ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Sahitya sansad usa first convention in Philadelphia on 17th dec

  સાહિત્ય સંસદ યુએસએની પ્રથમ સભા 17મી ડિસેમ્બરે ફિલાડેલ્ફીયામાં યોજાશે

  divyahaskar.com | Last Modified - Dec 11, 2017, 08:39 PM IST

  શુદ્ધ સાહિત્યની ઉપસાનાના શુભાશય સાથે ‘સાહિત્ય સંસદ યુએસએ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે
  • સાહિત્ય સંસદ યુએસએની પ્રથમ સભા 17મી ડિસેમ્બરે ફિલાડેલ્ફીયામાં યોજાશે
   સાહિત્ય સંસદ યુએસએની પ્રથમ સભા 17મી ડિસેમ્બરે ફિલાડેલ્ફીયામાં યોજાશે

   નિકેતા વ્યાસ, ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપસાનાના શુભાશય સાથે ‘સાહિત્ય સંસદ યુએસએ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઇ ખાતે કાર્યરત સાહિત્ય સંસ્થાના પ્રમુખ કનુભાઇ સુચકે ગત 28 નવેમ્બર 2017ના રોજ મુંબઇથી જાહેરાત કરી હતી કે ‘સાહિત્ય સંસદ’ ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાના ઉપલક્ષ્યને વરેલી છે અને મુંબઇમાં આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી એકમાત્ર સંસ્થા છે.

   સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો, ભાષા કર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાના મોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે, પરંતુ એનું કાર્ય સ્વરૂપ અલગ પ્રકારનું હોય છે.

   જોકે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં પ્રસ્તાપિત અને નવોદિત સર્જકોની એક આખી શ્રૃંખલા છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાના સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની અને અગાઉની મુલકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું અને તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્ય વિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું છે.

   અમેરિકાના ન્યૂજર્સી નિવાસી જાણીતા લેખલ, કવી, જર્નાલિસ્ટ અને ખૂ જાણીતા ટેલિવિઝન એન્કર અને રેડિયો હોસ્ટ વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે.

   ટીમ સાહિત્ય સંસદમાં ઉપપ્રમુખ ગુજરાત સાહિત્યના ખૂબ જાણીતા લેખક કવિ ડોક્ટર નીલેશ રાણાની વરણી કરાઇ છે. ડોક્ટર નીલેશ રાણા અમેરિકાના ડાયસ્પોરા સર્જકોમાં મૂઠી ઉંચેરુ નામ છે. વાર્તા પરંપરા અને કવિતા વિશ્વમાં એમની સર્જનશીલતાને સ્પર્શી શકે એવા કે એમની અડોઅડ આવીને ઉભી શકે એવા ખૂબ જૂજ નામો છે. વ્યવસાયે તેઓ મેડિકલ ડોક્ટર છે. સાહિત્ય સંસદના બે મહમંત્રીઓ તરીકે સુચિ વ્યાસ અને નંદિતા ઠાકોરની વરણી કરવામાં આવી છે.

   સુચિ વ્યાસ એટલે અમેરિકાની ઇન્ડિયન કમ્યુનીટીનું એક અગ્રેસર નામ. નિબંધકાર અને વાર્તાકાર સુચિ વ્યાસની કલમે આલેખાયેલા આગવી ભાતઉપસાવતાં પાત્ર ચિત્રણ ખૂબ પ્રચલિત થયાં છે. એમનું ‘સુચિ કહે’ પુસ્તક એક વિશિષ્ટ ભાત ઉપસાવતું અને વિશાળ લોકચાહના પ્રાપ્ત પુસ્તક છે. ગુજરાતી સાહિત્યકારો,કવિઓ, ગઝલકારો નાટકકારોનું અત્યંત પ્રિયનામ સુચિવ્યાસ છે.

   સાહિત્ય સંસદના અન્ય મહામંત્રીતરીકે વરાયેલા નંદિતા ઠાકોર એડાયસ્પોરા સ્ત્રીસર્જકોની સાંપ્રત પેઢીમાં પ્રથમક્રમે આવતું નામ છે. નિબંધકાર,કવિયત્રી, ગઝલકાર, સ્વરકાર અને સ્વરનીયોજક નંદિતા ઠાકોરનો આગવો પ્રભાવ છે. નંદિતા ઠાકોરના કવિતા નિબંધ અને સંપાદનના પુસ્તકો સાહિત્ય રસિકોમાં ખૂબ આવકાર પામ્યા છે. કોષાધ્યક્ષ તરીકે વરાયેલા કોકિલા રાવલ લેખિકા અને બ્લોગર છે. કેસૂડાં.કોમ નામે ખૂબ પ્રચલિત વેબ મેગેઝીનમાં પ્રકાશિત કરાતી શિષ્ટ વાંચન સામગ્રીનું ચયન અને પ્રકાશન તેઓ કરે છે. કોકિલા રાવલના આર્ટીકલ્સ દેશ વિદેશના અનેક સામયિકોમાં પ્રકાશિત થાય છે.

   સાહિત્ય સંસદનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. મૂળ ૧૯૨૮માં મુંબઈ ખાતે સ્થપાયેલ ‘સાંતાક્રુઝ સાહિત્ય સંસદ’એની સ્થાપના પછી થોડા વર્ષો બાદ સ્થગીતાવસ્થામાં હતી પરંતુ આ સંસ્થાને મહાવિદ્વાન પ્રાચાર્ય રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીએ જુલાઈ ૧૯૬૪માં‘સાહિત્ય સંસદ,સાંતાક્રુઝ’તરીકે પુન:પ્રસ્થાપિત કરી. રામભાઈ સંસ્કૃત સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, તત્વજ્ઞાન, રસશાસ્ત્ર, અને ભાષા શાસ્ત્રના ઊંડા અભ્યાસી, વિદ્વાન તથા વિવેચક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત વિદ્વદ્દવર્ય પુરુષ હતાં. અનેક શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓના સ્થાપક તેમજ માર્ગદર્શક હતાં. શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત નિપુણ, જાગૃત અને કાર્યદક્ષ આચાર્ય તરીકે એમની નામના હતી.

   ૧૯૮૯માં આચાર્યના અવસાન બાદ ધીરુબેન પટેલે ૧૯૯૫-૯૬માં સંસ્થાને સુધીરભાઈ દેસાઈ અને કનુભાઈ સૂચકની સહાયથી ફરી સક્રિય કરી અને ૧૯૯૮માં કનુભાઈ સૂચકે પ્રમુખ તરીકે તેનો પદભાર સંભાળતાંજ ૧૯૯૮ના વર્ષથી સાહિત્ય સંસદ પુન:ચેતના પામી. શુદ્ધ ગુજરાતીની ઉપાસનાના મશાલચી બનીને નિસ્વાર્થભાવે અવિરત કાર્યશીલ કનુભાઈ સૂચકે એનું નેતૃત્વ સ્વીકારીને એને અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિથી વેગીલી બનાવી.

   સ્વ.પ્રા.નીતિન મહેતાએ તો આ સંસ્થાને ‘શુદ્ધ સાહિત્ય માટે કાર્ય કરતી મુંબઈની એકમાત્ર સાહિત્ય સંસ્થા’ તરીકે ઓળખાવી તે આ સંસ્થા માટે એક ઉત્તમ પુરસ્કાર છે. સાહિત્ય સંસદ દ્વારા થયેલાં અનેક સાહિત્યિક કાર્યોની ગુણવત્તાની કદર સ્વરૂપે' મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી' તરફથી વર્ષ ૨૦૧૪માં આ સંસ્થાને 'જીવનગૌરવ' પુરસ્કાર આપવામાં આવ્યો. સાહિત્ય સંસદના અનેક કાર્યક્રમો સાથે સંસ્થાએ સર્જક-ભાવક સંવાદ માટે દર ગુરુવારની બેઠક શરુ કરી જે છેલ્લા ૨૦ વર્ષથી અવિરત ચાલે છે.

   આ બેઠકોમાં અનેક સર્જકો અને ભાવકોએ સહ્રદય સંસ્પર્શની અનુભૂતિ માણી છે. કારયિત્રી અને ભાવયિત્રી સંવેદનાનો આ પ્રયોગ સાહિત્ય ગુણવત્તાના પ્રસાર અને તેને પ્રોત્સાહક પરિબળ તરીકે સિદ્ધ થયો છે. ગૌરવ સાથે કહી શકાય કે સાહિત્ય સંસદની ગુરુવારની બેઠકમાં ગુજરાતી ભાષાના શિરમોર સાક્ષરો, અનેક વિદ્વદ્જનો અને સાહિત્ય સર્જકોએ પધારી એમના સર્જનોનો પાઠ કરી ભાવકોને લાભાન્વિત કર્યા છે. સાહિત્ય સંસદ યુએસએનાં નવનિયુક્ત પ્રમુખ વિજય ઠક્કરે જણાવ્યું કે સાહિત્ય સંસદની પ્રથમ બેઠક આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ફિલાડેલ્ફીઆ ખાતે યોજાશે, જેમાં ગુજરાતી ડાયસ્પોરાનાં ખ્યાતિ પ્રાપ્ત વાર્તાકાર રાહુલશુક્લ એમનાં સર્જનો રજૂ કરશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sahitya sansad usa first convention in Philadelphia on 17th dec
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top