મહમૂદ બેગડાનાં યુદ્ધો - 8 (ચાંપાનેરનું યુદ્ધ ચાલુ)  

ચાંપાનેર પર ગુપ્ત હુમલા માટે સુરંગો તૈયાર થઇ ચૂકી હતી.

અરુણ વાઘેલા | Updated - Aug 10, 2018, 12:05 AM
article-by-arun-vaghela

ચાંપાનેર પર ગુપ્ત હુમલા માટે સુરંગો તૈયાર થઇ ચૂકી હતી. નૌકા સેનાપતિ મલેક અયાઝે દીવ બંદરેથી લૂંટેલી તોપો પણ તૈયાર કરવામાં આવી. ગુજરાતનાં યુદ્ધોમાં પહેલીવાર તોપો ચાંપાનેરના યુદ્ધમાં ઉપયોગમાં લેવાઈ. તેને ચલાવવા માટે શરૂમાં પરદેશી ગોલંદાજો હતા.

છૂપી સુરંગોમાંથી સુલતાન સેનાના સિપાઈઓ ચાંપાનેરની લશ્કરી ગતિવિધિઓ તપાસી રહ્યા હતા. તેમાં સુલતાનના સૈનિકોની નજરમાં જયસિંહની રાજપૂત સેનાની એક નબળી કડી પકડાઈ ગઈ. સવારમાં સ્નાન અને દાતણ-પાણી અને શૌચક્રિયા તથા સંધ્યાદિ વખતે ચાંપાનેરના કિલ્લાની સુરક્ષા માટે બહુ ઓછા સૈનિકો હાજર રહેતા. આટલી નબળાઈ મહમૂદના સૈનિકો માટે પૂરતી નીવડી. આ વાત ધ્યાને આવતાં જ સુલ્તાને એક ટુકડી સાથે મલિક સારંગ નામના સેનાપતિને એ માર્ગથી કિલ્લાની અંદર દાખલ થવા હુકમ કર્યો. મલિક સુલતાનની આજ્ઞાને અનુસરી સુરંગમાંથી કિલ્લામાં પેઠો અને હાથોહાથની લડાઈ શરૂ થઈ.

ગુજરાતનાં યુદ્ધોમાં પહેલીવાર તોપો ચાંપાનેરના યુદ્ધમાં ઉપયોગમાં લેવાઈ. તેને ચલાવવા માટે શરૂમાં પરદેશી ગોલંદાજો હતા.

તેમાં રાજપૂત સૈન્યની ઘણી ખુવારી થઇ અને તેઓએ પીછેહઠ કરી. એ વખતે બાજુની દીવાલ પર મલિક અયાઝના તોપમારાએ મોટા ચીરા પડ્યા હતા. ત્યાંથી અયાઝ એક ટુકડી લઇ કિલ્લામાં ઘુસી ગયો અને એક બારી વાટે દરવાજાના બુરજ પર ચડી ગયો. બીજી તરફ ખુદ મહમૂદ બેગડો સિપાઈઓ સાથે કિલ્લા પર ચડ્યો. તેઓએ રજપૂતો દ્વારા ફેંકતા હાથ બોમ્બને તે ફૂટે તે પહેલાં પકડી સામા ફેંક્યા, જે છેક પતાઈ રાવળના મહેલ પાસે પડ્યા. પતાઈ રાવળનો મહેલ અટક દરવાજા પાસે હોવાની સંભાવના ઈતિહાસકારો વ્યક્ત કરે છે. રાજાના મહેલ પર પડતા બોમ્બ જોઈ સૈનિકોમાં ભારે નિરાશા ફેલાઈ અને જૌહરની તૈયારી કરી, સ્ત્રીઓને અગ્નિમાં નાખી, પોતે મરણિયા થઇ લડવા નીકળી પડ્યા. આખી રાત અને દહાડો ખૂનખાર લડત ચાલી. મહમૂદ બેગડો લશ્કર સાથે દ્વારમાં દાખલ થયો, ત્યારે રજપૂતો સ્નાન કરી કેસરિયાં માટે સજ્જ થતા હતા. છેલ્લી લડાઈમાં લગભગ ૭૦૦ જેટલા રાજપૂતો એકસાથે સુલતાનના સૈન્ય પર તૂટી પડ્યા.


બંને તરફ ભારે ખુવારી થઇ રહી હતી. હાર-જીતના નિર્ણયને હજી થોડી વાર હતી, પણ મહમૂદનું પલ્લું ભારે હતું. એક ખોફનાક આક્રમણ થયું અને ચાંપાનેરની સેના લગભગ પરાસ્ત થઇ ગઈ.
રાજા જયસિંહ અને તેના મંત્રી ડુંગરસિંહ પકડાઈ ગયા, ઘણા ખરા રાજપૂત સૈનિકો કેસરિયાં
કરતાં કરતાં રણમેદાનમાં ખપી ગયા, તો કિલ્લામાં ભરાઈ રહેલા સૈનિકોને પકડી ખતમ
કરાયા. આમ ચાંપાનેર રાજ્યનો લડવાનો જુસ્સો પૂરો થયો.

જીવલેણ ઘાથી ઘવાયેલા ચાંપાનેર નરેશ જયસિંહદેવ પતાઈ અને તેના મંત્રી ડુંગરસિંહને પકડી સુલતાન મહમૂદ બેગડા સામે પ્રસ્તુત કરવામાં આવ્યા. બંનેની સારવાર કરી તેમના ઘા રૂઝવવામાં આવ્યા. પાંચ મહિનાની સારવારના અંતે સાજા નરવા થયેલા રાજા અને મંત્રીને ફરીથી સુલતાન સામે રજુ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન બંનેને દરરોજ ઇસ્લામ સ્વીકારવાનું દબાણ કરવામાં આવતું. તેમનો કબજો મુહાફિઝ ખાનને સોંપવામાં આવ્યો હતો. સુલતાન સામે રજુ કર્યા ત્યારે પણ છેલ્લી વખત બંનેને જો તેઓ ઇસ્લામ સ્વીકારે તો જીવતદાન આપવાની ઓફર કરવામાં આવી, પરંતુ જયસિંહ અને તેના મંત્રીએ જુનાગઢના રાજાની જેમ ઇસ્લામ સ્વીકાર્યો નહિ અને સ્વધર્મને વળગી રહ્યા.


અંતે મહમૂદ બેગડાએ ઇસ્લામી પંડિતોની સલાહ લઈ જયસિંહ પતાઈનું માથું ઉડાવી દીધું અને માથું એક લાકડા પર ટીંગાવ્યું, જેથી બાકીના લોકોમાં ઇસ્લામ ન સ્વીકારવાનું શું પરિણામ આવી શકે તેનો નમૂનો પેશ કર્યો. પરંતુ મંત્રી ડુંગરસિંહ પર તેની કશી જ અસર ન થઈ. પોતાના રાજાની નિર્મમ હત્યાથી તે એટલો તો ગુસ્સે ભરાયો કે એક સેનાપતિના હાથમાંથી તલવાર ઝૂંટવી લઇ મહમૂદ બેગડાના એક હજુરિયા કબીરના પુત્ર શેખને મારી નાખ્યો. તરતજ ડુંગરસિંહને ખતમ કરી દેવાયો. આમ મહમૂદના ઘેરામાં રહેલા ડુંગરસિંહની ગુસ્તાખીની તેને ભારે કિંમત ચૂકવવી પડી.

રાજાના મહેલ પર પડતા બોમ્બ જોઈ સૈનિકોમાં ભારે નિરાશા ફેલાઈ અને જૌહરની તૈયારી કરી, સ્ત્રીઓને અગ્નિમાં નાખી, પોતે મરણિયા થઇ લડવા નીકળી પડ્યા, આખી રાત અને દહાડો ખૂનખાર લડત ચાલી.

અહીં ચાંપાનેરની કહાની પૂરી નથી થતી. ‘મિરાત-એ-સિકંદરી’ લખે છે કે મરહુમ રાજા જયસિંહના દીકરા અને બે દીકરીઓને પણ ઝડપી લેવામાં આવ્યાં. બંને પુત્રીઓને સુલ્તાનના જનાનખાનામાં મોકલી દેવામાં આવી જ્યારે દીકરાને ઇસ્લામધર્મી બનાવી ઉચ્ચ દરજજાનું શિક્ષણ આપવામાં આવ્યું. તેનું નામ હુસૈન રાખવામાં આવ્યું. પાછળથી તે ઘણો મોટો અમીર બન્યો હતો. તેણે નિઝામ-ઉલ-મુલ્કનો ઈલ્કાબ પણ આપવામાં આવ્યો હતો. જયસિંહ પતાઈ
અને ડુંગરસિંહનાં મૃત્યુ સાથે મહમૂદ બેગડાનું ચાંપાનેર અભિયાન પૂરું થયું. એ તારીખ ૨૧ નવેમ્બર અને વર્ષ ૧૪૮૪નું હતું.

ચાંપાનેરના ઇતિહાસનો એક અધ્યાય પૂરો થયો અને નવો શરૂ થયો. દેખીતી રીતે યુદ્ધનો અંત આવ્યો હતો, પણ યુદ્ધ પછી ૧૪૮૪માં ચાંપાનેર ગુજરાતનું પાટનગર બન્યું અને ઘણી રોમાંચક બાબતો હવે રચાવાની હતી. તેની વાત આવતી કાલે કરી આપણે મહમૂદ બેગડાનાં યુદ્ધોની ચર્ચા પૂરી કરીશું.
arun.tribalhistory@gmail.com

X
article-by-arun-vaghela
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App