કાઠિયાવાડી કવિ ભૂદરજી જોશીની પંક્તિઓમાં છલકાતો ગાંધીપ્રેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીયુગની એક ખૂબી ધ્યાનમાં રાખવા જેવી છે. દૂર દૂર અજાણ્યા ગામમાં બેઠેલો કોઈ સંવેદનશીલ જીવ ગાંધીજી પ્રત્યે એવો પ્રેમ ઢોળે, જેની કલ્પના ગાંધીજીએ પણ કરી ન હોય. કાળની રેતીમાં ખોવાઈ ગયેલા કવિ ભૂદરજી લાલજી જોશી (ગામ- રાણાકંડોરણા, જિ. પોરબંદર) એક એવા કવિ હતા, જેઓ ગાંધીજીના પ્રેમમાં પાગલ હતા. આ કવિની હસ્તપ્રતો આદરણીય કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાને મળી અને છેલ્લા છ મહિના દરમિયાન એ જૂની હસ્તપ્રતો પરથી જાણીતા ડાયરાવીર શ્રી સાંઇરામ દવેએ ‘ભૂદર ભણંત’ નામનું પુસ્તક તૈયાર કર્યું. શ્રી સાંઇરામ દવે જો આપણા ઘરે આવે, તો શું કરવું? જવાબ: આપણું મોઢું બંધ રાખવું અને આપણા કાન ખુલ્લા રાખવા. છેલ્લા થોડાક મહિનાઓમાં શ્રી સાંઇરામભાઈનો લાભ મને ત્રણેક વખત મળ્યો છે. હું જ્યારે પથારીવશ હતો ત્યારે મને એમણે લગભગ અધ્ધર કરી દીધો હતો. એમની વાતો ખૂટે નહીં અને મારી પ્રસન્નતા તૂટે નહીં. પરિણામે મેં એમનું નામ પાડ્યું ‘ડાયરાવીર’. અત્યારે ‘ભૂદર ભણંત’ પુસ્તક મારા હાથમાં છે. આઠ દાયકા પહેલાંનો આ કવિ મૂળ તો ગાંધીકવિ તરીકે એ સમયે પ્રસિદ્ધિ પામ્યો હતો. ગાંધીજી પરનાં 450 ગીતો અને 1100 જેટલા દુહાઓ લખનાર ગુજરાતનો એકમાત્ર કાઠિયાવાડી કવિ હશે એમ માની શકાય.
 
મહાત્મા ગાંધી કદાચ કવિ ભૂદરજી માટે ગ્રામદેવતા જેવા જણાય છે. મીણસાર નદીને કાંઠે બેસીને રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કરવા મથતા મહામાનવ ગાંધીજીના આઝાદી યજ્ઞમાં આ કવિ પોતાનાં સમિધ હોમે છે. આઝાદી પહેલાંનું ‘શારદા માસિક’ પોરબંદરથી પ્રગટ થતું હતું અને ભૂદરજીની ગાંધીકવિતાઓ તેમાં છપાતી. કવિની હયાતીમાં ‘ગાંધીદર્શની’ નામનું એકમાત્ર પુસ્તક બહાર પડ્યું છે, જે હવે નવા સ્વરૂપે ટૂંક સમયમાં બહાર પડશે એવું મને શ્રી સાંઇરામભાઈએ જણાવ્યું છે. લોકસાહિત્યમાં દીકરાનું બીજું નામ ફલાણાભાઈનો દીકરો એટલે ગાંધીજી માટે કબા ગાંધીનો દીકરો ‘કબાઉત’ એવું પ્રયોજન થાય છે. કવિ ભૂદરજી લખે છે: 
 
સરવાણી સાચી હોય, તો દુકાળે’ય ડૂકે નહીં, 
પણ જેના પેટાળ પાપી હોય, 
એની ન ભાંગે ભખ ભૂદરા. 
(ભખ એટલે ભયખ એટલે કૂવાની દીવાલ)
    લોકસાહિત્યનો ભાગ્યે જ એવો કોઇ ડાયરો હશે જેમાં આ દુહો ન ગવાયો હોય. આ ભૂધરા કે ભૂદરાના ઉપનામથી બોલાતા અનેક પ્રચલિત લોકપ્રિય અને લોકકવિનું મૂળ નામ ભૂદરજી લાલજી જોશી હતું. આ લોકપ્રિય લોકકવિની કેટલીક પંક્તિઓમાં પ્રગટ થતો ગાંધીપ્રેમ માણવા જેવો છે:
ચરખે સુદર્શન રમે, રેંટિયો રણકારા કરે,
એમાં ગરવી ગીતા ઝરે, કિશનદેવની કબાઉત.
યરવડાચક્ર અહીં કવિ ભૂદરજીને મન અશોકચક્ર જેટલું જ મૂલ્યવાન છે. તેથી જ તો કવિને ચરખો સુદર્શનચક્ર જેવો ભાસે છે અને રેંટિયાના રણકારામાં કિશનદેવની ગીતા સંભળાય છે. ભૂદરજીના આવા બીજા બે દુહા પણ વાંચવા ગમે એવા છે:
 
ખાદીનું ખપ્પર ધર્યું, અને રેંટિયે તાર્યાં રાજ
બાંધી લંગોટીએ લાજ, કંઠાધારી કબાઉત.
ગરવી ધરા ગુજરાતની, ઘેરા સાબરમતી ઘાટ,
ત્યાં પરથમ બેઠો પાટ, કમંડળધારી કબાઉત.
ગાંધીજીના કમંડળમાં દેશની કઠણાઇ અને દુર્દશાને ભરી પીવાનું સામર્થ્ય હતું. કવિ ભૂદરજીએ ગાંધીજીના જીવન અને એમની પ્રત્યેક ચળવળને કાવ્યમય રંગે પ્રગટ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
ગાંધીજીને કવિ ભૂદરજી કેટલો પ્રેમ કરતા 
હશે તેની કલ્પના જ થઇ શકે તેમ નથી. 
ગાંધીજીની હત્યા થઇ પછી મનોવ્યથા પામેલા કવિએ પોતાની દીકરીઓને કવિતાના પ્રકાશનની મનાઇ ફરમાવી અને ફાની દુનિયા છોડી દીધી. એમના ઘવાયેલા હૃદયમાંથી પ્રગટેલી થોડીક પંક્તિઓ પ્રસ્તુત છે:
આભને થીંગડાં દેનારો એકલમલ 
આભને થીંગડાં દેનારો 
રામભરોસે રમનારો એકલમલ
આભ ડગે તો એક જ હાથે આભને ઊંચકનારો
વણ દોરે વણ સોંયડીએ ફાટ્યાં વાદળ સાંધનારો.
ગાંધીનો વડિયો કોઇ નહીં, 
એના સમ બળિયો કોઇ નહીં
રેંટિયામાં રમતી આઝાદી,
ઘરઘરમાં જઇ પહોંચી ખાદી,
        આવો કુશ‌ળ કાપડિયો કોઇ નહીં.
 
એવો બરડો રે બોલે ને ગરવો સાંભળે
કરે કાંઇ દલડાંની વાત 
 
આઝાદી આવી પણ આશા જો ને ના ફળી,
ઊલટાનો વધ્યો છે ઉત્પાત.
 
    મહાત્મા મોહનના જીવન અને કવનને ખૂબ જ સરળ અને લોકભોગ્ય શબ્દોમાં વર્ણવનાર ગાંધીપ્રેમી ભૂદરજી એવા તો પડી ભાંગ્યા હશે કે રક્તના ખડિયામાં કલમ ઝબોળીને કવિએ આવી પંક્તિઓ લખી હતી:
ગોઝારું થયું રે ભારત, નોધારું થયું
        હે મારા ગાંધી જાતાં રે,
        ભારત ગોઝારું થયું.
હિંમત ગઈ છે તૂટી, ધીરજ ગઈ છે ખૂટી
ભાણું ગયું રે ભાંગી અને તગારું રહ્યું!
ભયો ક્રૂર કલ્પાંત, દેશ મેં ફિર ગઈ આંધી
     નર નારી સબ રટત રામસમ ગાંધી ગાંધી
ગ્રામ ગ્રામ પુર નગર, શોકાનલ વાયુ વહતે
       કૃષિકાર મજદૂર નયનશ્રોણિત જલ સ્રવતે
રામ રામ સુમિરન કરત,
કરત કઠિન ઉપવાસ જન,
ભૂદર ભારત બિરહ મેં
જન ગણ ભયે ઉદાસ મન.
 1948ની 30મી જાન્યુઆરીની સાંજે મહાત્મા ગાંધીને ગોળી વાગી ત્યારે આ દેશમાં સત્ય, અહિંસા અને ધર્મ વીંધાઇ ગયાં અને કવિ ભૂદરજીને લખવું પડ્યું કે:
વાયુ ન ઝીલે વાદળાં, ભૂમિ ન ઝીલે ભાર,
હિંદમાં હાહાકાર કલ્પાંત ઝામ્યા કબાઉત
અણસઠ તીરથ અણોસરા, ધલવલે ચારે ધામ
ભારતમાં ગામે ગામ કાણ્ય કબાઉત
રાષ્ટ્રના નવસર્જન માટે લખાયેલી, કાઠિયાવાડી બાનીમાં અનોખી શોભા પામતી અને આઠ દાયકા પહેલાંની ભૂદરજી જોશીની પંક્તિઓને શત શત વંદન. એ પંક્તિઓમાં કાઠિયાવાડી ધરતીની સુગંધ છે અને કાઠિયાવાડી ખમીરનું અભિવાદન છે. એ જ ખમીરના પ્રતીક મહાત્મા ગાંધીને આવી જ માટીમાં જન્મ લેવાનું મન થાય એમાં કોઈ આશ્ચર્ય ખરું?{
 
પાઘડીનો વળ છેડે 
એક મોહન મથુરા તણો, બીજો સોરઠ દેશ
અવ‌ળ સવળ પોઢી ગયા, પ્રેમ રાખી પરવેશ.
જમનાકાંઠે જનમિયો, ઇ પોઢિયો સોરઠ પાટ.
સોરઠમાં જે જનમિયો, ઇ પોઢિયો જમનાઘાટ.
(નોંધ: આવતીકાલે 12મી માર્ચે શરૂ થયેલી દાંડીકૂચના ઉપલક્ષ્યમાં આવા સોરઠી કવિનું સ્મરણ સુયોગ્ય ગણાશે.)
 
Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...