સર્વમિત્ર શરદ પવારનાં રાફેલ યુદ્ધવિમાન ખરીદી અંગેનાં ઉચ્ચારણોએ ચાના પ્યાલામાં તોફાન સર્જ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માથે ચૂંટણીનો માહોલ હોય ત્યારે રાજનેતાઓનાં ઉચ્ચારણોનાં નીરક્ષીર કરવામાં ના આવે તો આંધળેબહેરું કૂટાવાનું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ના સુપ્રીમો શરદ પવારે વિવાદાસ્પદ રાફેલ યુદ્ધવિમાન ખરીદી સોદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કલીનચીટ આપ્યાના સમાચાર વાઈરલ થયા. વર્ષ ૧૯૯૯માં પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના ઇટાલિયન ગોત્રનો મુદ્દો ઉઠાવવા બદલ કોંગ્રેસમાંથી તગેડાયેલી પવાર સહિતની ત્રિપુટીએ મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના કરી હતી. એમાં બીજા બે મહાનુભાવમાં લોકસભાના સદગત અધ્યક્ષ પૂર્ણો સંગમા અને બિહાર કોંગ્રેસના એ વેળાના અધ્યક્ષ તારિક અનવર હતા. સંગમા તો અગાઉ ફારેગ થઈને ભાજપ સાથે સંતલસ કરતા રહ્યા હતા. અત્યારે એમના પુત્ર કોનરાડ સંગમા ભાજપના વડપણવાળા એનડીએમાંની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા અને મેઘાલયના મુખ્યમંત્રી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના બીજા સંસ્થાપક સભ્ય, રાષ્ટ્રીય મહામંત્રી તેમ જ બિહારના કટિહારના લોકસભા સભ્ય તારિક અનવરે “પવાર સાથે વાત કર્યા વિના જ” પક્ષમાંથી રાજીનામું ધરી દીધું. બીજા કેટલાક હોદ્દેદારોએ પણ રાજીનામાં આપવાની શરૂઆત કરી. કારણ એટલું હતું કે પવાર રાફેલ સોદા વિશે ભલે જે કંઇ બોલ્યા હોય, સત્તારૂઢ ભાજપના નેતાઓએ એમનાં ઉચ્ચારણોને વડાપ્રધાનને કલીનચીટ ગણાવાતા સંદેશ વાઈરલ કર્યા. સામાન્ય પ્રજાએ તો પવારે શું કહ્યું એનાં તથ્ય જાણવા માટે માધ્યમો પર જ મદાર રાખવો પડે. આમપણ પવાર ક્યારે શું કળા કરે એ કહેવું કે કળવું મુશ્કેલ છે.

 

વિપક્ષી મોરચાનું કેન્દ્રબિંદુ પવાર

પોતાના પક્ષમાં ભારે વિઘટન જોઇને પવાર, એમના સાંસદ-પ્રવક્તા પ્રફુલ્લ પટેલ અને સાંસદ-દીકરી સુપ્રિયા સુળેએ “વડાપ્રધાન મોદીને કોઈ કલીનચીટ આપવાનો પ્રશ્ન જ નથી, ઉલટાનું સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરીને રાફેલ સોદાની તપાસ કરાવવાનો આગ્રહ કરાયો” હોવાની વાત ભારપૂર્વક કહી. સુપ્રિયાએ તો “૫૨૬ કરોડ રૂપિયાના રાફેલ વિમાનને ૧૬૭૦ કરોડ રૂપિયે ખરીદવાની વિવશતા અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો. કોંગ્રેસમાંથી વારંવાર અલગ થઈને પાછા કોંગ્રેસમાં સત્તાસ્થાને આવવા માટે જાણીતા પવારે હવે તેમના પક્ષને કોંગ્રેસમાં ભેળવ્યા વિનાજ કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં “એ જ ઇટાલિયન ગોત્રનાં” સોનિયા ગાંધીની કોંગ્રેસ સાથે સત્તાનો સહિયારો ભોગવટો કર્યો છે. દોઢેક દાયકાનું આ જોડાણ હોવાથી કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગે તેમજ માર્ક્સવાદી પક્ષના મહામંત્રી સીતારામ યેચુરી સાથેની વાતચીતમાં તેમણે રાફેલ સોદા અને વડાપ્રધાન વિશેના પોતાના નિવેદનમાં વાતનું વતેસર કરાયાની ચોખવટ પણ કરી. જોકે પવારનો રાજકીય ઈતિહાસ ગમે ત્યારે ગમે તે ઠેકડા મારવાનો હોવા ઉપરાંત સત્તા સાથે જોડાણ કે અનુકૂળતા માટે એ ગમે તે નિર્ણય લઇ શકે, એવી એમની પ્રકૃતિને કારણે સત્તાપક્ષે એનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું હોય એ સ્વાભાવિક છે.

 

ચૂંટણી પહેલાંના નોખા ખેલ

આગામી લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં સર્વમિત્ર પવાર કોંગ્રેસ અને બીજા ભાજપવિરોધી પક્ષોને સાથે લઈને મહાગઠબંધન રચવા સક્ષમ છે. વર્ષ ૨૦૧૪માં મોદી લોકપ્રિયતાના શૃંગ પર હતા ત્યારે પણ તેમના પક્ષને માત્ર ૩૧ % મત મળ્યા હતા. વિપક્ષો વેરવિખેર હોવાનો લાભ મોદીના પક્ષ અને એનડીએને મળ્યો. ત્રણેક દાયકા બાદ લોકસભામાં કોઈ એક પક્ષને બહુમતી મળી હતી. વર્તમાન કેન્દ્ર સરકારની કામગીરી જોતાં તમામ વિપક્ષોના નેતાઓને સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણીમાં મોદીના વિજયરથને રોકવાની અનિવાર્યતા અનુભવાય છે. જોકે વિપક્ષી મોરચામાં સુરંગો ગોઠવવામાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત બેઉની ભૂમિકા ભજવી રહેલા વડાપ્રધાન કોઈ ને કોઈક વિપક્ષી નેતાને નોખી ભૂમિકા લેવા પ્રેરે છે. વિપક્ષમાં દેડકાંની પાંચશેરી જેવો ઘાટ છે. આવા સંજોગોમાં પવાર નામનું ચુંબકત્વ બળ કોંગ્રેસ અને કોંગ્રેસવિરોધી વિપક્ષી નેતાઓને જોડવા અનિવાર્ય છે. ૭૭ વર્ષના પવાર અનેકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા છે. કેન્દ્રમાં પણ સંરક્ષણ અને કૃષિ મંત્રી રહ્યા છે. મરાઠા સમાજ અને સાકર કારખાનાંઓ પર એમનો પ્રભાવ છે. અત્યારે રાજ્યસભામાં બેસતા પવાર કેન્સરનું ઓપરેશન કરાવ્યા પછી લોકસભા સભ્ય દીકરી સુપ્રિયા અને મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા ધારાસભ્ય ભત્રીજા અજિતદાદા પવારના રાજકીય ભાવિ અંગે ચિંતિત છે. વર્ષ ૨૦૧૯માં વિપક્ષી મોરચો બહુમતી મેળવવામાં સફળ થાય તો પવાર વડાપ્રધાન થવાના સ્વપ્નને સાકાર કરી શકે. એમના માટે આ છેલ્લી તક માને છે.

 

પુલોદથી ફડણવીસ સરકાર લગી

પવાર કેવી કળા કરી શકે, એનાં બે બોલકાં ઉદાહરણ ચર્ચી શકાય. મૂળે તેઓ સદગત મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી યશવંતરાવ ચવ્હાણના શિષ્ય. સહકારમહર્ષિ વસંતદાદા પાટીલની સરકારને ઉથલાવીને પવારે કોંગ્રેસમાં ભંગાણ પડાવી, સમાજવાદી, શેતકરી કામગાર પક્ષ અને જનસંઘના સાથીઓ સાથે હાથ મિલાવીને, મહારાષ્ટ્રના સૌથી યુવાન મુખ્યમંત્રી બનાવાનો ઈતિહાસ રચ્યો હતો. શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે અને સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે નિકટનો ઘરોબો. એ ત્રણેય નેતાઓના શિવાજીપાર્ક પરના મેળાવાની સ્મૃતિ આજે પણ તાજી છે. રાષ્ટ્રીય રાજકારણમાં પવાર દેશના બે અન્ય સર્વમિત્ર નેતાઓ ભૈરોંસિંહ અને ચંદ્રશેખરને તોલે આવે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને કચ્છથી લઈને કામાખ્યા લગી પવાર ગાઢ રાજકીય સંબંધસેતુ ધરાવે. ક્યારેક ભાજપ જેવા રાજકીય પક્ષને ગરજ પડી તો એને મદદ કરવાનું પણ એ ચૂક્યા નથી. ગુજરાતમાં મહાપાલિકા અને ધારાસભાની ચૂંટણીઓ જ નહીં, રાજ્યસભાની ચૂંટણીમાં પણ એમના પક્ષે ભાજપને વ્યૂહાત્મક ટેકો કર્યો છે. મહારાષ્ટ્રની વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ અલગ લડ્યા. ભાજપને બહુમતી થતી નહોતી. સેના વંકાયેલી હતી ત્યારે પાવર-સેનાના ટેકાથી જ ભાજપના વડપણ હેઠળની દેવેન્દ્ર ફડણવીસ સરકાર રચાઈ હતી. પાછળથી શિવસેના સરકારમાં જોડાઈ પણ એણે વિપક્ષી ભૂમિકા ચાલુ રાખી ત્યારે વડાપ્રધાન મોદી સાથેના પવારના અનુબંધને કારણે ભાજપ નિશ્ચિંત હતો. શિવસેના ટેકો પાછો ખેંચી લે તો પવાર-સેના એની તારણહાર બની શકે. મોદી વડાપ્રધાન થયા પછી પવારના બારામતીના કાર્યક્રમોમાં અનેકવાર ગયા. જોકે બંનેની પ્રકૃતિ એકમેકને ગમે ત્યારે ચેકમેટ કરનારી હોવાનું સ્પષ્ટ છે. આગામી ચૂંટણી સુધી પવારની રાજકીય લીલા નિહાળવાની બધા કાગડોળે રાહ જોશે.પવારની સોગઠીની સૌને પ્રતીક્ષા હશે.અત્યારે તો એ કોંગ્રેસ સાથેના મહાગઠબંધન માટે પ્રયત્નશીલ છે.આવતીકાલોમાં શું કરશે,એ કહેવું કે કળવું ભાજપના ચાણક્ય-કમ-ચંદ્રગુપ્ત પણ નહીં જાણી કે કહી શકે.

 

બોફોર્સકાંડથી રાફેલકાંડ લગી

રાજીવ ગાંધીની સરકારે બોફોર્સકાંડ વખતે સંયુક્ત સંસદીય સમિતિ નિયુક્ત કરવાની વિપક્ષી ભાજપ સહિતનાની માંગણીને સ્વીકારી લીધી હતી. મામલો રક્ષા સોદામાં દલાલી નહીં ચૂકવવાના રાજીવ સરકારના જ નિર્ણય છતાં ૬૪ કરોડ રૂપિયાની વચેટિયાને દલાલી ચૂકવાયાનું “કેગ” ટી. એન. ચતુર્વેદીના અહેવાલમાં આવ્યાનો હતો. રાજીવ સરકાર ગઈ. વી. પી. સિંહની સરકાર આ જ મુદ્દે સત્તારૂઢ થઇ અને ગઈ. વચ્ચે કોંગ્રેસી અને બિન-કોંગ્રેસી સરકારો આવી ગઈ. ભાજપનેતા અટલ બિહારી વાજપેયીની સરકાર પણ ખાસ્સાં વરસ રહી. નિવૃત્તિ પછી પેલા “કેગ” ચતુર્વેદી ભાજપના સાંસદ અને વાજપેયી યુગમાં રાજ્યપાલ પણ બન્યા. આજ લગી પેલી ૩૪ કરોડ રૂપિયાની કટકી કોના ખિસ્સામાં ગઈ એ શોધવા માટે ભારત સરકારોએ ૫૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ખર્ચી, પણ એ વ્યક્તિ શોધી શકાઈ નહીં. સોદા વખતે સ્વિડનમાં ભારતીય રાજદૂત એવા ગુજરાતી મહાનુભાવ ભૂપતરાય ઓઝાએ નિવૃત્તિ પછી એ નાણાં રાજીવના ખિસ્સામાં ગયાનું જણાવતું પુસ્તક લખીને ભાજપનો ભગવો ગ્રહણ કર્યો. રાજીવની ૧૯૯૧માં હત્યા પછી ઘણાં વર્ષે દિલ્હીની વડી અદાલતે વાજપેયી યુગમાં રાજીવને નિર્દોષ જાહેર કર્યા. હિન્દુજા બંધુઓ પણ નિર્દોષ ઠર્યા.એ જ યુગમાં બોફોર્સની હોવિત્ઝર તોપો કારગિલ યુદ્ધમાં શ્રેષ્ઠ પુરવાર થઇ. રાફેલ વિમાન પણ શ્રેષ્ઠ છે, એવું બધા નિષ્ણાતો અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના બધા વિપક્ષી નેતાઓ પણ કહે છે. પ્રશ્ન એટલો જ છે કે માત્ર રાહુલ ગાંધી જ નહીં, દેશના સંરક્ષણ મંત્રી રહેલા પવાર પણ જ્યારે સંયુક્ત સંસદીય સમિતિ મારફત રાફેલ સોદાની તપાસ માગી રહ્યા હોય ત્યારે એ વાતને સ્વીકારીને નીરક્ષીર કરવાનું ટાળવામાં ઔચિત્ય કેટલું? શક્ય છે કે રાફેલ તપાસ માટેની જેપીસી વડાપ્રધાન મોદીને સદગત વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ જ કલીનચીટ આપે!

haridesai@gmail.com
અન્ય સમાચારો પણ છે...