એન્કાઉન્ટર / મોબાઇલ ફોન પર કૉન્ફરન્સ-કૉલનો ફાયદો શું?

article by ashok dave

અશોક દવે

Feb 10, 2019, 06:40 PM IST

⬛ આજના વિદ્યાર્થીઓ વિશે શું માનો છો?
- કમલેશ પ્રજાપતિ, ભચાઉ-કચ્છ
- એમને સાધનો પર્યાપ્ત મળ્યાં છે ને સદુપયોગ કરે છે.
⬛ તમે એક રાજકીય પક્ષને ટેકો આપતા હો, એવું લાગે છે!- ઇમ્તિયાઝ શેખ, ભાવનગર
- તમે એ રાજકીય પક્ષને સહેજ પણ ટેકો નથી આપતા, એમાં આપણા બેનો વાંક?
⬛ આ PUBG ગેમ શું તમે રમો છો?
- નીલેશ ઠાકોર, સામખિયાળી-કચ્છ
- મને એકલી ‘પબ’વાળી ગેમ ગમે.
⬛ ભાજપે તો ખીચડી ખવડાવી. કોંગ્રેસ ઊંધિયું ક્યારે ખવડાવશે?
- હિરેન સોની, સાઠંબા-અરવલ્લી
- મહાગઠબંધનને ‘ઊંધિયું’ પણ કહેવાય. બધો શંભુમેળો ભેગો.
⬛ ડોક્ટરો દવાદારૂના બહુ શોખીન હોય. નહીં?
- ડો. પાંડુરંગ અચ્યુત કનાટે, નવી મુંબઈ
- દારૂની બહુ ખબર નથી, પણ દવાઓનો શોખ કેવળ દર્દીઓ માટે પોસવો પડે છે.
⬛ ‘સર’ કોઈપણ આદરણીય વ્યક્તિને બોલાવવાનું સંબોધન છે, માત્ર બ્રિટિશરોનો ઇલ્કાબ નથી.- ભાવેશ પટેલ, વિસનગર
- તમે સાચા છો, સર.
⬛ તમારા મતે ઈ.સ. 2020નું ભારત કેવું હશે?
- વિપુલ એચ. પંડ્યા, ટીમાણા-તળાજા
- ભારત વિશ્વનો શ્રેષ્ઠ દેશ છે. 2020માં જ નહીં, આ ધરતીનું અસ્તિત્વ રહે ત્યાં સુધી ભારત વિશ્વનો શ્રેષ્ઠ દેશ જ રહેવાનો.
⬛ અમારા ગામમાં એક સાઇકલચોરને ગામલોકોએ એ જ સાઇકલ પર ગોળ ગોળ એક હજાર આંટા મરાવ્યા!
- વિદ્યા જયવંતરાય મેહતા, મુંબઈ
- એમાં શું? એક ચોરે કેલેન્ડર ચોર્યું, એમાં એને ‘બાર મહિનાની’ પડી.
⬛ કેટલાક માણસો પોતાના સવાલોના જ જવાબ આપે છે. સુઉં કિયો છો?
- જે. પી. નાડકર્ણી, વડોદરા
- હા. હવે પૂછો તમારો સવાલ.
⬛ દુ:ખી ગરીબોને જોઈને તમને કાંઈ થતું નથી?
- પલ્લવી જસુભાઈ પટેલ, સુરત
- મારો અંતરઆત્મા બિલકુલ સાફ છે. હજી સુધી વાપર્યો નથી.
⬛ એક મેરેજ-રિસેપ્શનમાં મારા જીન્સમાં અચાનક હજારો કીડીઓ ચઢી ગઈ. આવું ફરી થાય તો શું કરવું?
- પ્રિયા શાંતિલાલ પંચાલ, સુરેન્દ્રનગર
- જીન્સ ઢીંચણ સુધીનું પહેરવું.
⬛ સુંદર છોકરી જોઈને બધા મલકાઈ કેમ જાય છે?
- શિવાંગ જે. રાઠી, ઉત્તરસંડા
- એ બધા ‘નોર્મલ’ હોય માટે.
⬛ ગઈ 30 જાન્યુઆરીના એક ‘ગાંધી-સમારંભ’માં આપણા રાષ્ટ્રધ્વજો જમીન પર ભટકતા હતા.
- ગોરધનભાઈ શિવાભાઈ પટેલ, સુરત

- ઈશ્વર ન કરે ને હવે ક્યારેય રાષ્ટ્રધ્વજને જમીન પર પડેલો જુઓ, તો આદરપૂર્વક ઉઠાવીને તમારી પાસે રાખી લેજો.
⬛ હું ને મારી ગર્લફ્રેન્ડ રેસ્ટોરાંમાં જઈએ, ત્યારે મને ઇટાલિયન કે મેક્સિકન ભાવે અને એને ગુજરાતી થાળી જ ભાવે, શું કરવું?
- બલવિંદર પંજાબી, વડોદરા
- વેળાસર ગુજરાતી થાળી બનાવતા શીખી જાઓ.
⬛ તમને આતંકવાદીઓની બીક લાગે ખરી?
- ગૌતમ પી. રાજગોર, કપડવંજ
- ના. હું 42 વર્ષથી પરણેલો છું.
⬛ ડુંગળી કાપતા આંખો કેમ છલકાય છે?
- સુરેશભાઈ શંકરલાલ ત્રિવેદી, રાજકોટ
- ભ’ઈ, કોઈની સાથે એટલા આત્મીય સંબંધો રખાય જ નહીં!
⬛ હોટેલની કોઈ લિફ્ટમાંથી એક સુંદર યુવતી નીકળે ને એની પાછળ એનો ગોરધન નીકળે, ત્યારે કેવું ફીલ કરો?
- પ્રતાપરાય ધીમંતરાય ચોકસી, હિંમતનગર
- લાલનો બાદશાહ જોયા પછી લાલની રાણી દેખાય અને છેલ્લે છગ્ગો નીકળે, એય કાળીનો... એવું!
⬛ મારી પાસે છીપલાંઓનું આખા વર્લ્ડનું સૌથી મોટું કલેક્શન છે. તમે જોયું પણ હશે. એ કલેક્શન ઘરે રાખવાને બદલે હું બધા દરિયાકિનારાઓ ઉપર વેરી દઉં છું.
- નવાબઅલી મોહસીનઅલી પટિયાર, સુરત
- સારો જોક છે.
⬛ આપણી ગુજરાતી ભાષામાં સૌથી વધુ બોલાતું વાક્ય કયું?- મંથન રાજ્યગુરુ, નડિયાદ
- ‘હું તો પહેલેથી કહેતો’તો...’
⬛ તમને સૌથી વધુ કોણ હસાવી શકે છે?
- વંદના કપિલરાય દવે, ભૂજ-કચ્છ
- ભૂલ્યા વગર રોજ હું લોરેલ હાર્ડીની એક ફિલ્મ જોઈને જ સૂવું છું.
⬛ આપણાં રાષ્ટ્રગીતોનો તો તમે ઘણો પ્રચાર કરો છો, પણ રાષ્ટ્રધ્વજનું શું?
- ધ્રુવી સજ્જનકુમાર શાહ, વેરાવળ
- આમાં કહી બતાવવાની વાત નથી, પણ પ્રત્યેક દેશભક્ત ભારતીયે પોતાના ડ્રોઇંગરૂમમાં નાનો તો નાનો, એક રાષ્ટ્રધ્વજ રાખવો જોઈએ. ખાદી ભંડારમાં જઈને કોઈપણ સાઇઝનો ધ્વજ ખરીદી શકાય.
⬛ અમદાવાદમાં આટલો રાક્ષસી ટ્રાફિક જામ થાય છે. હું ગાડી લઈને નીકળી શકતો નથી. શહેરમાં લિસોટા પડ્યા વિનાની કોઈ કાર નથી.
- વિક્રમ ચંદુભાઈ શાહ, અમદાવાદ
- સાઇકલ વાપરો. કોઈ લિસોટા નહીં પડે.
⬛ તમે સહમત છો કે, 10માંથી 9 ડોક્ટરો ઇડિયટ હોય છે?- ડો. સી. એલ. પટેલ, જામનગર
- ના. એ 10 ડોક્ટરો માને છે કે, 10માંથી એક ડોક્ટર ડાહ્યો હોય છે.
⬛ મારે એકેય ગર્લફ્રેન્ડ નથી. શું કરું?
- નૈષધ જીતેન્દ્ર રાવલ, જામનગર
- શાકમાર્કેટમાં નિયમિત જવાનું રાખો.
⬛ મારી બેબી સેફ્ટી પિન ગળી ગઈ હતી. માંડ આઠ કલાકે નીકળી.
- હિમા જયેશ પટેલ, નડિયાદ
- ‘સેફ્ટી’ પિન હોય, પછી શું વાંધો?
⬛ અમારા 83 વર્ષના કાકાને બર્થડે ગિફ્ટ કઈ આપવી?
- જગત કિશોરીલાલ અગ્રવાલ, ઉદેપુર
- બાથટબ.
⬛ શું તમે પણ પુસ્તકિયા કીડા છો?
- છત્રપતિ ભંવરલાલ, અમદાવાદ
- ના. એક નોર્મલ કીડો.
⬛ અશોકભાઈ, તમારે પણ કોઈ છોકરી સાથે પ્રેમ હતો?
- માયા સી. જોગલેકર, વડોદરા
- હા, પણ એ તો મને પરણવા માગતી હતી!

‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇમેલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: ashokdave52@gmail.com

X
article by ashok dave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી