રાષ્ટ્રપિતા અને સંઘસુપ્રીમોના સ્વપ્નના ભારતના ચિત્રની ત્રિદિવસીય પ્રસ્તુતિ

આરએસએસના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત “ભવિષ્ય કા ભારત: રા.સ્વ.સંઘ કા દૃષ્ટિકોણ” પ્રસ્તુત કરી રહ્યા છે

Hari Desai | Updated - Sep 17, 2018, 12:06 AM
Khabarnama By Hari Desai

નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ૧૭થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન વિશ્વના સૌથી વિશાળ સ્વયંસેવી સંગઠન ગણાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત “ભવિષ્ય કા ભારત: રા.સ્વ.સંઘ કા દૃષ્ટિકોણ” પ્રસ્તુત કરી રહ્યા છે ત્યારે દેશના સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આ માતૃસંસ્થાના સમર્થકો અને વિરોધીઓમાં સહજ ઉત્સુકતા હોવી સ્વાભાવિક છે.

નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ૧૭થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન વિશ્વના સૌથી વિશાળ સ્વયંસેવી સંગઠન ગણાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત “ભવિષ્ય કા ભારત: રા.સ્વ.સંઘ કા દૃષ્ટિકોણ” પ્રસ્તુત કરી રહ્યા છે ત્યારે દેશના સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આ માતૃસંસ્થાના સમર્થકો અને વિરોધીઓમાં સહજ ઉત્સુકતા હોવી સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીના પુસ્તક “મારા સ્વપ્નના ભારત”માંથી જ સંભવતઃ પ્રેરણા લઈને મોહનજીની વ્યાખ્યાનશ્રેણી થકી વિશ્વ સમક્ષ સંઘની વિચારવિભાવના પ્રસ્તુત કરવામાં આવી રહી હોવાનું લાગે છે. નાગપુરમાં સંઘના સંસ્થાપક સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવારના પ્રારંભિક તબક્કામાં પ્રસિદ્ધિથી વિમુખ રહી માત્ર કામને જ બોલવા દઈ “ના બોલ્યામાં નવગુણ”ને બદલે હવેના બદલાયેલા સંજોગોમાં “બોલે તેનાં બોર વેચાય”ને આત્મસાત કરવામાં આવ્યાનું અનુભવાય છે. સ્વામી વિવેકાનંદનાં વિશ્વ ધર્મ પરિષદમાં સપ્ટેમ્બર ૧૮૯૩નાં વ્યાખ્યાનોનાં સવાસો વર્ષ નિમિત્તે સંઘના સુપ્રીમો ડૉ.ભાગવત હજુ હમણાં જ શિકાગોમાં દ્વિદિવસીય હિંદુ પરિષદને સંબોધીને આવ્યા છે. ક્યારેક રાજકીય અસ્પૃશ્ય ગણાતા સંઘ-જનસંઘ-ભાજપ માટે અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુવર્ણયુગ છે. સરસંઘચાલક સાથે એકદમ સમાન વિચારપથ પર ચાલી રહેલા હમઉમ્ર સંઘપ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખત્યાર હેઠળના રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના શાસને પણ અનુકૂળ સંજોગો સર્જ્યા છે. જોકે સંઘ રાજ્યાશ્રિત રહ્યો નથી, પણ દોડવું હોય અને ઢાળ મળે તો એ ગમે. મોરબી જળ હોનારતથી લઈને તાજેતરની કેરળ જળ હોનારત જેવી રાષ્ટ્રીય આપદાઓમાં સંઘની કામગીરી બિરદાવવા જેવી રહી છે.

નેતાજીએ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા

સમાજ અને રાષ્ટ્રની વિચારધારા વહેતી નદીની જેમ પરિવર્તનશીલ હોય તો જ સમયનાં વહેણ સાથે તાલ મિલાવી શકે છે : નેતાજી સુભાષચંદ્ર બોઝને મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદ સહિતના મહામાનવોની કોંગ્રેસ સાથે વાંધો પડ્યો,અધ્યક્ષપદ ત્યાગ્યું, નવો ડાબેરી પક્ષ ફોરવર્ડ બ્લોક સ્થાપ્યો, દેશ છોડીને સિંગાપુરની ધરતી પર આઝાદ હિંદ ફોજ (આઈએનએ)ના વડાનો હોદ્દો સ્વીકાર્યો. એ પછી ૧૯૪૪ના રેડિયો પ્રસારણમાં નેતાજી ગાંધીજીને “ફાધર ઓફ ધ નેશન(રાષ્ટ્રપિતા)” તરીકે સંબોધન કરવા જેટલું મોટું દિલ દાખવે છે. બંધિયાર જળની જેમ ગઈકાલોમાં જ અટવાયેલા રહેનારા લોકો દિમાગી સડન ધરાવે છે. એટલે જ સ્તો મહાત્માએ વિચારભેદના સંજોગોમાં પોતાના છેલ્લા મતને અધિકૃત લેખવાનું કહ્યું હતું. સરદાર પટેલ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર જ નહીં, સ્વયં જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી પણ “હિંદુરાષ્ટ્ર”ના વિચારના વિરોધી હતા. એક હિંદુવાદી સંસ્થા તરીકે સંઘ પણ કેટલીક બાબતોમાં પોતાની ભૂમિકામાં વિરોધાભાસ ધરાવતો રહ્યો છે. દા.ત. જમ્મૂ-કાશ્મીરના ત્રિભાજન અને અનામત સંદર્ભે એની ભૂમિકા પ્રતિનિધિસભાઓના ૧૯૮૧થી ૨૦૧૨ લગીના ઠરાવોમાં અને અત્યારનાં સંઘના સુપ્રીમો અને અન્ય “અધિકારીઓ”નાં નિવેદનોમાં ફરક જોવા મળે છે. એ સઘળી બાબતો પણ વિજ્ઞાન ભવનના “વૈશ્વિક બૌદ્ધિક”માં નીરક્ષીર થવાની અપેક્ષા રહે છે.

બંધિયાર જળની જેમ ગઈકાલોમાં જ અટવાયેલા રહેનારા લોકો દિમાગી સડન ધરાવે છે. એટલે જ સ્તો મહાત્માએ વિચારભેદના સંજોગોમાં પોતાના છેલ્લા મતને અધિકૃત લેખવાનું કહ્યું હતું. સરદાર પટેલ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર જ નહીં, સ્વયં જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી પણ “હિંદુરાષ્ટ્ર”ના વિચારના વિરોધી હતા.

સંઘની વિચાર-વિભાવનાનાં નીરક્ષીર

વ્યાખ્યાનત્રિવેણી થકી સંઘના દ્વિતીય સરસંઘચાલક પ્રા.માધવ સદાશિવ ગોળવળકરના “વી ઓર અવર નેશનહૂડ” અને “બંચ ઓફ થોટ્સ (વિચાર-નવનીત)” જેવા ગ્રંથો વિશે બુદ્ધિજીવીઓ અને રાજકીય વિરોધીઓમાં ઉઠતા રહેલા વિવાદ તેમજ રાષ્ટ્રપિતાની હત્યામાં સંઘને સંડોવવાની થતી રહેલી કોશિશો ઉપરાંત સંઘની હિંદુરાષ્ટ્રની ભૂમિકા અને બિન-હિંદુઓના સ્થાન, આર્થિક તેમજ વિદેશ નીતિની બાબતમાં ભાજપની સરકારો સાથે મતભેદના સંજોગોમાં સંઘની અધિકૃત ભૂમિકા શું ? આ બધી બાબતોની સ્પષ્ટતા બે દિવસના વ્યાખ્યાન અને ત્રીજા દિવસની પ્રશ્નોત્તરીમાં મળવાની અપેક્ષા છે. માત્ર વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી કે રાજ્યોની વિધાનસભા ચૂંટણી સંદર્ભે જ સનસનાટીભરી બાબતો જ ચર્ચાય એવું માનવું ભૂલભરેલું છે. હા, એટલું ચોક્કસ છે કે વિવિધ દેશોના રાજદૂતો અને વિવિધ પક્ષોના નેતાઓ એમાં સહભાગી થાય ત્યારે ભાજપને અનુકૂળ સંદેશ આપવાનો પ્રયાસ થવો સ્વાભાવિક છે.

સંઘના સંસ્થાપક જાણીતા કમ્યુનિસ્ટ નેતા

વર્ષ ૧૯૨૫માં સંઘની સ્થાપના કરીને બીજે વર્ષે એનું નામકરણ કરનાર તથા ચાર વર્ષ પછી એટલે કે ૧૯૨૯માં સરસંઘચાલકનો હોદ્દો ગ્રહણ કરનાર ડૉ.કેશવ બલિરામ હેડગેવારથી લઈને વર્તમાન છઠ્ઠા સરસંઘચાલક સુધીની “હિંદુ હિત માટે કાર્યરત સાંસ્કૃતિક સંસ્થા”એ અનેક ઉતારચઢાવ નિહાળ્યા છે. છેક ૧૯૩૭ સુધી કોંગ્રેસમાં સક્રિય રહેલા ડૉ.હેડગેવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવા અહિંસાવાદી નેતૃત્વને સ્વીકારવાને બદલે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના અનુયાયી ગણાવવામાં ગર્વ અનુભવતા હતા.૧૯૨૦માં લોકમાન્યના નિધન પછીના નાગપુરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના ૫૧મા ક્રમના સભ્ય અને નાગપુર શહેર કોંગ્રેસના સહમંત્રી ડૉ.હેડગેવારના અંતરંગ સાથી અને સંઘના સંસ્થાપક સરકાર્યવાહ બાલાજી હુદ્દાર દેશના જાણીતા કમ્યુનિસ્ટ નેતા તરીકે કીર્તિ મેળવી હતી ! આ અધિવેશન માટે તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાછળથી હિંદુ મહાસભાના અધ્યક્ષ બનેલા ડૉ.બી.એસ.મુંજે સાથે પુડુચેરી જઈને ૧૯૧૦થી ત્યાં વસતા અરવિંદ ઘોષને કોંગ્રેસનું અધ્યક્ષપદ સ્વીકારવા સમજાવ્યા હતા,પણ એમણે સાફ નન્નો ભણ્યો હતો. અરવિંદ અધ્યાત્મ ભણી વળી ગયા હતા.

હેડગેવાર અને સાવરકર વચ્ચે મતભેદ

મુસ્લિમ તુષ્ટીકરણ અને ભારતીય રાષ્ટ્રીયતાને વ્યાખ્યાયિત કરવામાં ડૉ.હેડગેવાર અને મહાત્મા ગાંધી વચ્ચે મતભેદ હતા,પરંતુ આ મતભેદો ડૉ.હેડગેવાર માટે રાષ્ટ્રીય આંદોલનમાં સહભાગી થવામાં અવરોધક બન્યા નહોતા. એટલું જરૂર કે બીજીવાર ૧૯૩૦માં સત્યાગ્રહમાં સહભાગી થતાં જેલવાસ વહોરવાની તૈયારી સાથે નીકળતાં તેમણે સરસંઘચાલકપદ ડૉ. લ. વા.પરાંજપેને સુપરત કર્યું હતું. સંઘ સંસ્થા તરીકે નહીં, પણ સ્વયંસેવકો વ્યક્તિગત રીતે સત્યાગ્રહમાં સહભાગી થાય, એવી તેમની ભૂમિકા કોંગ્રેસના જંગલ સત્યાગ્રહ અને ભાગાનગર (હૈદરાબાદ)ના હિંદુ મહાસભાના સત્યાગ્રહ વખતે પણ રહી હતી. જંગલ સત્યાગ્રહમાં સહભાગી થતાં જેલવાસ ભોગવવામાં ગાંધીજીએ આપેલા નિર્દેશોનું જેલમાં પણ પાલન કરવાનું એમણે સ્વીકાર્યું હતું. જેલમુક્તિ પછી એમણે ફરીને સરસંઘચાલકપદ સ્વીકારી લીધું હતું. અત્યારે ભલે સંઘ-ભાજપના મંચ પર વીર સાવરકરનાં ગુણગાન થતાં હોય, હિંદુ મહાસભાના અધ્યક્ષ વિ. દા. સાવરકર અને એમના સાથી ડૉ.બી. એસ. મુંજે સાથે ડૉ. હેડગેવારને ઘણા મતભેદ હતા. ડૉ. હેડગેવારના સંઘના તમામ અનુગામીઓ ગાંધીજી સાથે મતભેદ ધરાવતા રહ્યા.પંડિત નેહરુ એમના કાયમી “વ્હીપિંગ બોય” રહ્યા. આજે પણ છે. સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે ગાંધીહત્યા પ્રકરણમાં સંઘ પર પ્રતિબંધ લાદીને દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) સહિતનાને જેલમાં પૂર્યા હોવા છતાં સરદાર માટે સંઘમાં સદભાવ જળવાયો છે.

ગુરુજીની પ્રેરણાથી જનસંઘની સ્થાપના

મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસે ક્યારેક સ્વયંસેવક હતા. જોકે સંઘ સાથે અણબનાવને કારણે એ હિંદુ મહાસભા ભણી ઢળ્યા અને અખબારના તંત્રી હતા. આ પ્રકરણમાં સંઘની ખૂબ બદનામી થયા છતાં સંસદમાં સંઘ વતી પ્રભાવીપણે પક્ષ રજૂ કરનાર ભાગ્યેજ કોઈ હતું. આવા તબક્કે ૧૯૪૦માં ડૉ. હેડગેવારના મૃત્યુ પછી તેમના અનુગામી બનેલા ગુરુજીને સંઘની રાજકીય પાંખનો વિચાર સ્ફુર્યો. અગાઉ હિંદુ મહાસભાના અધ્યક્ષ રહેલા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી નેહરુ સરકારમાંથી છૂટા થયા. એમની સાથે ચર્ચાવિચરણા કરીને જનસંઘની ૧૯૫૧માં સ્થાપના કરવાનું નક્કી થયું. ડૉ. મુકરજી જનસંઘના પ્રથમ અધ્યક્ષ બન્યા. સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાય એના સંસ્થાપક મહામંત્રી બન્યા. ત્યારથી આજ લગી જનસંઘ કે ભાજપમાં મહામંત્રી (સંગઠન)ના હોદ્દે સંઘના પ્રચારક મૂકાય છે. કે. એન. ગોવિન્દાચાર્ય, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંજય જોશી કે અત્યારના મહામંત્રી (સંગઠન) રામલાલ સંઘના પ્રચારક છે. નાગપુરના પ્રતિનિધિઓ સાથે સંકલન માટે સંઘ પરિવારનાં તમામ સંગઠનોમાં આવી વ્યવસ્થા છે. દ્વિતીય સરસંઘચાલાકનું બીજું મહત્વનું યોગદાન ૧૯૬૪માં સ્વામી ચિન્મયાનંદના પવઈ આશ્રમમાં ૧૯૬૪માં ક. મા. મુનશી, તુકડોજી મહારાજ, માસ્ટર તારાસિંહ સહિતના મહાનુભાવોને તેડાવીને વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના કરાવી એ હતું. સંઘની વિચારધારાનું ઘડતર ગુરુજી થકી થયાનું કહી શકાય.

રાજકીય હરણફાળ ભરવામાં દેવરસ

ગુરુજીનું કેન્સરની બીમારીથી ૧૯૭૩માં મૃત્યુ થયા પછી મધુકર દત્તાત્રય (બાળાસાહેબ) દેવરસ ત્રીજા સરસંઘચાલક બન્યા. સામાન્ય રીતે સરસંઘચાલક આજીવન હોદ્દો ધરાવે,પણ બાળાસાહેબના વખતથી એ પરંપરા બદલાઈ. એમણે ૧૯૭૩થી ૧૯૯૩ સુધીના ગાળામાં સંઘના સુપ્રીમોની જવાબદારી નિભાવી. આ સમયગાળામાં રાજકીય દૃષ્ટિએ સંઘ,જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપના પ્રભાવ વિસ્તરણમાં એમણે ભવ્ય યોગદાન કર્યું. ઇમર્જન્સીમાં એમણે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને લખેલા પત્રો વિવાદાસ્પદ બન્યા,પણ રાજકીય ક્ષેત્રમાં અછૂત ગણાતા સંઘ-જનસંઘને એમણે મુખ્યધારામાં લાવી દીધો. વર્ષ ૧૯૭૭માં મોરારજી દેસાઈના વડપણ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની ત્યારે છેક ૧૯૫૭થી સંસદમાં ચૂંટાતા રહેલા અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી બન્યા. રાજસ્થાનના પ્રચારક રહેલા લાલકૃષ્ણ આડવાણી માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા.બીજા સાથીઓ પણ પ્રધાન બન્યા. કેન્દ્રમાં પહેલીવાર સત્તાનો સ્વાદ ચાખવાનું સંઘનિષ્ઠોને ફાળે આવ્યું. રામજન્મભૂમિ આંદોલન પણ આ જ ગાળામાં ભાજપને લાભ પહોંચાડતું રહ્યું.

મુસ્લિમોને સાથે લેવામાં સુદર્શન

સંઘમાં માત્ર મહારાષ્ટ્રના બ્રાહ્મણોનું જ ચલણ છે એ મહેણું પણ બાળાસાહેબના અનુગામીની પસંદમાં ભાંગવામાં આવ્યું. તેમણે અનુગામી તરીકે ઉત્તર પ્રદેશના રાજપૂત પરિવારમાં જન્મેલા પ્રા.રાજેન્દ્ર સિંહને પસંદ કર્યા. રજ્જુભૈયાએ સંઘના કામને દેશ-વિદેશમાં પ્રભાવી બનાવીને સરસંઘચાલકની જવાબદારી પોતાની હયાતીમાં જ કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શનને વર્ષ ૨૦૦૦માં સોંપી. રજ્જુભૈયાના વખતમાં દેશમાં સંઘના પ્રચારક રહેલા અટલ બિહારી વાજપેયી વડાપ્રધાનના હોદ્દે આવી શક્યા. એમની સાથે તેમને ઝાઝું બનતું નહોતું, પણ વાજપેયી પણ પ્રચારક રહ્યા હોવાથી સુપ્રીમોની આમન્યા સદાય જાળવતા રહ્યા. અત્યાર લગી માત્ર શિયા મુસ્લિમો જ સંઘ-જનસંઘ સાથે જોડતા રહ્યા હતા. સુદર્શનજીએ મૂળે દાઉદી વહોરા એવા વરિષ્ઠ પત્રકાર મુઝફ્ફર હુસૈન સાથે લાંબી ચર્ચાવિચરણા કરીને રમેશ પતંગેને સાથે લઈને મુંબઈના મુસ્લિમબહુલ ઇલાકા ભીંડી બજારમાં જઈને શિયા-સુન્ની- દાઉદી મુસ્લિમો સાથે બેઠક કરીને રાષ્ટ્રીય મુસ્લિમ મંચનો પાયો નાખ્યો. સુદર્શનજીએ પણ ૨૦૦૯માં સરસંઘચાલકપદ વર્તમાન વડા ડૉ.મોહન ભાગવતને આપીને નિવૃત્ત થવાનું પસંદ કર્યું હતું. સંઘના તમામ સરસંઘચાલકો અને સરકાર્યવાહો એકદમ ભણેલા ગણેલા અને ઊંચી પદવી ધરાવનારા રાષ્ટ્રને સમર્પિત રહ્યા છે.

સત્તાના મદમાં અવિવેકનાં દર્શન

આધુનિકતા સાથે તાલ મિલાવવામાં સંઘમાં ઘણી કશ્મકશ ચાલતી રહી છે. ક્યારેક પંડિત દીનદયાળ ઉપાધ્યાય બેઠક માટે જાતે ચટ્ટાઈ પાથરવાની સાદગી માટે જાણીતા હતા. અત્યારે સંઘ અને ભાજપમાં (સેવન સ્ટાર કલ્ચરની) સાહ્યબી વધી છે. સાથે જ ભિન્નમતનો આદર કરવા કે એને સ્વીકારવાની બાબતમાં સંઘ-ભાજપમાં ઓછી તૈયારી જોવા મળે છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની દુહાઈ દેતા આ સંગઠનના સેવા ક્ષેત્રમાં કે રાજકીય ક્ષેત્રમાં સક્રિય વ્યક્તિઓ ઘણીવાર વિરોધીઓ માટે જે ભાષા વાપરે છે એ જોતાં આવતીકાલની દિશા કેવી હશે, એ વિશે પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. સંઘમાં જે સૂત્રને આત્મસાત કરવામાં આવ્યું છે તે મુજબ, “આક્રમણ એ જ બચાવનો શ્રેષ્ઠ માર્ગ (ઓફેન્સ ઈઝ બેસ્ટ ડિફેન્સ)” ની જ શીખ અપાય છે. ક્યારેક વિવેક ચુકી જવાતો હોવાનું અનુભવાય છે. સત્તામાં આવ્યાથી પચાસ વર્ષ સુધી સત્તામાં રહેવા બાબત આશ્વસ્ત હોવાની પ્રકૃતિ વિવેક ચુકવતી હોવાની અનુભૂતિ કરાવે છે. એકવાર હળવાશમાં જ ડૉ.ભાગવતે ગંભીર ટકોર કરી હતી કે મોદીજી તો વડાપ્રધાનપદની સાથે જ સરસંઘચાલકનો હોદ્દો પણ સંભાળી શકે તેમ છે. આવા તબક્કે આપણે ત્યાંની “અભિમાન તો રાજા રાવણનું પણ છાજ્યું નથી” એ પ્રચલિત ઉક્તિનું સૌ સ્વયંસેવકોને સ્મરણ કરાવાય એમાંજ ગનીમત.

haridesai@gmail.com

X
Khabarnama By Hari Desai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App