નાભિમાં કસ્તૂરી છતાંય મૃગ માફક વનેવન ભટકવું પડે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવ જ તારી કને... 
તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને, 
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને! 
 
બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો, 
આખેઆખા લીલાછમ ઉધાડ સામું જો, 
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનવને...
 
કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર, 
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને... 
 
મળવું એ જ હો મનસૂબો તો નકશા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં, 
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને... 
 
મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે, 
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે, 
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને... 
-દલપત પઢિયાર
 
ભીતર આપણી અંદર છે અને આમ ભીતર બહાર. આપણે જેને દૂર સમજીએ છીએ એ પાસે છે, અલબત્ત શ્વાસેશ્વાસે છે. જેણે જગતને મૂલવવું છે એ લોકો વિવેચન કર્યા કરશે, જેણે જગતને ઊજવવું છે એ લોકો કવિતા લખીને રસદર્શન કરશે. પરમનું તત્ત્વ કે પ્રેમનું તત્ત્વ બધું ભીતર જ છે. એને અખિલાઈથી અનુભવવાનું છે. ઝાડમાં લીલોછમ ઉઘાડ દેખાય ત્યારે મૂળ અને કુળ, એકરૂપ અને ઓતપ્રોત બને છે. પછી નાભિમાં કસ્તૂરી હોય અને છતાંય મૃગની માફક વનેવન ભટકીએ એ કેવું?
 
આપણે હંમેશાં દૂધમાં અને દહીંમાં જીવીએ છીએ. પરમનું તત્ત્વ તો ઘટઘટમાં છે. આપણને હંમેશાં બધું જ સાથે જોઈએ છે. દુઃખ સહન નથી થતું અને સુખથી બોર થઈએ છીએ.આપણે અધકચરાં અને છીછરાં છીએ અને એટલે જ આપણે ક્યાંયના નથી. દરિયો તો જળનો ઝાંપો છે એને બેટ અને બંદર સાથે શી લેવાદેવા? એ તો નદી કુંડીમાં નહાવા ઊતરે અને દરિયો ઉભેપને હોય એવી સ્થિતિ છે. દરિયાને નદીથી જુદો ગણીને નદી દરિયામાં જતી હોય એ સ્થિતિનો અજપાજાપ છે.
 
જેણે મળવું જ છે, સંકલ્પમાં નહીં પરંતુ દૃઢનિશ્ચયથી- શ્વાસને સાકાર કરીને, એને માટે ક્રિયાકાંડોનાં નકશાઓ નકામાં છે. મળવાનો મનસૂબો કેળવ્યો એટલે ઈશ્વર તો મળવાનો જ છે પણ નકશામાં નહીં, ન-કશામાં , એવી અવસ્થામાં. જેમ સૂરજ વાવમાં પાણી ગાળે અને ચાંલ્લો ચરામાં રમે એમ બધું જ સરખું પાર ઊતરે તો રાતનું સામૈયું દિવસે પણ રેલાય. બધાનાં કેન્દ્રબિંદુમાં મનને ગોઠવું જોઈએ. જ્યાં મન ગોષ્ઠી કરે છે ત્યાં કોડિયામાં અજવાળું સ્વયં પ્રગટે છે. એ દીવો જ પરમ તત્ત્વનો દીવો, પછી બધું સહજ થવા માંડે. આપણી વ્યાકુળતા સાચી તો પછી આ શરીરના ઘડામાં અનુભવાતી આકુળ વેળા ગગન થઈને થનગનશે એની ખબર પણ નહીં પડે. 
જે વર્તમાનમાં છે એને ભવિષ્યમાં શોધવાનો નશો અને ભૂતકાળથી વાગોળવાનો વસવસો ન કરવો જોઈએ. સહજ બાની, સરળ પ્રવાહિતા અને સઘન આત્મ- સાક્ષાત્કાર દલપત પઢિયારની કવિતાનો વિશેષ છે... જીવનના હકારની આ કવિતા શ્વાસનું સામૈયું કરતી, ઘડાથી ગગન સુધીની કવિતા છે.
ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...