સ્તનપાન વખતે બાળક અને માતાની સચોટ સ્થિતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું ‘સ્તનપાન વીક’ તરીકે દુનિયાભરમાં ઊજવાય છે. માતાની જાગૃતિ વધે તે માટે આપણે આ વખતે સ્તનપાન વખતે માતા અને બાળકની કઈ સ્થિતિ સચોટ કહેવાય તે વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલાં માતાએ પોતે પોતાને હળવાશ આપતી સ્થિતિ રાખવી. જરૂર લાગે ત્યાં કમરની પાછળ ઓશીકું કે અન્ય તકિયાથી કમરને સહારો આપી શકાય. એક ગ્લાસ પાણી કે અન્ય કોઈ પણ પ્રવાહી પીવું. રૂમમાં હવાઉજાસ પૂરતા રાખવા. ઉતાવળથી, ફોન પર વાત કરતાં કરતાં, ખાતાં ખાતાં કે દસ મિનિટમાં ધાવણ આપી દઈ પછી બહાર કામ માટે જઈશ એમ મિનિટો નક્કી કરી ધાવણ આપવા ન બેસવું.

 

સ્તનપાન કરાવતાં માતાએ બાળકને પોતાના શરીરની વધુ નિકટ રાખવું 

યોગ્ય રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે બાળકના મોંમાં ફક્ત નિપલ નહીં, તેની આસપાસનો લગભગ 2 સે.મી.નો કાળો ભાગ અને થોડો સ્તનનો ભાગ - ખાસ કરીને નીચેનો ભાગ મોંમાં આવવો જોઈએ.


જો માતા અને બાળકની સ્થિતિ યોગ્ય હશે તો ધાવણ આપતી વખતે માતાને પીડા નહીં થાય. ધાવણ આપવાનો અનુભવ માતા માટે પીડાદાયક હોય તો સમજવું કે ધાવણ આપતી વખતની સ્થિતિ અયોગ્ય છે.  બાળકનું માથું સ્તનની સામે અને નાક નિપલની સામે રહેવું જોઈએ. બાળક માતાના શરીરની નજીક હોવું જોઈએ. માતા બાળકની નજરમાં નજર મેળવે છે. બાળકની દાઢી સ્તનને અડે છે. બાળકનું મોઢું એકદમ પહોળું હોઈ નીચેનો હોઠ બહાર વળેલો છે. માથું ઢળેલી સ્થિતિમાં ન રહેવું જોઈએ.


માતાએ એક હાથથી પોતાનું સ્તન બાળકનાં મોંમાં આપવું, પણ બાળકનું નાક દબાય નહીં તેનું ધ્યાન રાખવું. બાળકના હોઠને નિપલ સાથેનો સંપર્ક કરાવો. મોટાભાગે બાળક જ તેનું મોઢું આખું ખોલશે અને થોડી જીભ આગળ લાવશે. તરત જ નિપલ અને સ્તનનો થોડો ભાગ  બાળકના મોંમાં જાય તેમ રાખવી. પછી બાળક જાતે જ સ્તન ચૂસવા લાગશે.  બાળક તેનું આખું મોં ખોલે ત્યાં સુધી રાહ જોવી કે જેથી સ્તનનો વધુમાં વધુ ભાગ બાળકના મોઢામાં જાય. બાળકને સ્તન પાસે લાવવાનું છે.


માતાએ આંગળીઓ સ્તનની નીચે અને અંગૂઠો સ્તનની ઉપર રાખી હળવું દબાણ આપવું જેથી યોગ્ય પ્રમાણમાં દૂધ બાળકના મોંમાં જાય. દબાણની જરૂર શરૂઆતમાં જ પડશે. પછી તો બાળક પોતે જ ચૂસશે અને દૂધની ધાર આવશે.

www.drashishchokshi.com

અન્ય સમાચારો પણ છે...