તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગનું યોગદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દૂૂરદર્શનના કાર્યક્રમ ‘સ્વસ્થ તન, સ્વસ્થ મન’માં એન્કરે મને પૂછ્યો પ્રશ્ન, ‘શરીરના આરોગ્યમાં યોગનું સ્થાન કેટલું?’
આજકાલ યોગ (જેને આજની પેઢી ‘યોગા’ કહે છે) ચર્ચામાં રહે છે. આપણા ‘ગરવી’ ગુજરાતમાં તમે 70 વર્ષે ઉકલી જાવ તો કોઈ ખરખરો પણ કરતું નથી. (અપવાદમાં છે પારસીઓ. 60 વર્ષનો પારસી લગ્ન કરવાનું વિચારે તો પહેલાં કોઈ સારી સ્કૂલની બાજુમાં મકાન શોધે.) જે ડોહા-ડોહીઓ 80+ની ઉંમરે કાર ચલાવે તો પૂછે, ‘યોગા કરો છો? કયાં આસનો ક્યારે કરો છો?’
યોગમાં આપણા શરીરને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. યોગનાં પુસ્તકોમાં આની ખૂબ ઊંડી ચર્ચાઓ જોવામાં આવે છે. બધા વિદ્વાનોની માફી માગી. આપણે આ પાંચ શરીરોની સીધી-સાદી સમજાતી ભાષામાં ચર્ચા કરીએ.
}અન્ન માયા : તમારું ફિઝિકલ શરીર જે ખોરાકથી બને છે, તેને ટીપટોપ રાખવાની ‘યોગિક’ ફરજ નિભાવવામાં કોઈ ધાડ મારવાની હોતી નથી છતાં ‘ડાયટેશિયન’થી ઓળખાતી વ્યક્તિઓ ઝડપથી પૈસાદાર બને છે. ‘સાત્ત્વિક’ ખોરાક ઉપર લાખો શબ્દો લખાતા, વંચાતા, બોલાતા રહે છે. સીધી અને સાદી વાત એ છે કે તમારું શરીર જે માગે તે આપો. યોગમાં ખાવા માટે કોઈ જ ફિલસૂફી નથી, કાંઈ આધ્યાત્મિક નથી. પાચનક્રિયા માટે શરીરમાં ક્યારેક એસિડ જોઈએ. ક્યારેક આલ્કલી. હોટલમાં હજાર રૂપિયાનું બુફે ડિનર લો ત્યારે જીભના હુકમને માન આપી ખાવાનું શરૂ કરો તો પાચનક્રિયામાં કન્ફ્યૂઝન થાય. એસિડ અને આલ્કલી એકબીજાને ન્યુટ્રલાઇઝ કરે અને ત્રણ કલાકનું બુફે બીજા દિવસના બાર કલાક બગાડે.
}પ્રાણ માયા : સાદી ભાષામાં તમારું ‘ફિઝિઓલોજિકલ’ શરીર અલગ અલગ સિસ્ટમોથી બનેલું શરીર - રેસ્પિરેટરી સિસ્ટમ, નર્વસ સિસ્ટમ વગેરે. દરેક સિસ્ટમને ટીપટોપ રાખવી પડશે, કારણ કે એક સિસ્ટમમાં થતી ગરબડ બીજી બધી જ સિસ્ટમ ઉપર અસર કરશે. ગ્લુકોઝને મેટાબોલાઇઝ કરતી સિસ્ટમમાં ખરાબી થાય. ડાયાબિટીસ થાય તો આંખ, કિડની, દિમાગ ઉપર આડઅસરો થાય. યોગનાં આસનો આપના ‘પ્રાણિક’ શરીરને ટીપટોપ રાખવામાં મદદ કરે છે. શરૂઆત સૂર્યનમસ્કારથી કરો. વર્ષમાં છ વાર જરૂરી ઇન્વેસ્ટિગેશનો કરાવો.
}મનો માયા : માનસિક શરીર માટે મેડિટેશન કરવું ફરજિયાત નથી. દિમાગને ખોટાં સિગ્નલો ન આપો. એનું નામ ‘યોગા’ છે. નસીબ, પરિસ્થિતિ, અશક્ય, પ્રોબ્લેમ, સંતોષ જેવાં ખોટાં સિગ્નલો આપવાનું બંધ કરો.
⬛ જેક પોટ જીતવા માટે પણ લોટરીની ટિકિટ ખરીદવાનું કર્મ ન કરો તો નસીબ નકામું. ⬛ પરિસ્થિતિ જેવું કાંઈ જ નથી. બધું જ મન:સ્થિતિ ઉપર છે. ગર્લફ્રેન્ડ ગુમ થઈ જાય અને બોયફ્રેન્ડ બાખડે તો કોઈ જાય સાબરમતીમાં અને કોઈ શોધે નવો-નવી ફ્રેન્ડ. ⬛ અશક્ય એટલે ‘મારાથી આજે શક્ય નથી.’ ⬛ પ્રોબ્લેમ પર મારો ચેલેન્જનું લેબલ. ⬛ દુનિયાનો પ્રોગ્રેસ અસંતોષી માનવીઓની દેન છે.
}વિજ્ઞાન માયા: આસપાસની દુનિયા ઉપર નજર રાખો અને પ્રસંગ પ્રમાણે તમારું બિહેવિયર બદલતા રહો. યોગની ઉપરના વધારે વંચાતા, ઓછા સમજાતા ગ્રંથો વાંચવું ફરજિયાત નથી. જરૂરી જ્ઞાન મેળવવું એ યોગ છે.
}આનંદ માયા : એટિટ્યૂડ ઓફ ગ્રેટિટ્યૂડ. આભારની લાગણી ધરાવતા એટિટ્યૂડથી આનંદમાં રહો. દુ:ખનાં દર્શન કરો. અંધશાળામાં, બહેરા-મૂંગાની શાળામાં, અપંગ મંડળમાં, કેન્સર વોર્ડમાં જતા આવતા રહો. દોસ્તોથી ઘેરાયેલા રહો. સુરતમાં એક એવી ફોર્મ્યુલા છે, સેન્સર કરેલી ભાષામાં ‘હુ કરી લેહે’ (શું કરી લેશે?)
આ પાંચ જાતનાં શરીરોની યોગમાં ચર્ચા છે. પૂરી આવડતથી આ પાંચ પ્રવૃત્તિઓ કરો, કારણ કે ‘યોગ કર્મસુ કૌશલમ્’ કાર્યમાં કુશળતાનું નામ યોગ છે. થોરામાં ઘનું.
baheramgor@yahoo.com

 

અન્ય સમાચારો પણ છે...