બુધવારની બપોરે / કેમ આલ્યો, આ બંગલો?

article by ashokdave

અશોક દવે

Feb 06, 2019, 12:20 PM IST

‘અરે ભઈ, કેમ આલ્યો આ બંગલો?’
માણેકચોકની શાકવાળી સામે ઘૂંટણીયે ઉભડક બેસીને તુવેરોનો ભાવ પૂછતા હોય, એટલી બેફિકરાઈથી એમણે નવા નક્કોર બંગલાનો ભાવ પૂછ્યો.
‘લઈ જાઓને સાહેબ, ખાલી કરવાનો ભાવ છે. તમારા માટે ફક્ત તઇણ કરોડ.’

‘તઇણ કરોડ? યુ મીન તઇણ કરોડ? આ તઇણ કરોડમાં નવું ફેમિલી નખાવી આલશો કે એ અમારું જ વાપરવાનું?’
‘સાહેબ, આજકાલ તો તઇણ કરોડ જેટલી ફાલતુ રકમમાં નાક લૂછવાનો નેપ્કિનેય નથી આવતો. હું તો તમને બ્રાન્ડ ન્યૂ બંગલો અાપું છું.’
‘ઓકે, પણ આ તઇણ કરોડવાળા બંગલામાં સગવડો કઈ કઈ આવશે?’
‘સ-ગ-વ-ડો? સોરી સર, હું સમજ્યો નહીં!’

  • સિક્સર
    વાળંદ સામે ભલભલા ચમરબંધીને માથું ઝુકાવવું પડે છે. સોનિયા અને ડૉ. મનમોહનસિંહને સત્તા ગુમાવવી પડી, આ જ કારણે?

‘અરે ભઈ, આ તમને બંગલાનો ભાવ કહ્યો, સગવડોનો નહીં. એ તો ધીમે ધીમે પૈસાની સગવડ થાય, એમ એમ નંખાવતા રે’જોને.’
‘અરે ભઈ, સગવડો એટલે બંગલામાં બારી-બારણાં, પાણી, ગટર-ફટર તો અાવશે ને?’
‘હોહોહોહો, તમે સાહેબ હસાવો છો બહુ! અરે, બારી-બારણાં નંખાવવાનુંય તમારું બજેટ ન હોય તો...’
‘એ ચુનીલાલ, મારું બજેટ તો આવા પાંચ બંગલા ખરીદવાનું છે, પણ આ ગમ્યો છે, તો મેં’કુ... બંગલામાં જવાનો એકાદો દરવાજો, બારી-બારણાં એ બધું તો આવશે ને?’ ભગવદ્્ગીતામાં કહ્યું છે, ‘હે અર્જુન, તારી સગવડો તું ઊભી કર. અન્ય પર આધાર ન રાખ.’
‘પણ રૂમ-બુમ, એ તો આવશે ને?’

‘અરે! ફર્સ્ટક્લાસ સાહેબ, બે રૂમ ને રસોડું!’
‘અને સંડાસ-બાથરૂમ?’
‘ઓહ સોરી સર, અત્યારે જવું પડે એમ છે?’
‘અરે બાપા, બંગલામાં સંડાસ-બાથરૂમની સગવડ ખરી કે નહીં?’

‘તમે બહુ ફર્યા લાગતા નથી સાહેબ! સંડાસ-બાથરૂમની સગવડ તો તાજમહાલમાંય નથી.’
‘અરે હોતું હશે? તો પછી શાહજહાં ને મુમતાઝ કયા પબ્લિક ટોઇલેટમાં જતાં’તાં?’
‘સરજી, તાજમહાલ એક મકબરો છે, ત્યાં કોઈ આવા કામો માટે જાય નહીં.’
‘હા, પણ હું શાહજહાં નથી. મારે ક્યાં જવું?’

‘ઓહ સાહેબ, બીજા પચ્ચી લાખ આલશો તો સંડાસ-બાથરૂમ પણ નંખાવી અાપીશું.’
‘પચ્ચી લાખના ખર્ચામાં તો સંડાસ-બાથરૂમ આવતાં હોય એય બંધ થઈ જાય.’
‘ધેટ્સ ધ પોઇન્ટ! અહીં આવ્યા પછી તમારા ફેમિલીને આખું વર્ષ એની જરૂર જ નહીં પડે.’
‘પણ લાગી હોય તો જવાનું ક્યાં?’

‘આવો, અહીં બહાર આવો. આ જુઓ, અઢીસો બંગલાની અમે સોસાયટી બનાવી છે. બધાની વચ્ચે ત્યાં એક કોમન સંડાસ-બાથરૂમની સગવડ રખાવી છે. જરૂર પડ્યે જઈ આવવાનું!’
‘એટલે રોજ સવારે ત્યાં ચારસો-પાંચસો માણસોની લાઇન, બરાબર?’
‘કરેક્ટ, ત્યાં તો ‘વહેલો તે પહેલો’વાળી સિસ્ટમ છે, એટલે પરોઢિયે સાડા ત્રણ ચાર વાગ્યે પહોંચી જાઓ, તો તમારો નંબર ફટાફટ આવી જાય!’
‘ઓહ, અહીં આવો તો? અહીં તો એકેય ગેલેરીય નથી!’
‘ગેલેરી? ગેલેરીમાં તમારે શું ગુલાંટિયાં ખાવાનાં છે?’

‘ના ભઈ, આ તો મેં’કુ શિયાળાની સવારનો તડકો ખાવો હોય તો ગેલેરી-બેલેરી જરા ઠીક પડે.’
‘અરે, તમે કહેશો તો એકાદી ગેલેરી નંખાવી આપીશું. દોઢ-બે વર્ષની ફુલ ગેરંટી, સાહેબ.’
‘બસ, દોઢ-બે વર્ષ જ? એ પછી શું ગેલેરીઓ ઝૂલતી રહેશે?’

‘સોરી સર, તમે... અરે ભઈ, આખું મકાન ઝૂલતું હશે ત્યાં ગેલેરીઓ નહીં ઝૂલે?’
‘છાપાની જા.ખ.માં તો તમે લખ્યું છે 400 વારનું બાંધકામ અને અહીં તો...’
‘એ તમારી વાંચવામાં ભૂલ થઈ લાગે છે. 400 વાર એ આખી સોસાયટીનું બાંધકામ છે.’
‘આ તઇણ કરોડ ચૂકવ્યા પછી બંગલાનું પઝેશન કેટલા દિવસમાં મળશે?’
‘બસ, એક વાર અમને આ જમીનનું પઝેશન મળી જાય, પછી તરત!’
‘એકેય બારી-બારણાંને સ્ટોપર કે સાંકળ કશું નથી!’

‘એ જ તો આવો બંગલો ખરીદવાનો ફાયદો છે. ચોર લોકોય સમજેને કે આવા ગરીબગુરબાના ઘરમાંથી ચોરવા જેવુંય શું હોય?’
‘પણ અમારા દાગીના-બાગીના?’
‘એ તો તમે વેચ્યા પછી જ આવો ફર્સ્ટક્લાસ બંગલો ખરીદી શકશો ને?’
‘ઓહ, ક્યાં ગઈ છાપાની કાપલી? આ રહી. જુઓ, તમે જા.ખ.માં લખ્યું છે, ‘ગુજરાત યુનિવર્સિટીને અડીને, કાંકરિયા તળાવથી તદ્દન નજીક, શાહીબાગ એરિયાના સાંનિધ્યમાં, સંસ્કારી કુટુંબોના સાંનિધ્યમાં, આ... આ... આ... કાંઈ મેળ ખાતો નથી. ક્યાં યુનિ. ને ક્યાં કાંકરિયું ને ક્યાં શાહીબાગ?’
‘તમે તો યાર એકદમ કોમિક છો. ઓલા કે ઉબેર કરી લો. કલાકમાં તો ત્રણેય જગ્યાઓ પતી જાય!’
‘આખા બંગલામાં ઇવન પાણીનોય એક નળ નથી.’

‘મંગાવી આપીશું સાહેબ, મંગાવી આપીશું! જ્યારે પાણી પીવું હોય ત્યારે કે’જો ને. સામેની હોટલમાંથી છોકરો પાણીનો જગ લઈને કાચી સેકન્ડમાં આવી જશે!’
‘આ અહીં તો છતમાંથી માટી ખરે છે.’
‘ઓ મારા સાહેબ, તમે આટલી મોટી છીંક ખાઓ તો માટી-ધૂળ શું, આખાં ને આખાં મકાનો ખરી પડે. માણસની જેમ છીંક ખાઓ તો કાંઈ ન ખરે!’
‘વોટ ડુ યુ મીન? તઇણ કરોડ ખર્ચ્યા પછી અમારે છીંકોય ન ખાવી.’
‘ખાજોને સર, પેટ ભરીને ખાજો, પણ તમારી છીંકોને કારણે તમારા બાજુવાળાના બંગલાની માટી ખરે, તો ખર્ચો તમારે આપવો પડશે!’
‘આ જા.ખ.માં તો તમે ગાર્ડનની વાતેય લખી છે!’

‘ગાર્ડન ને? ત્યાં જુઓ, પેલા ખૂણામાં દોઢ બાય દોઢ ફૂટનો લીલા ઘાસનો ટુકડો રાખ્યો છે. મન થાય ત્યારે એની ઉપર બેસી આવવાનું!’
‘ઓકે, છેલ્લો સવાલ? અહીં ભૂતબૂત થાય છે?’
‘પોસિબલ જ નથી. ભૂતોનોય એક ટેસ્ટ હોય છે. એ આવી જગ્યામાં ચક્કરેય મારતાં હશે?’
‘આઈ મીન, પહેલાં જે અહીં રહી ગયું હશે, એના આત્માઓ તો ભટકતા હશે ને?’
‘તમે પહેલા જ છો સર.’
‘આ સોસાયટીનું નામ શું રાખ્યું છે?’
‘મોહેં-જો-દરો એન્ક્લેવ, હરપ્પા કન્સ્ટ્રક્શન્સ.’
‘ઓકે ભાઈ, અમે બીજે તપાસ કરીને આવીએ.’

ashokdave52@gmail.com

X
article by ashokdave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી