તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

...અને નેફામાંથી લાંબો, ધારદાર છરો કાઢીને તેના પગમાં ભોંક્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ - 38 

 

ભયંકર ગુસ્સે થઈ ગયેલા જેમ્સે આખી હોસ્પિટલ માથે લીધી હતી. બીજા પેશન્ટની સ્થિતિને ધ્યાનમાં લેવા અને અહીં રાડાબૂમ ન કરવા ઈયાને તેને વારંવાર વિનવવો પડતો હતો. પહેલાં તો તેણે ફરજ પર હાજર પોલીસ કાફલાને ધમકાવ્યો હતો. સબ ઈન્સ્પેક્ટરે અંગ્રેજીમાં મરાઠી, હિન્દી અને છેલ્લે ઈશારા ભેળવીને તેને ટાઢો પાડવા કોશિષ કરી હતી. 

પછી તેણે હોસ્પિટલ સ્ટાફનો ઉધડો લીધો હતો. મશીનગનમાંથી છૂટતી ગોળીઓની બૌછાર જેવા અંગ્રેજી સામે સ્ટાફ નર્સ, મેટ્રને ઢાલ તરીકે ડોક્ટર્સને આગળ ધરી દઈને કામચલાઉ રાહત મેળવી લીધી હતી. જોકે, ઓફિશિયલ ઈન્ક્વાયરીમાં તો સહુએ જવાબ આપવાનો હતો. 

 

કારણ કે વાત જ કંઈક એવી બની હતી.

 

*** *** ***

 

પંચગનીમાં ખાનગી વૈભવી હોસ્પિટલની ભરમાર હતી, પરંતુ પોલીસ કેસ હતો એટલે પહેલાં વિલીને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે તેને પુણે રિફર કરવાની જરૂરિયાત ન જણાવી હોત તો ઈયાન પ્રાઈવેટ હોસ્પિટલની તજવીજ કરવાનો જ હતો. પરંતુ આજની રાત પૂરતો જ સવાલ હતો, એટલે ઈયાને વાંધો લીધો ન હતો. અહીં પ્રાથમિક સારવાર, નિદાન, ટેસ્ટ થયા પછી દરેક અગત્યની સર્જરી તો પુણે જ થવાની હતી. 

 

સરકારી હોસ્પિટલ, એટલે રામનો રોટલો ને નોંધારાનો ઓટલો એવી પ્રચલિત છાપ પંચગનીની હોસ્પિટલને ય લાગુ પડી શકે. ખાસ્સા મોટા કમ્પાઉન્ડમાં અનેક લોકો અડીંગો જમાવીને પડ્યા-પાથર્યા રહે. કોઈ પૂછનારું કે કહેનારું હોય નહિ. ગ્રાઉન્ડ ફ્લોર પર જમણે ઓપીડી અને ડાબી તરફ નિષ્ણાત તબીબોના ક્લિનિક રૂમ્સ. મોટા હોલની પાછળ જનરલ વોર્ડ. આ ફ્લોર પર આવ-જા માટે સમયની કે મંજૂરીની કોઈ પાબંદી નહિ. 


પહેલાં માળે બે નાના ઓપરેશન થિયેટર, ગાયનેક વોર્ડ. અહીં થોડોક અંકૂશ ખરો. સિક્યુરિટીવાળા અહીં આંટા મારતા રહે અને લોબીમાં કોઈ અકારણ બેઠેલું, ઊભેલું દેખાય તો જરા દબડાવતા રહે, પણ પછી એ ગયો કે નહિ તેની કોઈ દરકાર નહિ કરવાની. 

 

બીજા માળે વધુ એક ઓપરેશન થિયેટર, આઈસીયુ, સ્પેશિયલ રૂમ્સ અને દર્દીના સગાંઓ માટે વેઈટિંગ લાઉન્જ, જે કોઈ સર્જરની વખતે મોટાભાગે ભરચક રહે. આ મજલા પર આવ-જાનું ખાસ્સું એવું નિયંત્રણ રહે. પાસ હોય તો જ ઉપર આવી શકાય અને પાસ ચેક કરવા માટે દરવાજા પાસે એક ચોકિયાત ઊભેલો જ હોય. પરંતુ એમાં ય ફલાણા ડોક્ટરને મળવું છે, અરે બે જ મિનિટ માટે પેશન્ટને આ આપીને આવું એમ કહીને ઘૂસી જનારા ય ખરાં. 


એક વિદેશી ટુરિસ્ટનું અજાણ્યા લોકોએ અપહરણ કર્યું હતું એટલે થોડો પોલીસ બંદોબસ્ત તો હોય જ, પણ આ કિસ્સામાં મુંબઈના ગૃહ મંત્રાલયમાંથી ફોન આવ્યા હતા એટલે સર્કલ ઈન્સ્પેક્ટર દત્તાજી સાવંત સરવા થઈ ગયા હતા. ધોળિયાનું અપહરણ થયું તેની વીશ જ મિનિટમાં પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું. એ ભલે યોગાનુયોગ હતો, પણ હવે જ્યારે આ ધોળિયો કોઈ વીઆઈપી છે ત્યારે પોતાને શાબાશી મળવાની દત્તાજીને ખાતરી હતી. 

સતારાથી એસપી સાહેબનો ફોન આવ્યો ત્યારે ય દત્તાજીએ છાતી કાઢીને પોતાની સતર્કતાના બણગાં ફૂંકી દીધા હતા અને હોસ્પિટલમાં ચાંપતો બંદોબસ્ત મૂકાયો હોવાની માહિતી આપી હતી. જોકે એ બંદોબસ્ત કેવોક 'ચાંપતો' હતો તેનું પ્રમાણ તો મળસ્કે મળવાનું હતું. 


વેઈટિંગ લાઉન્જમાં રાત્રે બાર વાગ્યા સુધી દર્દીઓની સાથે રોકાયેલા સગાંઓ માટે ટીવી ચાલુ રાખવાની છૂટ હતી, પણ આજે તો ત્રણ કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ બંદોબસ્તમાં હતાં અને એમને ટીવી જોવાની તો કેમ ના પડાય? એટલે વોચમેન પણ પોતાની જગ્યા છોડીને તેમની ખુશામતમાં પરોવાયો હતો. એ દરમિયાન નવા બે જણાં ક્યારે આવીને વેઈટિંગ લાઉન્જની ખુરશીઓ પર છેક પાછળ ગોઠવાઈ ગયા એ કોઈનું ધ્યાન રહ્યું નહિ. 


રાત્રે એક-દોઢ વાગ્યા સુધી ટીવી પર મરાઠી ફિલ્મો ચાલતી રહી. વોચમેન દોડી-દોડીને ચા લાવતો રહ્યો. તમાકુ મસળાતી રહી અને હારબંધ ત્રણ ખુરશીમાં આડા પડેલાં કોન્સ્ટેબલ દર કલાકે ઊઠીને આઈસીયુ તરફ એક આંટો મારતા રહ્યા. જોકે મધરાત સુધી તો આઈસીયુમાં પણ ખાસ્સી એવી ચહલ-પહલ રહી હતી. હાર્ટના એક પેશન્ટને નેબ્યુલાઈઝિંગમાં કશીક ગરબડ થવાથી નાઈટ સ્ટાફ તેમાં રોકાયેલો રહ્યો હતો. સિડેટિવ્સની અસર હેઠળ વિલી તીવ્ર ઘેનમાં હતો. આમ પણ, તેની સર્જરી હજુ થઈ ન હતી એટલે મોનિટર ચેક કરવા સિવાય તેમાં ખાસ કંઈ ધ્યાન આપવાપણું હતું નહિ. કાલે સવારે તો તેને પુણે મોકલી દેવાનો હતો. 

 

રાત્રે ત્રણેક વાગ્યા પછી માહોલ સાવ શાંત થયો હતો. વેઈટિંગ લાઉન્જમાં હેડ કોન્સ્ટેબલ સહિત બે જણાં તો ક્યારના હારબંધ પડેલી સ્ટિલના પતરાં જડેલી ત્રણ ખુરશીઓ પર લંબાવીને ઊંઘી ગયા હતા. એક કોન્સ્ટેબલ આઈસીયુ તરફ જતાં પેસેજ પર નજર રહે એ રીતે ખુરશી એ દિશામાં ખેંચીને બેઠો હતો, પણ હવે તો એ ય ઝોંકે ચડ્યો હતો. 


આખરે, શરીર ફરતી સોલાપુરી ચાદર વિંટાળેલીને બેઠેલા બે જણ પૈકી એક આદમી ઊભો થયો હતો. પહેલાં તે આઈસીયુની સામે જઈને ઘડીક ઊભો રહ્યો અને ગ્લાસના પાર્ટીશન આડેથી દેખાતો અંદરનો નજારો નિરખ્યો. અગાઉ પણ પાણી પીવાના બહાને તેણે બે-ત્રણ આંટા મારીને વિલીનો કોટ ક્યાં છે એ તો જોઈ જ લીધું હતું. 


આઈસીયુમાં અત્યારે ડેસ્ક પર માથું ઢાળીને હેડ મેટ્રન સૂઈ ગઈ હતી. સામે બેઠેલી બે નર્સ એકબીજાની ખુરશી પર પગ લાંબા કરીને ઝોંકા ખાઈ રહી હતી. એક મેલ સુપરવાઈઝર મોબાઈલમાં લૂડો રમી રહ્યો હતો. મોબાઈલ ચાર્જિંગમાં ભરાવેલો હોવાથી તે ખાસ્સો દૂર ખૂણામાં અને દરવાજા તરફ પીઠ ફેરવીને બેઠેલો હતો. 


આઈસીયુનો માહોલ નિરખીને તેણે આખી લોબીમાં છેક સુધી આંટો મારી લીધો અને પછી તરત કશોક નિર્ણય કરી લીધો હોય તેમ પાછો ફર્યો. હળવેથી આઈસીયુનો સ્પ્રિંગ ડોર ખોલીને અંદર પ્રવેશ્યો. વિલીના કોટ પાસે ગણતરીની સેકન્ડ પૂરતો થંભ્યો અને ત્યાં લટકતા કેસ પેડ પર નજર ફેરવીને ખાતરી કરી લીધી. એ એટલી ચૂપકીદીથી અંદર આવ્યો હતો કે ઊંઘી રહેલી નર્સ કે લૂડો રમી રહેલા સુપરવાઈઝરને ખ્યાલ જ આવ્યો ન હતો. 

 

સુપરવાઈઝરની છેક નજીક જઈને તેણે ખભા પર હાથ મૂક્યો એટલે તેણે અત્યંત ગંભીર ચહેરે બહાર આવવા ઈશારો કર્યો. તેનો હેતુ સ્પષ્ટ હતો. ઊંઘી રહેલી નર્સ જાગવી ન જોઈએ અને પ્રતિકાર કરી શકે એવાં આ એકમાત્ર પુરુષની હાજરી અહીં ન હોવી જોઈએ. 


સુપરવાઈઝર હજુ કશું સમજ્યો ન હતો, પણ પેશન્ટનો કોઈ સગો કશીક કમ્પ્લેઈન લઈને આવ્યો હશે એવું તે રોજિંદા અનુભવથી ધારી શકતો હતો. 'રૂમ નંબર ૩૦૭ મધે લવકર યા ન પેશન્ટલા ખૂપ જોરાની ઉચકી યેતી યે' (રૂમ નંબર ૩૦૭માં પેશન્ટને બહુ જ હેડકી ઉપડી છે) તેણે અત્યંત ધીમા અવાજે કહ્યું એટલે સુપરવાઈઝરે કશોક સામાન કે ટોર્ચ લેવા માટે ફરી આઈસીયુ તરફ પગ વાળ્યા. 


'અરે સાહેબે દવા આપી જ છે...' આઈસીયુ તરફ સુપરવાઈઝરને જતો રોકવા તેણે રીતસર હાથ જ પકડી લીધો, 'પણ કઈ દવા આપવાની છે એ ખબર નથી... તમે ફક્ત જોઈ આપો...' 

 

રૂમ નંબર ૩૦૭ લોબીના ડાબા વળાંક તરફ હતો. એ બંને એ તરફ ચાલતા થયા એ જ વખતે લાઉન્જમાં ટાંપીને બેઠેલો બીજો આદમી ઊભો થયો હતો. ઊંઘી રહેલા કોન્સ્ટેબલ્સ તરફ અછડતી નજર નાંખી દબાતા પગલે પણ સપાટાભેર એ આઈસીયુમાં પ્રવેશ્યો હતો. 

 

એ જ વખતે, 'તમે રૂમમાં પહોંચો, હું પાણી ભરતો આવું...' કહીને સુપરવાઈઝરની સાથેનો આદમી ત્યાં જ વોશરૂમ આગળના વોટર કૂલર પાસે અટકી ગયો અને બગાસા ખાતો સુપરવાઈઝર આગળ વધ્યો. 

 

આ બાજુ આઈસીયુમાં પ્રવેશેલા આદમીએ સૂતેલી નર્સ તરફ જરાક નજર ફેરવી અને હળવેથી વિલીના કોટનો પડદો જરાક ખેંચી લીધો. હવે બહારથી કોઈ આવે તોય તેના પર નજર પડે તેમ ન હતી. તેણે જોયું કે તેનો સાથીદાર એ વખતે આઈસીયુના દરવાજા પાસે ગોઠવાઈ ગયો હતો. 

 

હવે સુપરવાઈઝર રૂમ નં. ૩૦૭માં જાય, ત્યાં તો પેશન્ટ શાંતિથી ઊંઘતો હશે એટલે કંઈક લોચો છે એવું તેને લાગે. એ પાછો ફરે એટલી જ વારમાં કામ આટોપી લેવાનું હતું. 

તેણે વિલીના શરીર પર ઓઢાડેલો રગ ઊંચો કર્યો, પેશન્ટ ડ્રેસના પાતળા કાપડના ભૂરા લેંઘાના પાયસા ઢીંચણ સુધી જેમતેમ ચડાવ્યા અને નેફામાંથી લાંબો, ધારદાર છરો કાઢીને તેના પગમાં ભોંક્યો. વિલી સિડેટિવ્સના ગાઢ ઘેનમાં હતો તોય તેનાંથી જરાક ઉંહકારો થઈ ગયો, પણ એ પહેલાં જ તેનાં મોં પર મજબૂતીથી તેણે હાથ ભીંસી દીધો અને વિલીના પગમાંથી નીકળતા લોહી નીચે સુતરાઉ કપડાંનો ગાભો મૂકી દીધો. 


હવે એ ફાટી આંખે નર્સ તરફ, દરવાજે ઊભેલા સાથીદાર તરફ અને ઘડીક વિલીના ચહેરા તરફ ફફડતા જીવે જોઈ રહ્યો હતો અને સુતરાઈ કાપડનો ટૂકડો લોહીથી લથબથ થઈ રહ્યો હતો. ઉતાવળ કરવા તેણે જાનવર હલાલ કરતા કસાઈની બેરહેમીથી બિચારા વિલીના પગમાં એ જ જગ્યાએ બીજા બે કાપા ઘચકાવી નાંખ્યા અને પગ દબાવીને લોહીની ધાર કપડાં પર ઝીલવા માંડી. 

 

એ જ વખતે લોબીમાં કશોક અવાજ આવ્યો. રૂમ નં. ૩૦૭માંથી પાછો ફરેલો સુપરવાઈઝર આઈસીયુના દરવાજા પાસે ઊભેલા આદમીને કશુંક કહી રહ્યો હતો અને એ આદમી ડોળા ફાડીને તેને બહાર આવવા ઈશારા કરી રહ્યો હતો. 

 

 

ધ્રૂજતા હાથે તેણે લોહીથી લથબથ ગાભો પ્લાસ્ટિકની એક કોથળીમાં નાંખ્યો. ઉતાવળા હાથે વિલીના નાકમાં, મોંમાં લગાવેલી જાતભાતની નળીઓ ખેંચવાનો પ્રયાસ પણ કરી જોયો, પણ એમાં બળનું નહિ - કળનું કામ હતું અને હવે એટલો સમય ન હતો. 


લોબીનો અવાજ વધુ ઊંચો અને વધુ નજીક આવી રહેલો જણાતો હતો એટલે તેણે છલાંગ લગાવી અને આઈસીયુની બહાર આવી બંનેએ દાદર તરફ દોટ મૂકી. અત્યાર સુધી પોતે રૂમનો નંબર સાંભળવામાં ગરબડ કરી એવું માનતા સુપરવાઈઝરે તેને બોલાવવા આદમીને આઈસીયુના દરવાજે ઊભેલો જોયો અને હવે આઈસીયુમાંથી બીજો ય એક આદમી નીકળ્યો અને બંને દાદર તરફ ભાગ્યા એ જોયું એટલે તે ચોંક્યો અને મોટે મોટેથી બૂમ પાડવા માંડ્યો. 


તેની બૂમની અસર હોય કે દોડી રહેલાં બંને આદમીઓના જાડા જોડાંનો સોલ જમીન સાથે અથડાવાના અવાજને લીધે હોય, પણ ખુરશી પર બેસીને ઝોંકે ચડેલો કોન્સ્ટેબલ સફાળો જાગ્યો હતો. તેણે આંખ ખોલી એ જ વખતે શરીર ફરતી ચાદર વિંટાળેલા બે આદમીને દોડતા જોયા અને પાછળ હોસ્પિટલનો ગણવેશ પહેરેલા એક આદમીને બૂમો પાડતો જોયો. 


મામલો શું છે, આ બે કેમ ભાગી રહ્યા છે, પાછળ પેલો કેમ અને શું બૂમો પાડી રહ્યો છે તેની કશી સમજ વગર એક પોલીસ તરીકેની કેળવાયેલી પ્રતિક્રિયા તરીકે ઊંઘરેટી આંખે એ કોન્સ્ટેબલ બેયને પકડવા દોડ્યો અને હાથ લંબાવવાની સમાંતરે તેણે ઊંઘી રહેલા સાથીદારોના નામની ય ત્રાડ નાંખી દીધી એ સાથે સાવ સુસ્તાયેલી હોસ્પિટલની લોબીમાં અચાનક દેકારાનો ઝંઝાવાત ફૂંકાઈ ગયો. 


આગળના આદમીએ સામે આવેલા કોન્સ્ટેબલની છાતીમાં ધબ્બો મારીને રસ્તો કરી લીધો પણ પાછળના આદમી માટે એટલું આસાન ન હતું. તેનો એક હાથ ચાદરની અંદર બંધાયેલો હતો એટલે દોડવામાં ય તેને ફાવટ આવતી ન હતી. 

 

આગળનો આદમી તો લોખંડની જાળી પાર કરીને નીચે ઉતરી ગયો પણ ત્યાં સુધી પહોંચવામાં પાછળના આદમીએ કોન્સ્ટેબલ સાથે રીતસરની ઝપાઝપીમાં ઉતરવું પડ્યું. તેણે પાડેલા હાંકોટાથી ઊઠી ગયેલા બીજા પોલીસવાળા પણ જાળી સુધી પહોંચે એ પહેલાં ભાગવું જ રહ્યું. 

 

ચાદરની અંદર ભરાવી રાખેલા હાથની કોણીથી કોન્સ્ટેબલને હડસેલવાનો તેણે પ્રયાસ કર્યો અને કોન્સ્ટેબલે તેની બોચી ઝાલવાનો. એ દરમિયાન તેણે વિંટાળેલી આખી ય ચાદર ખેંચાવા માંડી અને તેનાં હાથમાંથી પ્લાસ્ટિકની થેલી ય સરકી ગઈ. 


હવે નીચે ઝૂકવું, થેલી ઊઠાવવી અને ભાગવું... બધું થઈ શકે તેમ ન હતું. તેણે ભારે હતાશાથી કોન્સ્ટેબલના પેટમાં જોરદાર લાત ઝીંકીને જાળીની બહાર પોતાનું શરીર ફંગોળી દીધું અને સપાટાભેર દાદરા ઉતરતો પોતાના સાથીદારની સાથે થઈ ગયો. 

 

મરણિયા બનીને હવાતિયાં મારી રહેલા સુરજ ધોંતળેનો સળંગ ચોવીશ કલાકમાં સતત આ ત્રીજો પ્રયાસ વિફળ ગયો હતો.

 

*** *** ***

 

પોલીસ પર, હોસ્પિટલ તંત્ર પર અને ખુદ પોતાના પર ભયંકર ધુંધવાયેલા જેમ્સને આખરે ઈયાને ઘડીક આરામ કરવા માટે હોટેલ પર પરત મોકલી દીધો હતો. બપોર પછી વિલીને પુણે ખસેડવાની તજવીજ થવાની હતી. દરમિયાન, આખી ય હોસ્પિટલને પોલીસે ઘેરી લીધી હતી. સતારા ઉપરાંત પુણેથી પણ પોલીસનો કાફલો આવી ચડ્યો હતો. 


ધૂંધવાયેલા જેમ્સે મનોમન ગાળો ભાંડી હતી, પછી નાછૂટકે પથારીમાં લંબાવ્યું હતું. એકધારા ઉજાગરા અને તણાવને લીધે તેની આંખ ઘેરાઈ ગઈ. થોડી જ વારમાં ઈન્ટરકોમની રિંગે તેને ઊઠાડી દીધો. રિસેપ્શન પરથી તેનો ફોન હોવાનું કોઈક કહી રહ્યું હતું. ઈયાને મોબાઈલને બદલે હોટેલના નંબર પર કેમ ફોન કર્યો હશે તેના આશ્ચર્યથી તે સામા છેડેથી અવાજ આવવાની પ્રતિક્ષા કરી રહ્યો હતો. 

 

'મે આઈ સ્પિક ટૂ મિ. જેમ્સ મૅક્લિન?' સામેથી કોઈક અજાણ્યો અવાજ ભારતીય ઉચ્ચારોમાં પૂછી રહ્યો હતો. 

 

(ક્રમશઃ)

અન્ય સમાચારો પણ છે...