અનામતની કાખઘોડી કાઢવાની પહેલ કેન્દ્રના મંત્રી હરિભાઈ ચૌધરીના ખભે બંદૂક રાખીને!

Khabarnama By Hari Desai

ગુજરાતમાં માધવસિંહયુગમાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોની આગને જે ઉજળિયાત કોમો વધુ ભડકાવી રહી હતી એમાંથી ઘણી કોમો તો આજે અનામતની માંગણી સાથે આંદોલન આદરી બેઠી છે. પોતાને ઉજળિયાત ગણાવતી કોમો હવે અનામતની કતારમાં છે. આંદોલન કરે છે.

Hari Desai

Sep 10, 2018, 12:05 AM IST

અનામતની પ્રથા જેટલી જલદી દૂર કરવામાં આવે એટલું સમાજના હિતમાં લેખાશે એવી ભૂમિકા સાથે આજકાલ દેશમાં સવર્ણો જંગે ચડ્યા છે. પહેલાં ભાજપ-જેડી(યુ)શાસિત બિહાર અને પછી ભાજપશાસિત મધ્ય પ્રદેશ સહિતના પ્રદેશોનો વારો આવ્યો. પોતાને ઉજળિયાત અને સવર્ણ ગણાવનારાઓ અનામતને દૂર કરવા દેશવ્યાપી બંધનું આયોજન કરવા મેદાને પડે છે. અનામતના સમર્થકો એની સામે વિરોધ નોંધાવવા જંગ આદરે તો સમાજમાં વિદ્વેશનું વાતાવરણ સર્જાવાનું સ્વાભાવિક છે. સદનસીબે હજુ સ્થિતિ કથળી નથી,પરંતુ મામલો ક્યારે વણસે એ કહેવાય નહીં. ગુજરાતમાં માધવસિંહયુગમાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોની આગને જે ઉજળિયાત કોમો વધુ ભડકાવી રહી હતી એમાંથી ઘણી કોમો તો આજે અનામતની માંગણી સાથે આંદોલન આદરી બેઠી છે. પોતાને ઉજળિયાત ગણાવતી કોમો હવે અનામતની કતારમાં છે. આંદોલન કરે છે. પોતાને પછાત કોમોમાં સામેલ કરાવવા રેલીઓ કાઢે છે.અનામતનો સૌથી પહેલાં લાભ મદ્રાસમાં બ્રાહ્મણોને મળ્યો હતો કે છત્રપતિ શાહૂ મહારાજના કોલ્હાપુરમાં મરાઠાઓને માટે અનામત દાખલ કરાઈ હોવાની વાત આગળ ધરીને બ્રાહ્મણ, રાજપૂત, પટેલ-પાટીલ કે અન્ય ઉજળિયાત મનાતી કોમો હવે પોતાને પછાત ગણાવવાની સ્પર્ધામાં છે.

અન્યો માટે અનામત ત્યાગો ઝુંબેશ

અનામત પ્રથાનો લાભ માત્ર ૨૦થી ૨૫ % લોકોને જ મળ્યો છે એટલે જેમણે અનામતનો લાભ લીધો હોય તે અન્ય સમાજોને માટે અનામતના લાભને ત્યાગે અને અન્ય સમાજોને પણ અનામતનો લાભ મળવો જોઈએ, એવા પ્રબોધન સાથે કેન્દ્રના રાજ્યમંત્રી હરિભાઈ પરથીભાઇ ચૌધરી પોતાના સમાજના જ રવિવારી સમારંભમાં ઘણાને આંચકો આપ્યો. આગામી લોકસભા ચૂંટણી હજુ પોતે બનાસકાંઠા બેઠક પરથી લડવાની જાહેરાત કર્યા પછી પણ એ પોતાના પગ પર કુહાડો મારવાનું કામ કેમ કરી રહ્યા છે, એ અગમ્ય છે. એકબાજુ, મોદી સરકારના આ ગુજરાતી પ્રધાન અનામતનો અન્યો કાજે ત્યાગ કરવાની ફોર્મ્યુલા રજૂ કરે છે.રાજ્યમંત્રી ઉવાચ: “અનામતનો એકવાર જેમણે લાભ લીધો છે તેમણે બીજીવાર લાભ ના લેવો જોઈએ.અનામતનો લાભ દરેક સમાજને મળવો જોઈએ.” મંત્રીમંડળની સામૂહિક જવાબદારી હોય છે એટલે કે રાજ્યમંત્રી જે વદ્યા એ વડાપ્રધાન મોદીની સરકારની ભૂમિકા લેખાય ! બીજી બાજુ, મોદી સરકારના બીજા રાજ્યમંત્રી રામદાસ આઠવલે બંધારણ બદલીને આર્થિક રીતે પછાત એવા સવર્ણોને કે ઉજળિયાતોને ૨૫ % અનામતનો લાભ આપવા ઉપકાર કરવા તત્પર છે. ચૌધરી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સાથે જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતો( ઓબીસી) માટેની અનામતનો લાભ મેળવનારી કોમોને ઉપદેશ કરી રહ્યા હતા કે કેમ એનો ફોડ પાડ્યો નથી. બોલવામાં સંયમ રાખવાને બદલે વાણીવિલાસ પછી મેં આવું કહ્યું નહોતું એવી સ્પષ્ટતા કરવાની પરંપરા કમસેકમ આવા જવાબદાર રાજ્યમંત્રીના કિસ્સામાં પાછળથી નહીં જ જળવાય. દેશમાં અનામત હટાઓ ઝુંબેશનું નેતૃત્વ કરવાના અભરખા એમને જાગ્યા હોય તો જુદી વાત છે.

ગુજરાતમાં માધવસિંહયુગમાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોની આગને જે ઉજળિયાત કોમો વધુ ભડકાવી રહી હતી એમાંથી ઘણી કોમો તો આજે અનામતની માંગણી સાથે આંદોલન આદરી બેઠી છે. પોતાને ઉજળિયાત ગણાવતી કોમો હવે અનામતની કતારમાં છે. આંદોલન કરે છે.

૨૭ જ્ઞાતિઓનો ૧૯૯૪માં સમાવેશ

બંધારણમાં એસસી અને એસટી ઉપરાંત ઓબીસીની અનામતની જોગવાઈ કરવામાં આવ્યા પછી અનામતની સ્થિતિની દર દસ વર્ષે સમીક્ષા કરવાની જોગવાઈ છે. આમ છતાં રાજ્યમંત્રી ચૌધરીના પક્ષ ભાજપ થકી ગુજરાતમાં ૨૨ વર્ષના શાસન દરમિયાન એકપણ વખત અનામતની સમીક્ષાની માંગણી કરાઈ નથી. આમ એકાએક અનામત છોડવાની વાત કરવામાં આવી એનું પ્રાગટ્ય થયું ક્યાંથી, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હજુ થોડા વખત પહેલાં તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે તેમના સમાજના જ ઓબીસી અનામત ઝુંબેશના સૂત્રધાર એવા અગ્રણી હરિભાઈ વેલજીભાઈ ચૌધરી રાજ્યમાં જે સમાજો કે જૂથો ઓબીસી અનામતમાં છે તે તમામને કેન્દ્રની ઓબીસી અનામતની યાદીમાં સમાવવાની માંગણી સાથે રજૂઆત કરતા હતા. આ વાત તર્કસંગત હોવા છતાં એનો વિચાર કરવાનો કેન્દ્રના આ મંત્રી સહિતના સરકારમાં બેઠેલાઓને વખત મળ્યો નહીં. એકાએક અનામતનો લાભ મેળવનારા અન્ય સમાજો માટે એ ત્યાગે, એવી વાત કરે ત્યારે નવાઈ લાગવી સ્વાભાવિક છે. અત્રે એ યાદ રહે કે મંડળ પંચના અહેવાલની યાદીમાં પછાત જ્ઞાતિઓમાં સમાવાયેલી પરંતુ ગુજરાતમાં ઓબીસીમાં નહીં સમાવાયેલી ચૌધરી(આંજણા પટેલ),પ્રજાપતિ-કુંભાર, ઘાંચી સહિતની ગુજરાત અને જૂના સૌરાષ્ટ્ર પ્રદેશની ૨૭ જ્ઞાતિઓનો હરિભાઈ વેલજીભાઈ ચૌધરી અને જી.કે.પ્રજાપતિના વડપણવાળી “ગુજરાત રાજ્ય ૨૭ મંડળ કોમ સંઘર્ષ સમિતિ”ના પ્રયાસોથી, મુખ્યમંત્રી છબિલદાસ મહેતા અને નાયબ મુખ્યમંત્રી સી.ડી.પટેલ તેમજ વિપક્ષના નેતા કેશુભાઈ પટેલના સમર્થનથી, વર્ષ ૧૯૯૪માં રાજ્યની ઓબીસી યાદીમાં સમાવેશ કરાયો હતો.

કેન્દ્ર-રાજ્યમાં એક જ યાદી અનિવાર્ય

જોકે રાજ્યની ઓબીસી યાદીમાંની ૧૪૬ જ્ઞાતિઓમાંથી ૪૨ જ્ઞાતિઓને હજુ કેન્દ્રની ઓબીસી યાદીમાં સમાવાઈ નથી. આ જ્ઞાતિઓને ન્યાયના સમાન સિદ્ધાંતની દૃષ્ટિએ તો અન્યાય જ થયો ગણાય.આમ છતાં રાજ્યમંત્રી ચૌધરીને એ માટે સમય મળ્યો લાગતો નથી, જયારે અનામત દૂર કરાવવા કે અમુક જ્ઞાતિઓ પાસે અનામતનો ત્યાગ કરાવવા માટેની ઝુંબેશમાં સાથ આપવામાં રસ પડ્યો, એ બાબત ઘણાને આશ્ચર્ય પમાડે છે.પ્રશ્ન એ પણ થાય છે કે શું કેન્દ્રના રાજ્યમંત્રી જે ભૂમિકા રજૂ કરી રહ્યા છે તે ભાજપની સત્તાવાર ભૂમિકા છે ? જો એમ જ હોય તો બંને હરિભાઈ ભાજપના નેતા છે અને તેઓ અનામતની નાબૂદીના સમર્થનમાં હોય એ વાત લોકોને ગળે ઊતરતી નથી. કારણ? હજુ ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજ જ ગુજરાત સરકારને લખેલા પત્રમાં ગુજરાત રાજ્ય બક્ષીપંચ (ઓબીસી) હિતરક્ષક સમિતિ વતી હરિભાઈ વી.ચૌધરીએ જણાવ્યું છે કે હજુપણ રાજ્યમાં ઓબીસીમાંની જે ૪૨ જ્ઞાતિઓને કેન્દ્રની ઓબીસી યાદીમાં સમાવાઈ નથી તેમને કેન્દ્રની યાદીમાં સમાવવામાં આવે અને કેન્દ્ર સરકારના લાભ અપાય.

રાજ્યમંત્રી બિહારના પરાજયને ભૂલ્યા

રાજ્યમંત્રી હરિભાઈ વિસરી ગયા લાગે છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં અનામત પ્રથાની સમીક્ષા કરવાની વાત કરનાર આરએસએસના વડા મોહનજી ભાગવતના એકમાત્ર નિવેદનના પ્રતાપે ભાજપ બિહારમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયો હતો. એ પછી પોતાની ઓબીસી વડાપ્રધાન તરીકેની ઓળખને પસંદ કરનાર નરેન્દ્ર મોદીએ વારંવાર ખાતરી આપવી પડી હતી કે અનામત પ્રથાને કોઈ કાઢી નહીં શકે. આરએસએસની પ્રતિનિધિસભાના ૧૯૮૧ના ઠરાવમાં ભલે અનામત નામની કાખઘોડીને ફગાવી દેવાની ત્વરા દર્શાવાઈ હોય પણ દલિતો અને આદિવાસીઓની અનામતની દૂર કરવાની વાત કરવાની હિંમત કરાઈ નથી. એ વેળા ઓબીસી અનામત હજુ અમલમાં આવી નહોતી. ભાજપ સત્તાથી જોજન દૂર હતો એટલે અનામતના અમલને મતના રાજકારણ સાથે જોડવાની વાતો ખૂબ થતી હતી, પરંતુ વર્તમાન સમયમાં અનામત દૂર કરવાની કે અનામતના રાજકીય કારણોસર અમલને વખોડવાની હિંમત ભાજપમાં નથી.

ભાજપના માળાને તોડવાનો ઉપક્રમ

ગુજરાતમાં પટેલોની અનામતને ફગાવવાની વાતો કરનાર ભાજપની જ મહારાષ્ટ્રની સરકાર પટેલ સમકક્ષ મરાઠાઓને ૧૬ % અનામતનું ગાજર લટકાવે છે. અત્રે એ યાદ રહે કે અગાઉનાં ત્રણ-ત્રણ પછાત વર્ગ આયોગ મરાઠાઓને અનામત આપી ના શકાય એવા અહેવાલ આપી ચૂક્યાં હોવા છતાં વર્તમાન ભાજપ સરકારે ચોથું કમિશન નિયુક્ત કરીને અનુકૂળ અહેવાલની અપેક્ષાએ મરાઠાઓને ૧૬ % અનામતનું વચન આપેલું છે. ગુજરાતમાં તો પટેલો માટે આવી કવાયત કરવાથી સરકાર વેગળી રહી છે, પણ કેન્દ્રના રાજ્યમંત્રી ક્રાંતિકારી નિવેદન કરીને દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને અનામત ત્યાગવાનું કહે છે. સમાજમાં આવા બેજવાબદાર નિવેદનથી નવા ભડાકા થવાની શક્યતા જોઈ શકાય છે. આવા તબક્કે ભાજપની નેતાગીરીએ કમસેકમ રાજ્યમંત્રી ચૌધરી કે આઠવલેને જાહેર નિવેદન કરતાં વારવા ઘટે. અન્યથા નુકસાન ભાજપને થાય એ સ્વાભાવિક છે. અનામત છોડવાની જેમને સ્વેચ્છા હશે તેઓ છોડશે અથવા કેન્દ્ર કે રાજ્ય સરકારમાં હિંમત હોય તો એ માટે કાયદો કરે. જોકે આવું પગલું લોકપ્રિયતાલક્ષી પગલાં લેવાના યુગમાં આત્મઘાતી સાબિત થાય એ વડાપ્રધાન મોદી અને એમના પક્ષના અધ્યક્ષ શાહ તો સમજતા હશે, પણ એમના રાજ્યમંત્રી એમના માળાને તોડવા બેઠા હોય એવું વધુ લાગે છે.

[email protected]
X
Khabarnama By Hari Desai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી