શ્રીદેવી... મૈં ખ્વાબોં કી શહજાદી (૨૮)

શ્રીદેવીને અને યશ ચોપ્રાને પણ ‘લમ્હે’ ભલે વકરાની...

સલિલ દલાલ | Updated - Aug 10, 2018, 12:05 AM
article by salil dalal

શ્રીદેવીને અને યશ ચોપ્રાને પણ ‘લમ્હે’ ભલે વકરાની રીતે નિરાશ કરી ગયું. પરંતુ, એવોર્ડ્સમાં મેદાન મારી ગયું. બે વરસ પહેલાં ‘ચાલબાઝ’ના ડબલ રોલ માટે શ્રીદેવીને ‘બેસ્ટ એક્ટ્રેસ’નો ‘ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને ફરી એકવાર બેવડી ભૂમિકા કરવા બદલ ‘લમ્હે’માં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો પુરસ્કાર એ જ સંસ્થા તરફથી મળતાં બધું સાટું વળી ગયું. કેમ કે તે સાલ એ એવોર્ડની સ્પર્ધાના અંતિમ પાંચમાં આવેલ ‘સાજન’ માટે માધુરી, ‘લેકિન’ માટે ડીમ્પલ, ‘ફુલ બને અંગારે’ માટે રેખા અને ‘હીના’ બનેલી ઝેબા એ સૌને પાછળ રાખી દઈને ૩૭મા ‘ફિલ્મફેર’ એવોર્ડની ‘બેસ્ટ એક્ટ્રેસ’ની ટ્રોફી જીતી લીધી હતી!

રામ ગોપાલ વર્મા લખે છે, “શ્રીદેવીનું સર્જન કરવા બદલ હું ભગવાનનો આભાર માનું છું અને એ સૌંદર્યને સદાને માટે ઝડપી લેવા બદલ હું આભાર માનું છું લુઇસ લ્યુમિએરનો... મુવી કેમેરાનું સર્જન કરવા બદલ.”

એટલું જ નહીં, ‘લમ્હે’એ ‘બેસ્ટ પિક્ચર’, ‘બેસ્ટ ડાયલોગ’ (ડો. રાહી માસૂમ રઝા), ‘બેસ્ટ સ્ટોરી’ (હની ઇરાની) અને ‘બેસ્ટ કોમેડિઅન’ (અનુપમ ખેર) સહિતના પાંચ એવોર્ડ જીતીને બોક્સ ઓફિસ પરની પછડાટને પ્રમાણમાં હળવી કરી દીધી હતી. તેની સાથે સાથે ‘ફિલ્મફેર’ના દક્ષિણ ભારતના એવોર્ડમાં પણ શ્રીદેવીને ‘બેસ્ટ એક્ટ્રેસ’નો પુરસ્કાર તેલુગુ ફિલ્મ ‘ક્ષણ ક્ષણમ’ માટે મળ્યો. તે જ કૃતિ માટે સાઉથનો પ્રતિષ્ઠિત ‘નંદી એવોર્ડ’ પણ શ્રીદેવીએ પ્રાપ્ત કર્યો. એ પિક્ચરના નિર્દેશક રામ ગોપાલ વર્મા સાથેની બે પૈકીની તે પ્રથમ ફિલ્મ. વર્માજી શ્રીદેવીના જબરદસ્ત ચાહક... કદાચ ‘આશિક’ શબ્દ વધારે યોગ્ય કહી શકાય એવી તેમની જાહેરમાં વ્યક્ત થયેલી ઘેલછા હતી.


રામ ગોપાલ વર્માએ તેમના પુસ્તક ‘ગન્સ એન્ડ થાઇસ: ધી સ્ટોરી ઓફ માય લાઇફ’માં સિનેમાના પોતાના અનુભવોના આત્મકથનમાં પણ એક આખું પ્રકરણ (નં.૧૦) ‘માય શ્રીદેવી’ શીર્ષક સાથેનું લખ્યું છે. એ પ્રકરણના અંતમાં રામ ગોપાલ વર્મા લખે છે, “શ્રીદેવીનું સર્જન કરવા બદલ હું ભગવાનનો આભાર માનું છું અને એ સૌંદર્યને સદાને માટે ઝડપી લેવા બદલ હું આભાર માનું છું લુઇસ લ્યુમિએરનો... મુવી કેમેરાનું સર્જન કરવા બદલ.”


પરંતુ, ૧૯૯૦માં સાંપડેલી નિરાશાનાં વાદળોમાં ’૯૧માં એવોર્ડની રીતે સંતોષજનક સ્થિતિ થઈ હોવા છતાં અંગત રીતે શ્રીદેવીને દેશભરમાં થતાં તોફાનો અને અંડરવર્લ્ડની ધમકીઓના એ સમયમાં મુંબઈમાં એકલા હોટલમાં રહેવાનો ડર હવે વધી રહ્યો હતો. એવા દિવસોમાં, ‘શ્રી’ની શૂટિંગ માટેની મુંબઈ મુલાકાત દરમિયાન બોની કપૂરના પિતાશ્રી સુરીન્દર કપૂરે એક એવી દરખાસ્ત કરી કે લોકોને વાતો કરવાનો નવો મુદ્દો મળી જાય! શ્રીદેવીને હોટલ છોડીને તેમના ઘરે રહેવા આવવા સુરિન્દર કપૂરે આગ્રહ કરતાં ‘શ્રી મૅમ’નું મુંબઈમાં સરનામું હવે સેન્ટૌર હોટલને બદલે કપૂર પરિવારનું ઘર હતું. આ ખુલાસો શ્રીદેવીએ પોતાની જિંદગીની નવી વાસ્તવિકતા વિશેના સવાલોના જવાબો ફિલ્મફેર સામયિકના મે ૧૯૯૧ના અંકમાં આપતાં કર્યો હતો.


શ્રીદેવીને ‘ફિલ્મફેર’ના એ જ ઇન્ટરવ્યૂમાં પ્રાદેશિક ભાષામાંથી હિન્દીમાં ડબ થયેલી ‘જવાની’ (કે ‘નશીલી જવાની’?) ફિલ્મ ‘શ્રી’એ ખરીદી લીધી હોવાનો સવાલ પૂછાયો, ત્યારે હીરોઇને “નો કોમેન્ટ્સ” એવો જવાબ આપ્યો હતો. પણ શ્રીદેવી જ શું કામ? કોઇપણ કલાકાર અન્ય ભાષાની ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રજૂ કરીને પ્રોડક્ટનો અખિલ ભારતીય કક્ષાએ કસ કાઢવાની વેપારી પ્રથાનો ઇનકાર કેવી રીતે કરી શકે? પોતાની ઇમેજને નકારાત્મક અસર કરી શકે એવું પિક્ચર બજારમાં આવતું અટકાવવા તેને ખરીદી લેવાનો એક સરળ રસ્તો હોય છે. કોઇ જમાનામાં રાજેશ ખન્નાએ પોતાની સુપરસ્ટારની ઇમેજને વાંધો ન આવે તે માટે પોતાના એક પિક્ચરની પ્રિન્ટો ખરીદી અથવા પૈસા આપીને થોડોક સમય માટે બ્લોક કરી હોવાના ઊડતા અહેવાલો હતા જ ને?

શ્રીદેવીએ ‘જવાની’ની ખરીદી કરી હતી કે નહીં, એ પ્રશ્ન અનુત્તર રહ્યો.
પરંતુ, ૮૯ની તેલુગુ ફિલ્મ ‘જગદેકા વીરુડુ અતિલોકા સુંદરી’ (‘પાંખોવાળી પરી’) હિન્દીમાં ‘આદમી ઔર અપ્સરા’ નામે આવી ત્યારે શ્રીદેવીને કે તેના સંગીતકારને એ કલ્પના પણ નહીં હોય કે તેનો સીધો લાભ માધુરી દીક્ષિતને થવાનો હતો! એ હિન્દી વર્ઝન ‘આદમી ઔર અપ્સરા’ને હિન્દીમાં રજૂ કરાઇ, ત્યારે તેને તેલુગુના ૯ કરોડના વકરા જેવો, આવકાર ના મળ્યો. પરંતુ, તે પિક્ચરના એક ગાયન ‘‘અબ્બાની તિયાની...”નું હિન્દી રૂપાંતર “તુમને ઇસ તરહ મારા...”ની સંગીતકાર ઇલિયારાજાએ બનાવેલી ધૂન કદાચ હિન્દી મ્યુઝિક વર્તુળોમાં પણ બહુ ધ્યાન ખેંચી ગઈ હતી.


એ શ્રીદેવી અને ચિરંજીવી ઉપર ફિલ્માવાયેલું ગાયન “તુમને ઇસ તરહ મારા...” અમિત કુમાર અને કવિતા ક્રિશ્નમૂર્તિએ ગાયું હતું અને તેની બેઠ્ઠી ઝેરોક્ષ જેવી એ આખે આખી ધૂન ‘બેટા’માં આનંદ-મિલિન્દે લીધી. આજે તો હવે ચકાસવું હોય તો સૌ કલાપ્રેમીઓ માટે મૂળ તેલુગુમાં એસ.પી. બાલાસુબ્રમનિયમ અને કે.એસ. ચિત્રાએ ગાયેલું “અબ્બાની તિયાની...’’ અને ‘આદમી ઔર અપ્સરા’માંનું હિન્દી વર્ઝન “તુમને ઇસ તરહ મારા...” બન્ને ‘યુ ટ્યુબ’ પર ઉપલબ્ધ પણ છે. ‘બેટા’માં એ જ ધૂન પર ઉદિત નારાયણ અને અનુરાધા પૌડવાલે સમીરના આ શબ્દો ગાયા, “ધક ધક કરને લગા, હો મોરા જિયરા ડરને લગા...”!


‘બેટા’ને તે પછીના વર્ષે ૧૯૯૨માં બોક્સ ઓફિસ પર સૌથી વધુ કલેક્શન લાવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવવામાં માધુરી દીક્ષિત અને અનિલ કપૂર પર ફિલ્માવાયેલા એ ગીત “ધક ધક કરને લગા...”નો ફાળો કેટલો બધો હતો, એ કોણ નથી જાણતું? હકીકતમાં તો સળંગ ૧૯૮૮, ’૮૯, ’૯૦, ૯૧ અને હવે ’૯૨માં પણ સૌથી વધુ કમાણી કરાવનાર ફિલ્મ આપીને માધુરીએ સાચા અર્થમાં તો શ્રીદેવીને ટૉપ પોઝિશન પરથી હટાવી જ દીધાં હતાં. જે કોઇપણ નિષ્પક્ષ રીતે હિન્દી સિનેમાની હિરોઇનોનું આકલન કરશે તેણે એ હકીકત સ્વીકારવી જ રહી કે શ્રીદેવીનું બોક્સ ઓફિસ પરનું સામ્રાજ્ય ખરેખર તો ૧૯૮૩થી ’૮૭ સુધીનું જ કહી શકાય. તે પછીનો ટિકિટબારીનો સપાટો માધુરી દીક્ષિતનો હતો. માધુરીએ પ્રેક્ષકગણમાંના પુરુષોને ફેન્ટસીમાં ઘસડી જવાની અદાઓ (ભલે કલાત્મક રીતે હોય પણ તે) અને જરૂરી અંગપ્રદર્શન કરવામાં ક્યારેય ખચકાટ નહોતો અનુભવ્યો.

માધુરી દીક્ષિતે જરૂરી અંગપ્રદર્શન કરવામાં ક્યારેય ખચકાટ નહોતો અનુભવ્યો. જ્યારે શ્રીદેવી માટે દેહપ્રદર્શન અને ઇન્ટિમેટ સીન્સની અમુક લક્ષ્મણ રેખાઓ સુનિશ્ચિત હતી.

જ્યારે શ્રીદેવી માટે દેહપ્રદર્શન અને ઇન્ટિમેટ સીન્સની અમુક લક્ષ્મણ રેખાઓ સુનિશ્ચિત હતી. આ વાત ખુદ સરોજ ખાને પણ બેઉ અભિનેત્રીઓની કાર્યશૈલી વિશે ચર્ચા કરતાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહી હતી. સરોજ ખાને માધુરી પાસે ‘‘ધક ધક કરને લગા...”માં જે સેક્સી અદાઓ કરાવી હતી તેના ઉપર પ્રેક્ષકો કેવા ફિદા હતા, એ જાણવા તે સમયના કોઇ ડોરકીપરને પૂછો તો એ પણ કહી શકે! ‘બેટા’ને રિપીટ ઓડિયન્સ મળવામાં એ ગીતનો બહુ મોટો ફાળો હતો. આવી વાત અનુભવી સ્ટાર્સ ગીતના શૂટિંગ દરમિયાન જ સમજી જતા હોય. ‘બેટા’ના એ ગાયનનું માધુરી સાથેનું શૂટ પત્યા પછીના એક દિવસ અનિલ કપૂરે એ ગાયન શ્રીદેવીને બતાવ્યું અને એક મોટો વિવાદ થઈ ગયો.

(ક્ર્મશઃ)
salil_hb@yahoo.co.in

X
article by salil dalal
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App