એન્કાઉન્ટર / એક સારા હાસ્યલેખક બનવા શું કરવું જોઈએ?

અશોક દવે

Mar 17, 2019, 06:44 PM IST
article by ashok dave

⬛ જો પાકિસ્તાન વિશ્વના નકશામાંથી નીકળી જાય તો કાશ્મીર સિવાય આપણા માટે બીજું કાંઈ કામનું ખરું?- ચિરાગ વેકરિયા, સુરત
- ગ્રોઅપ મેન! આપણે ભીખમાં આપેલું નાનકડું કાશ્મીર આપણા માટે ઘણું કીમતી છે. હલકાઓએ આપણા કાશ્મીરી પંડિતોને માનવીય રીતે ખદેડી મૂક્યા છે, એમને એમનાં ઘર પાછાં અપાવવાં કોઈ નાની વાત નથી. ભાજપ ઉપરાંત તમામ રાજકીય પક્ષો પાસે કાશ્મીર પાછું અપાવવા માટેની તાકાત નથી દેખાતી.

⬛ તમે કહો છો, દરેક ઘરના ડ્રોઇંગ રૂમમાં તિરંગો હોવો જોઈએ. શું તિરંગો ન રાખનાર અને ભાજપ કે મોદી વિરોધી દેશદ્રોહી છે?- વિનોદગીરી ગોસ્વામી, નખત્રાણા
- ઓહ! કયા રાષ્ટ્રપ્રેમથી તમે આ સવાલ પૂછો છો? તિરંગા માટે ભાજપ કે કોંગ્રેસ વચમાં ક્યાં આવ્યું? તિરંગો નહીં રાખો તો કોઈ તમને જેલભેગા નથી કરવાનું. શક્ય છે, અમારા બધા કરતાં તમારો રાષ્ટ્રપ્રેમ વધુ ઊંચો હોય. બોલો, ‘ભારતમાતા કી જય.’

⬛ દેશભક્તિની પરિભાષા એક શબ્દમાં વર્ણવવી હોય તો?- મય્યુદ્દીન જી. દલ, ભાવનગર
- ભારતમાતા.

⬛ મારા પુત્ર શ્લોકનો સવાલ, ‘અશોકદાદા’ સૂતા ક્યારે હશે? દિવસે કે રાત્રે?
- આનંદ કે. પટેલ, અમદાવાદ
- શ્લોકે વાસ્તવિક સવાલ પૂછ્યો છે. આખી રાત લખલખ કરીને હું સવારે 6-7 વાગ્યે સૂવા જઉં છું અને બપોરે ત્રણેક વાગ્યે ઊઠું છું. (તમે સરનામું લખ્યું નથી એટલે ધારી લીધું કે, તમે અમદાવાદથી સવાલ પૂછ્યો છે.)

⬛ દરેક ઘરમાંથી એક સભ્ય આર્મીમાં હોવો જોઈએ. હું આર્મીમેન છું. તમે શું કહો છો?
- જનક સુથાર, જામનગર
- ગુજરાત માટે કદાચ એ શક્ય જણાતું નથી, પણ પ્રત્યેક ગુજરાતી રાષ્ટ્ર માટે જાન આપી દે, એટલો મજબૂત રાષ્ટ્રવાદી તો છે જ.

⬛ અભિનંદન પાકિસ્તાનમાં પકડાયા છતાં પાછો આવી ગયો, પણ પાકે એને આટલો શારીરિક -માનસિક ત્રાસ આપ્યો, એનો બદલો લેવો ન જોઈએ?- સુયોગી મુકેશ પટેલ, નડિયાદ
- આપણા લશ્કરને કાંઈ શિખવાડવું પડે એમ નથી. એ પાકિસ્તાનની રોજ ધોલાઈ કરે છે.

⬛ તમે દર અઠવાડિયે આટલાં બધાં એન્કાઉન્ટરો કરો છો, એના માટે કોઈ મેડલ મળ્યો છે ખરો?
- દીપક પંચાલ, અમદાવાદ
- પત્ની હવે દરેક વાતે સવાલો પૂછતી નથી.

⬛ રાજકારણીઓ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો, જેના જવાબમાં રમૂજ મળતી હોય!
- અતુલ ઓઝા, પાટણ
- તમે વખાણ કરો છો કે ગાળો આપો છો?

⬛ તમે મારા એક દોસ્તના સસરા જેવા લાગો છો?
- હર્ષ જોશી, અમદાવાદ
- એ સસુરજીને આવા ઉતારી ન પડાય.

⬛ નામ સિદ્ધુ છે, પણ બોલે છે ઊંધું!
- ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ
- કોઈ ભારતીયનું નામ લઈને સવાલ પૂછોજી.

⬛ દેવ આનંદે ફિલ્મ ‘અમીર-ગરીબ’ના ‘મૈં આયા હૂં....’ ગીતમાં પહેરેલા પેન્ટ વિશે શું કહેશો?- વિપુલ ચપલા, નખત્રાણા-કચ્છ
- દેવ મારો પ્રિય હીરો છે. એને કોઈપણ કપડાં શોભતાં હતાં એવું એ માનતો, હું નહીં. આ ગીતમાં લાલ, કાળા, ગ્રે અને પીળા ચોકડાંવાળું પેન્ટ પહેર્યું છે, એ ચોક્કસ હાસ્યાસ્પદ લાગે છે, પણ દેવ પોતે કેટલો હેન્ડસમ લાગે છે! મારે તો એટલું જ જોવાનું.

⬛ પાકિસ્તાને પુલવામામાં હુમલો કર્યો, એને માટે ગાવસકર, તેંડુલકર કે અમિતાભ એક શબ્દ ય બોલ્યા નથી!
- જીવરાજ શાહ, નડિયાદ
- કેમ? પેલા બંને તો મજાનું બોલ્યા છે, ‘પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં રમવું જોઈએ.’ (કેમ જાણે, પાકિસ્તાનનું હારવું નિશ્ચિત હોય!) બચ્ચન પાસે આવું દેશભક્તિનું કાંઈ આવું બોલાવવું હોય તો મોડેલિંગના તગડા પૈસા આપો તો મેળ પડે!

⬛ લગ્ન માટે યોગ્ય છોકરી મળતી નથી. શું કરું?
- મેહુલ મીઠાપરા, સુરેન્દ્રનગર
- અમને મળી છે, તે અમે બધા જલસા કરતા હોઈશું, કેમ?

⬛ રાહુલ ગાંધી સુધરતા કેમ નથી? જિંદગીભર ‘પપ્પુ’ જ રહેશે?- દીપસિંહ નકુમ, કોડિનાર
- ઈશ્વરનો પાડ માનો કે, પપ્પુ ઇન્દિરા ગાંધી જેવા ઇન્ટેલિજન્ટ રાજકારણી નથી.

⬛ તમે જાણીતી પબ્લિક ફિગર છો અને આ સ્થાને પહોંચ્યા પછી અંગત અદાવતથી લખવું ન જોઈએ.- યોગેશ ભટ્ટ, અમદાવાદ
- હું ભાજપ કે અન્ય કોઈ પક્ષનો તરફદાર નથી, સિવાય મોદી! ગઠબંધનિયાઓ માટે એક જ સવાલ છે, ‘ક્યારેક તો દેશના દુશ્મન પાકિસ્તાન કે આતંકવાદીઓના વિરોધમાં બોલો. જો તમે જીત્યા તો દેશ માટે શું કરશો, એ તો કહો. ‘મોદી હટાવો’ સિવાય દેશ માટેનો કોઈ એજન્ડા જ નથી?’

⬛ રાહુલની કોંગ્રેસ કહે છે, ‘મોદી અને ઇમરાન ખાને મળીને પુલવામાનો હુમલો કરાવ્યો હતો?’
- સૂર્યકાન્ત સા. પટેલ, વડોદરા
- દેશભરના કોંગ્રેસીઓ ભારતીય પહેલાં છે, કોંગ્રેસી પછી (બે-ત્રણ અપવાદોને બાદ કરતા). એમને ય સમજ પડે છે કે, કોંગ્રેસની આ રાજકીય નીચતા છે. આવી નીચતા બતાવીને કોંગ્રેસ આવતી ચૂંટણીમાં પોતાના લાખો વોટ ‘ઓછા’ કરી રહી છે.

⬛ ભાજપ અને કોંગ્રેસ એક થઈ જાય તો દેશમાં શાંતિ આવે. તમે શું કહો છો?
- અફરોઝબહેન મિરાણી, મહુવા
- ભાજપના એટલા બધા ખરાબ દિવસો નથી આવ્યા.

⬛ કુંવારા છોકરાઓ લગ્ન માટે તડપે છે, તો પરણેલા પુરુષો શેના માટે તડપે છે?
- હરિવદન આર. પરીખ, વડોદરા
- સાંજે ઓફિસથી ઘરે જેટલા મોડા પહોંચાય, એટલી ઈશ્વરકૃપા.

⬛ સની લિયોનીને પોતાનાં વસ્ત્રો માટે સેફ્ટી પિનોની જરૂરત પડતી હશે?
- ડો. અશ્વિન હી. પટેલ, કેટ્સકિલ, ન્યૂ યોર્ક
- આખા શરીરે કેવળ સેફ્ટી પિન પહેરી હોય ત્યારે ય એ ટકાવવા માટે સેફ્ટી પિનની જરૂર ન પડે.

⬛ સાંભળ્યું છે કે, બાકીનું જીવન તમે સાધુ તરીકે જીવવાના છો?
- સમ્યક જયંતિભાઈ શાહ, વડોદરા
- તે અત્યારે કયું રોકસ્ટાર જેવું જીવન જીવી રહ્યો છું?

‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇમેલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: ashokdave52@gmail.com

X
article by ashok dave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી