ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામના દુખદ અવસાને, દેશને ન પૂરાય એવી ખોટ પડી ગઈ છે. દેશ માટે જીવન સમર્પણ કરનાર,આ પ્રખર વિજ્ઞાનીએ, દેશને ગૌરવ બક્ષી ,જન હૃદયમાં સવાયું સ્થાન મેળવી લીધું છે....યુવાવર્ગનો આદર્શ બની...સાચા' ભારત રત્ન ' બની તેઓ સદા ઝગમગતા રહેશે...શત શત સલામ સાથે ભારતમાના આ સપૂતને ભાવભરી અંજલિ.
પાવન ધરણ જ રામેશ્વરની
જન્મભૂમિ તવ ગૌરવવંતી
મૂઠી ઊંચેરી તવ શાન
ધન્ય! ડૉ અબ્દુલ કલામ
સ્વયં પ્રકાશ્યો કર્મઠ દીપે
ખ્યાત ‘મિસાઈલ મેન‘ યુગે
પ્રખર વિજ્ઞાની તવ નામ
ધન્ય! ડૉ અબ્દુલ કલામ
દીઠું રત્નોમાં તું અદકું રત્ન
ગૌરવવંતું જ સાચું ભારત રત્ન
ભારત દેશનું ગૌરવ ગાન
ધન્ય! રાષ્ટ્રપતિ ડૉ કલામ
અમર ઈતિહાસે અંકિત તવ નામ
દેશ દે શત શત સલામ
ધન્ય! ડૉ અબ્દુલ કલામ
- રમેશ પટેલ(આકાશદીપ)
કવિ રમેશ પટેલ 'આકાશદીપ' અંગે માહિતી
ડો કલામને કવિતા થકી ભાવભરી અંજલિ અર્પનારા કવિ રમેશચંદ્ર ઝવેરભાઈ પટેલ 'આકાશદીપ' મૂળ ખેડા જીલ્લાના મહુધા તાલુકાના ગામ-મહિસાના વતની છે. જીઈબીમાં ૩૪ વર્ષની ઈજનેરી સેવાબાદ (વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનનું નિર્માણ ને સંચાલન) તેઓ છેલ્લા 10 વર્ષથી કેલિફોર્નિયા, યુએસએ ખાતે રહે છે. divyabhaskar.com સાથે પોતાની સ્પેશિયલ કવિતા શેર કરતાં રમેશભાઇએ કહ્યું હતું કે, સામાજિક ને સાહિત્યિક રીતે..'આકાશદીપ' બ્લોગ થી સપ્તખંડે નેટસેતુ રચાયો છે...ને ગુજરાતની સંસ્કૃતિની સૌરભ લહેરાવવાની મને જે તક મળી છે તે માટે હું ધન્યતા અનુભવી રહ્યો છું.
(Note: રમેશભાઇ પટેલની જેમ તમે પણ divyabhaskar.com સાથે જોડાવવા ઇચ્છતા હો તો વિદેશમાં તમારી આસપાસ બનતી સોશિયલ-રિલિજીયસ ઇવેન્ટ અંગેની માહિતી અને ફોટોગ્રાફ્સ અમારી સાથે dbnri@dainikbhaskar.com પર શેર કરો. મેઇલમાં તમારું નામ અને કોન્ટેક્ટ નંબર ખાસ લખવા.)