દેશના દિલને ધબકતું રાખવા...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 દેશ જેવો દેશ ક્યાં છે દેશમાં?
માનવી ક્યાં માનવીના વેશમાં!
ભાઈચારાને સતત ભાગ્યા કરો,
શેષ પણ મળતી નથી આ શેષમાં.
 - રક્ષા શુક્લ

 

વિશ્વ સાથે તાલ મેળવવો હશે તો ખરું નાગરિકપણું નિભાવવું પડશે. દેશને કેશલેસ સાથે કાસ્ટલેસ કરવાની જરૂર છે. ગાંધીજીને એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. તો જ દેશ માટે લોહી, લાઇટ અને લાગણી બાળનારની શહાદત એળે નહીં જાય. ધર્મની વાડ કૂદીને કર્મની વાટ પકડવા જેવી છે. ‘હાર્ડવર્ક નહીં સ્માર્ટવર્ક’ના રૂપાળા રેપર તળે અખાડા લુપ્ત થતા જાય છે અને પરિશ્રમ ઓછો થતો જાય છે. દેશના દિલને ધબકતું રાખવા હોઠ પર વંદેમાતરમથી કામ પૂરું થઈ જતું નથી.

ભારત માનવજાતિનું પારણું છે અને ઇતિહાસની જનેતા છે

1950માં ભારતનું સંવિધાન લાગુ પડ્યું. લથબથ લોકશાહી ઊંડા ઊંડા શ્વાસ લે છે. ડૉ. ભીમરાવ આંબેડકરના વડપણ હેઠળની સમિતિએ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં વિશ્વનું સૌથી મોટું ભારતીય બંધારણ તૈયાર થયું હતું. મહેનતના માર્ગ પર ચાલી મંજિલ સુધી પહોંચી શક્યા છીએ? ગીતા પર હાથ મૂકીને સોગંદ લેવા જોઈએ કે આ સર્વપ્રથમ દસ્તાવેજની ગરિમા જાળવી છે ખરી? ખામ થિયરી હવે ત્રેખડનાં જ્ઞાતિગત સમીકરણો રૂપે આવી છે. ક્વોલિટીને બદલે કાસ્ટને પ્રાધાન્ય આપતા રહીશું ત્યાં સુધી દેશ વિચારોની આઝાદી નહીં ભોગવી શકે. સાંજે બગીચામાં બાંકડે બેસી બિનસાંપ્રદાયિકતા ખાંસતી રહેશે. બાબાસાહેબે જે કહ્યું છે તે યાદ રાખવું ઘટે કે, ‘We are Indians, firstly and lastly.’


ઉમાશંકર જોશીને સવાલ થયેલો, ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશને ગુજરાત?’ ચૂંટણીની ચૂંટલી પછી આપણને પણ થાય. ‘અંદર અંદર પોરબંદર’ની નીતિ રીતિને ફગાવીને ભીંત ફાડીને નીકળતા પ્રતિભાના પીપળાને તાટસ્થ્યના તોરણથી આવકારવા પડશે. લાલ કિલ્લા પર સૈનિકોનાં સન્માન સાથે જવાબદારી પૂર્ણ થતી નથી. નાગરિકોની નિરાંતવી નીંદરના કારણમાં સરહદ પર શ્વાસ ખર્ચતા જવાનોનું જાગરણ હોય છે. આ રાષ્ટ્રીય તહેવારની દિલ્હી સાથે દિલી ઉજવણી થાય તો 68 વર્ષનું સાર્થક્ય. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ મંચથી 
મન સુધી પહોંચે તો ‘ઝંડા ઊંચા રહે હમારા.’ આઝાદીથી આબાદી સુધી પહોંચી શકીશું.
ભારતના સ્વતંત્રતા સંગ્રામનાં પ્રથમ મહિલા ક્રાંતિકારી માદામ ભીખાઈજી કામાએ 1905માં ‘વંદેમાતરમ્’ અખબાર શરૂ કર્યું હતું.

પેઇડ ન્યૂઝને પ્રાધાન્ય આપતા અને પીળું પત્રકારત્વ કરતા લોકો તેમાંથી ઘણું શીખી શકે છે. આઝાદીના અવસરમાં ઝવેરચંદ મેઘાણીનો અવાજ કલમ તથા કોલમના માધ્યમથી તાર સપ્તકમાં પ્રગટ થયો હતો.

પેઇડ ન્યૂઝને પ્રાધાન્ય આપતા અને પીળું પત્રકારત્વ કરતા લોકો તેમાંથી ઘણું શીખી શકે છે. આઝાદીના અવસરમાં ઝવેરચંદ મેઘાણીનો અવાજ કલમ તથા કોલમના માધ્યમથી તાર સપ્તકમાં પ્રગટ થયો હતો. 1944માં પ્રગટ થયેલી મનુભાઈ પંચોળીની નવલકથા ‘દીપનિર્વાણ’માં પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપે 
છે. 2000 વર્ષ પહેલાંના ભારતના ગણરાજ્યોની મહાનિર્વાણની કથા આલેખે છે. કૃતિ વાંચતાં આપણને ગૌરવ થશે.


માર્ક ટ્વેઈને કહ્યું છે કે, ‘ભારત માનવજાતિનું પારણું છે. ભાષાનું જન્મસ્થળ છે. ઇતિહાસની જનેતા છે. પરંપરાની દાદીમા છે. રીતરિવાજોની વડદાદી છે.’ ‘ઘી-દૂધની નદીઓ’ એ કોઈ વાર્તા નથી. સમગ્ર વિશ્વની નજર હિન્દુસ્તાન પર હતી. આજે નજરઅંદાજના નકશામાં છીએ. પ્રજાધર્મ ચૂક્યા છીએ. પવિત્ર ધર્મસ્થાનોમાં પણ ગાડું ભરીને ગંદકી કરીએ છીએ. સ્વચ્છતા સરકારનું કામ નથી. ગમે ત્યાં મસાલાની પિચકારીથી ચિતરામણ કરતા કલાકારો સામે કોણ ગાંધીગીરી કરે? ટ્રાફિક સિગ્નલ તોડનાર પર અકસ્માતદેવના આશીર્વાદ વરસતા રહે છે. લાઇન તોડનારની લાઇફલાઇન લાંબી હોય તોય શું! શિસ્તનું પાલન અંદરની ઊલટથી થાય છે. આ સમજણનું શહેર દિલના દેશમાં વસે છે. 
hardwargoswami@gmail.com

અન્ય સમાચારો પણ છે...