વિનોદ ભટ્ટ : સ્મિતથી ખડખડાટ હાસ્ય સુધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કે ટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા. કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે. કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. એમની ભાષા સમાજનું દૂરબીન લાગે. વિનોદ ભટ્ટ આમાંનું એક નામ. નામ પ્રમાણેના ગુણો. જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખતા હતા. (જમણા હાથમાં દુખાવાને કારણે) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટલા એમના અક્ષર ન વંચાય. એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં.
સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમતું હતું. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. એમની સાથે પુષ્કળ કાર્યક્રમો કર્યા હતા. એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘વિ.જ.ભ. (વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે, પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું.) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા?’ એમણે કહ્યું, ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું.’ આટલો બેધબકારા વચ્ચેના અંતર વગરનો સહજ હાસ્યસભર જવાબ કોણ આપી શકે?
એટલે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે, ‘મને મૃત્યુની બીક લાગે છે, કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી હતી. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય. તોય એમનો તોર એવો ને એવો અકબંધ. જિંદગી એટલી બધી વહાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઈ વહાલી! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઈ ઉપર જીભને ઝંપલાવી અને માંદા પડ્યા તોય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો. વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે. સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું. આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે.
હાસ્યની ઉપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતા નથી જોયા! ગુસ્સે થતા જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય, પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહેતા હતા કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સહેજ પણ અફસોસ નથી. મૃત્યુને થોડા સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો હતો. એમની પત્નીનાં હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ હતો, કેમ કે એ પોતે પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધતા હતા.
આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટલે વિનોદ ભટ્ટ. એમને યાદ એટલે કર્યા કે આ લેખ નવી પેઢીના લેખકો-વાચકો વાંચીને એમનામાંથી માત્ર ને માત્ર હસતા શીખે. નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે. બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઇકમાં ગુણવંત શાહને એમ કહે કે, ‘ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને?’ ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘જો બોર થતા હોવ તો જામફળ લાવીએ.’ ત્વરિત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ હતો. ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે.
ઓન ધ બીટ્સ : ‘ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘરરખ્ખું હોય, રૂપાળી હોય, કરકસરિયણ હોય અને ફક્કડ રસોઈયણ હોય. કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્ની કરવાની છૂટ આપતો નથી.’ - વિનોદ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...