વાત ભારતના પ્રથમ ડિઝિટલ ગામ પુંસરીના પ્રયોગની - ભાગ-2

article by ramesh tanna

રમેશ તન્ના

Aug 10, 2018, 12:05 AM IST

આપણે ગુડ મોર્નિંગ ગુજરાત કોલમના ગઈ કાલના લેખમાં પુંશરી ગામ અને તેના સરપંચ હિમાંશુભાઈ પટેલથી વાતનો પ્રારંભ કર્યો હતો. હવે આગળ જોઈએઃ

માત્ર 23 વર્ષની ઉંમરે પુંસરી ગામના સરપંચ તરીકે ચૂંટાયા પછી હિમાંશુભાઇ પટેલે ધીમે ધીમે ગ્રામવિકાસનો માર્ગ પકડ્યો. તેઓ ગામના સીઇઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) બન્યા અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા લાગ્યા. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ એ તેમનો મૌલિક અને નવો પ્રયોગ હતો. ગ્રામ પંચાયત અને ગ્રામજનોને નજીક લાવવામાં આ સિસ્ટમે મોટું પ્રદાન કર્યું. જેમાં ગામમાં અલગ અલગ જગ્યાએ 140 સ્પીકરો છે. ગ્રામ પંચાયતના કાર્યાલયમાં બેસીને હિમાંશુભાઇ રોજે રોજ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવા લાગ્યા. આ સિસ્ટમને કારણે તેમનો અવાજ ગ્રામજનો સુધી પહોંચ્યો એટલું જ નહીં, ગ્રામજનો માટે તેમના હૃદયમાં જે ભલી લાગણી હતી, ગ્રામના ઉત્કર્ષ માટે તેમના મનમાં જે પ્રતિબદ્ધતા હતી, ગામની એક એક વ્યક્તિને વિકાસનાં ફળ પહોંચાડવાની તેમના દિલમાં જે ભાવના હતી તે પણ અવાજની સાથે પહોંચી. પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમનો અભ્યાસ કરવા આણંદથી ઈરમાની ટીમ આવી તો તલોદ વાઇબ્રન્ટ તાલુકો જાહેર થયો ત્યારે હિમાંશુભાઇએ તાલુકામથક તલોદના કાર્યાલયમાં બેઠાં બેઠાં પોતાના ગ્રામજનો સાથે કોમ્યુનિકેશન કર્યું.

કોઈ એક ગામ દસ વર્ષમાં 16 કરોડ રૂપિયાની સરકારી યોજનાનો લાભ લઈ શકે ? હા, જો સરપંચ જાગૃત હોય તો ચોક્કસ લઈ શકે.

હિમાંશુભાઇ પાસે ગ્રામવિકાસનું ચોક્કસ, સ્પષ્ટ અને દૂરોગામી વિઝન હતું. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માત્રથી ગામનો વિકાસ થઇ જશે તેવી અધૂરી અને કાચી સમજણથી તેઓ જોજનો દૂર હતા. એકબાજુ તેઓ સરકારી યોજનાઓનો યોગ્ય રીતે અમલ કરતા હતા તો બીજી બાજુ લોકોનાં જીવનની ગુણવત્તામાં રચનાત્મક પરિવર્તનનો આવે તે માટે પણ પ્રતિબદ્ધ હતા. ગામની તમામ શાળાઓને તેમણે પાકી કરી.

માત્ર ઇમારતો કે ઓરડાઓ પાકાં થઇ જાય એટલે વાત પૂરી ના થાય, તેમણે શિક્ષણને પણ પાકું કરવા અનેક ઉપક્રમો કર્યા. હિમાંશુભાઇ કહે છે કે ગામમાં શિક્ષણનું સ્તર ઉતરતી કક્ષાનું હોય અને 50 લાખ રૂપિયાનું શાળાનું અદ્યતન મકાન બને તો ગામ સ્માર્ટ તો કહેવાય, પણ આદર્શ ના કહેવાય. ગામની શાળાના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓ ખીલે તે માટે અનેક નવા પ્રયોગો કરાયા. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની સ્મૃતિમાં બાળકો સંચાલિત એક માસિક અખબારનો પ્રારંભ કરાયો. આ માસિકનાં બાળકો તંત્રી અને પત્રકારો. ગામમાં જે સારું બનતું હોય, નવું બનતું હોય તેની નોંધ સરસ રીતે બાળકો દ્વારા આ અખબારમાં આવે. દર મહિને આ અખબાર ગામમાં ઘરે ઘરે પહોંચી જાય. કોઇ ગૃહિણીએ તુલસીનો છોડ વાવ્યો હોય તો તે અહીં સમાચાર બને, ગામની ગાય વિયાઇ હોય તો બ્રેકિંગ ન્યુઝ થાય, કોઇના ઘરે જૂનાને બદલે નવું ટીવી આવે તો તેની નોંધ પણ લેવાય અને કોઇની તબિયત ઢીલી થઇ હોય તો તે પણ બાળ પત્રકારો લખે. બાળ પત્રકારોએ સંશોધનાત્મક પત્રકારત્વ કરીને શોધી કાઢ્યું કે ગામના 12 યુવાનો ભારતીય લશ્કરમાં ફરજ બજાવી રહ્યા છે. કલામ સંદેશે પુંસરી ગામના બાળકોમાં રચનાત્મક અને પોઝિટિવ દૃષ્ટિકોણ ઊભો કર્યો છે. આ પ્રયોગ અત્યારે ગુજરાતનાં અન્ય પાંચ ગામોમાં થઇ રહ્યો છે.

ગામના ખૂણે-ખૂણે લાગેલા સીસીટીવી કેમેરાથી ગ્રામપંચાયતના કાર્યાલયમાં બેઠાં-બેઠાં સરપંચ ગામની ગતિવિધિ જોઇ શકે છે સાથે સાથે શાળામાં ભણતાં પોતાનાં સંતાનો વર્ગમાં શું ભણી રહ્યા છે તે ગામના વાલીઓ પોતાના મોબાઇલ ફોનના સ્ક્રીન પર જોઇ શકે. ગામના દરેક ઘરે LED લાઈટો છે. ભારતનું તે પ્રથમ 100 LED વિલેજ બન્યું હતું.

2010થી ગામની શાળામાં કોઇ ડ્રોપ-આઉટ નથી, ગામની શાળાનું પરિણામ શ્રેષ્ઠ આવે છે. ગામમાં ઘરે ઘરે શૌચાલય છે, સ્ટ્રીટ લાઇટોની પૂરતી સગવડ છે. ખેડૂતો ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. ગામમાં ચાલતા વિભાગો જેવા કે પ્રાથમિક શાળા, આંગણવાડી, આશા વર્કર બહેનોને ટેબલેટ અપાયાં છે.


ગામમાં બધા સંપીને રહે છે, ક્રાઇમ રેટ શૂન્ય છે. ગામમાં ઘન કચરામાંથી વીજળી બને છે તો સોલર પ્લાન્ટ પણ છે. ગામનાં બાળકો માટે હરતું ફરતું પુસ્તકાલય છે.

ગામના યુવાનોમાં સ્કીલ ડેવલપ થાય એ માટે સ્કીલ સેન્ટર છે. જેમાં ગામના યુવક અને યુવતિઓ કમ્પ્યુટર, બ્યુટીપાર્લર, સિવણ વગેરેની તાલીમ મેળવે છે. ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતો અને સજ્જ સ્ટાફ તથા માળખું ધરાવે છે. સ્ટાફના સભ્યોને રહેવા માટે આરોગ્ય કેન્દ્રના પરિસરમાં જ ક્વાર્ટર્સ ફાળવ્યાં છે. ભારત અને ગુજરાત સરકારની ગ્રામવિકાસની તમામ યોજનાઓનો ગામે લાભ લીધો છે. ગામની મહિલાઓનાં સખી મંડળો ખૂબ જ સક્રિય છે. બચત મંડળો છે, જેનો હિસાબ-કિતાબ બહેનો પોતે જ કરે છે. ગામના કચરા માટે ઠેર ઠેર ડસ્ટબીન મૂકાયાં છે. ગ્રામપંચાયત એક ફરતી વિલેજ બસ પણ ચલાવે છે. આ બસમાં સિટી રાઇડ થાય તો પશુપાલકો તેમાં બેસીને ડેરીએ દૂધ ભરાવા પણ જાય છે.

આ ગામ પૂર્ણરીતે ડિજિટલ ગ્રામ છે. ઇ.ગ્રામ. હેઠળ ગ્રામપંચાયતનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટાઇઝડ છે. 2010થી આ ગામ વાઇફાઇ છે. ગામ પંચાયતનો સ્ટાફ બાયોમેટ્રિક્સથી હાજરી પૂરે છે. ગામના તમામ લોકોનાં બેન્ક એકાઉન્ટ છે. વીજળીનાં બિલ ઓનલાઇન ભરી શકાય છે. ગામમાં ગરીબોને તમામ સરકારી લાભ મળે છે, ગામમાં એક પણ બાળક કુપોષિત નથી.

સન 2009માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પુંસરીના સરપંચ હિમાંશુભાઇએ ગ્રામવિકાસના પોતાના અનુભવોનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. નરેન્દ્ર મોદીને આ પ્રયોગમાં ઊંડો રસ પડ્યો હતો. 2010માં ગુજરાત સરકારે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની સ્પર્ધા કરી તેમાંથી ગુજરાતની 13 હજાર ગ્રામપંચાયતોમાં પુંસરી ગામ પ્રથમ નંબરે આવ્યું હતું. આ ગામ જુદી જુદી સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પાંચ લાખ, જિલ્લા કક્ષાએ વીસ લાખ અને રાજ્ય કક્ષાએ પચાસ લાખ રૂપિયા જીત્યું હતું. એ પછી તો પુંસરી ગામના સરપંચ હિમાંશુભાઇ અનેક રાષ્ટ્રીય એવોર્ડથી પણ પોંખાયા છે.

માત્ર ભારતમાંથી જ નહીં, વિદેશમાંથી અનેક લોકો, સરકારી ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ, પ્રજાના પ્રતિનિધિઓ, સમાજસેવકો, સંશોધકો, અધ્યાપકો, પત્રકારો અને સ્વૈચ્છિક સંસ્થાના નેતૃત્વકારો પુંશરીની મુલાકાત લઇ ચૂક્યા છે.

2010થી પુંશરી ગામની શાળામાં કોઇ ડ્રોપ-આઉટ નથી, ગામની શાળાનું પરિણામ શ્રેષ્ઠ આવે છે. ગામમાં ઘરે ઘરે શૌચાલય છે, સ્ટ્રીટ લાઇટોની પૂરતી સગવડ છે. ખેડૂતો ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે.

દસ વર્ષના ગાળામાં પુંશરી ગામમાં 16 કરોડ રૂપિયાની સરકારી યોજનાઓનો અમલ થયો છે. દેશમાં કદાચ આ એક વિક્રમ હશે. જો જાગૃત સરપંચ હોય તો સરકારની તમામ યોજનાઓનો લાભ પોતાના ગામને અપાવી શકે તે હિમાંશુભાઈએ સાબિત કર્યું છે. હિમાંશુભાઇ પાસે ગ્રામના ઉત્કર્ષ અને વિકાસની સાચી સમજણ છે. વિકાસની લાયમાં જો ગામડાં શહેરનું આંધળું અનુકરણ કરે તો સરવાળે ગામડાંને નુકશાન થાય. જો ગામડાના પ્રેમ, નિરાંત પરમાર્થ, ભાઇચારો, એકબીજા માટે ઘસાવાની ભાવના, માપસરના વિકાસનો અભિગમ આ બધા ગુણો સાચવીને વિકાસ થાય તો જ ઉચિત થાય. પુંસરી ગામના પ્રયોગમાં પરંપરા અને ડિજિટલનો સમન્વય થયો છે. આદર્શને જીવંત રાખીને આ ગામ સ્માર્ટ બન્યું છે. સરકારીની યોજનાઓ ઉદ્દીપક તરીકે કાર્ય કરે પણ છેવટે દીવો તો ગ્રામજનોએ પોતે જ પ્રગટાવવાનો છે એ વાત હિમાંશુભાઇ સારી રીતે જાણે છે.

પુંસરીનો પ્રયોગ પ્રેરક છે. ગુજરાતનાં જ નહીં, ભારતનાં ગામોએ પણ તેમાંથી પ્રેરણા લેવા જેવી છે.
***


લાગણી વેળાઃ
ગામડામાંથી શહેરમાં લોકો જાય પણ રિ-માઇગ્રેશન થઇને શહેરના લોકો ગામડામાં પાછા આવે તેવું બને ? હા, અહીં એવું બન્યું છે. આ ગામમાં 14 પરિવારો રિ-માઇગ્રેટ થયા છે. એ જ બતાવે છે કે આ પ્રયોગ સફળ થયો છે.
positivemedia2015@gmail.com

X
article by ramesh tanna
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી