તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોનાં મોઢાંમાં ચાંદાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળકોનાં મોઢાંમાં ચાંદાં પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાનાં બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નિપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોનાં મોઢાંમાં ચાંદાં પડે છે. એકથી પાંચ વર્ષનાં બાળકોને પેન, પેન્સિલ કે રમકડાં મોઢામાં નાખવાની ટેવ હોય, આયર્ન, વિટામિન B12ની ખામી હોય, વાઇરસ કે બેક્ટેરિયાનો તાવ, ઓરી, અછબડા કે હર્પીસનો ચેપ હોય તે બાળકોનાં મોઢાંમાં ચાંદાં પડવાની સંભાવના વધુ હોય છે.

બાળકના મોંમાં અનેક કારણોસર ચાંદા પડી શકે છે, પરંતુ જો યોગ્ય કાળજી રાખી સારવાર કરવામાં આવે તો તેમાં રાહત થઇ મળે છે

પાંચથી બાર વર્ષનાં બાળકોમાં કબજિયાત કે ટાઇફોઇડ હોય, દાંતના રોગ કે તેની સારવાર ચાલતી હોય, નવું બ્રશ વાપરવામાં આવે, અમુક કલર અને સુગંધવાળા ખોરાક તેમજ વધુ મસાલાવાળા અને ગરમ ખોરાક લેવામાં આવે ત્યારે મોઢાંમાં ચાંદાં પડવાની સંભાવના વધી જાય છે. ટીનએજ બાળકોમાં કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય જેમ કે, પરીક્ષા, ઉજાગરા, દરમિયાન મોઢાંમાં ચાંદાં પડવાની સંભાવના વધી જાય છે. નાનાં બાળકો ભૂલથી કોઈ વસ્તુઓ મોમાં નાખે તો પણ મોંમાં ચાંદાં પડે છે. પાંચથી બાર વર્ષનાં બાળકોમાં HAND, FOOT MOUTH વાઇરસને લીધે મોઢામાં ચાંદાં પડતાં જોવા મળે છે.

 

ચાંદાં નીચેના હોઠની અંદરની બાજુએ તેમજ બંને ગાલની અંદરની બાજુ જેને બકલ મ્યુકોસા કહે છે તેમાં વધુ જોવા મળે છે. પીળા કે કથ્થઈ કલરના ગોળ કે લંબગોળ ચાંદાની આજુબાજુનો ભાગ લાલ હોય છે. ત્યાં ખોરાક અડે તો પણ દુખાવો થતો હોય છે. ચાંદાનાં અન્ય લક્ષણોમાં મોઢામાંથી લાળ પડવી, ચાવવામાં અને ગળવામાં તકલીફ પડવી, ખાવા-પીવાનું ઓછું કરી દેવું, મોઢું ખુલ્લું રાખવું તેમજ ચીડિયાપણું જોવા મળે છે. જે રોગને કારણે ચાંદાં પડ્યાં હોય તે રોગની સારવાર તરત કરવી. બાળકને સૂપ, પ્રવાહી વધુ આપવાં. બાળકનાં રમકડાં સ્વચ્છ રાખવાં.

 

બાળકની જીભ કે મોઢું સાફ કરવાનું કપડું ખરબચડું ન હોવું જોઈએ. શીશીથી દૂધ ન આપવું. માતાનું દૂધ પીતાં બાળકોમાં ચાંદાં પડવાની શક્યતા ઓછી હોય છે. ડોક્ટરની સૂચના મુજબ વિટામિન તેમજ ઝિંકની દવા લેવી. બાળક પોતે પણ મોંની ચોખ્ખાઈ રાખે જેમાં જમીને કોગળા કરવા, બે વખત બ્રશ કરવું તેવું ધ્યાન રાખવાથી મોંમાં થતાં ચાંદાંની શક્યતા ઘટાડી શકાય છે.

www.drashishchokshi.com

અન્ય સમાચારો પણ છે...