છત્રપતિ શિવાજીનાં યુદ્ધોઃ શાઈસ્ત ખાન વિજય – 1660-1663

મુઘલ સેનાપતિ અફઝલ ખાનના વધ પછી પણ શિવાજીની...

અરુણ વાઘેલા | Updated - Sep 17, 2018, 12:05 AM
article by arun vaghela

મુઘલ સેનાપતિ અફઝલ ખાનના વધ પછી પણ શિવાજીની દક્ષિણ ભારતમાં બધી જ સમસ્યાઓનો અંત નહોતો આવ્યો. શિવાજી બીજાપુરમાં સીદી જોહર સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને મરાઠી શક્તિ વૃદ્ધિ પામી રહી હતી. આ જ સમયે અફઝલ વધનો બદલો લેવા બીજો સેનાપતિ રવાના કરાયો. તેનું નામ શાઈસ્ત ખાન હતું. ઔરંગઝેબની આજ્ઞાનો અમલ કરવા દખ્ખણનો મુઘલ સુબેદાર શાઈસ્ત ખાન ઔરંગાબાદથી પુના આવી રહ્યો હતો. સગાઇમાં તે ઔરંગઝેબનો મામા હતો. શાઈસ્ત ખાનનું આખું નામ અમીરુદૌલા શાઈસ્ત ખાન હતું. ઔરંગાબાદથી તેનું સૈન્ય પુના, બારામતી સુધી દડમજલ કરતું આગળ વધી રહ્યું હતું, પણ અફઝલના વધ પછી શિવાજીની વધેલી શક્તિઓનો તેને ઠેરઠેર પરિચય થઇ રહ્યો હતો.

અફઝલ વધનો બદલો લેવા બીજો સેનાપતિ રવાના કરાયો. તેનું નામ શાઈસ્ત ખાન હતું. ઔરંગઝેબની આજ્ઞાનો અમલ કરવા દખ્ખણનો મુઘલ સુબેદાર શાઈસ્ત ખાન ઔરંગાબાદથી પુના આવી રહ્યો હતો. સગાઇમાં તે ઔરંગઝેબનો મામા હતો.

રસ્તામાં અનેક જગ્યાએ મુઘલ-મરાઠા સૈન્ય વચ્ચે અથડામણો થઇ. નાની-નાની લડાઈઓમાં મુઘલોનો ઘણો દારૂગોળો અને હથિયારો તથા ઘોડા-ઊંટ ખતમ થયાં. સાથે સૈન્ય શક્તિમાં પણ ઘણી નુકસાની વેઠવી પડી હતી. ૯ મે ૧૬૬૦ના રોજ શાઈસ્ત ખાન પુના પહોંચ્યો ત્યારે ચોમાસું શરૂ થઇ ચૂક્યું હતું. આ મોસમમાં મરાઠાઓ સાથે લડવામાં ફાવટ નહીં આવે તેમ વિચારી શાઈસ્ત ખાને પુનામાં વિશ્રામ ફરમાવવાનું નક્કી કર્યું અને ૪૦ દિવસ પુનામાં જ પડ્યો રહ્યો.

ચોમાસું પુનામાં ગાળી મુઘલ ફોજ વળી પાછી સજ્જ થઈ. શાઈસ્ત ખાનના નેતૃત્વમાં મુઘલ સેના તારીખ ૨૧ જુન ૧૬૬૦ના રોજ ચાકણ નામના સ્થાને પહોચી. ત્યાં પહોંચી છાવણી નાંખી, ઊંચા ચબુતરાઓ બનાવ્યા અને કિલ્લાઓની દીવાલો ઊંચી દીવાલો બનાવડાવી. મરાઠાઓ પર સરળતાથી તોપથી તોપવર્ષા કરી શકાય તે માટેનું નિયોજન પણ કર્યું. પરંતુ દારૂગોળાનો ઉપયોગ મરાઠાઓ વિરુદ્ધ કરે તે પહેલાં તો મુશળધાર વરસાદ પડ્યો અને મુઘલ ફોજનો બધો દારૂગોળો હવાઈ ગયો અને તોપવર્ષા દ્વારા મરાઠાઓ અને શિવાજી પર પ્રભુત્વ સ્થાપવાનું સપનું સાર્થક ન થયું. ચાકણ આવ્યા પછી મુઘલ સેનાએ અહીં ૪૭ દિવસ સુધી ઘેરો ઘાલ્યો હતો. આ ઘેરાબંધીને તોડતાં મુઘલ લશ્કરે ૧૪ ઓગસ્ટ ૧૬૬૦ના રોજ રાત્રે ૩ વાગ્યે મરાઠાઓના એક બુરજને સુરંગ ધડાકા દ્વારા ઉડાવી દીધો. ખુદ શાઈસ્ત ખાન મુઘલ સૈનિકોને ઉકસાવી રહ્યો હતો. સામે મરાઠાઓ પણ મજબુત મુકાબલો કરી રહ્યા હતા. આખરે સરસાઈ ભોગવતી મુઘલિયા ફોજ કિલ્લામાં પ્રવેશી. લશ્કરી અથડામણમાં ઘણા સૈનિકો અને સામાન્ય લોકો માર્યા ગયા. મુઘલ સેનાના ૨૬૮ સૈનિકો માર્યા ગયા અને ૬૦૦ ઘાયલ થયા હતા. ૧૫ ઓગસ્ટ ૧૬૬૦ના રોજ ચાકણનો કિલ્લો મુઘલોના હાથમાં આવ્યો. શાઈસ્ત ખાને તેનું નામ બદલી ઇસ્લામાબાદ રાખ્યું.

ચાકણના કિલ્લા પર વિજય પછી પોરસાયેલા શાઈસ્ત ખાન ફોજ સાથે પુના તરફ આગળ વધ્યો. તેનો ઈરાદો શિવાજીને કેદ કરી તેમના બધા કિલ્લાઓ કબજે કરવાનો હતો. શિવાજીનો આ જ સમયે પન્હાલામાં સીદી જોહર સામે પણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. સીદી મસુદ પણ શિવાજીની સમસ્યાઓ વધારી રહ્યો હતો. પહેલો કિલ્લો જીત્યા પછી શાઈસ્ત ખાને ઉત્સાહના આવેગમાં મરાઠા પ્રદેશમાં નવી મુઘલ શાસનવ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરી દીધું હતું. આ જ સમયે શિવાજીએ ૧૯ એપ્રિલ ૧૬૬૧ના સીદી જોહરને હરાવી પોતાના મોટા શત્રુને માર્ગમાંથી દૂર કર્યો. તેમાંથી નવરા થયા કે તરત જ શાઈસ્ત ખાન અને મુઘલસૈન્યની જાસૂસી શરૂ કરાવી અને આક્રમણની ત્વરિત યોજના પણ બનાવી લીધી. શાઈસ્ત ખાનના પુનામાં ત્રણેક માસના રોકાણ દરમિયાન સ્થાનિક જનતા મુઘલ સૈન્યથી ત્રાહિમામ પોકારી ગઈ હતી. આવી કષ્ટદાયક સ્થિતિમાં મરાઠી પ્રજા તેમના તારણહાર શિવાજી પરથી ભરોસો ગુમાવે તેવી પૂરી સંભાવના હતી. પરિણામે આગળ-પાછળનો કે લાંબા ગાળાનો લેશમાત્ર વિચાર કર્યા વગર ૫ એપ્રિલ ૧૬૬૩ના રોજ શિવાજીએ મરાઠી સૈનિકો સાથે સીધો જ મુઘલ સેનાના લાલ બંગલા કે તંબુ નામના સ્થાન પર હુમલો કરી દીધો. આવેગપૂર્વકના આ હુમલામાં શાઈસ્ત ખાનનોપુત્ર માર્યો ગયો. તલવારના વારથી શાઈસ્ત ખાનની આંગળીઓ કપાઈ ગઈ હતી. શાઈસ્ત ખાનના બીજા બે છોકરાઓ પણ ઘાયલ થયા હતા. જ્યારે મરાઠી લશ્કરે ૬ સ્ત્રીઓ, ૪૦ અંગરક્ષકો અને સિપાઈઓને બંદી બનાવ્યા હતા. આટલું થયા પછી તરત જ શિવાજી ઘોડા પર સવાર થઇ લાલ બંગલાથી નીકળી પડ્યા. તે પછી મરાઠી સૈનિકોએ મુઘલ સૈનિકોનાં કપડાં પહેરી સારી ગરબડ મુઘલ સૈનિકો દ્વારા જ થઈ હોવાનો આભાસ ઊભો કર્યો અને તેઓ પણ શિવાજીની જેમ ઘટનાસ્થળેથી ખસકી ગયા. અત્યંત દુઃખી હૃદયે શાઈસ્ત ખાન ઔરંગાબાદ તરફ નાસી ગયો. ઔરંગઝેબને શિવાજીની આ ચતુરાઈ સામે શાઈસ્ત ખાનની નામોશીના સમાચાર મળતાં તે ઘણો ખિન્ન થયો અને સજાના ભાગ રૂપે શાઈસ્ત ખાનનો તબાદલો બંગાળના સુબા તરીકે કરી દીધો.

શાઈસ્ત ખાન સાથેની ઘટનામાં શિવાજીએ દાખવેલા અપ્રતિમ સાહસ અને અદભુત સૂઝબૂઝ આખા મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. સમકાલીન લેખક ભીમસેને નોંધ્યું છે કે શિવાજી સિવાય કોઈ પણ લડવૈયાએ મુઘલ સુબા પર આવો હુમલો કરવાની હિંમત કરી ન હતી.

શાઈસ્ત ખાન સાથેની ઘટનામાં શિવાજીએ દાખવેલા અપ્રતિમ સાહસ અને અદભુત સૂઝબૂઝ આખા મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. સમકાલીન લેખક ભીમસેને નોંધ્યું છે કે શિવાજી સિવાય કોઈ પણ લડવૈયાએ મુઘલ સુબા પર આવો હુમલો કરવાની હિંમત કરી ન હતી. સામાન્ય પ્રજામાં તેમની શાખ અને ધાક બંને વધ્યાં હતાં, તો મુઘલ સામ્રાજ્યની પડતીનાં ચિહ્નો પણ તેમાં દેખાતાં હતાં કહો કે શિવાજીએ અફઝલ ખાનના વધ અને શાઈસ્ત ખાન પર પ્રભુત્વ દ્વારા મુઘલાઈનાં કોફીન પર છેલ્લો ખિલ્લો ઠોકવાનું કાર્ય કર્યું હતું. કારણકે શિવાજી અને ઔરંગઝેબ ભલે પ્રત્યક્ષ રીતે સામસામા અથડાયા ન હતા, છતાં અફઝલ ખાન અને શાઈસ્ત ખાનની શિકસ્ત એ પરોક્ષ રીતે ઔરંગઝેબની જ શિકસ્ત હતી.

મધ્યકાલીન ભારતનાં કેટલાંક નમૂનારૂપ યુદ્ધોની વાત કરી. હવે આપણે આધુનિક સમયનાં યુદ્ધોમાં આગળ વધીશું. હવે માત્ર સમય નથી બદલાતો, યુદ્ધનાં સાધનો પણ બદલાશે, વ્યૂહરચનાઓ બદલાઈ અને શસ્ત્રો અને યુદ્ધ ટેકનોલોજી તો પ્રાચીન અને મધ્યકાળ કરતાં સર્વથા નોખાં જ રહેવાનાં હતાં. આવતીકાલથી તેની ચર્ચા.
arun.tribalhistory@gmail.com

X
article by arun vaghela
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App