું છે કે પછી જોખમ ઊઠાવીને ય હજુ એક પ્રયત્ન કરી નાંખવો છે?' તેણે દઝાડતી આંખે સૌની સામે જોયું, 'હવે આઈ પણ ગળે આવી ગઈ છે, તો જ આટલાં વરસ પછી આવી તક મળે...'


આઈના ઉલ્લેખથી સૌના ચહેરા પર વીજળીના ઝાટકા જેવો ઉશ્કેરાટ ફરી વળ્યો અને સૌ સપાટાભેર ઊભા થઈ ગયા. 
'સુરજભાઉ...' તેણે બાજુમાં ઊભેલા જવાનના ખભા પર હાથ મૂક્યો અને આકાશ તરફ જોયું, 'વાદળો બહુ ઘેરાયા છે, ધોધમાર વરસાદ પડવો જોઈએ...' 
*** *** *** 


ક્રેટા ગાડી ફરતો તેણે આંટો માર્યો. બંને તરફના વિન્ડશિલ્ડ પર લાલઘૂમ રેડિયમથી લખેલ 'પ્રેસ' શબ્દ પર સફેદ સ્ટિકર ચોંટાડી દીધું. શોર્ટ કુર્તા શર્ટના બટન બિડ્યા અને ફાંદ પરથી સરકી જતું જિન્સ કસ્યું. સેન્ડલ પહેરેલાં પગ જરાક છટપટાવ્યા અને ડ્રાઈવિંગ સીટ પર બેઠો. 
વિનાયકરાવ કાંબળે, રિપોર્ટર, મધ્યાહ્ન સહ્યાદ્રી દૈનિક. 
શિકારે નીકળતી વખતે આ તેન કાયમી સ્ટાઈલ હતી.

(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...