ભગવાન બુદ્ધ જ્યાં વિહાર કરી રહ્યા હતા એ વેણુવનમાં આવીને એક પ્રાર્થીએ એમને પૂછ્યું, “ભગવાન, મારા મનમાં કેટલાય વર્ષોથી અમુક પ્રશ્નો પેદા થયા છે. આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે મેં અનેક સાધુ-સંતો અને મહાત્માઓના સંપર્કમાં આવીને એમને આ પ્રશ્નો પૂછ્યા છે. આ સહુએ જુદા જુદા જવાબો વાળ્યા છે, પણ આવા એકેય જવાબથી હું સંતુષ્ટ થયો નથી. મારા પ્રશ્નોનું કોઈ સમાધાન મને મળતું નથી. મારી આપને પ્રાર્થના છે કે કૃપા કરીને આપ મારા પ્રશ્નોના ઉત્તર
આપો, જેથી હવે જિંદગીના અસ્તાચળે તે સંતોષ થાય અને હું
શાંતિથી દેહત્યાગ કરી શકું.’
ભગવાન બુદ્ધ એક ક્ષણ માટે આ પ્રશ્નાર્થીના ચહેરા સામે જોઈ રહ્યા અને એને કહ્યું, “ભક્ત, તારા બધા જ પ્રશ્નોના તને પૂરો સંતોષ થાય એવા ઉત્તર વાળવા હું જરૂર કોશિશ કરીશ, પણ એ માટે તારે મારી એક શરત સ્વીકારવી પડશે.’’
"પ્રભુ, હું આપની કોઈ પણ શરતનો સ્વીકાર કરવા તૈયાર છું. મારે સમાધાન જોઈએ છે’’ પેલા પ્રશ્નાર્થીએ વ્યાકુળતાથી કહ્યું.
“તો પછી હે વત્સ, આજથી જ તું અહીં આ આશ્રમમાં રોકાઈ જા. એક વર્ષ સુધી સાવેસાવ અશબ્દ રહીને તારે બધું જ જોયા કરવાનું અને તારા બધા જ પ્રશ્ન તારી જાતને પૂછયા કરવાના. એક વર્ષને અંતે જો તારી પાસે પ્રશ્નો બચ્યા હશે તો હું એના અવશ્ય ઉત્તર વાળીશ.”
ભક્તે ભગવાન બુદ્ધને કહ્યું, ‘‘આપ મારા પ્રશ્નોના ઉત્તર વાળશો એ જો નિશ્ચિત હોય તો હું આખું વરસ આપના આશ્રમમાં અશબ્દ અવસ્થામાં રહેવા તૈયાર છું.’’ |
‘‘ભગવાન, આટલાં વર્ષોથી હું પ્રતીક્ષા કરું છું તો વધુ એક વર્ષ પ્રતીક્ષા કરીશ, એ કંઈ બહુ મોટી વાત નથી. આપ મારા પ્રશ્નોના ઉત્તર વાળશો એ જો નિશ્ચિત હોય તો હું આખું વરસ આપના આશ્રમમાં અશબ્દ અવસ્થામાં રહેવા તૈયાર છું.’’
આ બંને વચ્ચેનો સંવાદ સાંભળી રહેલો એક ભિક્ષુક ત્યાં બેઠો હતો, એ અચાનક ખડખડાટ હસી પડ્યો. પેલા પ્રશ્નાર્થીને એનું આવું હાસ્ય સમજાયું નહીં, એણે એને પૂછ્યું,
“હે ભિખ્ખુ, તમે કેમ હસો છો?’’
“એટલા માટે હસું છું કે એક વર્ષ પહેલાં હું પણ તમારી જ અવસ્થામાં હતો અને ભગવાન તથાગતને પ્રશ્નો પૂછવા આવ્યો હતો.”
“એમ, પછી શું થયું?” આ પ્રશ્નાર્થીને તેમાં રસ પડી ગયો.
“ભગવાન તથાગતે મને પણ તમારી જેમ જ એક વરસ માટે અહીં આશ્રમમાં રહીને શાંતિથી અશબ્દ અવસ્થામાં જીવવાનું કહ્યું અને પછી વરસ પૂરું થયું ત્યારે...’’
‘‘ત્યારે શું થયું? તમે પ્રશ્નો પૂછ્યા? તમને ઉત્તરો મળ્યા?’’
‘‘એની કોઈ જરૂર જ રહી નહોતી, કેમ કે મારા મનમાં કોઈ પ્રશ્નો જ રહ્યા નહોતા. તમે પણ જો આ અવસ્થામાં રહેશો તો તમારા પ્રશ્નો પૂરા થઈ જશે અને કોઈ ઉત્તરોની જરૂર જ નહીં રહે.”
આ બૌદ્ધ કથાનકને જ મળતું એવું એક કથાનક ઉપનિષદ કાળમાં પણ છે.
સુકેશા, સત્યકામ, સૌર્યાપણી, આશ્વલાયન, ભાર્ગવ અને કબંધી આ નામના છ ઋષિઓ, પરબ્રહ્મ પરમેશ્વર અને આ સૃષ્ટિની રચના અને એના આનુષંગિક પ્રશ્નો લઈને મહર્ષિ પિપ્પલાદ ઋષિને એમણે પોતપોતાના પ્રશ્નોના ઉત્તરો વાળવાનું કહ્યું ત્યારે પિપ્પલાદે એમને એક વર્ષ સુધી પોતાના તપોવનમાં રહીને, પોતપોતાના પ્રશ્નો વિશે વિચારવાનું કહ્યું. એક વર્ષને અંતે આ છ પ્રશ્નાર્થીઓ અને પિપ્પલાદ ઋષિ વચ્ચે જે સંવાદ થયો એ સંવાદ ‘પ્રશ્નોપનિષદ' તરીકે પ્રસિદ્ધ થયો છે.
આપણા વિચારોનું કેન્દ્ર મન છે અને આ મન માત્ર ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે જ ખંડિત અવસ્થામાં જીવતું હોય છે. |
બુદ્ધ પાસે આવેલા પ્રશ્નાર્થીના તમામ પ્રશ્નો એક વર્ષના તદ્દન શાંત અને નિર્વિકાર સમયને કારણે આપોઆપ ઓગળી ગયા હતા. સામાન્ય જીવનમાં આપણે જે પ્રશ્નો વિચારીએ છીએ એ પ્રશ્નો આનાથી જુદા હોય છે.
આપણે ગઈ કાલે શું કર્યું હતું અને આવતી કાલે શું કરીશું એનો જ માત્ર વિચાર કરતાં હોઈએ છીએ. આપણા વિચારોનું કેન્દ્ર મન છે અને આ મન માત્ર ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે જ ખંડિત અવસ્થામાં જીવતું હોય છે.
મન કદીય વર્તમાનની ક્ષણ વિશે વિચારતું નથી. વર્તમાનની આવી ક્ષણ વિશે મન જ્યારે વિચારતું થાય છે ત્યારે ઉપનિષદની પૂર્વભૂમિકા સર્જાય છે. આવા પ્રશ્નો પેદા થવા માટે ક્ષમતા કેળવવી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.