તેણે જવાબ આપ્યો, 'વેલકમ ટુ ઈન્ડિયા' !!

Maclean Estate Novel By Dhaivat Trivedi

Dhaivat Trivedi

Aug 10, 2018, 12:06 AM IST

પ્રકરણ - 28
સોલ્ટ ટાવર, બકિંગહામ પેલેસ ઓફિસ, વેસ્ટમિન્સ્ટર, પિકાડેલી... સાંજ સુધી ભટકીને, ફોન લગાવી લગાવીને એ થાકી હતી. આખા ય દિવસમાં એક સ્ટોરી હાથ લાગી ન હતી. તેણે ફરીથી મોબાઈલમાં ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા.


વેસ્ટમિન્સ્ટરમાં રોયલ ફેમિલી માટે નવું સ્ટેન્ડ ઊભું કરાશે.
પ્રિન્સ હેરીના એક જૂના દોસ્તે કહ્યુંઃ હી વોઝ ડ્રગ એડિક્ટ.


સોલ્ટ ટાવરમાં એડવર્ડ વંશના મ્યુઝિયમમાં ચારસો વર્ષ જૂની બે તલવારો મૂકાશે.


તેણે મનોમન માથું ધૂણાવી નાંખ્યું. રોયલ ફેમિલી, જૂના બ્રિટિશ ઉમરાવ પરિવારો જેવી બીટ પસંદ કરી ત્યારે જ તેને સાથીદારોએ ચેતવી હતી, 'ઈટ્સ ટફ સેગમેન્ટ... ઈતિહાસના હાડપીંજર કંઈક વાર ચૂંથાયા છે, એમાં નવી સ્ટોરી નહિ મળે...' પણ ત્યારે એ માની ન હતી. ઈતિહાસ પ્રત્યે, ઈતિહાસના પાત્રો પ્રત્યે તેને ઊંડો લગાવ હતો. ટાવર ઓફ લંડન કે બકિંગહામ પેલેસના એક એક પગથિયે તેને બ્લુ રંગનો ઝગ એપ્રન પહેરીને ઠાઠથી ચડતા સ્ટુઅર્ટ વંશના પ્રિન્સ દેખાતા. કેન્ટ પેલેસના પ્રાંગણમાં ધોળે દિવસે ય તેને સોળમી સદીના જેકબ બળવાખોરોની હિંસક કિલકારીઓ સંભળાતી. દુનિયાભરમાં ફેલાયેલી બ્રિટિશ કોલોનીનો ઈતિહાસ એ કડકડાટ સંભળાવી શકતી, પણ તેના કોઈ સાથીદારોને એ સાંભળવામાં કદી રસ ન પડતો. સૌ એને 'પકાઉ' ગણતાં, તેનો એડિટર સુદ્ધાં!


એડિટરના વિચારમાત્રથી તેને વળી ફફડાટ થઈ આવ્યો, અરે આખો દિવસ પતી ગયો અને મારી પાસે હજુ ય સ્ટોરી નથી.


તેણે વળી ઉતાવળા હાથે સ્ક્રિન સ્ક્રોલ કરીને નોટ્સના મુદ્દાઓ જોવા માંડ્યા. બ્રિટિશ હિસ્ટ્રી સાચવતી લગભગ દરેક ઓફિસોમાં તેણે માહિતી માટે સોર્સિઝ ઊભા કરેલા હતા. કોને પૂછું તો કંઈક મળે? સાંજ પડી ચૂકી હતી. લંડન ટાઈમ્સની ઓફિસમાં ઈવનિંગ મીટિંગનો ટાઈમ થઈ રહ્યો હતો. એટલિસ્ટ કંઈક સજેસ્ટિવ હેડિંગ લખાવી શકે એટલું ય કશુંક મળે તો ઘણું, નહિ તો આજે ફરીથી એડિટરનો ગુસ્સો ઝેલવો પડશે.


એક નંબર પર તેની આંખ અટકી અને મોં જરાક વંકાયું. રેબેકા જેક્સન, ડેપ્યુટી ઈનચાર્જ, નોબલ રેકર્ડ ઓફિસ.


'એ જાડી કદી કામની સ્ટોરી તો આપતી નથી અને રબ્બરની જેમ લાંબી લાંબી પ્રેસનોટ બોલ્યા કરતી હોય છે...' મનોમન બબડીને તેણે ફોન જોડ્યો.


'હાય રેબેકા, હાઉ આર યુ?' એ તેને દીઠ્ઠી ય ગમતી ન હતી, પણ અત્યારે એ જ આધાર હતી એટલે અવાજને મધમાં ઝબોળ્યા વગર આરો ન હતો.


જવાબમાં રેબેકાએ ઔપચારિક વાતો કરી અને બે પ્રેસનોટ મેઈલ કરી હોવાનું કહ્યું.


'આઈ રિસિવ્ડ ઈટ ગર્લ...' એ જાડીને કોઈ ગર્લ કહે ત્યારે એ ગેલમાં આવી જતી હતી, 'સર્ટેઈનલી વી વિલ કવર ઈટ બેબી...' જોઅન ઓફ આર્કની જેમ સ્ટોરી માટે મરણિયા પ્રયાસો કરી રહેલી જુડી તેને પલાળી રહી હતી, 'બટ આઈ નીડ સમ સ્કૂપ... સમ હોટ પાન યુ નો?'


'સ્કૂપ તો રજીસ્ટરના આ થોથાંમાં હું શું આપું તને? ક્વિન વિક્ટોરિયાનું સેક્સ સ્કેન્ડલ આપું તો જ તને કંઈક સ્કૂપ જેવું લાગશે...'


'ઓહ કમ ઓન સ્વિટ ગર્લ, કંઈક એવી નવી નોંધ થઈ હોય કે રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના કોઈ સ્ટુડન્ટે રેકર્ડ ઓફિસના ડેટાના આધારે કંઈક તારણ કાઢ્યું હોય, કોઈક એવી..'


'ઓહ યસ...' રેબેકાએ અધવચ્ચે જ કહ્યું, 'આજે એક કેસ એવો હતો ખરો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કોઈક ઓફિસરનો વારસદાર... લેટ મી ચેક ધ ડિટેઈલ્સ...'


થોડી વાર પછી તેણે માહિતી આપી એ જુડી એકધ્યાને સાંભળતી રહી. નોટપેડમાં નોંધ કરતી રહી. તેનો ચહેરો એ વખતે લાડવા જેવો થઈ રહ્યો હતો.

પાંચેક મિનિટ પછી તેણે પોતાની ઓફિસે ફોન જોડ્યો અને કહી દીધું, 'આઈ એમ બિહાઈન્ડ અ બિગ સ્ટોરી... સજેસ્ટિવ હેડિંગ લખી લે..!!'
*** *** ***


સામા છેડે કોઈ પત્રકાર છોકરી છે અને તેની ઈન્ડિયાની ટૂર વિશે પૂછી રહી છે એ જાણ્યા પછી ઘડીક તો વિલિયમને ફાળ પડી હતી. મારા જેવો નાનો માણસ વળી ક્યાં આ મીડિયાની માયાજાળમાં સપડાયો? મીડિયા ઈન્વોલ્વ થાય એથી કંઈ છબરડો થયો તો?


'સોરી મેડમ, કદાચ તમારી પાસે ખોટી માહિતી આવી છે...' તેણે તરત ગભરાઈને ના પાડી દીધી


'પણ તમે જ વિલિયમ મૅક્લિન છો, રાઈટ?' માંડ હાથ લાગેલી સ્ટોરી પર જૂડી હવે જળોની જેમ વળગી હતી, 'એન્ડ ટુડે યુ હેવ એપ્લાઈડ એટ નોબલ રેકર્ડ ઓફિસ... આર્થર મૅક્લિન તમારા પૂર્વજ છે...'


'યાહ... નો... નો મિસ જુડી...' એ તતપપ થઈ રહ્યો હતો, 'મેં કોઈ એવી અરજી કરી જ નથી...'


'નો મિ. વિલિયમ, આઈ કેન પ્રેઝન્ટ કોપી ઓફ યોર એપ્લિકેશન... એમાં તમે સ્પષ્ટ લખ્યું જ છે...'


News is what somebody does not want you to publish. All the rest is advertising.


કોઈ આનાકાની કરે ત્યારે તો ચોક્કસપણે તેમાં કશાક સમાચાર હોય જ. ઓછા અનુભવ છતાં સમાચારો મેળવવા માટેની જીદને લીધે જુડી જર્નલિઝમનું મનોવિજ્ઞાન બરાબર પામી ગઈ હતી. આવા વખતે બે તરકીબ કામ લાગે.


નં. ૧- તેને ભયંકર ડરાવી દો. તું નહિ બોલે તોય હું તો મારી પાસે છે એટલી માહિતી પ્રસિદ્ધ કરીશ જ અને પછી આમ થશે ને તેમ થશે તો મારી જવાબદારી નહિ.


ન. ૨- તેને સધિયારો આપો. તેનાં ગળે ઉતરાવો કે તમે આ સમાચાર પ્રસિદ્ધ કરશો એથી તો તમને મદદ મળશે.


આ કેસમાં કઈ તરકીબ કામ લાગે એમ છે તેનો ફટાફટ નિર્ણય લઈને જુડીએ પાસા ફેંકવા માંડ્યા.


'સી મિસ્ટર વિલિયમ, એપ્લિકેશનમાં તમારો સિવિક કોડ પણ છે...' એપ્લિકેશન હજુ તેણે જોઈ પણ ન હતી, પંરતુ તેનું ફોર્મેટ મનોમન યાદ કરીને અદ્દલ રિપોર્ટરને છાજે તેમ તેણે ફેંકવા માંડ્યું, 'તમે ભલે કંઈ ન કહો અને ફોન કટ કરી દો, પણ સિવિક કોડના આધારે હું તમારું એડ્રેસ, કામનું સ્થળ એટલું તો મેળવી જ શકીશ. એ પછી તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી વિશે જાણીશ. પણ એ રીતે હું લખીશ તો શક્ય છે કે તેમાં કંઈક સરતચૂક પણ થાય અને તમને નુકસાન થાય. બહેતર છે કે તમે જાતે જ મને કહી દો, તો શક્ય છે કે હું તમારી તરફેણમાં હવા પણ ઊભી કરી શકું... અલ્ટિમેટલી ઈટ્સ ધ મેટર ઓફ ધ ગ્રેટ બ્રિટિશ કોલોનીઅલ ગ્લોરી'


તે એકશ્વાસે બોલી ગઈ અને વિલી મૌન બનીને સાંભળતો રહ્યો. રાબેતા મુજબની અનિર્ણયાત્મકતા તેને ઘેરી રહી હતી.


હું ક્યાં સામેથી કોઈને કહેવા ગયો છું? એ લોકો એમની રીતે જાણી લાવ્યા છે તો સાચું કહેવામાં શું વાંધો?


ઘડીક મનોમન વિચારીને છેવટે તેણે શરણાગતિ સ્વિકારી લીધી. જુડી પૂછતી રહી અને એ કહેતો રહ્યો.


જે ખરેખર તો તેણે કરવા જેવું ન હતું.
*** *** ***


સવારે ફોનની એકધારી વાગતી રિંગથી વિલી ઝબકીને બેઠો થયો. સામેથી કોઈ ચેનલનો પત્રકાર બોલી રહ્યો હતો. તેણે તરત ફોન કટ કરી નાંખ્યો અને બાથરૂમ ભણી પગ ઉપાડ્યા. ત્યાં ફરીથી રિંગ વાગી. તેણે ફોન રિસિવ કર્યો તો આ વખતે વળી બીજા કોઈ ન્યુઝ પોર્ટલમાંથી ફોન હતો. તેણે ફરી કટ કરી નાંખ્યો.


બ્રશ કરતાં કરતાં તેણે મેસેજીસ જોયા. જૂના દોસ્તોના મેસેજ હતા. એક દોસ્તે લખ્યું હતું, 'ઓહો... સો યુ આર સર વિલિયમ મૅક્લિન!" બીજાએ વળી લખ્યું હતું, 'ટેન હટ ટૂ ગવર્નર સર'
શું છે આ બધું? એ એવી જ હાલતમાં રૂમની બહાર આવ્યો ત્યાં સામેથી ઈયાને તેની સમક્ષ છાપું ધર્યું. અંદરના પાને વિલીના ચાર-પાંચ ફોટા સાથે ત્રણ લાઈનનું હેડિંગ માર્યું હતું,
'ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સર આર્થર મેલેટ મૅક્લિનનો વંશજ વિલિયમ મૅક્લિન કંગાળઃ આર્થરની પત્ની જ્યાં મરી હતી એ સ્થળની મુલાકાતે જવા બ્રિટિશ એમ્બેસીની મદદ માંગી'
એ સ્તબ્ધ થઈને ઈયાન અને જેમ્સ તરફ જોઈ રહ્યો.
*** *** ***


કોપર્ડીના સોહામણા વાતાવરણથી દૂર પૂણેના શોરબકોરમાં રહેવાનો ત્રાસ, શેઅર્ડ ફ્લેટની રોજિંદી બીબાંઢાળ સાંજ અને ઓફિસના કામઢા માહોલની તંગદીલી... કંટાળેલી વિશાખાએ આ લોન્ગ વિકએન્ડમાં ઘરે જવાનું અગાઉથી જ નક્કી કરી લીધું હતું.


પૂણેથી ખેડ પહોંચવામાં જ તેને મોડું થઈ ગયું હતું. ખેડથી કોપર્ડી પહોંચવા માટે રાત ઢળ્યા પછી તો માંડ એકાદ રીક્ષા કે આંતરિયાળ વિસ્તારમાં ચાલતી મારુતી ઈકો મળી શકે. ક્યાંય સુધી એ સડક પર કંટાળતી ઊભી રહી હતી. છેવટે ઈકોમાં પેસેન્જર ભરાયા અને કોપર્ડીની ભાગોળે એ ઉતરી ત્યારે ચોરા પર ઢોલની તોફાની થાપ ગામની આ માથાફરેલી છોકરીને આવકારવા ધમધમી રહી હતી.


ઓટલા પર આઈ બેઠી હતી. બિટ્ટુ ય ત્યાં બેઠો પેટ્રોમેક્સને પંપ મારી રહ્યો હતો. એ દિશામાં તેણે થેલો ફગાવ્યો. ટોળાની પાછળ ઊભીને થનગની રહેલી બાર-ચૌદ વર્ષની એક છોકરીના હાથમાં પોતાનો મોબાઈલ થમાવ્યો અને હોંશીલી કિલકારી કરતી સીધી જ એ ચોરા પર ચડીને ઝૂમવા લાગી હતી.


रात रूपेरी फूलली ग, मला पौर्णिमा भुलली ग
अंगावरती सांडु लागलं टिपूर चांदणं रुप्याचं
सोळाव वरीस धोक्याचं ग सोळाव वरीस धोक्याचं


વિશાખાના બેપરવાઈભર્યા ઉલાળા જોઈને હેલીએ ચડેલા ગામના જવાનિયાઓએ સીટી વગાડીને, ઉન્માદી કિલકારીઓ કરીને વાતાવરણ ગજાવી દીધું અને એક અલ્લડ છોકરીની હાજરી માત્રથી કોપર્ડીની સીમમાં એ રાત રોશન થઈ ગઈ.


નાચ પૂરો થયો એટલે ટોપની બાંયથી તેણે ચહેરા પરનો પસીનો લૂછ્યો. કમરથી નીચે ઉતરી ગયેલું જીન્સ નાકામાંથી પકડીને ઉપર ખેંચ્યું. એ સમગ્ર ચેષ્ટા દરમિયાન છાતીના ભરાવદાર ઊભાર તંગ ટોપમાં બહાર ધસી આવ્યા. કોપર્ડીના જવાનિયાઓને બઘવાઈ જવા માટે આટલું પૂરતું હતું.


'ડોળે ફાડુન કાય બઘતોય પરિયા? કોપર્ડી મધે પોરી મેલ્યા આહેત કા?" (આમ ડોળા ફાડીને શું જઈ રહ્યો છે પરીયા? કોપર્ડીમાં છોકરીઓ મરી ગઈ છે કે શું?)


ઓજપાઈ ગયેલો પરીયો નીચું જોઈ ગયો એટલે ટોળા વચ્ચેથી રૂઆબભેર ચાલતી તે આગળ વધી.


'કાય ગણપતરાવ, આજ તર તુમ્હિ ખૂપ ઢોલ વાજલે?' તેણે ઢોલી તરફ આંખ ઉલાળીને સ્મિત વેર્યું. જવાબમાં ગણપતરાવે તમાકુ ખાઈ ખાઈને લાલઘૂમ કરેલા ગંદા દાંત બતાવતો ઠહાકો માર્યો.


'અગ મુન્ની, માઝા મોબાઈલ આણ' (ઓઈ મુન્ની, મારો મોબાઈલ આપ)
મુન્નીના વાળમાં વ્હાલપભર્યો હાથ ફેરવીને તેણે હળવેથી બે થપકી મારી. જવાબમાં એ બાળકી મીઠડું હસીને તેને વળગી પડી. વિશાખા દીદી જેવા થવું એ ગામની દરેક છોકરીઓની આંખોમાં અંજાયેલું સોણલું હતું.


ઘરમાં જઈને પછી તો આઈ અને બિટ્ટુ તેને પોંખવા તૈયાર જ બેઠા હતા. ભાઈ-બહેનની ધિંગામસ્તી અને આઈના હાસ્ય વચ્ચે દેશી નળિયાના એ સાંકડું મકાને ય આજે તો હરખને હિંચકે ચડ્યું હતું.


છેક બીજા દિવસે તેણે મોબાઈલ જોયો. વ્હોટ્સએપમાં મેસેજ ચેક કરતી હતી અને અચાનક 'સ્કેનસોફ્ટ વિલિયમ મૅક્લિન' એ નામથી સેવ કરેલ મેસેજ જોયો.


સ્કેનસોફ્ટ તો લંડનની કંપની, જેનું આઉટસોર્સિંગ પોતાની કંપનીમાં થતું હતું, પણ આ વિલિયમે તો ક્યારની જોબ છોડી દીધી હતી કદાચ... તેણે શું મેસેજ કર્યો હશે?


સહજ ઉત્સુકતાથી તેણે મેસેજ જોયો. વિલિયમ અહીં મહાબળેશ્વર અને પંચગની આવી રહ્યો હતો. ઓહ... ઈટ્સ ઓલરાઈટ.


તેણે જવાબ આપ્યો, 'વેલકમ ટુ ઈન્ડિયા' !!


ત્યારે તેને ખબર ન હતી કે, તે કેવા ઝંઝાવાતને વેલકમ કરી રહી છે!

(ક્રમશઃ)

X
Maclean Estate Novel By Dhaivat Trivedi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી